અવલોકન-વિશ્વ/નિષ્ઠુરતા અને વેદનાની વાર્તાઓ – રેણુકા શ્રીરામ સોની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિષ્ઠુરતા અને વેદનાની વાર્તાઓ – રેણુકા શ્રીરામ સોની


35-RENUKA-190x300.jpg


કંટા ઓ અન્યાન્ય ગલ્પ – ગૌરહરિ દાસ
ભારતભારતી, સુતાહાટ, કટક, 2009
આ પુસ્તકના લેખક ગૌરહરિ દાસ (જ. 1960) ઓડિશાના ભદ્રક જિલ્લાના છે. તેઓ ઉડિયા સાહિત્યના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, કટારલેખક, નાટ્યકાર, પ્રાબંધિક [નિબંધકાર] અને અનુવાદક છે. ગૌરહરિ દાસે 47પુસ્તકો લખ્યાં છે. એમાં કેટલાક વાર્તાસંગ્રહો છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહ ‘કાંટો અને બીજી વાતો’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 2013નો પુરસ્કાર મળેલો છે.

પહેલી વાર્તા ‘કાંટો’(કંટા)નો નાયક નકુળ નાયક 60વર્ષનો, ઊંચો, ટાલિયો, લુચ્ચી આંખોએ જાડા કાચનાં ચશ્માં વાળો, પાન ચાવ્યા કરવાથી લાલ થયેલા દાંતવાળો, આખા શરીરે વાળવાળો છે. કોઈનું દુ:ખ જોઈ ખુશ થનારો. સત્તાવીશ વર્ષનો હતો ત્યારે બાપે ઘરમાંથી કાઢી મૂક્યો. નાસીને કટક ગયો. અચાનક એક વકીલે તેને ખોટો સાક્ષી થવા માટે બોલાવ્યો. દશ રૂપિયા આપ્યા. તે દિવસથી તેને જીવનની નવી દિશા મળી ગઈ. જુદા જુદા કેસોમાં જુઠ્ઠી જુબાની આપે, ખોટી સહીઓ કરે. પછી તો કઈ કઈ કલમોમાં માણસને ખોટા સંડોવી લેવાય તે એણે આત્મસાત્ કરી લીધું. પહેલાં તો જુઠ્ઠો સાક્ષી થતો, પણ હવે તો જુઠ્ઠા કેસ કરતો ય થઈ ગયો. સરકારી બે-સરકારી લોકો માટે જુઠ્ઠી-સાચી પીટીશન કરવાનું તેનું મુખ્ય કામ. બધા એનાથી ડરે અથવા ખોટું માન આપે. માછલી વેચવાવાળાથી માંડીને નેતા સુધી બધાં એને ઓળખે. કોઈ ન ઓળખે તો એને કહે: લાલ કચેરી (કોર્ટ) જવાનો થયો લાગે છે. લોકો તેના પડછાયાથી પણ દૂર રહે. કટક છોડી પોતાના ગામ ભદ્રક ગયો ત્યાં પણ આ જ ધંધો.

નકુળ નાયકને કાયદાની બધી કલમો મોઢે. કચેરીના પરિસરમાં ઘરડો વડ અને નકુળ નાયક બન્ને પ્રખ્યાત. વડ નીચેની બેન્ચ પર એની બેઠક. એ પછી સાક્ષી, જામીન, વાદી, પ્રતિવાદી બધાં નકુળને આવીને મળે. તે જાણે હરતો ફરતો વિશ્વકોશ. નકુળ નાયકને ખબર છે કે આ દેશમાં કેસ થાય એટલે કદી અંત આવે નહિ. તે માણસ જોઈ શસ્ત્ર ઉગામે. કેટલાય લોકોને તેણે ઘરમાંથી રસ્તા પર લાવી દીધા.

ગામના એક યુવાન ગોપાલ માસ્તરે નકુળ નાયકને ગામના યુવાનો સમક્ષ કાંટો કહ્યો અને બસ માસ્તરનું આવી બન્યું. તેની વિરુદ્ધ વન્યજંતુ અંગેના કાયદાની નવમી કલમ, એકવીસમી કલમ અને ઓડિશા વન સુરક્ષા કાયદાની સત્તાવીશમી કલમ લગાવી છે. બન્નેમાંથી એકમાં પણ જામીન ન મળે. કહ્યું કે માસ્તરે જંગલમાં જઈને મિત્રો સાથે પશુહિંસા કરી છે. માંસ ખાધું છે, જંગલનાં ઝાડ કાપ્યાં છે. નકુળે વન વિભાગના કર્મચારીને ફોડીને થોડું માંસ અને કાપેલાં ડાળખાં ભેગાં કરી સાબિતી એકઠી કરી.

માસ્તરની પત્નીને પૂરા દિવસો જતા હતા. અહીં સુવાવડની પીડા ઊપડી ને ત્યાં પતિને પોલીસ પકડીને લઈ ગઈ. માસ્તરની પત્નીનું દુ:ખ જોઈ નકુળને તે દિવસે સારી ઊંઘ આવી.

નકુળર સ્ત્રી કહુથિલા, ગોપાન માસ્ટ્રર સ્ત્રીહી દુર્બળિરવા, પૂણિ પેટર પિલાટિ ઓલટિ પડિછિ કિ કણ ભારિ દહગંજ હેઉછિ. નકુળ એકથા શુણિ કિછિ કહિ ન થિલા. મુંહ બુલેઈ ઘુઘુંડિ મારી સોઈથિલા, એ સબુ શુણિલા પરે સતુક સત તાકુ કાલિ જાલ નિંદ હોઈયિલા.

(નકુળની પત્ની કહેતી હતી, ‘ગોપાલ માસ્તરની પત્ની ખૂબ નબળી છે, વળી પેટમાં છોકરું પણ ઊંધું છે કે શું, ખૂબ પિડાય છે.’ નકુળ મોઢું ફેરવી નસકોરાં બોલાવતો ઊંઘતો હતો. આ બધું સાંભળ્યા પછી ગઈકાલે તેને ખરેખર સારી ઊંઘ આવી.)

નકુળ નાયકનો દીકરો બાવીસ વર્ષનો. વામન આકૃતિ બાપ એને બાયલો નકામો ગણે. દીકરો ભલો. માસ્તરને છોડાવી લાવવાનું કહેતાં બાપાએ તેને ગાળો આપી કાઢી મૂક્યો. એ જ દીકરાએ પછી, બાપની પદ્ધતિઓનો ઉપયોગ કરી નકુલને જેલ ભેગો કર્યો! કાંટાથી જ કાંટો નીકળે. નકુલ જેને નક્કામો માનતો હતો, એ દીકરે જ એનો ભ્રમ તોડી દીધો!

આ સિવાય આ સંકલનની બીજી વાર્તાઓમાં લેખક એવાં ચરિત્રોની વાત કહે છે જેને સમાજ તુચ્છ નજરે જુએ છે. લેખકે એ ચરિત્રોની અવગણના નથી કરી. તેમનાં ઊજળાં અંતરમનની છબી રજૂ કરી છે. બીજી વાર્તા ‘સત્ય’(સત)માં કુષ્ઠરોગી હરિશંકર, અને સરપંચના દુષ્કર્મનો ભોગ બનેલી ‘માલતી’; ‘સુદામા ક્યાં ગયો’ (સુદામ જેના ગલા કુવાડે) વાર્તામાં સુદામા, ‘ડાકણ’ (ડાઆણી) વાર્તામાં પૂણિર્મા આ બધાં ચરિત્રો સાધારણ ચરિત્રો કરતાં વધારે બળવાન લાગે છે.

કેટલીક વાર્તાઓના પાયામાં ઓડિશામાં ચાલતા કુરિવાજો અને કુસંસ્કારો અને અંધશ્રદ્ધા આધાર તરીકે છે. આપણે બધાંએ જીવન દરમ્યાન અંધશ્રદ્ધાની વેદીમાં હોમાયેલા નિર્દોષ લોકો જોયા હશે. જાતિ, ધર્મ અને આર્થિક વિષમતાની જેમ આ અંધશ્રદ્ધા અને કુરિવાજોએ કેવી રીતે ભારતીય સમાજને કોરી ખાધો છે તે આપણે બધાંએ અનુભવ્યું છે. અત્યાર સુધી આ સમસ્યાઓને સૌએ નિરક્ષર પછાત અને ગરીબોની સમસ્યા ગણીને અવગણી છે.

‘સત્ય’ વાર્તામાં કુષ્ઠરોગી હરિશંકર સારા થઈ ગયા પછી પણ ગામલોકોથી હડધૂત થઈ છેલ્લાં દશ વર્ષથી પરદેશીની જેમ પોતાનું મહેલ જેવું ઘર, તળાવ, ફળફૂલની વાડી છોડી ગામના છેવાડે આવેલા વાંસવનમાં નાનીસરખી ઝૂંપડી બાંધી રહે છે. ગરીબ વીસ-એકવીસ વર્ષની માલતી બે વખત રાંધી આપે, પાણીની માટલી મૂકી જાય. હરિશંકરની જમીન હડપ કરી જવાના ઇરાદાથી,તેઓ ગામ છોડી જતા રહે એ માટે સરપંચ કાવાદાવા કરે છે. માલતી સરપંચની વાસનાનો શિકાર બની ગર્ભવતી બને છે અને તે માલતી પર દબાણ કરે છે કે, આ પાપ હરિશંકરનું છે એમ કહે. છેલ્લે માલતીને બચાવવા હરિશંકર આળ પોતાના પર ઓઢીને પોતાની જમીન જાયદાદ માલતીના નામે કરી જાય છે.

‘ડાકણ’(ડાઆણી) વાર્તામાં સુંદર યુવતી પૂણિર્મા દહેજ વગર પરણીને આવી હોય છે. શંકા-કુશંકાનો ભોગ બનાવીને તેને સાસરીમાંથી કાઢી મુકાય છે. છેલ્લે તે આઘાતથી મરી જાય છે. પાછળથી તેના પતિની આંખ ખૂલે છે અને પસ્તાવો થાય છે.

‘મા’ (માઆ) વાર્તામાં સુલોચના એના પતિની શિક્ષિત પ્રેમિકાના છળકપટનો ભોગ બને છે. એને અપશુકનિયાળ સાબિત કરી બાળક જન્મતાંની સાથે જ બાળકથી વિખૂટી પાડી ઘરમાંથી કાઢી મુકાય છે. મહિનામાં એક વાર દીકરાને જોવાની મંજૂરી મળી હતી. નદી કિનારે સામે પારથી, સાસરીના ગામમાં આવી વડની નીચે ઊભી રહી લાજમાંથી જુએ. દીકરાના બે પગ દેખાય – જે ક્યારેક મેલા,ક્યારેક સાફ, ક્યારેક ચપ્પલ પહેરેલા, ક્યારેક જૂતાં પહેરેલા હોય. એને ઢીંચણથી ઉપર જોવાની માની હિંમત ચાલે નહિ! દીકરાને એની મેલી નજર લાગી જાય તો. સત્તાવીશ વર્ષ પછી, પુત્રવધૂ બની આવેલી છોકરી સસરાના જીવનમાં આવેલી બીજી સ્ત્રીનું કપટ છતું કરી દે છે. સુલોચના કોઈ પણ અપરાધ વગર પોતાની જિંદગી ધૂળધાણી થયાનું દુ:ખ સહન કરી શકી નહીં અને નદીમાં કૂદી પડી.

પૂર્વ ભારતમાં નકસલવાદ ફેલાયો છે. નકસલવાદી અને સરકાર વચ્ચે પકડદાવ ચાલ્યા કરતો હોય છે. ‘કોરાપૂટ’ વાર્તામાં પૂણિર્મા પોતાનો જેની જોડે વિવાહ થયો હોય છે તે પ્રશાન્તને મળવા કોરાપૂટ જાય છે. પ્રશાન્ત જિલ્લાકલેક્ટર છે. કોરાપૂટ ઓડિશાનો અંતરિયાળ આદિવાસી પ્રદેશ છે. કુદરતે અહીં છૂટે હાથે સુંદરતા વેરી છે. ઓડિશાનું કાશ્મીર ગણાતા કોરાપૂટની પ્રકૃતિનું સુંદર વર્ણન લેખકે કર્યું છે: ‘પહાડ ઉપરે મેઘમાળા, ચારિપટે શ્યામળ શુષમા. એતે સુંદર કોરાપુટ! સે કાશ્મીરર ચિત્ર દિખિથિલા સિનેમારે, કિન્તુ કોરાપુટ કાશ્મીર તુળનારે કિછિ કમ્ નહિ. મુહુર્મુહુ: રંગ બદલાઉછિ કોરાપુટર આકાશ’.

(પહાડ ઉપર વાદળોની હારમાળા. ચારે બાજુ હરિયાળું સૌંદર્ય. આટલું સુંદર કોરાપુટ! તેણે સિનેમાના પડદા પર કાશ્મીરની છબી જોઈ હતી પણ કોરાપુટ કાશ્મીર કરતાં કંઈ ઊતરતું નથી. ઘડી ઘડી રંગ બદલે છે કોરાપુટનું આકાશ.)

પૂણિર્મા સ્ટેશને ઊતરે છે ત્યારે પ્રશાન્તના બદલે નકસલવાદીઓ પૂણિર્માનું અપહરણ કરી લઈ જાય છે. અને પૂણિર્માને છોડાવવા માટે પ્રશાન્ત પાસે મોટી રકમ માગે છે. એ લોકો વાતો કરે છે કે પ્રશાન્તે ખોટી રીતે બહુ પૈસા ભેગા કર્યા છે. પૂણિર્માને આ વાત ગળે ઊતરતી નથી. એના મનમાં તો પ્રશાન્તની સ્વચ્છ છબી કંડારાયેલી હોય છે. પ્રશાન્ત પૈસા ચૂકવી એને છોડાવી લે છે ત્યારે પૂણિર્મા પૂછે છે, પૈસા ભેગા કરવા એને ખૂબ મુશ્કેલી પડી હશે. પ્રશાન્ત હસે છે અને એને જવાબ મળે છે એનાથી પૂણિર્માનું મન આઘાતથી ક્ષુબ્ધ થઈ જાય છે. એને થાય છે આના કરતાં તો નકસલવાદીઓએ એને છોડી જ ન હોત તો પ્રશાન્તની આ કાળી છબી પોતાને જોવા મળી ન હોત!

નકસલવાદ પર આધારિત બીજી વાર્તા ‘પોડા ભૂઇં’ (બળેલી ભોંય)માં આનંદથી કિલ્લોલતી, હસતી, રમતી, મા વિનાની બે કિશોરીઓ શિક્ષક પિતા જોડે શહેરમાં એક કોલોનીમાં રહેતી હોય છે. કોલોનીમાં બધાં હળીમળીને સાથે રહેતાં હોય છે. અને શિક્ષક પિતા કોલોનીની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતા હોય છે. અચાનક પોલિસ પિતા સંતોષને નકસલવાદીઓને મદદ કરવાના આરોપસર પકડીને લઈ જાય છે. તે જ દિવસથી જેને તેઓ કાકા, મામા કહેતી તે પડોશીઓનું વલણ દીકરીઓ પ્રત્યે બદલાઈ જાય છે, તે ઘરમાં તોડફોડ કરે છે. એક સમાજસેવિકા તેમને પોતાની સાથે લઈ જાય છે. ત્રણ દિવસ પછી ગુનો સાબિત નહીં થતાં પોલીસ સંતોષને છોડી દે છે. દીકરીઓ પિતા જોડે પાછી ફરે છે. પડોશીઓ હારતોરા કરવા આવે છે. ભલો ભોળો આદિવાસી શિક્ષક જે કુદરતના ખોળે આદિવાસી પ્રદેશમાં ઊછર્યો છે તેને ઉજળિયાત પડોશીઓનાં પ્રેમ અને નફરતનો અનુભવ થાય છે. તેનું મન આઘાતથી ક્ષુબ્ધ થઈ જાય છે. છોકરીઓ પણ કહે છે, આપણે અહીં નથી રહેવું.

સંકલનની બીજી વાર્તાઓ પણ લેખકે આપણી આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લઈને પોતાને અભિપ્રેત વાત કહી છે. છેલ્લી ત્રણ વાર્તા ‘સદગતિ’, ‘ભસા મેઘ’ (તરતાં વાદળ) અને ‘કથાદેઈછિ’ (વચન) આ પ્રકારની વાર્તાઓ છે. ‘બારૂદ’ (દારૂગોળો) અને ‘સંબર્ધના’ (સન્માન) વાર્તામાં આપણા સાંપ્રત રાજકારણમાં ચાલતા રાજકારણીઓના દ્વિપક્ષી વલણની વાત છે.

આ સંકલનમાં લેવાયેલી 16વાર્તાઓને વાર્તાકારે જે દોરી વડે ગૂંથી છે એમાં ખાલી આવેગ જ નહિ તર્ક અને અનુભવનો માંજો પણ પાયો છે.

*

રેણુકા શ્રીરામ સોની
ઉડિયામાંથી અનુવાદક
વ્યવસાયે તબીબ,અમદાવાદ.
અમદાવાદ
renukasoni1954@gmail.com

9427508292
*