અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૪. ...પણ વખારમાં નોકરી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વખાર : ૪. ...પણ વખારમાં નોકરી?

સિતાંશુ યશશ્ચંદ્ર

દેખા, સા’બ? યે દેખો... ઔર યે... દેખાયા બરોબર?
યે તો સા’બ, કુછ ભી નહીં હૈ, યે ખડકીવાલા નજારા.
મામલો તો મે’નગેટ ખૂલેને, તૈંયે નજરે ચઢે.

હા સા’બ, યે સા’બ, વખાર કા મે’નગેટ.
હૈ ને બુલંદ દરવાજા, સા’બ?... ના-ના, સાહેબ, ના, ગુજરાતી છું,
મુસલમાન નથી.
કંપલેટ ગુજરાતી. આ તો... એમ જ સાયેબ, બીયેસેફવારી ટેવ, એવું બોલવાની.
આપ તો પલકમાં પામી જાઓ એવા મે’રબાન છો, માઈબાપ.

આ મે’ગનેટ, નાંમદાર, દેખનાર દેખતો રહી જાય એવો છે, અજવાળામાં.
આ જુઓ ટોરચે-ટોરચે, આ ચચ્ચાર ઇન્ચના ચાપડા, લોખંડી, સર;
ને પણે, ત્યોં, વખારની ભીંતોમોં, નીચે, આ ડાબે ને આ જમણે,
જોયાં? જડી દીધાં છે બે કડાં. નેઆ સીધમોં ઉપર બીજોં, બે
ચણતરમાં જ જડી લીધોં છે, નાંમદાર. નેએમોં કડેથી કડે લોઢાના
આ ચાપડા અદબ ભીડીને, સરકાર. ને તૈણ તૈણ તો તાળાં, સાયેબ,
બે નીચેના કડે ડાબા-જમણી ને તીજું, દેખો આ, વચ્ચે દૈત જેવું બે
ચાપડાનું ભેગું, દૈ જાણે કોણ છે માલિક આ વખારનો, સાયેબ, ને
એવું તે સું છે આ તાળાકૂંચીમોં?

એનાં માણહાં ઐડધી રાતે તૈણે તાળાં ખોલેને ચાપડા પછાડે ને દરવાજા
ધકેલે, ત્યારે, સાયેબ, મહોલ્લાનાં છોકરાં ઝબકીને રોવે ચઢે છે, સાયેબ,
ને બીજે દા’ડે અમારે નોકરી તો ખરી જ. ઓંખો ફાડીને જાગવું પડે.

નોકરી? છે જ તો. નોકરી તો ખરી જ ને, નાંમદાર.

હા, એ ખરું, નાંમદાર. નોકરી મલી રે’ છે અમોને આપના રાજમોં, નાંમદાર.

બેકારી? બેકારીમાં તો બસ આ પાહેંની સ્હકારી તૂટી એમોં અમારા છ જણની નોકરી ગઈ, નાંમદાર.

ના-ના, છયે બાપડા કારકુન-પટાવાળામાં હતા, સરકાર, એમોંનું એકે જેલમાં નથી, માલિક. જે ચાર સાહેબો જેલમાં જયેલા એ ચારે ય પાછા જામીન પર છૂટ્યા છે, સાયેબ, ને લેરિયાં કરે છે, ત્યોં બહુમાળિમોં.

અમને સો વોંધો હોય, સાયેબ? છો કરતા બાપડા, પોતાને બંગલે.
પણ અમારા આ છયેનું તો આયી બન્યું ને, નાંમદાર?

હેં? ખરેખરામાં? ના હોય આજના જમાનામાં, નાંમદાર! અલ્યા ભટ રાઠવા. કોકિલાબૂન, છયે ઝટ નામ-ઠેકાણાં લખાવો આપડા સાયેબને, છયેને સાયેબ જાતે નોકરી અલાવસે. અલી ઝટ કર, કોકી, લખમી ચાંલ્લો કરવા ન તુ ક્યોં...

ક્યોં, સાહેબ? ક્યોં નવી નોકરી, નાંમદાર?

વખારમોં?

આવી આ હામેની વખારમોં નોકરી, નાંમદાર?