અવલોકન-વિશ્વ/એક અનોખો કાવ્યસંગ્રહ – કમલ વોરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક અનોખો કાવ્યસંગ્રહ – કમલ વોરા


11-KAMAL-Cafe-Kafka-Cover.jpg


Cafe Kafka – Enrique Moya.
Labyrinth, Vienna Austria, 2005
સ્પેનિશ ભાષામાં લખતા વીયેના(ઓસ્ટ્રિયા)સ્થિત કવિ એનરિકી મોયા (જ. 1958)નો કાવ્યમંત્ર છે:

Everything is poetry and poetry is everything.

કવિeverythingસંજ્ઞા પ્રયોજે છે ત્યારે વાક્યના બન્ને છેડે એના શબ્દાર્થ તળેની બૃહદ્ અર્થવ્યાપકતા એમને અભિપ્રેત છે એવું આ સંગ્રહનાં કાવ્યોમાંથી પસાર થનારને ઊડીને આંખે વળગશે. એમનાં કાવ્યો વાંચ્યા અગાઉ આપણે આ ઉક્તિનું એવું ઉપલકિયું અર્થઘટન કરવા પ્રેરાઈ શકીએ કે અહીં મનુષ્ય-જીવન અને કવિ-સર્જન એકમેકમાં ઓતપ્રોત હશે; પણ અહીં તો સર્જન સર્વસ્વ અને જીવન પ્રચ્છન્ન છે અથવા તો આપણું કે આપણી આસપાસનું હોય તેવું જીવન તો નહીંવત જ છે. છતાં આ કાવ્યોમાં પ્રગટ થતી સંવેદના જીવનની વેદના જેટલી જ સાચી અને નક્કર છે. અરીસાની ચળકતી બાજુમાં હોય તે આ કવિ આપણને નથી દેખાડતા પણ પાછળની તરફ, ઊખડતા સિંદૂર વચ્ચે ઝિલાતાં, કદરૂપાં અને વિચિત્ર થયેલાં બંબિ આપણા માટે ચિત્રિત કરે છે. સ્વાભાવિક છે કે આપણી કવિતા-પરંપરામાં ભારોભાર વર્તાતું રોમેન્ટિસીઝમનું (ઊમિર્લતાનું) આ કાવ્યોમાં સ્થાન નથી. આ કવિની માન્યતા છે કે અંગત લાગણીઓનું નિરૂપણ કે રૂપાંતર કવિતા માટે યોગ્ય નથી. એ અન્ય વસ્તુ કે વ્યક્તિની કલ્પના કરીને કાવ્ય લખે છે, અન્યતાની કવિતા કરે છે અને છતાં આપણને આ રચનાઓ સ્પર્શી જાય છે એટલું જ નહીં પરંતુ એક તદ્દન નોખા અને અજાણ્યા અનુભવમાં ઝબકોળે પણ છે. કવિતા તો હૃદયથી જ લખાય એવી આપણી સામાન્ય માન્યતાને તીવ્ર બુદ્ધિપૂર્વક લખાયેલી આ કવિતાઓ પડકારે છે અને પરિણામ રૂપે આપણને અન-અનુભૂત તોષ આપે છે. ક્યારેક તો એમ લાગે કે આ કવિ પ્રતિ-કવિતા(anti-poetry) લખી રહ્યા છે પણ કવિતામાં ઊંડે ગતિ હોય તે જ આવી પ્રતિ-કવિતા લખી શકે. આ કવિતાઓ દ્વારા જે કાવ્યવિશ્વની રચના થાય છે તે ભાવક માટે રોચક અને રોમાંચક નીવડે છે. અલબત્ત યુરોપની કવિતાને સંદર્ભે આપણે આ પ્રકારની કવિતાથી સાવ અપરિચિત તો નથી જ; પણ આ કવિ-નજરની તીવ્ર વેધકતા નોંધનીય છે. બોર્હેસ, ગુલેવિક, વાસ્કો પોપા કે હોલુબની કવિતાના ગોત્રના આ કવિ છે. એ પ્રકારની કવિતાના ચાહકો કે અ-પૂર્વ કાવ્યાનુભવની ઝંખના કરતા સાહસિક ભાવકો માટે કાફે કાફકા આનંદદાયી નીવડશે એવી આગોતરી ખાતરી આપી શકાય એમ છે. Everything is poetryનો મારો અર્થ એ છે કે કવિતા થવાની શક્યતા નહિવત્ લાગતી હોય તેવાં વિષયો, પાત્રો અને પરિસ્થિતિની આ કવિ કવિતા કરે છે, poetry is everythingનો અર્થ હું એ કરું કે એમની સર્જકતા કોઈ પણ જોખમ ખેડવામાં પાછી પડે એમ નથી. સરળ ભાસતી આ કવિતાઓ શબ્દાર્થો અને નિરૂપાયેલા પદાર્થોની સામાન્યતા વટાવી જઈને કોઈ વ્યાપક મહત્ત્વ તરફ સંકેત કરે છે અને તેમાં જ એની સાર્થકતા રહેલી છે.

*

આપણે ત્યાં બુધસભા, કવિલોક, શબ્દલોક કે હેવમોરમાં કવિઓ મળતા તેમ વીયેનામાં કાફે કાફકા નામના એક કોફીહાઉસમાં કેટલાક કવિઓ દર મહિનાના પહેલા શુક્રવારે નિયમિત મળતા અને એકમેકની કવિતાઓ વાંચતા-સાંભળતા. કવિ મોયાએ 2002થી 2005દરમ્યાન ત્યાં વાંચેલાં કાવ્યોના સંગ્રહનું નામકરણ એ કોફીહાઉસના નામે કર્યું છે. 27કાવ્યોના આ સંગ્રહમાં મૂળ સ્પેનિશ ભાષામાં લખાયેલાં કાવ્યો, અંગ્રેજી અનુવાદ સાથે સામસામેનાં પૃષ્ઠો પર પ્રકાશિત કરવામાં આવ્યાં છે. 2009માં દુબઈ ઇન્ટરનેશનલ પોએટ્રી ફેસ્ટીવલમાં સહભાગી થવાની મને તક મળી હતી. એ સાત દિવસના કવિતાના મહોત્સવમાં વિશ્વભરમાંથી સોથી અધિક કવિઓ એકઠા મળ્યા હતા. મને એ સત્ર બરાબર યાદ છે જ્યારે વીસ-પચીસ શ્રોતાઓની હાજરીમાં આ કવિ સ્પેનીશમાં કાવ્યો વાંચતા હતા અને પાછળ પડદા પર એનો અંગ્રજી અનુવાદ રજૂ થતો હતો. એમની Tea Pot કવિતાએ તરત જ ધ્યાન આકર્ષેલું. જરા સરખીય નાટ્યાત્મકતા વિના સ્વસ્થ, ધીમા અવાજમાં ન સમજાતી ભાષામાં કવિ વાંચતા હતા પણ પડદા પરના શબ્દો તત્ક્ષણ વાચકનું ધ્યાન સંકોરીને એમની તરફ આકર્ષી રહ્યા હતા. અમે પછી મળ્યા અને મિત્રો બની ગયા. 2010માં અન્ય યુરોપીયન કવિઓ સાથે એમને મુંબઈમાં નિમંત્રીને અમે બે દિવસીય કવિ-સંમેલન પણ ગોઠવેલાં. આ મિતભાષી કવિ, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, સંગીત અને સાહિત્યના સમીક્ષક અને કટારલેખક પણ છે.

*

હવે આપણે કાફે કાફકાનાં કાવ્યો અને એમાંના કવિકર્મ ભણી વળીએ. Pocket Poem Strictly for Personal Use નામના કાવ્યમાં કવિ કહે છે:

When the poem gains something
the poet loses something of himself
When the poet gains something
the poem loses all of itself
I read in Dostoyevsky
‘‘People with new ideas,
people with the faintest capacity
for saying something new, are extremely
few in number,
extraorninarily few, in fact.’’
In poetry there is a lot of crime without punishment. (પૃ. 33)
(જ્યારે કવિતા કશુંક મેળવે છે/કવિ પોતાનું કંઈક ગુમાવે છે;/જ્યારે કવિ કંઈક મેળવે છે/કવિતા પોતાનું સર્વસ્વ ગુમાવે છે
મેં દોસ્તોયવસ્કીને વાંચ્યો છે
નવા વિચારવાળા લોકો,/કશુંક નવું કહેવા માટે જરાક અમથી ગુંજાશ ધરાવતા લોકો, ખૂબ જ ઓછા હોય છે/ખરું કહો તો આશ્ચર્યકારક ઓછા. કવિતામાં સજા વિનાના ઘણા બધા ગુના હોય છે.)

આ કાવ્યમાં કવિનું કવિ તરીકેનું અસ્તિત્વ, કવિનો અને કવિના શબ્દનો ભૂતકાળ તેમ જ ભાવિ આ સઘળું આગળ-પાછળ કરીને એવી ગૂંથણી થાય છે કે કવિના અને શબ્દના હોવાની યથાર્થતાનાં ચક્રાકાર વિધાનો કવિને કોઈ નિષ્કર્ષ પર પહોંચવા નથી દેતાં. કવિ જાણે છે કે કવિતા ટકે છે અને નહીં કે કવિ. અને તે છતાં પૃથ્વી પરથી પસાર થતાં થતાં એ ભાષા-સંયોજના કરવામાં સમય વ્યતીત કરે છે. કહે છે:

Although the poem transforms us
it does not eliminate sorrow
Our pain beats indifferently
no matter how brilliant our words (પૃ. 33)
(કવિતા આપણને બદલે તો છે /છતાં દુ:ખ દૂર નથી કરી શકતી/આપણા શબ્દો તેજસ્વી હોય તો પણ/આપણી પીડા ઉદાસીનપણે ધબકે છે

મોયા આ કાવ્યને અંતે કહે છે:

Don’t believe in poets
they are too much poets and not sufficiently human
I only believe in certain poems
because they are human (પૃ. 35)
(કવિઓમાં વિશ્વાસ ન ધરાવો/કારણ એ વધુ પડતા કવિઓ છે અને પૂરતા મનુષ્યો નથી/હું અમુક કવિતાઓમાં જ વિશ્વાસ ધરાવું છું/કારણ કે એ માનવીય હોય છે

અગાઉ નોંધ્યું કે સરળ ભાસતી કવિતા કશુંક જુદું અને વિશેષ તાકે છે તેનો આ પંક્તિઓ શું પુરાવો નથી?

સમય/કાળ પર તો કેટકેટલા કવિઓએ કાવ્યો લખ્યાં હશે! Time and I કાવ્યમાં આ કવિ સમય એક વ્યક્તિ હોય એવી કલ્પના કરે છે. બન્ને જૂના મિત્રો છે, શતરંજ કે પાસાની રમત રમવા માટે પ્રત્યેક વર્ષાન્તે મળતા હોય છે, સિગારેટ પીતા હોય છે અને કલ્પનાનો દોર લંબાવતાં લખે છે કે બન્નેની સિગારેટના ધુમાડા એકમેક સાથે શાંતિપૂર્વક સ્પર્ધા કરે છે! સ્મૃતિ બન્ને પર ઘેરાં નિશાન મૂકે છે, જાણે મનુષ્ય અને કાળ એકમેકથી અભિન્ન હોય! બન્ને એ વાતે સહમત છે કે એકમેકને કચડી નાખતી જીત કરતાં પરસ્પરની હાર બહેતર છે. એ તત્પરતા સાથે આ મિત્રો છેલ્લી મુલાકાત સુધી ટકી જવા બાબત એક પણ હરફ ઉચ્ચારવાનું ટાળી છૂટા પડે છે.

Year by year we are preserved for the last game
about which neither one of us
dares to speak (પૃ. 141)
(વરસોનાં વરસ અમે છેલ્લી રમત માટે ઊગરી જઈએ છીએ/જે બાબત અમારા બન્નેમાંથી એકેય/હરફ કાઢવાની હિંમત નથી કરતું )

આ સંગ્રહનું એવું જ એક મહત્ત્વનું કાવ્ય છે Casablanca. કાસાબ્લાન્કા ઓસ્ટ્રિયાની એક સિગારેટ છે. અહીં આમ તો કવિ સિગારેટની અને એને પીનારની અર્થાત્ કોઈ પણ વ્યસનની ગુલામીની વાત કરે છે પરંતુ આ કાવ્યનો ઉપાડ જુઓ:

Above the nicotine-stained sheets
I dream that I am a man and a cigarette
at the same time
I hold a cigarette
betweem my index finger and thumb
and the cigarette that is myself
is slowly burning up (પૃ. 17)
(તમાકુના ડાઘાવાળી ચાદર પર સૂતો હું/સપનું જોઉં છું કે /હું એકીસાથે મનુષ્ય અને એક સિગારેટ છું.

મેં મારી પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચે/એક સિગારેટ પકડી છે/અને સિગારેટ જે ખરેખર તો હું છું/ધીમે ધીમે બળી રહી છે)

આ કાવ્યમાં કાવ્યનાયક સિગારેટનું અને સિગારેટ કાવ્યનાયકનું સપનું જુએ છે. બન્ને બળી રહ્યાં છે, ધુમાડો થઈ વીખરાઈ રહ્યાં છે એટલે કોણ કોની નકલ કરી રહ્યું છે તેની સમજણ નથી. કવિ રમૂજ કરવાનું ચૂકતા નથી:

Since a man can perfectly well imitate
the short life of a cigarette,
but no cigarette can speak German (પૃ. 17)
(કારણ કે મનુષ્ય સિગારેટની ટૂંકી જિંદગીની/હૂબહૂ નકલ કરી શકે/પણ કોઈ સિગારેટ જર્મન બોલી ન શકે.)

મનુષ્યનું સિગારેટને કારણે કે સિગારેટ વિનાના કારણે સિગારેટની જેમ સળગીને ધુમાડાની જેમ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જવું અને અદૃશ્ય થઈ જવા અગાઉ ટચુકડી આત્મ-કથા કહેતા જવું એ નાશવંતતાની પડછેની જરાક અમથી સાર્થકતા છે. મને અહીં છરો ભોંકાવા છતાં રક્તસ્રાવ ન થવાનો અનુભવ થાય છે.

પિતાવિષયક કાવ્યો તો કેટકેટલા કવિઓએ લખ્યાં છે, લખે છે. Nature Morte કાવ્યમાં, મોર્ગમાંથી પિતાનું શવ લેવા આવેલા કાવ્યનાયકનું સંવેદન છે. મોર્ગના ઠંડાગાર વાતાવરણમાં ઠંડીગાર પંક્તિઓમાં આ કાવ્ય વેદનાને અત્યંત સંયમથી અભિવ્યક્ત કરે છે. કહીએ કે વેદનાને ગેરહાજર રાખીને એની ધાર તીક્ષ્ણ કરે છે. અંગત લાગણીઓથી અલિપ્ત રહીને સંવેદનાનું અનપેક્ષિત અને અપરિચિત આલેખન જરાય બોલકું થયા વિના ભાવકને ઊંડે સુધી કોરી ખાય છે.

The doctor asks what to do
with the dead man’s watch and glasses
His eyeless glasses
shine like crystal stars
His wristless watch
tells time perfectly (પૃ. 49)
(ડોક્ટર પૂછે છે કે/મૃત વ્યક્તિનાં ઘડિયાળ અને ચશ્માંનું એણે શું કરવું/આંખો વિનાનાં એમનાં ચશ્માં/સ્ફટિક જેવા તારાઓ થઈને ચળકે છે/કાંડા વિનાની એમની ઘડિયાળ પાકો સમય બતાવે છે.)

મીંચાઈ ગયેલી આંખો પણ ટકી ગયેલાં ચશ્માં અને હોવા-ન હોવા પછીય સાચો સમય દેખાડતી ઘડિયાળ અહીં તીવ્ર વેદનાની સંયત અભિવ્યક્તિ બની રહે છે. સામાન્ય ભાસતું ચિત્ર પીડાદાયક કરુણને દર્શાવે છે!

Personal Memoir of Poverty કાવ્ય, આ સંગ્રહનાં અન્ય કાવ્યોમાં ન દેખાતી અનુઆધુનિકતા સાથે કદાચ અનુસંધાન કરે છે. કાવ્યમાં કવિ એક નાનકડી વાર્તા કહે છે અને તેમાં ભારોભાર રમૂજને ખપમાં લે છે. કાળાં વસ્ત્રધારી એક દેવદૂત કવિને મળવા આવ્યા હતા ત્યારે બન્ને વચ્ચે હાસ્યની છોળ ઉડાડતો સંવાદ થયો છે. દેવદૂત કહે છે કે એ પણ કવિની જેમ પૃથ્વી પર નિર્ધન છે પણ સ્વર્ગમાં મહેલોનો માલિક છે. અહીં ગરીબી અને ત્યાં સંપત્તિ –ની કવિ ઠેકડી ઉડાવે છે. મોયા પૂછે છે (વાર્તામાં મોયા જ કવિનું પાત્ર ભજવી રહ્યા છે.) તો શું અહીંનો અબજપતિ ત્યાં ગરીબ હશે? કવિ ફરી રમૂજ કરે છે:

If God has permitted there to be
more poor people than rich people
it is because few people are capable
of using wisely
the blessing of wealth to help others (61)
(જો ઈશ્વરે ધનવાન લોકો કરતાં વધારે ગરીબ લોકો હોવાની મંજૂરી આપી હોય/તો એનું કારણ છે કે ઓછા લોકોમાં, મળેલી સંપત્તિના કૃપાપ્રસાદને ડહાપણથી વાપરી/બીજાને મદદરૂપ બનાવાની ક્ષમતા હોય છે)

રમૂજમાં વીંટાયેલો કટાક્ષ આપણા મસ્તક પર પ્રહાર કર્યા વિના નથી રહેતો. અને કાવ્યાંતે કવિ મોયા પૂછે છે કે ગરીબીની એની કારમી યાતનાઓથી છૂટવા એણે શું કરવું? દેવદૂતના જવાબમાં કેવો તો ચાબખો છે તે અનુભવવા જેવો છે:

No chance
Relax and enjoy the way you are
Be careful not to win the lottery
It is not good for literature
When a writer is a millionaire (પૃ. 63)
(બીજું કંઈ જ નહીં/તમે છો તેવા નિરાંતે રહો અને મોજ કરો/બસ, કાળજી રાખો કે તમે લોટરી ન જીતી જાઓ/કોઈ લેખક લખપતિ હોય તે/સાહિત્ય માટે સારું નથી,)

કવિ માટે અર્થ(સંપત્તિ)ની નિરર્થકતા કવિ મોયા એમની આગવી શૈલીમાં, અનોખી રીતે દર્શાવે છે.

Tea with Ice મારું પ્રિય કાવ્ય છે. આ એક વિશિષ્ટ પ્રણયકાવ્ય છે. દેખીતું છે કે પ્રણયની નિષ્ફળતાનું જ આ કાવ્ય હોય. અહીં વાસ્તવ, સ્વપ્ન એકમેકમાં એવાં તો ગૂંથાઈ ગયાં છે કે જુદાં પડી ન શકે. કવિના સ્વપ્નમાં એની ભૂતપૂર્વ પ્રેમિકા, એનાં મા-બાપ આવે છે. ચૂલા પર ચા બનાવવા ઇચ્છતા કાવ્યનાયકને ચૂલો પેટાવતાં ખાસ્સી જહેમત લેવી પડે છે. અહીં સંબંધની ઉષ્માનું ઠરી જવું, ઠીંગરાઈ જવું સાંકેતિક રીતે વ્યક્ત થાય છે.

My former girlfriend looks me over from head to toe,
unexpectedly comments that she saw my brother yesterday,
he was looking smart and elegant
It’s a great pity he couldn’t have become her brother-in-law
I pour the hot water into the cup
The characteristic sound of a scoth on the rocks
alerts me to the fact that in the kettle of boiling water
ice cubes are floating (પૃ. 43)
(મારી પૂર્વપ્રેમિકા મને પગથી માથા સુધી નીરખતી/સાવ અણધાર્યું બોલી બેસે છે, ગઈ કાલે એણે મારા ભાઈને જોયો હતો/એ ફાંકડો અને દેખાવડો લાગતો હતો/એ ખરેખર દુ:ખદ વાત હતી એ એનો દિયર ન બની શક્યો.
હું ઊકળતું પાણી કપમાં રેડું છું/બરફ પર ઊછળતી વિહસ્કીના જેવો વિશિષ્ટ અવાજ સાંભળીને/મને અચાનક ખ્યાલ આવે છે કે/તપેલીના પાણીમાં બરફનાં ચોસલાં તરી રહ્યાં છે.)

જીવનમાં જે ખરેખર નહોતું થયું તે સપનામાં પણ ન થતું હોઈ પ્રણયનો વિચ્છેદ ભાવકના ચિત્તમાં એક ઊંડી ગ્લાનિનો અનુભવ કરાવે છે. સપનાનું વાસ્તવ જુદું હોઈ, પ્રિયતમા એનાં મા-બાપને સમેટીને એની પર્સમાં મૂકીને ચાલી જઈ શકે છે.

કૌટુંબિક/માનવીય સંબંધની પોકળતા કેવી તો દુ:ખદાયી હોય છે તેની By Accident and Destinyમાં કવિ નિર્મમપણે વાત કરે છે:

My parents met each other by accident and destiny/Accident above all for my mother, as she later said of that encounter with my father in a Berlin cafe
My father, a proper German, did not believe in accidents
rather in destiny
His destiny, he claimed,
was meeting my mother (પૃ. 93)
(મારાં મા-બાપ એકમેકને અકસ્માત અને ભાગ્યવશ મળ્યાં./મારી મા માટે તો એક અકસ્માત જ, એવું મારી માએ /બલિર્નના કાફેમાં મારા પિતા સાથે થયેલ મુલાકાત બાબત પાછળથી જણાવ્યું.
મારા પિતા, એક પાકા જર્મન,અકસ્માતમાં નહોતા માનતા
પણ ભાગ્યમાં તો…
એમનો દાવો હતો કે મારી માને મળવું
એમની નિયતિ હતી.)

મોયા સંસ્કૃતિ,સાહિત્ય, કળા યુરોપની ભૌગોલિકતા આદિની વિચારણાઓમાંથી આરંભ કરી કાવ્યો લખે છે. The Kiss કાવ્યમાં એક રાત્રે પેઇન્ટંગિ (વીયેનાની એક ગેલેરીમાં પ્રદશિર્ત એક ચિત્ર)માંથી એક પ્રેમીયુગલ બહાર આવે છે અને ખાલી થયેલી ફ્રેમની સામે એકમેકને ચુંબન કરે છે. બન્ને કૅનવાસમાં ખાલી પડેલા અવકાશ વિશે વાત કરે છે. યુવતી પૂછે છે કે આ ચિત્રને લોકો શું કહે છે ત્યારે યુવક જવાબ આપે છે કે The Kiss. યુવતીને આશ્ચર્ય થાય છે કે ચિત્રમાં આપણે એવું તો કંઈ જ કરતા નથી!

અને છેલ્લે જોઈએ –

In Denmark
the birds don’t realise that sleep
is the only moment that allows humans
to fly like birds (પૃ. 117)
(ડેન્માર્કમાં/પક્ષીઓને ખ્યાલ નથી આવતો કે/માત્ર નિદ્રામાં જ મનુષ્યો/પક્ષીઓની જેમ ઊડી શકતાં હોય છે)

એનરિકી મોયા લાઘવના કવિ છે. ટૂંકી પંક્તિઓ, સૂક્ષ્મ રમૂજ, તીવ્ર વિરોધાભાસ, વિષયોની વિવિધતા આ સંગ્રહની રચનાઓની લાક્ષણિકતાઓ છે. લાંબાં કાવ્યો પણ તે ખંડ ખંડમાં લખે છે. ક્યારેક સરરીયલને, ક્યારેક કપોલકલ્પિતને, ક્યારેક સાહિત્યિક-કળા-વિચારણાને પણ અડકી આવે છે. આ કવિને આધુનિક કહું? અનુઆધુનિક કહું? પણ એવા કોઈ ખાનામાં વર્ગીકરણ કરવા કરતાં એક ગમતા કવિ કહું.

…………………

નાં કાવ્યો(ની પંક્તિઓ)ના અહીં મૂકેલા મારા અનુવાદ પૈકી કેટલાક કાવ્યાનુવાદો પૂર્વે ‘એતદ્’માં પ્રગટ થયેલા – ક.)


*

કમલ વોરા
કવિ, સંપાદક: ‘એતદ્’.
ઔષધિ-વ્યવસાય, મુંબઈ.
મુંબઈ.
kamal_vora@hotmail.com

9819820286
*