અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ઝાંઝર અલકમલકથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝાંઝર અલકમલકથી

સુન્દરમ્

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
                  મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને મુખડે તે બેઠા મોરલિયા,
એને પડખે તે ચમકે ચાંદલિયા,
એને ઘૂઘરે ઘમકે તારલિયા.
                  મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

ઝાંઝર પહેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી,
એને ઠમકારે લોકની આંખ ઝાલી.
                  મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું,
તોયે વહાલે દીધું મને ઝાંઝરણું.
                  મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

(ઉત્કંઠા, ૧૯૯૬, પૃ. ૧૨૪)



સુન્દરમ્ • ઝાંઝર અલકમલકથી • સ્વરનિયોજન: રસિકલાલ ભોજક • સ્વર: સરોજ ગુંદાણી