અવલોકન-વિશ્વ/અધ્યયનનો એક નવો પરિપ્રેક્ષ્ય – મોના પારખ
Routledge, London and New York, 2015
ઇકોલિંગ્વિસ્ટિક્સ ભાષા અને ઇકોલજીના આંતરસંબંધોનો અને એ સંદર્ભોમાં રહેલા માનવસમાજોનો અભ્યાસ કરે છે, અને એમ કરવા માટે તે વિવિધ અભિગમો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઇકોલિંગ્વિસ્ટિક્સને બે મુખ્ય શાખાઓમાં વિભાજિત કરી શકાય છે – ઇકો ક્રિટિકલ ડિસ્કોર્સ એનાલિસિસ (ECDA) અને લિંગ્વિસ્ટીક ઇકોલોજી. ECDA એટલે ઇકોલજી સંદર્ભે વિવેચનાત્મક સંવાદ, પૃથક્કરણ અને Linguistic Ecology એટલે ભાષાકીય ઇકોલોજીનો અભ્યાસ. ECDA એ માત્ર પર્યાવરણ કે પર્યાવરણવાદ વિશેના મૂળ પાઠ, ગ્રંથો અને સંવાદોના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી, પણ તે સમાજમાં ઊંડે રહેલી ને રચાતી વિચારધારાઓને ખુલ્લી કરી આપતો, એક વધુ ecologically sustainable society માટે વિમર્શાત્મક વર્ણનો શોધે છે. ભાષાકીય ઇકોલોજી વિશ્વની વિવિધ ભાષાઓ અને એના ભાષકો વચ્ચેના સંબંધો અને વ્યવહારોનાં વર્ણન તથા અભ્યાસ કરવાની એક પ્રણાલી છે.
‘Stories We Live by’ એટલે શું?
આ પુસ્તકમાં લેખક એક એવું સંજ્ઞાનાત્મક માળખું (framework) કરે છે જેના દ્વારા આપણે સૌ જે ઇકોસિસ્ટમનો ભાગ છીએ તેની પ્રત્યેના આપણા વર્તનને તપાસી શકીએ અને પ્રભાવિત પણ કરી શકીએ –- એને અસરકારક રૂપ આપી શકીએ. આ સંજ્ઞાનાત્મક માળખું એવી સ્ટોરીઝ (stories) પર આધારિત છે. એટલે કે એવા ઘટકો જે વ્યક્તિઓનાં ચિત્તમાં નિહિત છે – સંજ્ઞાનાત્મક સંરચનાઓ (cognitive structures) રૂપે. આ સ્ટોરીઝ જ્યારે સમાજમાં વિસ્તરે છે – પ્રવર્તે છે ત્યારે તે સામાજિક સંજ્ઞાન (social cognition) બને છે.
આ સ્ટોરીઝનું ભાષાકીય સ્વરૂપ (manifestation) વિશિષ્ટ ભાષાકીય રૂપરેખાઓ (Patterns)ની પસંદગી, એટલે કે સંવાદ (Discourse)માં જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ રૂપે આ અંતનિર્હિત સ્ટોરીઝનો જગત પ્રત્યેના આપણા દૃષ્ટિકોણ પર તથા આપણા વર્તન પર ઘણો પ્રભાવ હોય છે.
આ પુસ્તકના લેખકના કહેવા મુજબ મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે, ‘આ સ્ટોરીઝ આપણાં વિચાર, વાણી અને વર્તનને પ્રભાવિત કરે છે; અને ઇકોલોજિકલ સમસ્યાઓને સમજવા તથા ઉકેલવા માટે આ ‘સ્ટોરીઝ – જેના દ્વારા આપણે જીવન જીવીએ છીએ.’ (Stories we live by) – એ બદલવી જરૂરી છે.
એરન સ્ટિબ્બે ગ્લૂચેસ્ટરશર યુનિવર્સિટીમાં ઇકોલોજિકલ ભાષાવિજ્ઞાનના રીડર છે. તેઓ માનવવિદ્યા (Humanities) અને માનવ ઇકોલોજી (Human Ecology) બંનેની અભ્યાસભૂમિકા ધરાવે છે. તેમનાં મહત્ત્વનાં સંશોધનો-પ્રકાશનો ઇકોલિંગ્વિસ્ટીક્સના ક્ષેત્રમાં જ છે. તેઓ ઇન્ટરનૅશનલ ઇકોલિંગ્વિસ્ટીક્સના સ્થાપક છે, જે સંસ્થા ‘લેંગ્વેજ એન્ડ ઇકોલોજી’ નામનું ઓનલાઇન સામયિક પણ પ્રકાશિત કરે છે.
આ પુસ્તકમાં લેખક, આ વિષય અંગે એક નવો અભિગમ રજૂ કરે છે. તેઓ સંવાદ-સંભાષા (discourse)ની તપાસને ઉદ્દેશ નહીં પણ સાધન તરીકે જુએ છે, જેના દ્વારા આપણે જે ચિત્તસ્થ વાર્તાઘટકો આપણા રોજિંદા જીવનમાં જીવીએ છીએ તેને ઉકેલીને એનું પૃથક્કરણ કરી શકાય. જે માનસિક નમૂના (models) આપણા વર્તનને પ્રભાવિત કરે છે અને એથી, જે આપણી સામેના ઇકોલોજિકલ પડકારોનું મુખ્ય કારણ છે એનું વિવરણ જરૂરી છે. (પુસ્તકના વક્તવ્યને રજૂ કરવાની સગવડ ખાતર એમને આપણે હવે, પ્રવહમાન ચિત્તસ્થ ઘટકોને માટે લેખકે આપેલા ‘સ્ટોરીઝ’ શબ્દને જ એક સંકેત તરીકે યોજીશું.)
તેમનું માનવું છે કે આ સ્ટોરીઝનું આવું વિવેચનાત્મક પૃથક્કરણ કરવાનો હેતુ પ્રશ્નો ઊભા કરવા કે હાનિકારક સ્ટોરીઝને ઉઘાડી પાડવામાત્રનો નથી, પણ તે આપણને વૈકલ્પિક સ્ટોરીઝ શોધવા – અથવા તો પ્રવર્તમાન સ્ટોરીઝને બદલવા માટે પ્રેરે છે. આ પુસ્તકના પરિચયની શરૂઆતમાં લેખકે આપેલા બેન ઓક્રી (Ben Okri)ના અવતરણમાં આ પુસ્તકના મૂળ વિચારનો સારાંશ મળે છે: ‘Stories are the secret reservoir of values: change the stories that individuals of nations live by and you change the individuals and nations themselves.’ (આ સ્ટોરીઝ [વૈશ્વિક] મૂલ્યોનો છૂપો ભંડાર છે. વ્યક્તિઓ અને રાષ્ટ્રોમાં આવી જે સ્ટોરીઝ (રોજેરોજની) જીવનરીતિમાં પ્રવહમાન છે એને બદલી નાખવાથી વ્યક્તિઓ અને રાષ્ટ્રોમાં પોતાનામાં જ પરિવર્તન આવી જશે.)
બસો અઢાર પૃષ્ઠનું આ પુસ્તક, પ્રસ્તાવના અને નિષ્કર્ષ સહિત દસ પ્રકરણોમાં વિભાજિત છે. એના અંતે એક પરિશિષ્ટ (appendix), શબ્દાવલી (glossary) અને સૂચિ (index) મુકાયાં છે.
પહેલા પ્રકરણમાં પરિચય હેઠળ લેખક ‘Ecolinguistics’ની વિભાવનાને ભાષા અને ઇકોલોજી – જીવનનાં બિનસંબંધિત લાગતાં બે ક્ષેત્રો – વચ્ચેના સંબંધ તરીકે સમજાવે છે. ભાષા અને ઇકોલોજી વચ્ચેના સંબંધના દૃષ્ટાંતરૂપે, ભાષા મારફતે વિચારધારાઓે અને જગતદૃષ્ટિ કેવી રીતે ઘડાય છે, એ લેખક દર્શાવે છે અને એ પણ દર્શાવે છે કે આ વિચારધારાઓ અને જગતદૃષ્ટિનો પ્રભાવ મનુષ્યોના એકબીજા પ્રત્યેના તથા તેમના પ્રકૃતિ પ્રત્યેના વર્તનમાં જોવા મળે છે. અહીં લેખક એ ચર્ચા પણ કરે છે કે કેવી રીતે આર્થિક તંત્રો અને ઉપભૌૈતિક ઓળખો બંધાય છે અને પ્રકૃતિને માત્ર માનવ- વપરાશના સંસાધન તરીકે વિષયાશ્રિત (objectify) કરવામાં આવે છે.
જ્યાં એક તરફ, ભાષા દ્વારા એવાં તંત્રો, ઓળખો અને વિચારધારાઓ બંધાય છે જે વેદના અને ઇકોલોજિકલ વિનાશ લાવે છે, ત્યાં જ બીજી તરફ તેમનો વિરોધ કરવા અને અર્થતંત્રનાં નવાં સ્વરૂપોને અસ્તિત્વમાં લાવવા માટે પણ ભાષા જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
લેખકના મત મુજબ, ભાષાવિજ્ઞાન, એ સંવાદનું પૃથક્કરણ કરવાનું સાધન છે જે પાઠનાં વાક્યો વચ્ચે પ્રચ્છન્ન સ્ટોરીઝને ઓળખવામાં અને શોધવામાં મદદ કરે છે.
પહેલું પ્રકરણ – પરિચય – એ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગ ‘stories-we-live-by’માં લેખક સમજાવે છે કે આ એક પારિભાષિક સંજ્ઞા છે જે સામાસિક ચિહ્નો દ્વારા સૂચવાય છે. આ સ્ટોરીઝ વિભિન્ન સંસ્કૃતિઓની આર-પાર વ્યક્તિઓના ચિત્તમાં રહેતાં ઘટકો છે.
સામાન્ય વપરાશમાં ‘સ્ટોરી’ એટલે એવું કથાનક જેનું એક ચોક્કસ સાહિત્યિક સ્વરૂપ કે માળખું હોય; જ્યારે stories-we-live-byની ‘સ્ટોરીઝ’ વાર્તા કે કથાનકથી જુદી છે. સામાન્ય રીતે આપણે સ્ટોરીઝના અસ્તિત્વ વિશે સભાન નથી હોતા, પણ આપણી મરજી કે સભાનતા વિના તે આપણી સમક્ષ ફરી ફરીને પ્રગટ થતી હોય છે. આ સ્ટોરીઝ આપણી આસપાસના વાતાવરણના પાઠો, પ્રતિમાઓ અને અન્ય પ્રતિનિધાનો જેમકે જાહેરખબરો, અહેવાલો, સમાચાર, પાઠ્યપુસ્તકો, સામયિકો, વાતચીત વગેરે મારફતે નીપજતી હોય છે.
બીજા વિભાગ ‘the Eco of Ecolinguistics’માં ‘ઇકો’ એ શબ્દ માનવવિદ્યા અને સમાજવિજ્ઞાનના અભ્યાસમાં આવેલા ઇકલોજિકલ વળાંકનો નિર્દેશ કરે છે. એકવીસમી સદીમાં આપણે ઇકલોજિકલ કટોકટી જેમકે જીવવૈવિધ્યનો લોપ, વાતાવરણમાં બદલાવ, અનાજની અછત, પાણીની અછત, સંવહનીય ઊર્જા (sustainable energy), પ્રકૃતિથી વિચ્છેદ અને સામાજિક ન્યાય વિશે સભાન થયા છીએ. એથી મનુષ્ય અને પ્રાકૃતિક જગત વચ્ચે સંબંધ સ્થાપવાની તાત્કાલિક જરૂર ઊભી થઈ છે, જે મનુષ્યચિત્ત, સમાજ અને સંસ્કૃતિના બાહ્ય જીવંત જગત સાથેના એકીકૃત અભ્યાસથી શક્ય બની શકે.
‘The Linguistics of Ecolinguistics’ એ વિભાગમાં લેખક ‘stories-we-live-by’ને છતી કરવા, એની સામે પ્રશ્નો કરવા અને એને પડકારવા ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણની પ્રયુક્તિઓના ઉપયોગનો ઉલ્લેખ કરે છે. લેખક ‘Ecosophy’ (Naess 1995ના આધારે) એ વિભાવનાની સમજૂતી આ વિભાગમાં આપે છે. ‘ઇકોસફી’ વિવેચનાત્મક ભાષાવિશ્લેષકોને ભાષાનું વિશ્લેષણ કરવા માટેનું કે હાલમાં હયાત સ્ટોરીઝનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવા માટેનું નૈતિક માળખું પૂરું પાડે છે. એટલે કે, ‘ઇકોસફી’, આ સ્ટોરીઝ હાલની જાગતિક પરિસ્થિતિમાં પ્રસ્તુત છે કે એના બદલે નવી સ્ટોરીઝ શોધવાની જરૂર છે, એ મૂલવવામાં મદદ કરે છે.
‘The Ecosophy of this Book’ એ વિભાગમાં, લેખક ‘ઇકોસફી’નું સવિસ્તાર પરીક્ષણ કરે છે અને સ્પષ્ટતા કરે છે કે એ પોતે કે આ પુસ્તક ઇકોલિંગ્વિસ્ટિક્સના અભ્યાસ માટે કોઈ એક ‘ઇકોસફી’ યોગ્ય છે એવું પ્રતિપાદિત નથી કરતાં. બલ્કે એ એવું જણાવે છે કે દરેક ભાષાવિજ્ઞાની પાસે ભાષા-પૃથક્કરણ માટેનું પોતાનું ‘ecosophical’ માળખું હોય છે. આ પુસ્તક ભાષાના પૃથક્કરણ અને સ્ટોરીઝના મૂલ્યાંકન માટે ઇકોસફીની મદદથી એક પોતીકું માળખું (framework) રજૂ કરે છે. જેના દ્વારા ઇકલોજિકલી વિનાશક સ્ટોરીઝનો વિરોધ કરી શકાય અને ઇકલોજિકલી ઉપકારક સ્ટોરીઝનો પ્રચાર કરી શકાય.
અંતિમ વિભાગમાં લેખક જણાવે છે કે આ પુસ્તક સ્ટોરીઝ વિશે છે જેના તેઓ જુદા જુદા પ્રકાર પાડે છે: એક જૂથના સભ્યો માટે સામાન્ય હોય એવી સ્ટોરીઝ. અને કોઈ એક જીવનક્ષેત્રને બીજા જીવનક્ષેત્ર દ્વારા વર્ણવે એવી સ્ટોરીઝ, કોઈ એક પ્રકારની વ્યક્તિ હોવું એટલે શું – એ વિશેની સ્ટોરીઝ અને કશુંક સારું કે ખરાબ, સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય છે એ વિશેની સ્ટોરીઝ. લેખક આઠ પ્રકરણોમાં આઠ પ્રકારની સ્ટોરીઝની ચર્ચા કરે છે. દરેક પ્રકરણમાં સ્ટોરીઝની વ્યાખ્યા, સિદ્ધાંત (theory), ઉપરાંત જેમકે, અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકો, ખેતી અને પશુપાલનને લગતી નિયમાવલી(manuals), અખબારો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, પર્યાવરણને લગતા રાજકીય અહેવાલો, પ્રકૃતિ વિશેનાં લખાણો, જાહેરખબરો વગેરેમાંથી ઉદાહરણોનું વિશ્લેષણ આપવામાં આવેલું છે.
‘Ideologies and Discourse’ એ બીજા પ્રકરણમાં લેખક સંવાદ(discourse)માં નિહિત વિચારધારા રૂપી સ્ટોરીઝ ઓળખવા માટે ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણની પદ્ધતિ વિકસાવે છે. એ માટે લેખક ક્રિટિકલ ડિસ્કોર્સ એનાલિસિસ’ પરનાં કેટલાંક કામોનો આધાર લઈ લક્ષણોની એક યાદી તૈયાર કરે છે, જેમકે શબ્દાવલી, સકર્મકતા, અલંકારો, આંતરકૃતિત્વ, વગેરે.
‘Frames and Framing’ એ ત્રીજા પ્રકરણમાં, લેખક ફ્રેમને જીવનના કોઈ એક ક્ષેત્ર વિશેની સ્ટોરી તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે ચોક્કસ શબ્દો દ્વારા ચિત્તમાં ઝબકે છે. ફ્રેમીંગ એ જીવનના એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં સ્ટોરીનું સંજ્ઞાનાત્મક આરોપણ છે. રીફ્રેમીંગ એટલે કોઈ એક વિભાવનાનું ભાષા-સંસ્કૃતિમાં જે વિશિષ્ટ ફ્રેમીંગ હોય એથી જુદા પ્રકારનું ફ્રેમીંગ રચવું તે. જે જીવનક્ષેત્ર કોઈ એક માન્ય રીતે વિભાવનાબદ્ધ થતું હતું એને જુદી રીતે ઘડવા, રીફ્રેમીંગ કરવા, નવી સંરચના પૂરી પાડે છે.
ઉદા. Climate Change is a Problem એ ફ્રેમને બોસ્ટન ગ્લોબ નામક સામયિકમાં Climate Change is a Security Threat તરીકે રીફ્રેમ કરવામાં આવી છે. એક બીજી પ્રચલિત ફ્રેમ Nature is a Resourceને લેખક વિશદ રીતે ચર્ચે છે અને દર્શાવે છે કે પ્રકૃતિને માત્ર સંસાધન તરીકે જોવાની મનુષ્યની વૃત્તિને કારણે જ તે પર્યાવરણ, પૃથ્વી અને એમાં રહેનારા પશુ-પક્ષીઓનો વિનાશ કરતાં અચકાતો નથી. આ ફ્રેમ સામે પ્રતિરોધ તરીકે લેખક પ્રકૃતિ વિશેનાં લખાણોનાં ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
ચોથા પ્રકરણ ‘Metaphors’માં લેખક મેટાફરનો એક ખાસ પ્રકારની માળખા-રચના તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ, ઇકોલજી માટે વિનાશક મેટાફર્સ – જેવા કે ‘Climate Change is a Time Bomb’, ‘Nature is Competition/Battle/Struggle’ અને ઇકોલજી માટે લાભકારક મેટાફર્સ જેવા કે ‘Nature is an organism’, ‘Nature is a Machine’ને જુદાજુદા પાઠો (texts) દ્વારા વર્ણવે છે.
લેખક દર્શાવે છે કે આવા મેટાફર્સને ખુલ્લા કરવાથી અન્ય મુદ્દાઓ પ્રત્યે તેમની યોગ્યતાનું પરીક્ષણ થઈ શકે છે, જેમકે, શું આ મેટાફર્સ એવું સૂચવે છે કે માનવી પ્રકૃતિનો ભાગ છે કે તેનાથી અલગ છે? શું આ મેટાફર્સ અન્ય જીવજાતિઓ પ્રત્યે આદર ધરાવવા પ્રેરે છે? શું આ મેટાફર્સ પર્યાવરણની મર્યાદાઓ વિશે સભાનતા પ્રેરે છે?
‘Evaluation and Appraisal Patterns’ એ પાંચમા પ્રકરણમાં કશુંક સારું છે કે ખરાબ, એ વિશેની મનુષ્યચિત્તમાં રહેલી સ્ટોરીઝનાં મૂલ્યાંકનને લેખક evaluation કહે છે. પાઠ અને સંવાદમાં નિહિત ભાષાકીય રૂપરેખાઓ કે જે કશાકને હકારાત્મક અથવા નકારાત્મક ગણે છે તેને લેખક મૂલ્યનિરૂપક રૂપરેખાઓ (Appraisal Patterns) તરીકે ઓળખાવે છે. ‘Fast is God’, ‘Dark is Bad’, ‘Ecomic Growth is Good’, વગેરે જેવાં માનસિક મોડેલો જે સાંસ્કૃતિક રીતે દૃઢ અને વ્યાપક છે એ દર્શાવે છે કે આવાં સાંસ્કૃતિક મૂલ્યાંકનોને સ્વીકારવાને બદલે તેમને પડકારવાં એ મહત્ત્વનું છે.
છઠ્ઠા પ્રકરણ ‘Identities’માં લેખક દર્શાવે છે કે કઈ રીતે સમાજ અને સંસ્કૃતિમાં ઓળખ ઘડાય છે, અને કઈ રીતે કેટલાક સંવાદો લોકોને પર્યાવરણ માટે વિનાશક ઓળખ ધરાવવા પ્રેરે છે; જેમ કે અતૃપ્ત ઉપભોક્તાની ઓળખ. બીજી તરફ જુદી ઓળખ લોકોને પર્યાવરણ માટે લાભકારક રીતે વર્તવા પ્રોત્સાહિત કરી શકે એમ લેખક સૂચવે છે.
સાતમા પ્રકરણ ‘Conviction and facticity Patterns’માં વાચકોની પ્રતીતિને પ્રભાવિત કરવાની પાઠોની ક્ષમતાને લેખક કોઈ વર્ણનની સચ્ચાઈ, જુઠ્ઠાણું અથવા અનિશ્ચિતતાની સ્ટોરીઝ તરીકે ઓળખાવે છે. લેખક વાતાવરણમાં બદલાવ વિશેના વિવિધ પાઠો અને સંવાદોનાં ઉદાહરણો આપે છે અને સમજાવે છે કે માનવજાતિના ભવિષ્ય માટે મહત્ત્વ ધરાવતાં વૃત્તાંતોને, એમાં વપરાતી ‘facticity patterns’ કેવી રીતે નિમિર્ત કરે છે કે એનું અવમૂલ્યન કરે છે.
આઠમા પ્રકરણ ‘Erasure’માં અન્ય પાઠો અને સંવાદોમાંથી મહત્ત્વહીન, અપ્રસ્તુત અને સીમાંતના મનાતા કેટલાંક સહભાગીઓની વ્યવસ્થિત ગેરહાજરીની સ્ટોરીને લેખક વિલોપન (Erasure) તરીકે વર્ણવે છે. લેખક મુજબ પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્ત્વોનું શાસકીય સંવાદો અને ‘microeconomics’ના પાઠ્યક્રમોમાંથી વિલોપન; તથા પર્યાવરણ સંબંધી સંવાદોમાંથી માનવીય અને સામાજિક ન્યાયના મુદ્દાઓનું વિલોપન, ઇકોલિંગ્વિસ્ટિક્સના સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચિંતાના વિષયો છે.
લેખક-અનુસાર, પાઠો અને સંવાદોમાં થતાં વિલોપનો અને એનાં પરિણામોનું પરીક્ષણ કરવું, એ લાભકારક કે હાનિકારક છે તે શોધવું, અને જે કંઈ ઉપકારક હોવા છતાં વિલોપિત છે તેને સામાજિક અને વૈયક્તિક ચેતનામાં પુન:સ્થાપિત કરવું, એ ઇકોલિંગ્વિસ્ટનું કાર્ય છે.
નવમા પ્રકરણમાં લેખક અંતિમ પ્રકારની સ્ટોરીને ‘Salience and Reminding’ તરીકે ચર્ચે છે. કશુંક મહત્ત્વનું અને ધ્યાન આપવા યોગ્ય છે એવું ઓળખીને એને પ્રાધાન્ય આપતી સ્ટોરીઝને લેખક Salience તરીકે વર્ણવે છે. કશુંક વિલોપિત થયું હોય એને લોકોના ધ્યાનક્ષેત્રમાં પાછું લાવવાની સ્પષ્ટ હાકલને લેખક ‘Re-minding’ કહે છે. લેખક મુજબ વિલોપન (Erasure) અને પ્રાધાન્ય (Salience) એક સિક્કાની બે બાજુ છે.
ઇકોલિંગ્વિસ્ટિક્સ કઈ રીતે લોકોના જીવન અને જગતને અસર કરતી પ્રચ્છન્ન સ્ટોરીઝને પ્રગટ કરવામાં અને એનું પરીક્ષણ કરવામાં મદદ કરે છે એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે. એ સંદર્ભે આ પુસ્તક વિચારધારા, મેટાફર્સ, ઓળખ, ફ્રેમ્સ અને બીજાં કેટલાક સંજ્ઞાનાત્મક અને ભાષાવૈજ્ઞાનિક લક્ષણોનું વિશ્લેષણ કરે છે. આમ તો ઇકોલિંગ્વિસ્ટિક- વિશ્લેષણના ઘણા અભિગમો છે. પણ એ જુદા જુદા અભિગમો અને વિશ્લેષણપદ્ધતિઓને એક ફ્રેમવર્ક હેઠળ આણવાનો આ પહેલો પ્રયત્ન છે. જોકે આ પુસ્તકમાં કોઈ એક ચોક્કસ એવી સૈદ્ધાંતિક ફ્રેમવર્ક નથી. જેમ લેખક જણાવે છે તેમ અહીં વિભિન્ન વિદ્યાશાખાઓમાંથી સિદ્ધાંતો અને મોડેલોનું અનોખું સંયોજન છે. એ બંધબેસતું પણ છે કે સંવાદોની બહુવિધતા અને વૈકલ્પિક દૃષ્ટિકોણોનું સમર્થન કરતી ઇકોસફીના આધારે ઘડાયેલું આ ક્ષેત્ર વિવિધ અભિગમો, સિદ્ધાંતો અને મોડેલોને પોતાની ફ્રેમવર્કમાં સામેલ કરે છે.
આ પુસ્તક વસ્તુઓના ઉપભોગને ઓછો કરતી, સંસાધનોનું પુનવિર્તરણ કરતી, માનવજીવન અને પ્રાકૃતિક જગતના કલ્યાણને મહત્ત્વ આપતી સ્ટોરીઝનો મહિમા કરે છે. આ પુસ્તક એવી સ્ટોરીઝ સામે પ્રશ્ન કરે છે જે અસમાન વિતરણને પ્રોત્સાહન આપે છે, કે જે પ્રકૃતિને શોષણ કરી શકાય એવું સંસાધન ગણે છે, કે જે નફાવૃદ્ધિ, મોભાવૃદ્ધિ, ભૌતિક સામગ્રીના પરિગ્રહ જેવાં બાહ્ય મૂલ્યોને પુરસ્કૃત કરે છે. અહીં ઇક્લોજિકલ મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે લેખકનો હકારાત્મક અભિગમ પ્રગટ થાય છે – તેઓ માત્ર વિનાશાત્મક સંવાદોનું વિવેચનાત્મક વિશ્લેષણ નથી કરતા પણ વૈકલ્પિક સંવાદો અને દૃષ્ટિકોણોની શક્યતાઓ ખોલી આપે છે. લેખક આ પુસ્તકમાં ઇકલોજિકલ પરિપ્રેક્ષ્યથી ભાષા, સંવાદ અને માનવીય સંજ્ઞાનાત્મક સંરચનાઓની તપાસ-અંતર્ગત સ્પષ્ટ વિશ્લેષણ, વ્યવસ્થિત દલીલો અને સૂઝપૂર્ણ નિષ્કર્ષો પ્રદાન કરે છે. વિવેચનાત્મક રીતે વિચારતા અને માનવી તથા પૃથ્વી પરના ઇતર જીવોના કલ્યાણની ચિંતા કરતા વિભિન્ન પ્રકારના વાચકો માટે આ પુસ્તક પ્રભાવકારી ને અસરકારક પુરવાર થશે.
મોના પારખ
ભાષાવિજ્ઞાનનાં અધ્યાપક,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા
monaparakh@gmail.com
98258 54112