અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ટેકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટેકરી

હરિકૃષ્ણ પાઠક

આખાયે ઢોળાવ પર હતાં
નાનાંમોટાં ઝાડવાં,
વાંકાંચૂકાં થડ-ડાળખાં,
ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.
મથાળાની દેરીએ લોક આવતું-જતું
ચડતું-ઊતરતું
મળી રહેતો છાંયો, મળી જતો પોરો;
ઝાઝો નહીં તો થોડો,
ક્યાંક વીંટાતા દોરા-ધાગા,
ક્યાંક ચડાવાતી ચૂંદડી લાલ-પીળી;
ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવતું લોક.
હવે બધુંયે ઉજ્જડ.
નહીં એકે ઝાડ કે પાંદડું,
નહીં ઘાસચારાનું તણખલું,
બકરાં-કૂતરાંએ ઢૂકતાં નથી હવે.
કાળીબંજર ભોંયની વચ્ચે ઊભી છું.
ક્યારેક કો’ક આવીને ખોદી ખાય તેની રાહમાં…
(જળના પડઘા, પર્યાવરણ(ત્રણ ઉક્તિ-કાવ્યો)માંથી, ૧૯૯૫, પૃ. ૭૫)
ઠીબનાં પાણી
આ તો ભાઈ ઠીબનાં પાણી!
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
આ તો ઠીબનાં પાણી.
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
તરસ્યું કોઈ આવશે—ખોબો’ક રેડવા, એટલું જાણી;
આ તો ઠીબનાં પાણી.
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
આ તો ઠીબનાં પાણી.
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી.