અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/જળમાં લખવાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જળમાં લખવાં

હરિકૃષ્ણ પાઠક

ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.

આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખાવતી નજરુંના દીવડે
આંજવાં તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે.
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
(સૂરજ કદાચ ઊગે, ૧૯૭૪, પૃ. ૧૬)