અવલોકન-વિશ્વ/આ વેદનાઓનું શું કરીશું? – ડીના ગોલ્ડસ્ટોનની કથાસૃષ્ટિ – સિતાંશુ યશશ્ચંદ્ર
Rendom House, double day, New York, 2014
પણ એ અનુબંધ સમીકરણનો નહોતો. એ વાર્તાઓનાં પાત્રો મને અમેરિકાની ફૂટપાથો પર કે ત્યાં બીજે કશે મળી નહોતાં જતાં, એથી મને ફૂટપાથો અને પુસ્તકનાં પાનાં, બન્નેની સુખાકારી અંગે ધરપત રહેતી. તો શો હતો, એ વાર્તાઓ અને એમની સામગ્રી જ્યાંથી આવી હોઈ શકે એ મારી સામે પડેલા વાસ્તવનો અનુબંધ?
વાંચતાં વાંચતાં અને જોતાં જોતાં મને સમજાતું ગયું કે એ વાર્તાઓ આજના અમેરિકન સમાજને માત્ર યથાતથ રજૂ જ નથી કરતી, બલ્કે એના સપાટ વાસ્તવને, એની દેખીતી-દેખાડવામાં આવતી ચમકદમકને ઓળંગી, વળી એની છાપે ચઢેલી સમસ્યાઓને યે બાજુ હડસેલી, એ સપાટીઓ નીચે ક્યાંક એ કૃતિ લેખે પહોંચી શકે છે. અને વાચક લેખે મને ત્યાં, એ નવી જગ્યાએ જવા પ્રેરે છે. અન્યથા ન દેખાતી, સપાટીઓ નીચેની,પણ એ લેખકને દેખાયેલી એ સમાજની, વ્યક્તિઓની કરુણતાઓ અને કરુણાને, હિંસકતા અને હેતાળતાને, ચીંધી બતાડે છે. મારી સામે જે અસંદિગ્ધ અમેરિકા હતું, એને આ વાર્તાઓ એમ્બિગ્યુઅસ રીઆલિટીમાં, સંદિગ્ધ (અનેકાર્થી) વાસ્તવ રૂપે મને દેખાડતી ચાલી. એેટલે એ વાર્તાઓ 2014માં અમેરિકામાં રહીને વાંચવામાં માત્ર કૈંક તર્રોતાજા અપ્ટુડેટ વાંચ્યાનો નશો ન્હોતો. એ તો હતો મારાં આંખ-કાન-નાક જેને પૂરું જોઈ-જાણી-અનુભવી શકતાં નહોતાં, એવા મારી સામે જ પડેલા સમકાલીન વાસ્તવને એ વાર્તાઓના પારદર્શક-દૂરદર્શક-સૂક્ષ્મદર્શક માધ્યમ વડે અપરોક્ષ અનુભવવા-સમજવાનો નર્યો આનંદ.
‘ટેલ મી વન થિન્ગ’ એના પ્રકાશનના વર્ષે, એના પ્રકાશનના દેશમાં રહીને મેં વાંચ્યું, એની એક ‘ઐતિહાસિક-ભૌગિલિક’ અર્થવત્તા છે, અને એ પુસ્તકની દરેક વાર્તા દરેક સાવધ સહૃદય વાચક માટે જે રીતે એ વાચકનાં ‘અહીં-અને-આજ’ની બની રહે છે, એની એક ‘અલૌકિક’ અર્થવત્તા છે. બે પ્રકારની એ અર્થવત્તાઓનાં તાણા અને વાણાનું બારીક વસ્ત્ર આ વાર્તાઓ રૂપે વણાયું, એટલે ડીના ગોલ્ડસ્ટોનની આ વાર્તાઓ ‘ડેથ ઓફ અ સેલ્સમૅન’ નાટક કે ‘ગ્રેપ્સ ઓફ રોથ’ નવલકથાનું એ રીતે સ્મરણ કરાવી શકે, એવી સ્વયમ્ સ્મરણીય કૃતિઓ બની શકી છે. કૃતિ અને સંદર્ભની વીગતો હવે જોઈએ.
2003થી મારે કેલિફોર્નિયામાં દર વરસે બે વરસે સંતાનો-સ્વજનોના સ્નેહસહવાસમાં પાંચ-છ મહિનાઓ સુધી રહેવાનું થાય, વચ્ચે સામે છેડે પેન્સિલ્વેનિયાની યુનિવર્સિટીમાં ભણાવવાનું કે ફિલાડેલ્ફિઆમાં કે પેસેડીના-સાન્ટા મોનિકા-પાલો આલ્ટોમાં ખોબાભર ખુશનુમા મારા પ્યારા દોસ્તો સાથે રહેવાનું થાય.
અગાઉ, 1967થી 1972, અભ્યાસકાળમાં, અમારે અમેરિકાના ‘મિડવેસ્ટ’-માં, ઇન્ડિઆના રાજ્યમાં, રહેવાનું થયું હતું. ઓહાયો-ઇન્ડિઆના-અયોવા-ઇલિનોય-કાન્સાસ વગેરે બાઇબલ બેલ્ટ કહેવાય. મહદંશે રૂઢિચુસ્ત, પિતૃસત્તાવાદી, ડાર્વિન-નીત્શે વગેરે ‘અધરમીઓ’માં ન માનનાર, એકાધિકારના આગ્રહ તરફ ઝૂકનારો પ્રદેશ. સાથે યાદ આવે કે ઇલિનોયે એબ્રહામ લિન્કનને પેદા કર્યા હતા. થાય કે આ વિશાળ-તોતિંગ અમેરિકાના પોતાના આંતરિક સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક સંબંધો કેવા હશે?
2014ના વર્ષ દરમ્યાન, લોસ એન્જેલસ શહેરમાં થતી મારી રોંજિદી બસમુસાફરી દરમ્યાન હું એની વાર્તાઓ વાંચતો રહ્યો, એરપોર્ટ પર કે હોટેલ રૂમમાં બેસીને નહીં.
મારી ભાણેજનું સુંદર ટારઝાના સિટી પંદરેક મિનિટ પાછળ રહી ગયું હોય અને દીકરીનું રળિયામણું બર્બેન્ક સિટી હજી પંદરેક મિનિટ આગળ હોય, ત્યારે, બસ નંબર 164માં લોસ એન્જેલિસના મેક્સિકન-બ્લૅક-પૂઅર વ્હાઇટ વગેરેના બનેલા નિમ્ન વર્ગના વિસ્તારોમાંથી, પસાર થતાં, એ પુસ્તક જરી જોતો-ઉથલાવતો રહ્યો. પહેલે વાચને ‘[A] book about people finding their way toward happiness’, ‘(આનંદ/સુખ તરફનો પોતાનો માર્ગ શોધતા લોકો વિશેની (વાર્તાઓનું) પુસ્તક’) – એવું એ પુસ્તક અંગેનું લખાણ ફ્લૅપ પર વાંચ્યું. જરી ખંચકાટ અનુભવેલો. જેને ‘ઇન્સ્પિરેશનલ બૂક્સ’ કહે છે, ‘way towards happiness’, એ બહુધા બાલિશ અને બોરિન્ગ હોય છે, એમની ભૂમિકામાં સંસ્થાનવાદ હો, સામ્યવાદ, મૂડીવાદ કે ‘માનવતાવાદ’, બધે. વળી બસ જે વિસ્તારમાંથી પસાર થતી હતી, એ સંદર્ભે તો એવું કોઈ ‘સુખનો સરળ માર્ગ’ બતાડતું પુસ્તક તરત રૂડ અને રદ્દી લાગે. પણ ફ્લૅપ પરનાં લખાણ પર ભરોસો રાખ્યા વગર મૂળ પુસ્તક વાંચી જોવું, એમ અનુભવે જાણ્યું હોવાથી એ પુસ્તકમાંની નાનામાં નાની (17પાનાંની) (અને પહેલી) વાર્તા, ‘ગૅટ યોર ડેડ મૅન્સ ક્લોધ્સ’ ‘(મૈયતનાં કપડાં મફતમાં લો’) એવા,ડાહ્યાડમરા કે ‘પ્રેરક’ ન ગણાય એવા શીર્ષકવાળી હતી, એ જરી વાંચવા લીધી.
મૂકી ન મૂકાય એવી નીકળી.
પહેલાં બે જ પાનાંમાં જ હોલીવૂડ, ડિઝની લૅન્ડ અને ટીવી સીરિયલોનાં, ને દેશી સપનાઓનાં,અમેરિકાને હટાવીને એક અલગ જ અમેરિકાના ઢગલાબંધ લોકો ધસી આવ્યા. મને અચરજ એટલા માટે થયું કે પાછલા ફ્લેપ પર લખ્યા મુજબ ડીના ગોલ્ડસ્ટોન અગાઉ હોલીવૂડનાં જાણીતાં સ્ક્રીનપ્લે રાઇટર હતાં ને ટીવી માટે યે સુપરહિટ સ્ક્રિપ્ટો એમણે લખી હતી. 1985માં બનેલી વિખ્યાત ટેલિવિઝન ફિલ્મ, A Bunny’s Taleની સ્ક્રિપ્ટ આ ગોલ્ડ્સ્ટોને લખી હતી. એક નિર્ભય નારીવાદી પત્રકાર ગ્લોરિઆ સ્ટાઇનેમે છેક 1963-માં, સ્ટિન્ગ ઓપરેશનની ઢબે, નામચીન ‘પ્લેબોય ક્લબ’ની ‘પ્લેબોય-બની’ (એટલે કે ‘રંગીલા પુરુષો માટેની ચુલબુલી સસલી’)-નો સ્વાંગ સજી જે અનુભવો મેળવેલા, એની એ ફિલ્મસ્ક્રિપ્ટ હતી. ને એ જ ડીના ગોલ્ડસ્ટોનની આ ‘ટેલ મી વન થિન્ગ’? આ વાર્તાઓમાં તો પેલા રૂપેરી અને સોનેરી પડદાઓ પરના સહુને જોવા ગમે એવા અમેરિકાના લીરા ઉડતા દેખાય છે. આ વાર્તાઓને ડીના ગોલ્ડસ્ટોનનું રાઇટિન્ગ કહેવું કે ઇરેઇશર? લેખક આ વાર્તાઓ લખે છે કે એ લખીને કશુંક, બલ્કે ઘણું બધું ભૂંસતાં ચાલે છે? ગોલ્ડસ્ટોન અહીં જે કરે છે તે લેખન છે કે વિલેખન?
વળતી બસે એ વાર્તા પૂરી કરી – મારકણો, ચાલાક, ઘમંડી, દીકરાઓને સાવ દબાવી દેનારો બાપ, નામે હ્યુ કેઇસી ઓકોનર (સીનિયર), એ મૃત્યુ પામ્યો છે. કુટુમ્બ મૂળે આયરિશ કેથલિક. ગોરું, પણ રૂઢિચુસ્ત. હ્યુ ઓકોનરનાં આઠ સંતાનો – ચાર દીકરીઓ, ચાર દીકરાઓ. એ બધાં પોતાના પરિવારો સાથે, બાપની દફનવિધિમાં સામેલ થવા, પોતાની મા પાસે બફેલો નામના ગામમાં આવ્યાં છે. જાણે વેલ-નિટ ફેમિલી,અમેરિકાને છાજે એવું.
વાર્તાકાર વાચકને આવું લાગે એવું લખે, ને પછી બીજું લખી એ અગાઉ લખેલું જાણે નવા લખાણથી ભૂંસી નાખે. આઠ સંતાનો, કેટલાંક વર, વહુ, બાળકો સાથે,જગ્યાએ જગ્યાએથી આવ્યાં છે, એક બહેન એલન તો બાપના કડપથી છૂટવા પરણીને છેક સ્પેનમાં ગઈ છે,ને ત્યાંથી આવી છે. ચાર ભાઈઓમાં બીજા નંબરનો ડ્ર્યુ નાનપણથી બાપને શરણે જઈ સુખી થઈ ગયો છે. પણ જેઇમી, (જેઇમ્સ) વેઇસ્ટકોસ્ટ કેલિફોર્નિઆથી, અમેરિકાના ઉદારમતવાદી ભાગમાંથી આવ્યો છે. એ સાતમો છે, છઠ્ઠી એલનથી અગિયાર મહિને નાનો. એણે બાળપણમાં બહુ માર ખાધો છે, (એક વાર તો બાપ છરી લઈને એની પાછળ દોડેલો,ને માએ જોયું-ન-જોયું કરેલું, એને આજે યાદ આવે છે) ને હવે લાગે છે કે મા પણ બાપની સાગરીત હતી. જો કે જેઇમી માનો લાડકો દીકરો હતો. હજી યે જો કે છે. પણ…. મરણ પામેલા હ્યુ કેઇસી ઓકોનર સીનિયર અલબત્ત કુટુમ્બમેળામાં અનુપસ્થિત છે, તો યે એમની હાજરી, મરણ છતાં, બલ્કે એ કારણે,વધારે વરતાય છે, વધારે અકારી વરતાય છે.
આ બધાના ભાર તળે તૂટું તૂટું થતા ને તો પણ તૂટી ન શકતા, પીડા આપતા સંબંધોનું આ કથાનક, નવલકથાની મોકળાશ માગી લે, એમ, વાર્તાનું બીજું પાનું પૂરું થાય એ પહેલાં તો, મને લાગવા માંડ્યું હતું. પણ નવલિકા લાઘવની કલા પર ટકે એવું કથા-સ્વરૂપ છે. આ વાર્તાની કથનકલાના વેગીલા અને વળાંકદાર લાઘવનું ગુરુત્વમધ્યબિંદુ જેઇમી બને છે. એની આસપાસ આ અન્યથા વિખરાયેલું જગત એકઠું થાય છે, જેઇમીની પોતાની ઢબે. વાર્તાના બીજા જ પાના ઉપર આ શબ્દચિત્ર જુઓ: His mother, sitting beside him in St Timothy’s now, latches onto his hand. She does not turn in her seat or look at him, just grabs his hand for comfort.’ (p. 2). ‘(એની મા, સેઇન્ટ ટિમથીના દેવળમાં એની પડખે જ બેઠી છે, અત્યારે, ને એ જેઇમીના હાથને જાણે બાઝી પડે છે. ન તો એ પોતાની સીટમાં એના તરફ ઝૂકે છે કે ન જેઇમી સામું જુએ છે. બસ એનો હાથ ઝાલી લે છે, થોડા સહારા માટે.’) – જે એને, અલબત્ત, નથી મળતો. પણ ક્રિયાપદોનો વર્તમાન કાળ સાંભળ્યો? ‘His mother, sitting beside him now, latches onto his hand.’ આ વાક્યોના એ વર્તમાન કાળમાં ગોલ્ડસ્ટોનની વાર્તાકલાનો વિશેષ રહેલો છે. દીકરાના હાથને,એની સામું જોવાની હિમ્મત કર્યા વિના, બાઝી પડતી ભયભીત માને વાર્તાકાર બરાબર જાણે છે. એ ચિત્ર માત્ર વર્તમાન કાળનું છે; પાછલી કોઈ સ્મૃતિ, કોઈ કડવાશ, કોઈ વિવશતા એ પળમાં નથી.ભવિષ્યથી ભયભીત ઘરડી એકલી મા પોતાના એક દીકરાના હાથને વળગી પડે, ભલેને એ જતો રહેવાનો છે એ વાતથી પોતે અજાણી ન હોય, તો યે; ભલેને એ પોતાને ચાહતો નથી, એવી એને જાણ હોય તો યે … તો યે, તો યે: એની જ તો વાત માંડી છે ડીના ગોલ્ડ્સ્ટોને આ વાર્તાઓમાં.
આ ‘તો યે’ શું છે? આજના અમેરિકી સમાજમાં (તે યે રૂઢિચુસ્ત, કેથલિક ગોરા,મધ્યમ વર્ગના સમાજમાં) અસંતુલાના જે ધસમસતા પ્રવાહો છે, તે તો છે જ, આ વાર્તામાં એના પર ઢાંકપિછોડો નથી. પણ એમાં જે એક વિલક્ષણ સંતુલા છે, એનું નામ જેઇમી. એની આ વાર્તા છે: ‘Jamie can see that she is destroyed by the old man’s death, but it makes no sense to him.’ – ‘Hugh had had little use of women, unless they were young and pretty, and Carrie O’Connor had never been either as far as he could tell.’ (p. 3). ‘(જેઇમી જોઈ શકે છે કે એની મા પેલા બૂઢા માણસના મોતથી સાવ ભાંગે પડી છે, પણ એ વાત એને સાવ નિરર્થક લાગે છે. હ્યુને સ્ત્રીનો કોઈ ખપ નહોતો,સિવાય કે એ જુવાન અને ફટકડી હોય, અને, જેઇમીને ખ્યાલ છે ત્યાં સુધી કેરી ઓકોનર બેમાંથી એકે નહોતી.’)
તો યે પતિ વિના કેરી ઓકોનર ભાંગી પડે છે; ભાંગી પડેલી એ પોતાના દીકરાનો હાથ જકડીને બેઠી રહે છે; દીકરાને માનું આમ ભાંગી પડવું નથી સમજાતું તો યે. અને તો યે… આવા-આવા અનેક ‘ને તો યે’-ની વાત આગલાં પંદર પાનાંમાં ડીના ગોલ્ડબર્ગ જે લાઘવભરી રીતે કરે છે, એ અદ્ભુત છે, સંયત છે, ઉત્કટ છે. અને સસ્તા આશાવાદના એકે ડાઘ વગરની છે. અન્ય કોઈ લેખક એક નવલકથામાં યે કદાચ ન આપી શકે એવી માનવસંબંધોની સંકુલ ગહેરાઈની અનેક-પરિમાણી છબી એક નાની શી નવલિકામાં આલેખી આપે છે: અ મ્યુરલ એઝ અ મિનિએચર.
બાપના અવસાન પ્રસંગે આવેલાં આઠે ભાંડુ એકમેક માટે લગભગ અજાણ્યાં બની ગયાં છે. કદાચ શરણાગત ડ્ર્યુના અપવાદને બાદ કરતાં કોઈ સંતાન પોતાના બાપને ચાહતું નથી: ‘When do you stop loving a parent? Jamie wonders. How much can a child take before that stubborn flame of necessary love sputters and dies?’ (p. 6) (માબાપને ચાહવાનું તમે ક્યારે છોડી દો? જેઇમી વિચારે છે. [પ્રેમની] એ હઠીલી જ્યોત થથરી ઊઠે અને બુઝાઈ જાય એ પહેલાં એક બાળકને ભાગે કેટલું વેઠવાનું આવતું હશે?)
એ સવાલે સરજી આપેલા ખાલીપામાં સરકી આવે છે પેલી ‘ડેડ મૅન્સ ક્લોથ્ઝ’-ની વાત. આઠ સંતાનોની હવે પતિ વિનાની મા, કેઅરી, પોતાના પતિનાં કબાટમાં મૂકેલાં કપડાંને રોજ જોઈ વિચ્છેદની વેદનાથી વિંધાતી રહેવાથી બચવા, અને ખ્રિસ્તી દયાભાવથી પ્રેરાઈને, એ કપડાં દાનમાં આપવા દેવળમાં લઈ જવા જેઇમીને કહે છે. આમ તો એ કપડાં હવે પોતાની કારમાં મૂકી દેવળ સુધી લઈ જવાનાં છે, માના કહ્યા મુજબ. પણ એ કપડાંમાં એને કદાચ પોતાના બાપની હાજરી વરતાય છે. એમની હિંસકતા-સ્વકેન્દ્રિતતા-દંભ, અને પોતાની માની આ બધામાં રહેતી ભાગીદારી, જે એણે એક બાળક તરીકે ઝાઝું સમજ્યા વિના અનુભવી છે, એ બધું હવે એને સમજણ સાથે યાદ આવે છે. જેઇમીના તળપાતાળમાં કંઈક થાય છે. વાર્તાકારનું ગદ્ય હવે સિસ્મોગ્રાફ માફક આલેખ દોરે છે:
‘He stops. Slowly now, with calm that deeply embedded anger can bring, Jaimly grabs one of his father’s expensive suit jackets and holds it up./ ‘Dead man’s clothes!; he yells. ‘Get your dead man’s clothes!’ (એ અટકે છે. આસ્તેથી, હવે, ઊંડે ધરબાયેલો ક્રોધ લાવે એવી ઠંડકથી, જેઇમી એના બાપના મોંઘાદાટ સૂટનાં જેકેટ્સ ઝાલે છે અને અદ્ધર ઊઠાવે છે. મૈયતનાં કપડાં મફતમાં લ્યો!’ એ પોકારે છે. ‘મૈયતનાં કપડાં મફતમાં લ્યો!’)
વિસ્ફોટ! પણ આસપાસ રમતાં ભત્રીજાં-ભાણેજાં, નાનાં-મોટાં, ટીનએજર્સ, સાંભળે છે,જુએ છે, આવે છે,ને રમત જાણી, સરસ કપડાં તો અંકલ જાતે આપે છે એટલે, પહેલાં એક-એક કરીને ને પછી પડાપડી કરીને પસંદગીપૂર્વક ઉઠાવે છે. એમાં મોટેરાં યે ડોકાય છે. ‘Drew is outraged, but Moira is laughing.’અને મા? પત્ની? કેઅરી? જેઇમી તો હવે વારંવાર મોટેથી પોકાર્યા કરે છે, ‘Dead man’s clothes!’ ‘Get your dead man’s clothes!’ હવે, નવલિકાકાર લખે છે: ‘And it is then that he looks up and sees his mother standing in the open kitchen doorway, ashen, horrified at the blasphemy of what he is doing. Her eyes hold his and Jamie does not flinch, does not look away. There is no guilt in him. He wants her to know that he is doing this with pleasure, with gusto, with revenge. ‘Get your dead man’s clothes!’ (p.17.) – કૃતિ અહીં પૂરી થાય છે,પુસ્તકમાં; ને વાચકના મનમાં શરૂ થાય છે.
એ ધ્વનિત અલિખિત કૃતિ, આ બધાં માણસોના હવે પછીના જીવન અંગેના સવાલો, બોલ્યા વિના પૂછી લે છે. ‘હવે આ સહુનું શું થશે?’ – આ અમેરિકાનું?
એ સવાલો વડે વાર્તાનું છેલ્લું પાનું એનાં પહેલાં બે પાનાં સાથે જોડાય છે.
બાપનાં કપડાંની મફત હરાજી બોલાવતો, માની ઠપકો આપતી નજર સામે પોતાની આંખ ન ઝુકાવતો જેઇમ્સ, આ વાર્તાને અંતે આપણી સામે છે. એ પળે તો એને કોઈ અવઢવ નથી.
આ પુસ્તકમાં સમાવાયેલી આઠ વાર્તાઓમાંની સહુથી લાંબી વાર્તા, સામે છેડે (અનેક રીતે સામે છેડે) મૂકી શકાય તેવી કૃતિ છે. 57પાનાંની ‘Tell Me One Thing’ ‘(તું મને એક વાત કહે’),
આખા સંગ્રહને શીર્ષક આપનારી આ વાર્તા એક બાળકીની વાત કહે છે. કૃતિ અચાનક શરૂ થાય છે: ‘On a bright blue July morning, Lucia opened her eyes with the thought already formed in her brain – Is this the day Maggie starts talking? She had awoken with this question every day for the past thirty nine days. And every day the answer had been no, not today.’ ‘(જુલાઈની એક પ્રકાશભરી ભૂરી સવારે લ્યુસિઆએ આંખ ખોલી ત્યારે એના મનમાં એ વિચાર ઘાટ લઈ ચૂક્યો હતો – આજનો દિવસ,મૅગી બોલવાનું ફરી શરૂ કરે એ દિવસ બનશે? છેલ્લા ઓગણચાલીસ દિવસોથી દરેક દિવસે એ આ સવાલ સાથે લ્યુસિઆ જાગી હતી. અને રોજેરોજ એનો જવાબ મળતો, ના, આજે નહીં.’) વાચક હજી જાણતો નથી કે મૅગી કોણ છે, એ શા માટે હજી આજે યે બોલવાનું ફરી શરૂ નથી કરતી; લ્યુસિઆ કોણ છે, ઓગણચાલીસ દિવસોથી એ રોજ સવારે ઊઠતાંવારમાં એના મનમાં આ સવાલ શા માટે થાય છે, પણ વાચકને મનમાં ક્યાંક ઇચ્છા થાય છે કે મૅગી (જે હો તે) આજે બોલે તો સારું. નવલિકાકારનો કથક-લેખક અનાયાસ ચાલતા જણાતા કથનપ્રવાહમાં પાત્રોને આવવા દે છે: લ્યુસિઆએ રિચર્ડ સાથે લગ્ન કર્યાં છે, મૅગી એમની પાંચ-છ વરસની દીકરી છે. રિચર્ડને કશું કહ્યા વગર, કોઈ સરનામું આપ્યા વગર, નાનકડી મૅગીની લઈને લ્યુસિઆ ઘર છોડીને નીકળી પડી છે, ને રિચર્ડ-લ્યુસિઆની મિત્ર બર્નાડેટના ‘ઓશન પાર્ક’ વિસ્તારમાંના સાગરતટ પરના શાંત ઘરના ગરાજની ઉપરના રૂમમાં આશરો શોધે છે. બર્નાડેટ સાથે એનો મિત્ર મૅક્સ રહે છે; બર્નાડેટને આશા છે કે એ એકાંતમાં મૅક્સ એની સાથે લગ્ન કરવાનું નક્કી કરી શકશે.
આ કથાનકની એક ચટકીલી ફિલ્મ સ્ક્રિપ્ટ બની શકી હોત. પણ એક વાત અલગ બની: મૅગીએ બોલવાનું જ બંધ કરી દીધું. બીજી બધી રીતે નોર્મલ. હરફ પણ બોલે નહીં. મૅગીના મૂંગાપણાની આ વાર્તા બની. બીજું બધું – લ્યુસિઆને અતિઆક્રમક સ્નેહ કરતો, ખાવાપીવાનું ભૂલી લ્યુસિઆને શોધતો ફરતો રિચર્ડ, લ્યુસિઆ નવી નોકરી શોધી, નવું ઘર ભાડે લઈ, ત્યાં જાય એમ ચાહતી છતાં ઉદાર અને સાચું આતિથ્ય કરતી બર્નાડેટ અને કિંકર્તવ્યમૂઢ બની ગયેલી લ્યુસિઆ – બધું હવે મૅગીના મૌનની આસપાસ ગૂંથાતું-ઘુમરાતું રહે છે.
એક અપવાદ: બાગકામ કરતો, મધમાખી ઉછેરતો મૅક્સ. મૅગીના મૌનને સ્વીકારી લે છે. મૅક્સ એ ઘરના બગીચામાં એક મધપૂડો ઊછેરતો હોય છે. વ્યવસ્થાના રૂપે. એને મધપૂડો કેમ બનતો જાય, એમાંથી કળેબળે મધ કઈ રીતે કઢાય, એ બતાડતો રહે છે. મૅગી બોલ્યા વગર, પણ રસથી-સમજણથી એ જોતી રહે છે. જાણે મધપૂડા જેવું પોતાનું, પોતાનાં મા-બાપ વાળું ઘર ક્યાં ગયું, એમ જોતી રહે છે. મૅક્સ પણ કશું કહેતો નથી. નવલિકાકાર પણ કશુ કહેતાં નથી. એ તો આ દૃશ્ય બતાવે છે:
The afternoon is gentle – a soft breeze, the sounds of traffic a distant hum, the house empty and waiting… To Maggie it feels that she and Max are sharing someting secret, something magical. This is as safe as she feels these days – out here in th backyard with Max and the bees. It is the kindness of Max and his complete lack of expectation. He does not need her to talk. He is fine with her just as she is. That is why Maggie is able to murmur, without looking at him, ‘Where is my daddy?’ It’s a whisper, no more substantial than the air rusting in the palm fonds, but Max hears it and he makes sure he does not startle.’ (p. 135-136).
અઢળક અને પાગલ જેવા પોતાના પ્રેમના બદલામાં લ્યુસિઆના વ્યક્તિત્વનું આગવાપણું માગી લેતો પતિ રિચર્ડ, બાળક મૅગીને મન તો જેના વિના જીવી ન શકાય એવો પિતા છે. ને મૅગીને પોત્તાનાં મા અને બાપ વાળું પોતાનું ઘર પાછું જોઈએ છે.
વાર્તાઘટના સુખાંત બને છે. મૅગીને એનો પોતાનો મધપૂડો મળે છે. પણ નવલિકા એક કલાકૃતિ બને છે, તે આ સુખાંતને કારણે નહીં, બલ્કે આ વાર્તાને વાર્તાકારે સંપડાવેલા એક અનોખા અંતને કારણે: ‘Years later, when someone brings up the summer Maggie spent in Ocean Park, she remembers it as a season of the bees when she fell a little bit in love with Max. Lucia remembers it as a time of shame. And Richards refuses to remember it at all.’ (p. 144). ‘(વરસો પછી, જ્યારે ક્યારેક કોઈ મૅગીએ ઓશન પાર્કમાં વીતાવેલા ઊનાળાની વાત કાઢે છે, ત્યારે મૅગી એ સમયને મધપૂડાના સમય તરીકે યાદ કરે છે, જ્યારે પોતે મૅક્સના પ્રેમમાં જરીક જરીક પડી ગઈ’તી. લ્યુસિઆ એ ઊનાળાને શરમજનક સમય તરીકે યાદ કરે છે. અને રીચર્ડ એ વખતને યાદ કરવાની બિલ્કુલ ના પાડે છે.’)
અદ્ભુત લોન્ગ્શોટ, ફિલ્મકારનો નહીં, નવલિકાકારનો છે: સમજણભર્યા, સસ્મિત વિષાદનો, શોપનહાઉઅરની નજરે ‘વર્લ્ડ અસ વિલ’-ને ‘વર્લ્ડ અસ આઇડિયા’-માં જરીક પલટાતું જતું દેખાડતો લોન્ગ શોટ.
પુસ્તકના બ્લર્બનું લખાણ, ‘[A] book about people finding their way toward happiness’, હવે એના સાચા અર્થમાં મારી પાસે ઉઘડે છે. અહીં ક્રિયાપદ ‘ટુ ફાઇન્ડ’ છે, ‘ટુ બી શોન’ નથી. આ વાર્તાઓમાં લોકો પોતાની પ્રસન્નતાને શોધે છે,એમને કોઈ પ્રસન્નતાનો માર્ગ બતાડતું નથી. વેદનાઓ છે છતાં, બલ્કે વેદનાઓ છે તેથી માણસ પ્રસન્નતાને શોધે છે, શોધી કાઢે છે, એ વાત ડીના ગોલ્ડસ્ટોન આ વાર્તાઓમાં પોતાની અનોખી, અને નોખી-નોખી રીતે કહે છે. એમાંની બે વાર્તાઓની વાર્તા તો મેં કરી. બાકીની વાર્તાઓ, મારી ખલેલ વિના, આપ વાંચો!
સિતાંશુ યશશ્ચંદ્ર
કવિ, વિવેચક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,
મ.સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
sitanshuy@gmail.com