અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૩. વખારમાં નજર
સિતાંશુ યશશ્ચંદ્ર
આપ સે’જ મોડા પધાર્યા એટલે પીપળા તળે વધારે અંધારિયું જણાતું હસે, નામદાર,
પણ આ જગોએ તો બપોરેય તડકો પોં’ચતો નથી.
લાઇનો તો એ લોકોએ છ-છ નંખાઈ છે! તેણ જમણે, તૈણ ડાબે.
ને બીજી બે રિજવમાં પાછળ, તે વધારાની.
કરંટ તો, સાયેબ, ધમધમાટ જાય છે આઠે-આઠમાં થતોકને મોંય, પાવરની
કોઈ ખોટ નથી વખારવારાને, પણ દૈ જાણે કેમ
લાઇટ નથી ચલાવતા એકે આમ આડે દા’ડે.
કો’ક રાતે ઓંખો ઓંધળી કરી મૂકે લાઇટો જ લાઇટો સળગાઈને,
બાકી ચાઇ કરીને આવું રાખે છે, અંધારિયું-અંધારિયું.
અલ્યા, બૅટરી લાયતો મારી, બીયેસેફવારી, ઓયડીમોંથી.
હાં સા’બ બીયેસેફમેં થા, પૂરે દસ સાલ થા, જનાબ,
કછ બોડર પે થા; લાય ’લા, આ તબકી હૈ. મારી બેટી.
ચોમડું ચીરી નાખે અંધારાનું ગમે તેવાનું, તેજ મિજાજની.
હવડે દેખાડું, સા’બ.
બૅટરી હમારી, ઓંખો આપકી, ખિડકી વખારકી, અલ્યા, જો તો, એકાદ
બારી તો ઢીલી નીકળસે, ધકેલી જો, ડાબે
નહીં તો જમણે, પાછળ નહીં તો
આગળ