અવલોકન-વિશ્વ/દૃશ્યકળા અને સાહિત્યકળાનો સમદ્રવ – અદમ ટંકારવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દૃશ્યકળા અને સાહિત્યકળાનો સમદ્રવ – અદમ ટંકારવી


36-Lines-of-Vision-200x300.jpg


Lines of Vision: Irish Writers on Art
Ed. Jenet Mclean. London, 2014
મારા અંગ્રેજ કવિમિત્ર બ્રાયન લૂઈસે આ પુસ્તકનો ઉલ્લેખ કરતાં એની લાક્ષણિક શૈલી અલ્પોક્તિમાં કહેલું, હેવ એ લૂક, ઇટ મે ઇન્ટરેસ્ટ યૂ – જોઈ જજે, તને કદાચ રસ પડે. પુસ્તકમાંથી પસાર થતાં રસ પડ્યો; બેવડો નહીં તેવડો.

આયર્લૅન્ડની નેશનલ ગેલરીને 2014માં દોઢસો વર્ષ થયાં. આ પ્રસંગે ક્યૂરેટર જેનેટ મૅકલેનને એક સરસ વિચાર સૂઝ્યો. આયર્લૅન્ડના સાહિત્યકારોને આર્ટ ગેલરીમાં નોતરી વિનંતી કરી કે, અહીં સંગ્રહિત કલાકૃતિઓ જુઓ અને તમારી પસંદગીની કલાકૃતિના પ્રતિભાવ રૂપે સાહિત્યિક કૃતિ રચો. હેતુ: મજિર્ંગ અવ્ વિઝ્યૂઅલ એન્ડ રિટન્ આર્ટ. [દૃશ્યકળા અને સાહિત્યકળાનો સમદ્રવ – સંપા.]. કુલ 56આઇરિશ સાહિત્યકારોએ આને પ્રતિસાદ આપી કલાકૃતિપ્રેરિત કાવ્યો,ટૂંકીવાર્તાઓ અને લલિત નિબંધોનું સર્જન કર્યું. એની ઉપલબ્ધિ તે 232પાનાંનું આ પુસ્તક, જેમાં મૂળ કલાકૃતિની છબી અને તેના પ્રતિભાવ રૂપે રચાયેલી સાહિત્યકૃતિનો સમાવેશ થાય છે.

પુસ્તકમાં તેવડો રસ પડવાનાં કારણો જણાવું: ગૅલરીમાં સંગ્રહિત 15000કલાકૃતિઓમાંથી કયો સાહિત્યકાર કઈ કૃતિ પસંદ કરે છે તે જાણવાનું કુતૂહલ. વળી, એ કલાકૃતિને એ કઈ દૃષ્ટિએ જુએ છે – એ કૃતિ સંદર્ભે એનો ક્રિએટીવ રિસ્પોન્સ કેવો છે તે અંગેની જિજ્ઞાસા અને આ પ્રતિભાવને કઈ રીતે શબ્દસ્થ કરીને તે સાહિત્યિક કૃતિ સર્જે છે તે બાબતે ખેવના. પુસ્તક જોતાં/વાંચતાં જેમ જેમ આ બધું પમાતું જાય તેમ તેમ પુસ્તક વધુ આસ્વાદ્ય બનતું જાય છે.

ઉદાહરણરૂપે, 1995માં સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર આઇરિશ કવિ સૈમસ હિનીના કાવ્યની વાત કરીએ. આ કાવ્ય બે રીતે મહત્ત્વનું છે. સ્થૂળ વિગતમાં આ હિનીનું છેલ્લું કાવ્ય. કલાકૃતિના પ્રતિભાવરૂપે એણે આ કાવ્ય રચી જેનેટને મોકલ્યું. તે પછી ફોન કરી થોડા શબ્દો બદલ્યા. બે-એક પંક્તિઓ બદલી. કાવ્ય પરિપૂર્ણ થયું તે પછીના દસમા દિવસે 74વર્ષની વયે એનું અવસાન થયું.

બીજું, નોબેલ પારિતોષિક સ્વીકારતાં આપેલા વ્યાખ્યાનમાં એણે કવિતાની પોતાની વિભાવના વિશે જે વાત કરેલી તેની પડછે પણ આ કાવ્ય માણવા જેવું છે. પ્રતિભાવ માટે હિનીએ ફ્રેન્ચ ચિત્રકાર ગુસ્તાવ્ કાઈબોટનું નહેરનું ચિત્ર પસંદ કર્યું છે. કાવ્યનું શીર્ષક છે, બૅન્ક્સ અવ્ અ કનૅલ – નહેરના કાંઠા. કાવ્યમાં નહેરના શાન્ત પાણી અને તટપ્રદેશનું જૂજ શબ્દોમાં વર્ણન તો છે જ, પણ વિશેષ તો જોનારની ચેતના ઉપર આ દૃશ્યની કેવી અસર થાય છે તેની વાત છે. The poem is a poetic response to a landscape – આ એક પ્રાદેશિક વિસ્તારનો કાવ્યાત્મક પ્રતિભાવ છે.

નહેરના નિશ્ચલ સૌન્દર્યને નિર્દેશતાં કવિ કહે છે: Time is slowed to a walking pace and the world stands still – સમયની ગતિ નિરાંતવી છે અને જગત અચલ ઊભું છે. આમ તો કાંઠે કાદવ છે, હવાટ છે, ગંદવાડ છે પણ આ એવું દૃશ્ય છે જ્યાં Soul could mind itself of stray beyond– જોનાર આત્મરત થઈ જાય, કે ઊર્ધ્વગામી.

હિનીના મતે,કવિતા એ વિસંવાદિતાથી ભરેલા વિશ્વનું re-tuningછે. આપણી ચોપાસની કુરૂપતા વચ્ચે પણ કવિતા આપણી ચેતનાના અસલ સ્વરૂપને સાચવે છે. હિનીના આ કાવ્યમાં કાંઠે કૂડોકચરો છતાં આપણી ચેતના નહેરના નિશ્ચલ પાણી પર કેન્દ્રિત થાય છે. કાવ્યની સાથે ગુસ્તાવ્નું નહેરનું ચિત્ર છે તે જોતાં પણ આપણી નજર સહેજસાજ આસપાસ ઘૂમી નહેરના નીતર્યા જળ પર જઈ ઠરે છે અને ટાઢકની અનુભૂતિ કરાવે છે. આમ 1872ના પેઇન્ટીંગને pre-text [પૂર્વપાઠ]તરીકે સ્વીકારી હિનીએ કાવ્યરૂપે સંતર્પક text સર્જી છે.

આ સર્જનાત્મક પ્રતિભાવોને કારણે આપણને ચિત્રો જોવાની નવી દૃષ્ટિ અને નવો દૃષ્ટિકોણ મળે છે. આ પુસ્તકમાં સોળમી સદીનું એક ચિત્ર છે જેનો વિષય છે Nativity – ઈસુજન્મ. આ ચિત્રમાં માતા અને નવજાત શિશુની આસપાસ કશી સાજસજાવટ નથી. એના પ્રતિભાવરૂપે આઇરિશ કવિ ડૅનિશ ડિરિસ્કોએ કાવ્ય લખ્યું છે. તે અલંકૃત શૈલી વગરનું સ્વભાવોક્તિમાં છે. કવિ પૂછે છે:

Why put so opulent a gloss on the picture

When the anvarnished truth stares you in the face?

શૈલીના વાઘા કે ઠાઠઠઠેરા વગર વાસ્તવને જ ભાવક સમક્ષ મૂર્ત કેમ ન કરવું?

પુસ્તકમાં સમાવિષ્ટ 56સાહિત્યકારોમાં કોલન મેકૈન,પૌલા મીહાન, પોલ મલ્ડૂન અને જ્હોન મોન્ટેગ્યુ જેવા સમકાલીન સર્જકો છે. સાથે જ ક્રાઇમ વાર્તાકાર એલૅક્સ બાર્કલે અને પ્રણયકથાકાર પેટ્રિસિયા સ્કેન્લન પણ છે. કળાકૃતિપ્રેરિત આ રચનાઓમાં વિષયવૈવિધ્ય પણ છે – કલા, પ્રેમ, અભાવ, કુટુંબ, સ્વપ્ન, સ્મૃતિ, સ્થળવિશેષ અને ઓઝલ. કેટલાક પ્રતિભાવો સોંસરા પણ સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે, બીજા મૂળ કલાકારની ચેતનામાં પ્રવેશની અનુભૂતિવાળા. પુસ્તકમાંથી પસાર થતાં ભાવક અનુભવે છે કે, how art is perceived and how it inspires – સાહિત્યસર્જક કલાકૃતિને કઈ રીતે નીરખે છે અને એમાંથી કઈ રીતે પ્રેરણા પામે છે. ભાવક તરીકે evocation–ભાવસંચલનની પ્રક્રિયાના આપણે સાક્ષી બનીને એમાં સહભાગી થઈ છીએ.

વાર્તાકાર કૅવિન બૅરિએ અર્નેસ્ટ પ્રોક્ટરનું ‘ધ ડેવિલ્સ ડિસ્ક’ (1928)પસંદ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના અભાવગ્રસ્ત સમાજમાં લોકરંજનના માધ્યમ તરીકે મેળાનું આ ચિત્ર છે. ગરીબી અને હતાશામાંથી પલાયનના સાધન તરીકે લોકો મેળામાં જાય છે. ચિત્રમાં એક ટોળું ફરતા ચકરડા પર સમતોલ રાખવા મથતું ઊભું હોય છે પણ ગબડીને ભોંયે એકબીજા ઉપર ચકરભમર ઢગલો થઈ પડે છે – in a dizzy heap. એક છોકરી એક છોકરાના બાહુપાશમાં પડેલી છે, સ્વપ્નીલ ચહેરે અને પહોળા પગે. કેવિન કહે છે કે, ચિત્ર જોતાં જ મારા પર ધંૂધળા, ભયાવહ વાતાવરણની અસર થઈ – the young thrown together – યુવાની આમનેસામને. કેવિને પ્રતિભાવરૂપે ટૂંકીવાર્તા લખી તેમાં છોકરો મેળામાં છોકરીને મળે છે અને તેને પામવા મથે છે – quick fling – બે ઘડી રંગરાગમાં માટે. છોકરી ઇચ્છે છે કે, પેલો તેને chase કરે – તેનો પીછો પકડે. આમ, આ bittersweet fairground encounter – મેળામાં કડવી-મીઠી મુલાકાતની વાર્તા છે.

વાર્તામાં કેવિનની શૈલી નોંધપાત્ર છે. એના મતે વાર્તાના ગદ્યમાં ભાવકને human voice સંભળાવો જોઈએ – માનવઅવાજ. એ કહે છે કે, People want to hear stories ભાવક વાર્તા વાંચે ત્યારે માત્ર વાર્તા વાંચતો નથી, સાંભળે પણ છે. આપણને વાર્તાની ગરજ એટલે છે કે, our lives can be shit, miserable, cruel – આપણું જીવતર નાટકીય, કંગાળ, નિષ્ઠુર હોઈ શકે. આપણે ઇચ્છીએ એ રીતે જીવન ન જીવાય ત્યારે એને ઘાટ આપવા, અર્થ આપવા આપણે વાર્તા પાસે જઈએ છીએ. આ વાર્તામાં કેવિને પુનરુક્તિ પ્રયોજી છે તે ધ્યાનપાત્ર છે. એક જ શબ્દસમૂહ ચાર ચાર વાર વપરાય છે, અને Last night of the fair શબ્દો વાર્તાના આરંભે, મધ્યમાં અને અંતે આવે છે.

ક્રિસ્ટીન ડ્વાયરની પસંદગીનું ચિત્ર સ્ટેન્લી રોયાનું The Goose Girl (1922). ચિત્રનો પરિવેશ ગામઠી છે. નારંગી રંગના ફ્રોકવાળી ગ્રામકન્યા આસમાની રંગનાં વગડાઉ ફૂલો વચ્ચેથી શ્વેત બતકોને દોરી જાય છે. ઝાડોમાં ચળાઈને પડતો તડકો કાબરચીતરો છે. ચિત્રમાં ચૂપકીદી અને બરછટપણું છે. આ ચિત્ર જોતાં ક્રિસ્ટીનને લાગ્યું કે, The painting was window through which I could see snippets of other people’s lives, and in doing so recognise something of my own. આમ, ચિત્ર અન્યોના અને પોતાના હોવાપણા વિશેની સભાનતાને સંકોરવાનું નિમિત્ત બને છે. પોતાના પ્રતિભાવની અભિવ્યક્તિ માટે ક્રિસ્ટીન લાક્ષણિક ગદ્ય પ્રયોજે છે. જે લિરિકલ તો છે જ, પણ ખાસ તો એ unshowy ખોટી ચમકદમક વગરનું, lean એટલે મેદ વિનાનું છે. Every bit of fluff has been cut – એકેએક રુંછુંરુંવાટું ખંખેરીને સાફસૂથરું ગદ્ય પ્રયોજાય છે. ક્રિસ્ટીન કહે છે કે, વર્ણન કરતાં પહેલાં તમારા માથાની અંદરના બંબિને જુઓ, પછી શબ્દ પ્રયોજો. તમારા લખાણમાંથી ઊઠતા ધ્વનિને પણ સાંભળો. એક મુલાકાતમાં ક્રિસ્ટીનને પૂછ્યું કે, તારો ગમતો શબ્દ કયો? એણે કહ્યું: વિસ્પર – મંદ રવ.

આ પુસ્તકના ઉપક્રમ વિશે ટોમસ મૅકામિર્ કહે છે: કળાકૃતિનો શો અર્થ થાય છે એ બાબતે મેં કદી ઝાઝી પળોજણ કરી નથી. હું તો સદા એ જોઉં છું કે આ કળાકૃતિ મને શું કરે છે. What art does to these writers is the real theme of this book – કળાકૃતિઓ આ લેખકોની ચેતનાને કઈ રીતે સંચલિત કરે છે તે જ આ પુસ્તકનો મૂળ વિષય છે.

સંપાદક જૅનૅટ નોંધે છે કે 56સર્જકોમાં પ્રત્યેકનો અભિગમ અલગ છે, પ્રત્યેકની મુદ્રા અલગ છે અને દરેક કૃતિમાં જે તે સર્જકની eccentricity – વિલક્ષણતા પ્રકટ થાય છે.

આ સમગ્ર પુરુષાર્થ પાછળનું પ્રેરકબળ તે જૅનૅટની આર્ટ મ્યુઝિયમની વિભાવના. એ કહે છે કે,કલાકૃતિઓનું સંગ્રહાલય એટલે a refuge from the madness of the outside world – ભુરાંટ બાહ્યજગતથી દૂર આપણું આશ્રયસ્થાન.

કલાકૃતિજન્ય આનંદને બેવડાવતા આ માતબર પુસ્તકમાં પ્રવેશ કરતાં જ આપણે આવું કવચ પામ્યાની ધરપત અનુભવીએ છીએ.

છેલ્લે, એક આડવાત, યુ.કે.ના સંદર્ભે આ પ્રયોગ નવતર ન ગણાય. અહીં વિદ્યાલયો ઉપરાંત પુસ્તકાલયો, સંગ્રહાલયો, નગરપાલિકાઓ, આરોગ્ય કેન્દ્રો અને રેલ્વે સુધ્ધાં સ્થાનિક સાહિત્યકારોને પ્રસંગોપાત નોતરે છે અને સાહિત્યકૃતિના સર્જનનું નિમિત્ત પૂરું પાડે છે. આવી કૃતિઓ સર્જાય તે પોતાના નેટવર્ક દ્વારા જનસમૂહ સુધી પહોંચાડે છે. આવા અનુબંધને પરિણામે સર્જનાત્મક પ્રવૃત્તિને વેગ મળે છે, અને સમાજ સાહિત્યાભિમુખ રહે છે.

*

અદમ ઘોડીવાલા / ‘ટંકારવી’
કવિ, નિબંધકાર.
અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક,
વલ્લભવિદ્યાનગર;
સ્કૂલમાં આચાર્ય,લંડન.
લંડન.
ghodiwalaa@yahoo.co.uk
0044-1204-523268

*