અવલોકન-વિશ્વ/કેટલાક નિબંધો સમર્પક – સુહાગ દવે
Bhattacharjee, C. Joshua Thomas
સંપાદકો-અનુસાર, સંસ્કૃતિ-અધ્યયનનું આ પહેલું ભારતીય સંપાદન છે.
18 નિબંધો ધરાવતું આ પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગમાં છ-છ નિબંધો છે.
સમ્પાદકો ઉપોદ્ઘાતમાં લખે છે: સમાજ, પ્રતિનિધાન, અને વાચ્યતા (society, representation and textuality) વચ્ચેના આન્તરસમ્બન્ધની આન્તરશાખ્ય ગવેષણા કરતા આ વિદ્વત્તાપૂર્ણ નિબન્ધો એક તરફ સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનનું, તો બીજી તરફ ઉત્પાદક સામાજિક વિજ્ઞાનોનું ક્ષેત્ર વિસ્તારવા ચાહે છે. એમ કરવામાં આ નિબન્ધો પ્રતિનિધાન, વાસ્તવ, અને અન્યના મુદ્દાઓનો પ્રશ્ન ઊભો કરે છે (xxv). તો સમ્પાદનના આમુખમાં મૃણાલ મિરિએ પુસ્તકના ત્રણ હેતુ નોંધ્યા છે: 1) વિવેચનસિદ્ધાન્ત અને સાંસ્કૃતિક અધ્યયનના ક્ષેત્રમાં થયેલા અધુનાતન વિકાસની ભાળ લેવી; 2) આ વિકાસની ભારતમાં સામાજિક વાસ્તવ અને માનવદુદર્શાની સમજ પર થયેલી અસર ચકાસવી; અને 3) સમાજ અને સમુદાયોને સમજવા મથતાં પૂર્વોત્તર ભારતનાં વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવૃત્ત વિદ્વાનોને એક મંચ હેઠળ લાવવાં (xxi).
જોકે જે સાંસ્કૃતિક અધ્યયનથી સવિશેષ પરિચિત છે એને આ નિબન્ધોમાં ઉદ્દીષ્ટ અભ્યાસ જોવા મળે એ વિશેષ સમ્ભવ નથી કારણ કે સાંસ્કૃતિક અધ્યયનના નેજા હેઠળ જે નિબન્ધો અહીં સમાવાયા છે એમાં પારમ્પરિક અવલોકનો, સમીક્ષાઓ, અને અભ્યાસો છે. અલબત્ત, સાંસ્કૃતિક અધ્યયનની મોંભરુ પદાવલીઓ અહીં ભરી છે ખરી, અને જે સાંસ્કૃતિક અધ્યયનથી પરિચિત નથી એને અહોભાવ જન્માવે એ માટે એ પૂરતી પણ છે. ઉપોદ્ઘતમાંથી એક ઉદાહરણ આપું: સમાજ, પ્રતિનિધાન અને વાચ્યતા વચ્ચેનો આંતરસંબંધ જનનાત્મક(જનેટિક) અને સહજોપલબ્ધ(એપિફૅનિક) બંને હોય છે એવી વાત કર્યા પછી સંપાદકો લખે છે, the epiphanic possibilities interupt and forestall the steady narrative of the event and bear the witness of flesh (xxiii). વાસ્તવમાં આખો ઉપોદ્ઘાત એલન સોકલના પ્રખ્યાત લેખની યાદ અપાવતાં આ પ્રકારનાં વિધાનોથી ભરેલો છે.
પુસ્તકના પહેલા વિભાગ ‘ટેક્સચૂઅલાઇઝંગિ સોશલ ડિસ્કોર્સ’નો, પાર્થ ઘોષે લખેલો પહેલો નિબન્ધ ‘રવીન્દ્રનાથની કવિતામાં વિજ્ઞાન’ વિશે છે, પરન્તુ એને સંગીતના અભ્યાસનું પેટાશીષર્ક મળ્યું છે. લેખકે કઈ રીતે ટાગોરની કવિતામાં વિજ્ઞાન પ્રતિબિમ્બિત થાય છે એની વાત આઇન્શ્ટાઇનથી માંડીને હાઇઝન્બર્ગ થઈને ફ્રિત્યોફ કાપ્રા સુધીના વિવિધ સાઇઅન્ટીસ્ટ્સનાં લાંબાં અવતરણો અને ટાગોરની કવિતાના પાંચેક જાતે અનુવાદ કરેલા નમૂનાઓ મૂકીને માંડી છે, પરન્તુ એમાં સોશલ ડિસ્કોર્સ કઈ રીતે ટેક્સ્ચૂઅલાઇઝ્ડ થયો છે એની વાત ભાગ્યે જ આવે છે. મહદંશે આ નિબન્ધ વિજ્ઞાનના ડીપર સ્પિરિચૂઅલ એસ્પેક્ટને (પૃ. 5) આગળ ધરીને ટાગોરની કવિતામાં આવતા ‘વૈજ્ઞાનિક’ સન્દર્ભ (જેમ કે ‘આકાશ ભોરા સૂજ્જો તારા’માં પ્રકૃતિ, ખાસ કરીને શીષર્કસ્થ તારાઓ વિશે આવતા ટાગોરના વિસ્મયજનક ઉદ્ગારો) તારવી આપતો દસ્તાવેજ છે.
ગૌતમ બિશ્વાસનો લેખ ટાગોરની કળા અને ફિલસૂફી વિશે છે. બિશ્વાસનો ઉપક્રમ ટાગોરની સાહિત્યની ફિલસૂફીને કળાની સ્વાયત્તતા સન્દર્ભ જોઈ શકાય કે કેમ એ ચકાસવાનો છે. ટાગોરને આધુનિકવાદી ધારાને અનુસરનારા ગણાવવા પાછળ બિશ્વાસ બે કારણો( પૃ. 14) આપે છે: 1) ટાગોર સાહિત્યના કહેવાતા અવાર્ચીન કાળમાં થઈ ગયા, અને આપણે જેને ‘આધુનિક’ તરીકે ઓળખીએ છીએ એનાથી સારી રીતે પરિચિત હતા, અને 2) ટાગોર કળાની સ્વાયત્તતામાં માનતા હતા અને એમના મતે કળાના સત્ય તથા વાસ્તવના સત્ય વચ્ચે કોઈ સીધો સમ્બન્ધ નથી હોતો. આ રીતે વાત મૂકવા પાછળ બિશ્વાસનો ઉદ્દેશ એ પ્રતિપાદિત કરવાનો છે કે સાહિત્યની (અને વિસ્તારે કળાની) ફિલસૂફી વ્યાવહારિક અર્થનિષ્પત્તિ અને અર્થઘટન પર આધારિત ન હોતાં ટાગોર જેને ફિઝિકલ ઇવલૂશન પૂર્ણ થયા પછી માનવમાં નિહિત રહેતા શેષ (સરપ્લસ)ની સૌન્દયાર્ત્મક ઉત્ક્રાંતિ ગણાવે છે – એના પર આધારિત હોવી જોઈએ, કારણ કે સાહિત્યમાં આવતું વાસ્તવ ખરેખરા વાસ્તવ સાથે મેળ ખાતું હોતું નથી. પોતાની વાત માટે બિશ્વાસ હાઇડેગરનો હવાલો આપીને કહે છે કે કળા જે સ્થાપી આપે છે એની ખોટ ન તો કૃતિમાંથી, ન વિશ્વમાંથી ભરી શકાય એવી હોય છે.1
સૌરવ કરગુપ્તનો ‘ધ ન્યૂ કમ્પેરટિવ લિટરચર’ સંદર્ભેનો નિબંધ વાસ્તવિક અને પ્રતિનિહિત (represented) વચ્ચે રહેતા આવરણની વાત કરે છે. નિબંધના આરમ્ભે (પૃ. 22) જ એ પૂછે છે કે વાચના અને વિશ્વ વચ્ચે શું હોય છે? એ બેઉને પરસ્પરથી અસ્પૃષ્ટ રાખનાર શું છે? એકને બીજાની અંદર દોરી જનાર શું છે? કરગુપ્તના મતે સાહિત્યકૃતિ વિશેનો કોઈ પણ વિમર્શ આ કેન્દ્રભૂત પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના થઈ શકે નહિ. આખા નિબંધનું ચાલકબળ વાસ્તવ અને પ્રતિનિધાન વચ્ચે વિચારધારાની દરમ્યાનગીરી હોય છે અને એના વડે જ ઉપાગતની2 ચેતનાનું પ્રતિનિધાન થતું હોય છે એ વાતની સ્વીકૃતિ છે. નિબંધનો અન્ય પ્રયાસ, વૈશ્વિક માનવાધિકારથી માંડીને કોઈ પણ ભારતીય વિશ્વવિદ્યાલયમાં અનિવાર્ય બની ચૂકેલા વિચારધારાગત રાજકારણનો – દેરિદા અને અનુવાદની ચર્ચા વડે – તુલનાત્મક સાહિત્યમાં પ્રવેશ કરાવીને સાંસ્કૃતિક અધ્યયનનું ચાલકબળ એવો રાજનૈતિક અનુબન્ધ સ્થાપવાનો પણ છે.
મોહમ્મદ મારૂફ શાહનો નિબંધ ‘ઇસ્લામ એન્ડ થિઅડાઈસી.’ રૂકય્યા વારિસ મક્સૂદે પોતાના પુસ્તક ધ પ્રોબ્લમ અવ ઇવિલમાં માંડેલી ઉપસગર્ની ચર્ચામાં આવતા ઇસ્લામિક તેમ જ ખ્રિસ્તી અનુસન્ધાનોના આધારે ઐશ્વર્યનું ઉપસર્ગના સન્દર્ભમાં પ્રસ્થાપન શક્ય છે3 એ પ્રકારના પારંપરિક મન્તવ્યની તપાસ કરીને આધુનિક માનવવાદી ધર્મનિરપેક્ષ અભિગમમાં ઉપસર્ગના બદલાયેલા સ્વરૂપની અને એ અભિગમ કઈ રીતે પારમ્પરિક અભિગમથી જુદો પડીને વાચના અને વિશ્વ વચ્ચે રૂપાન્તરાત્મક સમ્બન્ધ સ્થાપી આપે છે એની વાત કરવા ચાહે છે. શાહના મતે પારમ્પરિક અભિગમ વર્તમાન સન્દર્ભમાં અપૂરતો હોવા છતાં ઐશ્વર્યનો પક્ષ સબળ રીતે મૂકી આપે છે જ્યારે મક્સૂદે સ્વીકારેલો આધુનિક અભિગમ પારમ્પરિક અભિગમનું ઊંડાણ ધરાવતો નથી એટલું જ નહિ, પરન્તુ લેખક પોતાના વિચારોનું કુર્આનના અથર્ઘટનમાં આરોપણ કરે છે. આ નિબંધ મક્સૂદના પુસ્તકનું એ પરિપ્રેક્ષ્યમાં વિવેચન છે અને શાહનો પ્રયાસ પારંપરિક દૃષ્ટિકોણ આધુનિક દૃષ્ટિકોણ કરતાં વધુ સમર્પક છે એ સાબિત કરવાનો છે.
સિત્તેરના દાયકાની નક્સલી ચળવળને નિરૂપતી રાઘવ બન્દોપાધ્યાયની જુર્નાલ સોત્તોરના અભ્યાસ દ્વારા અનિર્બાન દાસ પોતાના નિબંધમાં વતર્માન અને સ્મૃતિ પરસ્પર ગૂંથાઈને કઈ રીતે વ્યક્તિના ભૂતકાળનાં અનેક અસ્તિત્વોનું સંધાણ રચે છે અને એ રીતે વતર્માનની ટીકા (commentary) બને છે એની ચર્ચા કરે છે. લખાયેલી/લખાતી સ્મૃતિઓનું આ લક્ષણ હોય છે એમ કહેતાં એ જણાવે છે કે આ સ્મૃતિઓ વિવિધ વ્યાપક ઇતિહાસો દ્વારા વ્યક્તિના ઘડતર વિશે, બલકે વતર્માન અસ્તિત્વ પરની એક લખાતી જતી નોંધ બને છે. આ રીતે ભૂતકાળની ઘટનાઓનું સ્મૃતિ દ્વારા લખાણ એ ઘટનાઓ વિશેના તત્પર્યંન્ત સ્વીકૃત વણર્નને અને એ પાછળ રહેલી વિચારધારાને વિચ્છેદીને એ ઘટનાઓનું નિમાર્ણ કરતું હોય છે.
અનન્તકુમાર ગિરિ ચિત્તરંજન દાસના સજર્ન અને સાહિત્યિક વિચારના – વિશેષ તો દાસના ઓડિયા સાહિત્યના ઇતિહાસ વિશેના વિચારના – અનુષંગે સમાજ અને સાહિત્ય વચ્ચે સાહિત્યકાર દ્વારા સર્જાતા સમ્બન્ધની વાત કરવા ચાહે છે. ગિરિના મતે સાહિત્ય સમાજનો અરીસો છે એવું નથી; સાહિત્ય સમાજને અને એ રીતે ભાષાને ઘડે પણ છે. આ સંબંધ હમેશાં અનુકૂળ હોય એમ પણ નથી; બન્ને વચ્ચે ઘષર્ણ પણ થાય છે. એ એવાં ક્ષેત્રો છે જ્યાં કોઈ વ્યક્તિ અને કોઈ સમૂહ અનુકૂલન સાધવાને બદલે પ્રથાપિતનું ઉલ્લંઘન પણ કરે છે અને એ રીતે સ્થાપિત તર્કને યથાતથ સ્વીકારવાને બદલે શંકાના ક્ષેત્રમાં લઈ આવે છે.
બીજા વિભાગ ‘ટેક્સ્ચૂઅલિટી એન્ડ રિપ્રેઝેન્ટેઇશન’નો પહેલો નિબંધ મોહન રમણનનો છે. 1830ની આસપાસ લખાયેલા એક તેલુગુ પ્રવાસવણર્નની ચર્ચા કરીને લેખક એ દર્શાવવા ચાહે છે કે ઐતિહાસિકતા અને કાલ્પિનકતા વચ્ચેની અથવા વાસ્તવ અને વાચના વચ્ચેની ભેદરેખા સાવ પાતળી હોય છે. પોતાના વિધાનના સમથર્નમાં રમણન કહે છે કે કોઈ પણ લખાણ અનિવાયર્પણે અમુક જ સામગ્રીની અને અમુક જ કથનરીતિની પસંદગી કરીને બીજા ઉપલબ્ધ વિકલ્પોના ભોગે એને મહત્ત્વ આપે છે. ઇતિહાસ પણ અંતે તો લખાણ હોય છે એટલે આ પસંદગી ત્યાં પણ અનિવાર્ય બને છે અને એ રીતે પસંદગીનો પ્રશ્ન ઇતિહાસને એક વિશેષ રૂપે કાલ્પિનક લખાણની કક્ષામાં મૂકી આપે છે.
ફ્રૅન્સન ડેવિસ મંજલિનો નિબન્ધ કાફ્કાની ડાયરીઓ પર ફ્રેન્ચ લેખક અને ચંતિક મોરિસ બ્લાંશોના લા પાર દ્યૂ ફ્યમાં નિરૂપાયેલા વિચારોનું પ્રાસંગિક નૂક્તેચીનીને બાદ કરતાં પુન: નિરૂપણ કરે છે.
અક્ષરજ્ઞાનને કારણે સાક્ષર સમાજની પરમ્પરા સ્થિર રહે છે એવું નથી; સાક્ષર અને નિરક્ષર બન્ને સમાજમાં પરમ્પરા એકસમાન રીતે જ ઘસાતી, બદલાતી, અને સર્જાતી રહે છે – એ ‘પૂર્વોત્તર ભારતની આદિજાતિને અને સંસ્કૃતિને વિષય બનાવીને ચિત્રો દોરતાં સુજાતા મિરિના નિબંધનો પ્રતિપાદ્ય વિષય છે. મિરિના મતે નિરક્ષર સમાજમાં પ્રવર્તતા દૃષ્ટિકોણો એ સમાજમાં રહીને એમને સમજવાનો પ્રયાસ કરીએ તો જાણી શકાય કે સાક્ષર સમાજના દૃષ્ટિકોણો કરતાં એ જરાય સરળ કે સરખામણીમાં પ્રાથમિક કક્ષાના નથી હોતા.
લેખિત વાચનાઓ, વિશેષે સાહિત્યિક ગણાતી લેખિત વાચનાઓને પ્રાથમિકતા આપતી સંસ્કૃતિ જાત્રા જેવી અલેખિત વાચનાઓને પોતાનો અંશ ગણતી નથી એવી પરિસ્થિતિમાં સ્ત્રીને સ્પર્શતા અને સાંકળતા મુદ્દાઓ લઈને આવતી જાત્રા બંગાળમાં કઈ રીતે સ્થાપિત થિએટર અને સિનેમાને સમકાલીન મુદ્દાઓને પોતાનો વિષય બનાવીને હરીફાઇ પૂરી પાડે છે એની ચર્ચા સોમદત્તા માંડલનો નિબંધ કરે છે.
ભારતના ભાગલાની ઘટનાની ઐતિહાસિકતાના સન્દર્ભમાં મુખ્યત્વે અનમોલ ઘડી (1946), લાહોર (1949), અને પંજિર (2003), આ ત્રણ હિન્દી ફિલ્મોની ચર્ચા કરતા એમ. કે. રાઘવેન્દ્રના નિબંધની દલીલ એ છે કે જે અનુભૂતિ, જે પ્રત્યાવર્તન પશ્ચિમમાં હોલકોસ્ટને લઈને છે એવું જ ભારતમાં ભાગલાને લઈને છે (નાન્દી 2001; રાઘવેન્દ્ર: 163) એ છતાં પશ્ચિમમાં જેમ સિનેમાએ હોલકોસ્ટને હોલકોસ્ટ (1978) જેવી ટીવી શ્રેણી કે શિન્ડલર્ઝ લિસ્ટ (1993) જેવી ફિલ્મો દ્વારા જે સ્થાન આપ્યું છે એવું ભારતીય સિનેમાએ કર્યું નથી.
એલરીન દેંગ્દો’નો નિબન્ધ – એફ્રિકન-અમેરિકન સ્ત્રીઓનાં ગીતોનો થવો જોઈએ એ રીતનો અભ્યાસ થયો નથી અને વિશેષજ્ઞોએ આ ગીત-સંગીતમાં બિમ્બાયેલા એફ્રિકન-અમેરિકન સ્ત્રીઓએ નિરૂપેલા સાંસ્કૃતિક અને જનિનાત્મક (gendered) સન્દર્ભને મુખ્યત્વે એ સ્ત્રીઓ દ્વારા અભિવ્યક્ત થયા હોવાથી, તેમ જ લોકિપ્રિયની કક્ષામાં આવતા હોવાને લીધે એે ચિરસ્થાયી ન હોવાથી, અવગણ્યા છે – એ પ્રકારનો વિચાર લઈને આવે છે. આવાં ગીતોને એફ્રિકન-અમેરિકન સ્ત્રીઓની સ્વ-અભિવ્યિક્ત અને સ્વસ્થાપનાના સન્દર્ભે પ્રસ્તુત નિબંધ મૂલવે છે અને એ માટે બીલી હોલિડે, નીના સીમોન, અને ટ્રેસી ચૅપમનના ગીત-સંગીતનો આધાર લે છે.
ત્રીજા વિભાગ ‘સસાઇટીઝ, લિટરચર એન્ડ ધ એથ્નિક લાઇફ-વર્લ્ડ’નો પહેલો નિબંધ એસ્ટર સે’મનો છે. ખાસી જનસમૂહમાં સામાજિક અને સાહિત્યિક વચ્ચેનો સમ્બન્ધ મૌખિક સ્તરે સર્જાતો હોવા છતાં વિવેચન અને સાહિત્યની દૃષ્ટિએ થતી/કરાતી ચર્ચાઓના કેન્દ્રમાં લેખિત વાચના રહે છે એ સન્દર્ભમાં એસ્ટર સે’મનો નિબંધ સદીઓથી મુખોપમુખ ચાલ્યા આવતા કી જિઙ્સ્નેઙ તિમેન અથવા વડેરાંની શીખમાં સંઘરાયેલી અનુભવવાણીના લેખિત સ્વરૂપની મીમાંસા દ્વારા મૌખિક અને લેખિત વાચનાઓ વચ્ચેની તાણનો અભ્યાસ કરે છે.
માર્ગરિટ ઝામાનો નિબન્ધ બે આરમ્ભકાલીન મિઝો વાર્તાઓની ચર્ચા દ્વારા પારમ્પરિક નિરક્ષર મિઝો સંસ્કૃતિ અને ખ્રિસ્તી થવા સાથે સાક્ષર થયેલી મિઝો પ્રજાનો એમની પરમ્પરા સાથેનો સમ્બન્ધ સામાજિક પરિવર્તન સાથે લેખિત સાહિત્યના સમ્બન્ધ દ્વારા તપાસે છે.
પરિસ્તૃત(diasporic) પ્રજાઓમાં એમનાં લોકસાહિત્ય અને લોકપરમ્પરાઓ એમની એકતા ટકાવી રાખનારાં સબળ પરિબળો છે કારણ કે એના આધારે પોતાનાં મૂળિયાંથી વિચ્છેદ પામેલી આવી પ્રજા પોતાના (વાસ્તવિક, કાલ્પિનક, કે નષ્ટ) વતન સાથે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહેતી હોય છે. ભારતભરમાં ફેલાયેલી નેપાળી પ્રજાએ પોતાનાં લોકસાહિત્ય અને લોકપરમ્પરાને સતત અને સભાનપણે જીવન્ત રાખીને પોતાની અસ્મિતા અને સ્મૃતિ જાળવી રાખી છે એ ઉત્પલા ગાલે સેવાના નિબંધનો વિષય છે.
પશ્ચિમ અસમ અને ઉત્તર બંગાળ એમ બે રાજ્યોમાં વહેંચાયેલા રાજબંશી જનસમૂહે જે તે રાજ્યમાં સતત પોતાની અસ્મિતા જાળવવાના પ્રશ્નનો સામનો કરવો પડે છે કારણ કે રાજ્યવિભાજનની પ્રક્રિયા દરમ્યાન એમણે પોતાની આગવી ઓળખ જતી કરવી પડી હતી અને પરિણામે એ લોકો પોતાની ભૂમિ સાથે પોતાની ભાષા પણ ખોઈ બેઠા હતા. પશ્ચિમ અસમના ગૌરીપુરનાં રાજકુમારી પ્રતિમા બરુઆ પાંડેને પોતે શાસ્ત્રીય સંગીત અને રવીન્દ્ર સંગીતમાં નિપુણ હોવા છતાં પોતાના રજવાડાનું લોકસંગીત વધુ આકર્ષતું હતું. જ્યોતિર્મય પ્રધાનીનો નિબંધ પ્રતિમા બરુઆ પાંડેએ અપનાવેલા તેમ જ પોષેલા અને ભૂપેન હઝારિકાએ વિખ્યાત કરેલા લોકસંગીતે સાંસ્કૃતિક દૃષ્ટિએ વણઝારા બની ગયેલા રાજબંશી સમૂહ માટે પોતાનું આગવું સ્થાન ઊભું કરી આપ્યું એની ચર્ચા કરે છે.
ડેઝ્મન્ડ ખર્માંર્વ્ફ્લાઙ્ પોતાના નિબન્ધમાં શહેરોમાં ચાલતી કંવિંદન્તીઓ4 કઈ રીતે બની ચૂકેલી ઘટનાઓને – વિશેષ કરીને જે ઘટનાઓ ખરાબ અથવા અવાંછિત, ક્યારેક અસ્વીકાર્ય પણ, હોય એને – ફરી ફરીને રચે છે અને જે તે શહેરી સમૂહની સામૂહિક સ્મૃતિનું પુનર્ગઠન કરે છે એની તપાસ શિલોઙ્ શહેરમાં પ્રચલિત કિંવદન્તીઓમાં રેવનન્ટની5 હાજરીના આધારે કરે છે. લેખકનો હેતુ એ દશાર્વવાનો છે કે સમાજ લોકસાહિત્યમાં બિમ્બાતો હોય છે અને જે તે સમૂહ આવી કિંવદન્તીઓના માધ્યમે પોતાની ઓળખ અને પોતાનાં સામાજિક બંધનો મજબૂત બનાવે છે.
આ વિભાગનો અને પુસ્તકનો અંતિમ નિબંધ મધ્યકાળ દરમ્યાન વિશેષ રૂપે હિંદુ-મુસ્લિમ સંબંધો બંગાળના એ સમયની લોકભાષામાં રચાયેલા સાહિત્યમાં કઈ રીતે નિરૂપાયા છે એના વિશે છે. આ તપાસના મિષે લેખક મુહમ્મદ શાહ નૂરુર રહેમાન ઉપલબ્ધ તત્કાલીન બંગાળી ઇતિહાસમાં અનુપલબ્ધ સામાજિક ઇતિહાસનો વિકલ્પ શોધવા ચાહે છે.
આ પરિચયની શરૂઆતમાં લખ્યું છે તેમ સાંસ્કૃતિક અધ્યયન બનવા જતા આ નિબન્ધો ભાગ્યે જ પોતાનો એ હેતુ સિદ્ધ કરી શક્યા છે. અલબત્ત, એ છતાં ઘોષ, બિશ્વાસ, ગિરિ, કે મંજિલના નિબંધોને બાદ કરતાં એમની સામ્પ્રત ઉપયોગિતા છે એવું કહી શકાય. વિશેષ કરીને ત્રીજા વિભાગના છએ છ નિબન્ધો કે બીજા વિભાગમાંથી રાઘવેન્દ્રનો અથવા માંડલનો નિબન્ધ સંગ્રહના અન્ય નિબન્ધોની તુલનામાં તો સમર્પક છે જ. સામાન્ય રીતે જોતાં પણ ભારતના સાહિત્યિક પરિપાઠમાં એ નોંધપાત્ર પ્રદાન કરનારા છે.
- 1. કળા અપરિચિત અને અસામાન્યને આગળ કરીને જે સામાન્ય છે, જેને આપણે સામાન્ય ગણીએ છીએ એને પછીતમાં લઈ જાય છે. આ રીતે કૃતિમાંથી જે સત્ય આપણી સામે આવે છે એ અગાઉ જે વીતી ગયું છે એમાંથી ન તો અવતારી શકાય, ન સિદ્ધ કરી શકાય એવું હોય છે (હાઇડેગર 1975; બિશ્વાસ: 12).
- 2. આ શબ્દ સાંસ્કૃતિક અધ્યયનમાં આવતા subjectના પયાર્ય તરીકે પ્રયોજ્યો છે. સંસ્કૃતનો પણ સારો એવો પરિચય હશે તેને એની તાકિર્કતા સમજાશે.
- 3. ઐશ્વર્ય અહીં અંગ્રેજી divine qualityના તો ઉપસર્ગ અંગ્રેજી evilના પયાર્ય તરીકે છે. જૈન પરમ્પરામાં ‘ઉપસર્ગ’ આ અર્થમાં પ્રયોજાય છે એ જાણીતી વાત છે.
- 4. એક અર્થમાં લોકસાહિત્ય એવી આ કિંવદન્તીઓનું આધુનિક હોવું જ એમને લોકસાહિત્યને બદલે ‘અર્બન લેજન્ડ’ નું નામ આપે છે. જો કે એ અનિવાર્ય નથી કે આ ‘અર્બન’ લેજન્ડ્ઝ હમેશાં શહેરોમાં જ પ્રચલિત હોય; જે કિંવદન્તી આધુનિક સમયમાં રચાઈ/ફેલાઈ હોય એ અર્બન લેજન્ડ છે.
- 5. ઘણા લાંબા સમય સુધી જેની કોઈ ખબર ન આવી હોય એનું મૃત્યુ થઈ ચૂક્યું છે એમ માની લેવાયું હોય એ પછી જે વ્યક્તિ પાછી આવે એને ખ્રિસ્તી પરમ્પરામાં ‘રેવનન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.
સુહાગ દવે
વિવેચનલેખો.
કોપી-એડિટર, સેઇજ પબ્લિકેશન્સ, દહેરાદૂન.
નડિયાદ.
suhag@gmail.com
80062 22776