અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બદરી’ કાચવાળા/સંતાઈ રહેશે ક્યાં સુધી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંતાઈ રહેશે ક્યાં સુધી?

‘બદરી’ કાચવાળા

સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં?
તુજને હું જોવા ચાહું છું, તારા અસલ લિબાસમાં.

દિલ મારું ભગ્ન તેં કર્યું, હાય તેં શો ગજબ કર્યો?
પંથનો હું દીપક હતો તારા જીવનવિકાસમાં.

ધર્મ ને કર્મજાળમાં, મુજને હવે ફંસાવ ના,
મુજમાં તું ઓતપ્રોત છે, હું તારા શ્વાસેશ્વાસમાં!

દર્શની લાલસા મને, ભક્તિની લાલસા તને,
બોલ હવે છે ક્યાં ફરક તુજમાં ને તારા દાસમાં?

તું તો પ્રકાશપુંજ છે, મુજને તો કંઈ પ્રકાશ દે,
ભટકું છું હું તિમિર મહીં, લઈ જા મને ઉજાસમાં.

મુજને નથી કાં સ્પર્શતા, તારાં અભયવચન બધાં?
પૂરાં કરીશ શું બધાં, તું તારા સ્વર્ગવાસમાં?

તારું ય દિલ વિચિત્ર છે, તારો સ્વભાવ છે અજબ,
કેમ રહે છે દૂર દૂર રહીને તું આસપાસમાં?

મારો જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હૃદય,
હું તારા વાસમાં દુઃખી, તું સુખી મારા વાસમાં?
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૭૮)