અવલોકન-વિશ્વ/એક વ્યાકુળ કવિઅવાજ – રાજેશ પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક વ્યાકુળ કવિઅવાજ – રાજેશ પંડ્યા


33-Kora-194x300.jpg


Kora – Tenzin Tsundue
Tibet writers, Dharamsala, 2002, 2014
ઈ.2002માં ચીનના રાષ્ટ્રપ્રમુખ, મુંબઈની ઓબેરોય હોટેલમાં, વેપારીઓની એક સભામાં ભાષણ આપતા હતા ત્યારે આ કાવ્યસંગ્રહના કવિ તેનઝિન ત્સુંદુએ ચૌદમા માળે ચઢી ‘તિબેટને આઝાદ કરો’ (Free Tibet) એવા બેનર સાથે તિબેટી ધ્વજ લહેરાવ્યો હતો. એમને પકડી લેવામાં આવ્યા. નવેમ્બર 2005માં પણ ચીનના વડાપ્રધાનની ભારત-મુલાકાત વખતે આ વીરકવિની ગતિવિધિ પર અંકુશ મૂકવાનો ચીનની સરકારે આગ્રહ રાખ્યો. એટલે ચૌદ દિવસ સુધી એમને ધરમશાલામાં નજરકેદ રાખવામાં આવ્યા. ઈ. 2008ના બીજિંગ ઓલમ્પિક વખતે તો એમણે चलो तिब्बत આંદોલનનું નેતૃત્વ કર્યું. જેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ.

હવે આ 2014ના સપ્ટેમ્બરમાં, ચીનના રાષ્ટ્રપ્રમુખ ભારત આવ્યા ત્યારે ય એમને પકડી લીધા, ગાંધી આશ્રમમાંથી; ત્યાં અમદાવાદમાં તો રીવરફ્રન્ટ પર ચીનના રાષ્ટ્રપ્રમુખનું ભવ્ય સ્વાગત ચાલે છે. જેને કાંઠે સ્વતંત્રતા માટે ગાંધીજીએ ધૂણી ધખાવી હતી એ જ આ સાબરમતી. એનાં ખળ ખળ વહેતાં જળ આમ જ રીવરફ્રન્ટમાં ફેરવાઈ જતાં હશે કે શું?

એ જડબેસલાક જળ જેવો આખો દિવસ પસાર કરવા માટે તેનઝિન ત્સુંદુએ મારી મદદે આવે છે. તેનઝિનની કવિતા મને ટકાવી રાખે છે આખો દિવસ. એક માણસ તરીકે ને એક કવિ તરીકે પણ. તેનઝિનનાં કાવ્યો મેં પહેલાં ય વાંચ્યાં હતાં, પણ એનો ખરો મર્મ મને એ દિવસે સમજાયો. એટલે મારા માટે એ દિવસ મામિર્ક બની ગયો.

*

એક કાવ્યમાં I am more of an Indian/ Except for my chinky Tibetan force (મારા ચીબા તિબેટી ચહેરા સિવાય, હું સવાયો ભારતીય છું.) એમ કહેનાર આ તિબેટિયન કવિ તેનઝિન ત્સુંદુએ જન્મે ભારતીય છે. ભારતની હિમાલયી સરહદ પર સડકકામ કરનાર એક ગરીબ તિબેટી શરણાર્થી પરિવારમાં એનો જન્મ થયો.

તેનઝિનનો પ્રારંભિક ઉછેર ને શિક્ષણ ધરમશાલા ને લદ્દાખમાં. મદ્રાસની યુનિ.માંથી સ્નાતક થયા પછી અનેક જોખમો ખેડી, પગપાળા હિમાલય ઓળંગી, પોતાના વતન તિબેટની અવદશા સગી આંખો જોઈ. ચીનના સરહદી દળે એમને કેદ કર્યા ને ત્રણ મહિના લ્હાસાની જેલમાં પૂર્યા. ખૂબ ત્રાસ આપ્યો. છેવટે એમને ભારત ધકેલી દેવામાં આવ્યા. ઈ. 1997નું એ વરસ હતું. અહીં પાછા આવ્યા પછી એમણે ફરી ભણવાનું શરૂ કર્યું,ને મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ. થયા. યુનિવર્સિટીના સાથીમિત્રોએ જ આગ્રહ કર્યો, ઉશ્કેર્યા એટલે લખવા લાગ્યા. મુંબઈમાં ડોમ મોરૅસ, નિસીમ ઇઝિકિલ, આદિલ જસાવાલા અને અરુણ કોલ્હાટકરના ગાઢ સંપર્કમાં આવ્યા. ઘણું શીખવા મળ્યું. ને એમ ભારતીય અંગ્રેજી ભાષાના એક નવકવિનાં નવતર કવિતા ને ગદ્યલેખન શરૂ થયાં.

તેનઝિન ત્સુંદુએની કવિતા અને અન્ય લેખન ધ ઇન્ટરનેશનલ પેન, ઇન્ડિયન લિટરેચર, ધ લિટલ મેગેઝિન, આઉટલૂક, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તહલકા, ડેઈલી સ્ટાર (બાંગ્લાદેશ), ટૂડે (સિંગાપૂર), તિબેટ રિવ્યૂ અને અન્ય પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થયાં છે. એમની રચનાઓના ફ્રેન્ચ, પોલિશ, મલયાલમ, હિંદી, ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ પણ થયા છે. એમણે સેકન્ડ સાઉથ એશિયન લિટરરી કોન્ફરન્સ: 2005માં તિબેટના કવિ તરીકે પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

તેનઝિન ત્સુંદુએનો પહેલો કાવ્યસંગ્રહ છે. ‘ક્રોસિંગ ધ બોર્ડર’ [Crossing The Border, 1999] જે એમણે સાથે ભણનારા મિત્રો પાસેથી પૈસા એકઠા કરી છપાવ્યો હતો. એ પછી ‘કોરા’ [Kora, 2002]. ત્રીજા પુસ્તક ‘સેમ્શૂક’ [Semshook, 2007]માં તિબેટની સ્વતંત્રતા વિશે લેખો છે. અને ચોથા પુસ્તક ‘ત્સેનગોલ’ [Tensgol, 2012]માં વાર્તા અને થોડાંક કાવ્યો છે. તેનઝિનનાં આ બધાં પુસ્તકોની એકાધિક આવૃત્તિ થઈ છે.

તેનઝિનનાં પ્રકાશિત પુસ્તકોમાં ‘કોરા’ અનેક રીતે વિલક્ષણ છે. ‘કોરા’ આમ તો પંચાવન પાનાંનું નાનકડું પુસ્તક – કહો કે પુસ્તિકા – છે. પણ એનો પ્રભાવ ઘણો મોટો છે. ઈ. 2014સુધીમાં એની દસ આવૃત્તિ થઈ છે, એકવીસ હજાર નકલ છપાઈ છે. ‘કોરા’માં માત્ર ચૌદ કાવ્યો ને પાંચ ગદ્યરચનાઓ છે. ગદ્યસામગ્રીમાં ઠીક ઠીક સ્વરૂપવૈવિધ્ય છે. છતાં લેખકે એને storiesતરીકે ઓળખાવી છે. એમાં fact અને fictionની ધારે ધારે ચાલતું ગદ્યલેખન છે. આ પ્રકારના લેખન દ્વારા એમનું અનુઆધુનિક લેખન પ્રત્યેનું વલણ સૂચવાય છે.

સૌ પહેલાં કાવ્યોની વાત કરીએ.

કવિ સિતાંશુ યશશ્ચંદ્રના ‘સમુદ્ર’ કાવ્યમાં એક પંક્તિ આવે છે. ‘હું કવિ છું.’ પૂર્વે રવીન્દ્રનાથે પણ કહેલું ‘આમિ કવિ માત્ર’ જ્યારે તેનઝિન એક વાક્યમાં કહે છે, બેધડક, I am terrorist (હું આતંકી છું) આ પંક્તિમાં આપઓળખનો સ્વીકાર નથી, પણ અપાયેલી ઓળખનો પ્રતિકાર છે. આ પ્રતિકાર નિર્વાસિતોની જીવનયાતનામાંથી જન્મ્યો છે. કેમકે કાવ્યને અંતે કવિ કહે છે: I am the life/ You left behind (હું (એ) જીવન છું/ જે (મારા માટે) તમે છોડી ગયા છો પાછળ) તેનઝિનની કવિતા, આમ, તિબેટ છોડ્યા પછી, ભાગે આવેલા યાતનામય માનવજીવનની વાચા બને છે.

બીજા એક કાવ્ય ‘મારું તિબેટીપણું’ [My Tibetanness]માં તેનઝિન લખે છે: ‘અમે અહીં શરણાર્થી છીએ/ ગુમાવી દીધેલા એક દેશના લોકો/ કોઈ દેશના નાગરિક નહીં.’ પરંતુ જીવન તો ગમે તે જમીનમાં મૂળિયાં મૂકી પાંગરતું જાય છે આપોઆપ. ‘નિર્વાસનનું ઘર’ [Exile House] કાવ્યની કેટલીક પંક્તિઓમાં એનું વર્ણન છે: ‘સતત ચૂતાં હતાં અમારાં છાપરાં/ને ચારેય દીવાલ ઢળી પડવાનો ભય હતો/પણ અમે જલદી જ પાછા જવાના હતા ઘરે./ પછી તો/અમે અમારા આંગણામાં/પપૈયાં ઉગાડ્યાં બગીચામાં/મરચાંય ઉગાડ્યાં/ને ચંગમાની વાડ કરી […] અમારા ઘરનાં મૂળિયાં ચારેકોર વિસ્તરી ગયાં આમ./હવે હું કેમ કહું મારાં સંતાનોને/કે ક્યાંથી આવ્યાં હતાં આપણે?’

આ નાનકડા ઘરનો વિસ્તાર થાય છે ને વિશાળ ધર્મશાળા બની જાય છે. ‘જ્યારે ધરમશાલામાં વરસાદ પડે છે.’ [When it Rains in Dharamsala] કાવ્યમાં તો કવિ નિર્વાસનની તીવ્ર પીડાને સંકુલ કાવ્યરૂપ આપે છે. આમેય ધરમશાળા, આપણા સમયમાં, નિર્વાસનનું નવું પ્રતીક છે. એમાં ઉપરથી છાપામાર વરસાદ ત્રાટકે છે. ને પૂરનાં પાણી ઘરને ઘેરી વળે છે ‘ત્યારે હું બેસું/મારા ટાપુ દેશ-ના પલંગ પર/અને જોતો રહું હું મારા વતનને ઘોડાપૂરમાં તણાતું.’ એવો અનુભવ થાય છે. આ વિષમ પૂરપરિસ્થિતિમાં રડવાથી જળસપાટી વધે નહીં તેની તકેદારી રાખતાં કવિ કહે છે: ‘અહીંથી બહાર નીકળવાનો/કોઈ ને કોઈ રસ્તો જરૂર હોવો જોઈએ./હું અહીં રહી શકું નહીં./મારો ઓરડો (પહેલેથી જ) પૂરતો ભીનો છે.’ આ આખા કાવ્યમાં વરસાદના પ્રગટ વર્ણનની પડછે અંદર ને અંદર દબાયેલા રૂદનનો લય સંતાઈને પડ્યો છે. જે કાન દઈને સાંભળતા વાચકને અવાચક બનાવી મૂકે છે અંતે.

બીજું એક કાવ્ય છે ‘મુંબઈમાં તિબેટિયન’. એ કોઈ આગવી ઓળખ ધરાવતો નથી. બધા એને બીંજિગથી ભાગીને આવેલો ચીની માની લે છે. એ ચાઈનીઝ હોટલમાં રસોઈયો હોઈ શકે. ‘એ પરેલના પુલ નીચે/ ઉનાળામાં પણ સ્વેટર વેચતો દેખાય/ (તો) લોકો સમજે કે/ એ કોઈ રિટાયર્ડ નેપાલી બહાદુર છે.’ એને ‘મિડ-ડે’ વાંચવાનું ને એફ. એમ. પર ફિલ્મી ગીતો સાંભળવાનું ખૂબ ગમે છે. એ બમ્બઈયા હિન્દીમેં ગાલી ભી દે સકતા હૈ. એ દોડીને બસ પકડી શકે છે. સિગ્નલ પર ને ચાલતી ટ્રેને છલંગ મારી ચઢી જાય છે. મુંબઈમાં જીવતા એક તિબેટિયનની રોજિંદી જિંદગીના આવા વાસ્તવિક વર્ણન પછી, કાવ્યાન્તે એની હૃદયઝંખના આ રીતે વ્યક્ત થઈ છે: ‘મુંબઈમાં એક તિબેટિયન/હવે થાકી ગયો છે/એને થોડુંક ઊંઘવું છે/ને એકાદ સપનું જોવું છે/રાતના 11વાગે/વિરાર ફાસ્ટમાં બેસી/એ ચાલ્યો જાય છે હિમાલય/(પણ) સવારે 8-05ની લોકલ/એને ફરી લઈ આવે છે ચર્ચગેટ.’

તિબેટીઓના દીર્ઘકાલીન નિર્વાસનનો થાક ‘હું થાકી ગયો છું.’ પંક્તિથી શરૂ થતા કાવ્યમાં અસરકારક રીતે વ્યક્ત થાય છે. કાવ્યના નાના નાના ચાર એકમમાં અનુક્રમે ધરમશાલા–મુંબઈ–કર્ણાટક–દિલ્હી-માં વેરવિખેર પડેલા તિબેટીઓની પીડા અત્યંત સાદા-સરળ-શબ્દ-સંદર્ભોથી રજૂ કરાઈ છે. એમાંય પાછો દરેક એકમમાં ‘I am tired, I am tired’નાં આવર્તનોનો વળ ચડતો જાય છે એટલે એ થાક આત્યંતિક બની હાંફમાં જઈ પરિણમે છે છેવટ: ‘હું થાકી ગયો છું/એ દેશને માટે લડતાં લડતાં/જેને મેં ક્યારેય જોયો પણ નથી.’ આ અંત સાથે બીજા કાવ્યનો અંત પણ જોડાઈ જાય છે ને વેદના દ્વિગુણિત થાય છે આમ: ‘હું તિબેટી છું/જોકે તિબેટથી આવ્યો નથી/ને ક્યારેય ગયો નથી ત્યાં/તો પણ સપનું જોઉં છું/તિબેટમાં મરવાનું.’

આ દરેક કાવ્ય કવિની ઊંડી સ્વ-દેશપ્રીતિનાં ભિન્ન ભિન્ન હૃદયરૂપો દેખાડે છે. આવું જ દેશખેંચાણ એમને તિબેટ પ્રવેશનું સાહસ કરાવરાવે છે. એનું કાવ્ય છે: ‘એક અંગત તપાસ’ [A Personal Reconnissance]. આ કાવ્યમાં ભારત-તિબેટની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમરૂપતા સાદા કલ્પન-વર્ણનથી સચોટ રીતે દર્શાવાઈ છે. ‘હું નથી જાણતો/હું ત્યાં હતો કે અહીંયા/મને ખબર નથી/હું અહીં છું કે ત્યાં’ એ પંક્તિઓમાં બંને પ્રદેશોની એકરૂપતાનો પ્રતીતિજનક સ્વીકાર છે.

તેનઝિનનાં કાવ્યોમાં, નિર્વાસિતોની વેદના આમ શબ્દે શબ્દે દ્રવે છે. જે કાવ્યવાચન દરમ્યાન આપણી આંખને ખૂણેથી સ્રવે છે, ચુપચાપ. કવિએ ક્યાંય જરા જેટલી પણ વેદનાને વટાવી નથી. એમાં જ કવિતાનો મહિમા છે ને વેદનાનો પણ મહિમા છે.

*

હવે તેનઝિન ત્સુંદુએના ગદ્યલેખન વિશે.

‘કોરા’માં ત્રણ નિબંધ છે. 1. ‘મારું નિર્વાસન’ [My Kind of Exile], 2. ‘મારી મુંબઈની કહાણી’ [My Mumbay Story] અને 3. ‘શા માટે હું વધુ ને વધુ માંચડાઓ અને તોતંગિ મકાનો પર ચડવાનો’ [Why I’ll Climb More Scaffolding and Towers]. આ નિબંધોમાં અંગત અનુભવોનું સીધું-સોંસરવું આલેખન છે. એને આપણે આત્મકથાનાં પાનાં કહી શકીએ. આ નિબંધોમાં જે લેખન છે એ જ જીવન છે. એ બંનેને આપણે સહેલાઈથી છૂટાં પાડી શકીશું નહીં. વળી, આ નિબંધોથી એ પણ જાણી શકાય છે કે એમનાં કાવ્યોનાં મૂળિયાં ક્યાં ક્યાં વિસ્તરેલાં છે. એટલે એમના કાવ્યજગતને સારી રીતે પામવા આ નિબંધોનું વાચન જરૂરી બની જાય છે. તો સામા છેડે, નિબંધવાચન પછી એમનાં કાવ્યો વધુ સારી રીતે ગ્રહણ કરી શકાય છે. જેમકે, ‘અમારા ખેતરમાં વરસાદનું સ્વાગત કરાય છે. પરંતુ અમારા ઘરમાં નહીં. અમારું ચાળીસ વરસ જૂનું છાપરું ચૂવે છે […] ત્યારે પા-લા (એટલે પપ્પા) છાપરે ચડી, દર ચોમાસે ચૂવા ભાંગે છે. (પણ) પાલાને ક્યારેક સારામાંયલા એસ્બેસ્ટોસની શીટથી છત છાવરવાનો વિચાર નથી આવતો. એમનું કહેવું છે, આપણે જલદી જ તિબેટ પાછા ફરીશું. ત્યાં આપણું પોતાનું ઘર છે.’ આ ગદ્યખંડનો સીધો સંબંધ ‘ધરમશાલામાં વરસાદ’ અને ‘નિર્વાસનનું ઘર’ જેવાં કાવ્યો સાથે જોડાઈ જાય છે.

‘મારું નિર્વાસન’ નિબંધમાં વતનવિસ્થાપનની પીડાના બે પ્રસંગો અવિસ્મરણીય છે. એક પ્રસંગ ન્યૂયોર્કમાં રહેતા તિબેટિયન યુવાનો વિશે છે. જેમાંના એકનું અવસાન થતાં બધા વિચિત્ર સંકટમાં મુકાય છે, કેમકે એમાંના કોઈ અગ્નિસંસ્કારની વિધિ જાણતા નહોતા. એકાએક તેઓ અનુભવે છે કે એ બધા ઘરથી કેટલે બધે દૂ…ર છે!

‘મારું નિર્વાસન’માં તેનઝિનના અંગત અનુભવો પણ એટલી જ અસરકારક રીતે ભાષાબદ્ધ બન્યા છે. સમગ્ર નિબંધને વૈશ્વિક પરિમાણમાં મૂકી આપતો તેનો અંત જુઓ: ‘મેં જોયું છે કે એક દીવાલ તોડી નાંખવાથી પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીના પરિવારો કેવા હરખથી એકબીજાને ગળે વળગીને રોઈ રહ્યા હતા. મેં એ પણ જોયું છે કે કોરિયાઈ પ્રજાની આંખો હર્ષાશ્રુથી એવી છલકાઈ કે જેમાં પોતાના દેશને ઉત્તર-દક્ષિણ ભાગમાં વહેંચનારી વાડ પણ વહી-ઓગળી ગઈ. પરંતુ મને શંકા છે કે તિબેટનાં કુટુંબવછોયાં સગાંવહાલાં ફરી મળી શકશે નહીં. (…) શું અમે ક્યારેય તિબેટમાં સાથે રહી શકીશું? જેથી તે મને દેખાડી શકે કે જો, આ રહ્યું આપણું ઘર… ને પેલ્લું છે ને તે આપણું ખેતર…’

તેનઝિનના આ નિબંધને ઈ. 2001ના ‘આઉટ-લૂક’નો ‘પિકાડોર નોનફિક્શન કોમ્પિટિશન એવોર્ડ મળ્યો હતો. નિર્ણાયકોના મતે ‘લેખકે [આ નિબંધમાં] અત્યંત અસરકારક અને સાદગીપૂર્ણ રીતે, આ વિશાળ વિશ્વમાં એક તિબેટિયન હોવાની કરુણતાનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. એ દ્વારા આખી દુનિયાના શરણાર્થીઓની પીડાને પણ વાચા આપી છે.’

*

હવે ‘કોરા’ નામની કૃતિ વિશે થોડુંક. ‘કોરા’ના મુખપૃષ્ઠ પર જે રેખાંકન છે તે વાર્તાત્મક ગદ્યરચના ‘કોરા’માં પણ શરણાર્થીઓની પીડા અને તિબેટના વર્તમાનનું સંકુલ આલેખન છે. આ ‘કોરા’ શબ્દ કદાચ તિબેટી ભાષાનો હશે. તેનો અર્થ લેખકે ‘Full Circle’ એવા પેટાશીર્ષકથી જણાવ્યો છે. આપણે એને પ્રદક્ષિણા, પરકમ્મા કહી શકીએ. પરકમ્માના વિવિધ અર્થો આ રચનામાં વર્તુળતરંગ જેમ વિસ્તરતા જાય છે. જે છેવટ સમગ્ર કૃતિમાં, ને સમગ્ર ગ્રંથની વિધવિધ રચનામાં જઈ વહેંચાય છે. કદાચ એટલે જ કૃતિ અને ગ્રંથ બંનેનું શીર્ષક એક છે.

આવી રચનાપ્રયુક્તિ દ્વારા ‘કોરા’માં તિબેટની સમસ્યાનાં વિવિધ પરિમાણ રજૂ થયાં છે. એમાં તાશી નામનો તિબેટિયન યુવાન (જેની ઓળખ લેખક સાથે જોડી શકાય) બરફીલી બપોરે, ધરમશાલાને રસ્તે આંટો મારવા નીકળી છે. નગરફરતો એનો આ ફેરો, વોકીંગ રાઉન્ડ એટલે જ કોરા. ફૂલ સર્કલ. મારગમાં એને પ્રૌઢ કુટુુબીજન અને હમઉમ્ર પ્રેમીમિત્ર મળે છે. એની સાથે બેચાર સંવાદ કર્યા પછી તાશી અડધે પહોંચે છે ત્યારે જુએ કે સાંજની પ્રાર્થના માટે એક વયોવૃદ્ધ તિબેટી આગળ ચાલતા જાય છે.

તાશી વળાંક લઈ,આગળ જઈ રસ્તાને કાંઠે આરામથી બેઠો હોય છે તે વખતે એ વૃદ્ધની ઉક્તિ ઘણી મામિર્ક છે: ‘Tired already? It’s a long way to go young man!’ તાશી, તિબેટિયનોની આ વૃદ્ધ પેઢીને તિબેટ ખોઈ દેવા જવાબદાર ગણતો હોય છે. એટલે વૃદ્ધ એની ગેરસમજ દૂર કરવા માટે, ચીનના આક્રમણની ઘટનાઓ એક પછી એક વર્ણવે છે. જેમાં એણે પોતાના દીકરાને ગુમાવ્યો હોય છે. હવે એને તાશીમાં પોતાનો દીકરો દેખાય છે. એની પાસે તે તિબેટના મુક્તિસંઘર્ષને આગળ વધારવાની અપેક્ષા રાખતાં કહે છે: ‘તારાથી આ કામ પૂરું થાય કે કદાચ અધૂરું રહી જાય. જો તારા સંઘર્ષમાં તું સફળ થાય તો પરમ પૂજ્ય શ્રી દલાઈ લામાને મુક્ત તિબેટમાં જરૂર લઈ જજે.’ આમ કહીને એ આદરણીય વૃદ્ધ, દલાઈ લામાના નિવાસ તરફ મુખ રાખી, પ્રાર્થના માટેનું ધર્મચક્ર હૃદય પર મૂકી, ધીરે ધીરે ચઢાણ ચઢતા જાય છે. તાશી એની પીઠને તાકી રહે છે, સાંજના ટાઢાબોળ ધુમ્મસમાં વૃદ્ધ અદૃશ્ય થાય છે ત્યાં સુધી.

એક રીતે તો આ ટૂંકીવાર્તા જેવી કથાકૃતિ છે. તેનઝિન જ્યારે મુંબઈમાં હતા ત્યારે એમણે સિનેમાના સ્ક્રીપ્ટ રાઇટીંગની ઘણી ખૂબીઓ જાણી હતી. ‘કોરા’ને એક સ્ક્રીપ્ટ તરીકે જોઈએ તો એના ઘણા લેખનસંદર્ભો પકડી શકાય. કૃતિના આરંભે, વરસાદના પાણીમાં વહેતા પોદળા પરની માખીયાત્રાનું જે પ્રતીકાત્મક દૃશ્ય આવે છે તેનાથી જ આ વાતની પતીજ પડે છે. એ દૃશ્ય જ કેટલું સિનેમેટિક છે! કૃતિમાં પછીથી પણ ઘણાં દૃશ્યાંકનો આવતાં રહે છે. ‘કોરા’ પરથી કોઈ શોર્ટ ફિલ્મ બની શકે એવી સામગ્રી ભરપૂર ભરી છે.

*

આવી આવી કૈં કેટલીય રચનાઓ તેનઝિનની શબ્દસૃષ્ટિમાં વિવિધરૂપે વિહરે છે. ‘પ્રતિકાર એટલે મતભિન્નતાનો ઉત્સવ’ [Protest as Celebration of Difference] એ નિબંધમાં તો એની વૈચારિક સજ્જતા અને રાજકીય પરિપક્વતા બંને જોવા મળે છે. દસ વરસ પહેલાં પ્રગટ થયેલા ‘સેમ્શૂક’માં તો તિબેટ વિશેના લેખો જ સમાવાયા છે. ‘ત્સેનગોલ’ની રચનાઓને પણ તે ‘Stories and Poems of Resistance’ ગણાવે છે. અને એટલે જ ‘ડેઈલી સ્ટાર’માં એની મુલાકાત લેનાર અજિત બરાલ તેનઝિનને તિબેટિયન શરણાર્થીઓના એક વ્યાકુળ અવાજ (anguished voice) તરીકે ઓળખાવે છે.

આમ, તો આપણે દૂર દૂરના દેશોનું ઘણું સાહિત્ય વાંચતા હોઈએ છીએ. ને રીતે એમના વિશે કેટલુંક જાણતા હોઈએ છીએ. સમાચાર-માધ્યમોમાં પણ એમની ઘણી વિગતો આવતી હોય છે. પરંતુ આપણી આસપાસ આવેલા થાઈલેન્ડ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ભૂતાન, નેપાળ, તિબેટ જેવા નાના દેશો અને એમનાં સાહિત્ય વિશે ભાગ્યે જ જાણવા તત્પર હોઈએ છીએ. તેનઝિનની રચનાઓ વાંચીને આપણને થાય કે તિબેટ અને એને થતા અન્યાય વિશે આપણે કેટલા અજાણ છીએ. સંચાર-માધ્યમો પણ એના વિશે મૌન રહે છે. ત્યારે એક કવિ લેખકની રચનાઓ જ આપણા સુધી સત્ય પહોંચાડે છે.

ખરેખર તેનઝિનનું લેખન કોઈ પણ સહૃદય વાચકને અજંપ બનાવી મૂકે એવું છે. એના શબ્દે શબ્દે માનવતાનો મર્મ આપણને નવેસરથી સમજાતો જાય છે. જ્યાં જ્યાં શોષણ થતું હોય કે માનવીય સ્વાતંત્ર્ય જોખમાતું હોય ત્યાં ત્યાં આ કવિની કોઈ ને કોઈ પંક્તિ આપણા ચિત્તમાં ઊભરી આવે એવી તરલ છે. એ કાવ્યપંક્તિઓ ત્યારે ટકી રહેવાનો મોટો આધાર આપે છે, આપણને.

*

આવો આધાર મેળવવા માટે ભૂતકાળમાં મેં તેનઝિનનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ કર્યો હતો. એમાંના એક કાવ્યથી સમાપન કરું. કાવ્યનું શીર્ષક છે Betrayal (વિશ્વાસઘાત)

અમારાં ઘર
અમારાં ગામ
અમારો દેશ બચાવવાની કોશિશમાં
મારા બાપે જીવ ગુમાવ્યો.
હુંય લડવા માંગતો હતો
પરંતુ અમે રહ્યા બૌદ્ધ
લોકો અમને શાંતિપ્રિય અને અહિંસક કહે.
એટલે હું ક્ષમા કરું છું મારા શત્રુને.
જોકે ક્યારેક મને લાગે છે
મેં દગો દીધો છે મારા બાપને.

*

રાજેશ પંડ્યા
કવિ.
ગુજરાતીના અધ્યાપક,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા,
rajeshpandya30@yahoo.com

94292 55957
*