અવલોકન-વિશ્વ/સહજ વહેતી શૈલીમાં ચરિત્રાલેખન – અશોક મેઘાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સહજ વહેતી શૈલીમાં ચરિત્રાલેખન – અશોક મેઘાણી


20-Prince-of-Gujarat-Cover.jpg


Prince of Gujarat – The Extraordinary story of Prince
Gopaldas Desai – Rajmohan Gandhi – Alpha, New Delhi, 2014
શ્રી રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં નોંધપાત્ર જીવનચરિત્રો આપ્યાં છે જેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને અબ્દુલ ગફાર ખાનના જીવન અને કાર્યના અભ્યાસપૂર્ણ ચિતાર જોવા મળે છે. ઐતિહાસિક માહિતીને પોતાના આગવા દૃષ્ટિબિંદુથી રજૂ કરવાની અને એની છણાવટ કરવાની આવડત એમનાં એ સિવાયનાં પુસ્તકોમાં પણ સરસ રીતે વપરાઈ છે.

આ પુસ્તક એમની એ આવડતનો એક વધુ દાખલો આપે છે. પણ, આ પુસ્તક એમનાં બીજાં જીવનચરિત્રોથી જૂદું એટલે પડી આવે છે કે એમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ અજાણ્યા એવા એક વ્યક્તિત્વની વાત છે. ‘દરબાર’ ગોપાલદાસ દેસાઈ એમના સમયમાં ગુજરાતમાં અને સ્વતંત્ર્ય સંગ્રામની નેતાગીરીમાં તો ઘણા જાણીતા હતા, પણ વિવિધ કારણોસર ભારતને સ્વતંત્રતા મળ્યા પછીના ઇતિહાસમાં એમનું નામ લગભગ નહીં જેવું જોવા મળે છે.

તો પછી રાજમોહન ગાંધીએ રાજેન્દ્ર પ્રસાદ, સુભાષ બોઝ કે એવાં બીજાં જાણીતાં નામો છોડીને આવી લગભગ અજાણ વ્યક્તિ વિષે લખવાનું અને એ પણ આટલાં વર્ષો પછી, કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ લેખક પુસ્તકની ઓળખાણ આપતા ‘Why Darbar Gopaldas Now?’ (દરબાર ગોપાલદાસ અત્યારે શા માટે?) નામના પ્રકરણમાં આપે છે. એમના જવાબનો સાર એ છે કે આજના 21મી સદીના ભારતને નેતાઓમાં જે જે યોગ્યતાની જરૂર છે – સાદાઈ, નિખાલસતા, નૈતિક હિંમત,વિચારોની દૃઢતા, શાંત આત્મવિશ્વાસ અને સંબંધોની શુદ્ધતા – એ બધી ગોપાલદાસમાં મોટા પ્રમાણમાં હતી. ઝવેરચંદ મેઘાણીએ એમની નવલકથા ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ – જેમાં દરબાર ગોપાલદાસના જીવન પરથી રાજા સુરેન્દ્રદેવનું પાત્ર ઊભું કરેલું – એના અંતમાં એવો ઉદ્ગાર મૂકેલો કે ‘હવે એ (સુરેન્દ્રદેવજી) પાછા આવે ત્યાં સુધી વાટ જોવાની’. આ વાતના ઉલ્લેખથી શરૂ કરીને પ્રકરણના અંતમાં શ્રી ગાંધી કહે છે:

‘I should confess that it was impossible, while preparing this study, not to wonder about political personalities from today’s Gujarat. How does their flexibility compare with Gopaldas’s integrity? How does their double-speak look when placed next to Gopaldas’s consistency? Their oft-agitated language next to his calm confidence? How do politicians today deal with the hugely rich and powerful, and how did Gopaldas deal with their counterparts in his time?

Such questions were and are inescapable. Yet whenever the performance of today’s powerful politicians dissappoints us, we can perhaps recall the reality of Gopaldas’s honest, all inclusive heart, which was inclined in favour of the week, and of his straight-forward tongue and, for a moment, feel glad.’

(મારે સ્વીકારવું પડે કે આ વિષયનો અભ્યાસ કરતી વખતે આજના ગુજરાતના રાજકારણીઓ વિશે વિચાર નહીં કરવાનું મારે માટે અશક્ય હતું. ગોપાલદાસની દૃઢ પ્રામાણિકતા સાથે લોકોની સહેલાઈથી બદલાતી વિચારસરણીની સરખામણી થઈ શકે? બે મોઢે વાત કરવાની આજની રીત ગોપાલદાસની અડીખમ નિશ્ચલતાની બાજુમાં કેવી લાગે? એ લોકોના ઉશ્કેરાટભર્યા ઉદ્ગારો સાથે ગોપાલદાસનો શાંત વિશ્વાસ સરખાવી શકાય? આજના રાજકારણીઓ ધનવાન અને બળવાન માણસો સાથે કેમ વર્તે છે, અને ગોપાલદાસે પોતાના સમયમાં એવા જ લોકો સાથે શું વર્તન કર્યું?

આવા સવાલોને એકમેકથી જુદા ન જ પાડી શકાય. છતાં, આજે જ્યારે કોઈ સત્તાશાળી રાજકારણીના વર્તન અને કામથી આપણને અસંતોષ હોય, ત્યારે જો આપણે મોટેભાગે નબળાને પક્ષે ઢળતું ગોપાલદાસનું ચોખ્ખું અને વિશાળ હૃદય અને એમની પ્રામાણિક જીભને યાદ કરીએ તો મનને ઘડીભર તો જરૂર સુખ થાય!)

લેખકે આ જીવનચરિત્રની શરૂઆત ઐતિહાસિક સંદર્ભ આપીને કરી છે. હરપ્પાની સંસ્કૃતિના સમયથી માંડીને ગુજરાત પરના મોગલ, મરાઠા અને અંગ્રેજ શાસનની તવારીખની અસર ગુજરાત-સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણ પર કેવી હતી એનો ખ્યાલ આપવા એમણે પ્રયત્ન કર્યો છે. ગોપાલદાસના ચરોતરવાસી પૂર્વજ અને વડોદરાના ગાયકવાડના લશ્કરી અમલદાર દેસાઈભાઈએ સૌરાષ્ટ્રમાં દૂર રાય-સાંકળી અને ઢસામાં પોતાનું નાનકડું રજવાડું કેવી રીતે સ્થાપ્યું એનો વિગતવાર ઇતિહાસ લેખક આપે છે. લગભગ બસો વર્ષ પછી, ત્યારના રાજા અને ગોપાલદાસના નાવારસ માતામહ અંબાઈદાસે 1905માં 18વરસના ગોપાલદાસને કાયદેસર દત્તક લઈને પોતાના વારસ જાહેર કર્યા. રાય-સાંકળીના ભવિષ્યના રાજાને પોતાનાં નવી ‘મા’ અને ‘મામા’ તરફથી જે વિરોધ અને વૈમનસ્ય સાંપડ્યાં એ આ પુસ્તકનું લગભગ આખું એક પ્રકરણ લઈ લે છે. 1910માં અંબાઈદાસના મૃત્યુ પછી એમના વારસા માટે બીજાં સગાં-સંબંધીઓના અદાલતી દાવા થયા, અને ગોપાલદાસનું ઢસા અને રાય-સાંકળીની ગાદી પર વિધિસરનું આરોહણ થતાં બે-એક વરસ નીકળી ગયાં. એ પછી પણ એમને બદનામ અને હેરાન કરવાના કાવાદાવા ચાલુ રહ્યા. પણ, આ સમય દરમ્યાન અત્યાર સુધી નરમ મનાતા ગોપાલદાસનાં દૃઢ મનોબળ, કુનેહ અને વિરોધીઓ સાથે પણ માનભર્યો વ્યવહાર રાખવાની સમજણ બહાર આવ્યાં.

1910માં ગોપાલદાસનાં પત્ની ચંચળબા એમને પ્રથમ પુત્રની ભેટ આપે છે. પણ,એ પુત્ર સૂર્યકાન્ત બે વરસનો થાય એ પહેલાં ચંચળબા ક્ષય રોગનો ભોગ બની દુનિયા છોડે છે, પણ મરણપથારીએ ગોપાલદાસ પાસેથી બે વચન લે છે: એક, પુત્ર સૂર્યકાન્તની સંભાળ સચવાય તે માટે એમણે ફરી લગ્ન કરવાં;બે, એ કન્યા છ ગામના ગોળની ન હોય. ગોપાલદાસ બંને વચન પાળે છે અને કુટુંબની સલાહ અવગણીને છ ગામથી બહારના ગામ વીરસદની કન્યા ભક્તિલક્ષ્મીને પરણે છે.

પછીનાં પ્રકરણોમાં ગોપાલદાસનાં રાજકર્તા તરીકેનાં અને માનવતાલક્ષી વલણોનો વિકાસ દર્શાવાયો છે. પોતાની પ્રજાના – ખાસ કરીને સ્ત્રીઓ, અંત્યજો અને મુસ્લિમોના – ભલાનો વિચાર પ્રથમ મૂકનાર અને સામાજિક સુધારા માટે ધગશથી પ્રયત્ન કરનાર ગોપાલદાસ કદાચ એમના સમયથી ઘણા આગળ વધેલા રાજા હતા. પોતાનું સ્વમાન અને કાયદાના પાલન માટેનો આગ્રહ ગોપાલદાસે અંગ્રેજ સરકારના પોલિટિકલ એજંટનો ખોફ વહોરીને પણ સાચવ્યાં એના પ્રસંગો લેખક આપે છે. ગોપાલદાસે એમના નાનકડા રાજ્યમાં દાખલ કરેલા જવાબદાર લોકશાહી શાસનના અમુક અંશો સમગ્ર ભારતના નાનામોટા રાજાશાહી શાસનોના ઇતિહાસમાં તો વિરલ જ હશે.

પછીનાં પ્રકરણોમાં લેખક ગોપાલદાસનું બીજું એક પરિવર્તન વર્ણવે છે. પરદેશી શાસનને ધિક્કારતા અને સામાજિક સુધારાની જરૂર સમજતા ગોપાલદાસ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ગાંધીજીની અસર નીચે આવે છે અને,ખાદીધારી બની ઉઘાડેછોગ અસહકારની ચળવળમાં ભાગ લેવાથી, અંગ્રેજ પોલિટિકલ એજન્ટની ખફા નજર વહોરે છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં ઉત્તરોત્તર ઊંડા ઊતરતા અને પોલિટિકલ એજન્ટના હુકમોને સીધા પડકારતા ગોપાલદાસ સમજે છે કે પોતાની રિયાસત ગમે ત્યારે જઈ શકે, પણ સરકારની માફી માગવાની એ સ્પષ્ટ ના કહે છે. ન બનવાનું બને તો રિયાસત પરનું એક લાખ રૂપિયાનું દેવું સરકાર ઢસા અને રાય-સાંકળીના પ્રજાજનો પાસેથી વસૂલ ન કરે એટલા માટે કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેવું ભરપાઈ કરે છે. અંતે 1922ના જુલાઈમાં સરકાર એમનું રાજ જપ્ત કરે છે. ગોપાલદાસ અને ભક્તિબા,વસોની પોતાની હવેલીમાં રહેવા ન જતાં, આણંદ અને પછી બોરસદમાં રહીને પોતાની તમામ શક્તિથી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવે છે.

અસહકારના આંદોલનની ગુજરાતમાં થતી બધી જ પ્રવૃત્તિમાં સક્રિય ગોપાલદાસ વલ્લભભાઈ પટેલની સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. વલ્લભભાઈ ગોપાલદાસને પાટીદાર કોમના ‘રત્ન’ તરીકે વર્ણવે છે. ગોપાલદાસ સૌરાષ્ટ્રની પ્રજાના લાડકા ‘દરબાર’ બને છે. એમને છ મહિનાની સખત કેદની સજા મળે છે. 1928નો બારડોલી સત્યાગ્રહ ગોપાલદાસની નેતૃત્વશક્તિ અને ધગશની ઝાંખી કરાવે છે. 1930માં દાંડી તરફની કૂચ દરમ્યાન ગાંધીજી જાહેરમાં કહે છે કે ‘સરદાર અને દરબાર’ને જન્મ આપનાર ખેડા જિલ્લાને એમણે વધુ કાંઈ કહેવાનું રહેતું નથી. એ મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે બે વર્ષની જેલની સજા ગોપાલદાસ પોતાના જ્યેષ્ઠ પુત્રનાં લગ્ન અને પાંચમા પુત્રના જન્મ પછી ત્રણ જ દિવસે હસતે મોઢે સ્વીકારે છે. થોડા મહિના પછી ભક્તિલક્ષ્મી પણ કાનૂનભંગ માટે સજા પામીને સાત-આઠ મહિનાના બાળક બારિંદ્ર સાથે એ જ સાબરમતી જેલમાં પહોંચે છે. ગોપાલદાસ 1942માં હિંદ છોડો ચળવળ માટે ફરી જેલમાં જાય છે. સ્વાતંત્ર્ય જ્યારે નક્કી જ હતું ત્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે સ્થપાયેલી Constituent Assembly (બંધારણસભા)માં ગોપાલદાસ વડોદરા રાજ્યના પ્રજાજનોના પ્રતિનિધિ નિમાય છે.

અંગ્રેજો ગયા પછીનું સ્વતંત્ર ભારત એક સંગઠિત રાષ્ટ્ર બને એ માટે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજ્યો-રજવાડાંને ભારતના એકમમાં ભેળવી દેવાના સરદાર પટેલના પ્રયાસોમાં ગોપાલદાસ દિવસ-રાત ભાગ લે છે. 1946માં એમને પાછું મળેલું એમનું નાનકડું રાજ્ય ઢસા-રાય-સાંકળીનું રજવાડું એ જ દિવસે એ ભારતીય એકમમાં આપી દે છે; ભારતનાં બધાં જ રજવાડાંમાં એમનું આ પગલું સર્વપ્રથમ બને છે.

સ્વતંત્રતા પહેલાં અને પછીના ગુજરાત-સૌરાષ્ટ્રના નેતાઓમાં પહેલી હરોળના એમના સ્થાન છતાં નેતા-પસંદગીમાં સરદાર પટેલે (મોરારજી દેસાઈના દોરીસંચારથી?) કરેલી ગોપાલદાસની અવગણનાનાં કારણો વિશે લેખક પોતાનાં અનુમાનો રજૂ કરે છે. જે પદવી, જે કામ માગ્યું હોત તે એમને મળ્યું હોત, પણ સ્વમાની ગોપાલદાસે સરદાર પટેલની નેતાગીરીને આંચ આવે એવું કરવાની અનિચ્છાથી પોતાના હક્કની માગણી ન કરી એવી પોતાની માન્યતા લેખક દર્શાવે છે. સત્ય જે હોય તે, જાહેર હકીકત એ છે કે ગુજરાત-સૌરાષ્ટ્રના ચાર મુખ્ય પ્રધાનો ઉ. ન. ઢેબર, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલ પોતાને દરબાર ગોપાલદાસના હાથ નીચે તૈયાર થયેલા ગણાવવામાં ગર્વ લેતા હતા.

અંતે, ગોપાલદાસે જો 1951માં 64વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લીધી ન હોત તો એ શું બન્યા હોત અને શું કરી શક્યા હોત એની તો, લેખક કહે છે તેમ, હવે કલ્પના જ કરવાની… અને એ (કે એમના જેવા કોઈ) પાછા આવે એની વાટ જોવાની.

*

રાજમોહન ગાંધીની સહજ વહેતી ભાષા અને ઐતિહાસિક સત્યોનો એમણે કરેલો નિચોડ આ પુસ્તકને જરૂર વાંચવા જેવું બનાવે છે. એમના લખાણના એક-બે નમૂના જોઈએ:

ઝ્ ‘Soon he was participating with them in more than the universally popular games chopat and pachisi – was singing and dancing with them!

The young Darbar joined his voice to theirs, clapped in rhythm with them – wih peasants, labourers, artisans, even the ‘untouchables’. And he danced dandiya with the praja.

(ટૂંક સમયમાં એ [ગોપાલદાસ] માત્ર ચોપાટ અને પચીસી જેવી બધાની માનીતી રમતમાં જ નહોતા જોડાતા. પણ એમની સાથે ગાતા અને ગરબા પણ લેતા હતા.

આ યુવાન દરબાર લોકોની સાથે – ખેડૂતો, મજૂરો, કારીગરો, અરે ‘અછૂતો’ સાથે પણ – સૂર મિલાવીને ગાતો હતો, તાલમાં તાળી પાડતો હતો. રાજા પોતાની પ્રજા સાથે દાંડિયા-રાસ રમતો હતો.)

ઝ્Evidently the socialists were at the receiving end of barbs from Vallabhbhai during some of Haripura’s in camera conversations. Jayaprakash complained to Gandhi about Sardar’s attacks, Devadas also expressed unhappiness, and Gandhi urged Vallabhbhai to curb his criticisms. From what we know of his thinking, Gopaldas may not have shared Vallabhbhai’s scorn.’

(જાણીતી હકીકત છે કે હરિપુરા [કોંગ્રેસ]નાં જાહેર સત્રો દરમ્યાન વલ્લભભાઈએ [કોંગ્રેસમાંના] સમાજવાદી જૂથ માટે કડક શબ્દોથી ટીકા કરેલી. જયપ્રકાશે ગાંધીજી પાસે જઈ સરદારના આ આક્રમક વર્તનની ફરિયાદ કરી, અને દેવદાસે પણ પોતાની નાખુશી દર્શાવી ત્યારે ગાંધીજીએ વલ્લભભાઈને એમની ટીકાને અંકુશમાં લાવવા આગ્રહ કરેલો. ગોપાલદાસના વિચારો વિશે આપણે જે જાણીએ છીએ તે પરથી તો જરૂર લાગે કે ગોપાલદાસ વલ્લભભાઈના આ તિરસ્કારી વલણના હિમાયતી નહોતા.)

દરબાર ગોપાલદાસના મૃત્યુ પછી સાઠેક વરસ પછી રાજમોહન ગાંધીએ આ ચરિત્ર લખવા માટે કેટલી માહિતી એકઠી કરી છે એ આ પુસ્તકના અંતમાં મળતા પરિશિષ્ટ(Notes)પરથી જોઈ શકાય છે. ગોપાલદાસની પોતાની આત્મકથા, પત્રો કે લેખિત નોંધોના અભાવે આ કામને ઘણું જ મુશ્કેલ બનાવ્યું હોવું જોઈએ. થોડાં પ્રકાશનો, નજીકના સંબંધીઓ સાથે વાતચીતો, સરકારી દસ્તાવેજો અને સંખ્યાબંધ લોકોની મદદથી એમણે ઘણી ઘણી સામગ્રી મેળવી. પુસ્તકમાં જ્યાં જ્યાં આ માહિતીનો ઉપયોગ કર્યો છે ત્યાં આ પરિશિષ્ટમાંના 290માંથી કોઈ એક સંદર્ભનો નિર્દેશ કરાયો છે. લેખકે જ્યારે આવી માહિતીનો અભાવ હોય અને પોતે સામાન્ય ઐતિહાસિક અને ભૌગોલિક માહિતીને આધારે કોઈ અનુમાન તારવ્યું હોય ત્યાં એ રીતે સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે.

રાજમોહન ગાંધીની સહજ વહેતી શૈલી અને ઐતિહાસિક સત્યોનો એમણે કરેલો નિચોડ આ પુસ્તકને જરૂર વાંચવા જેવું બનાવે છે.

*

અશોક મેઘાણી
ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદક.
ઇજનેર (નિવૃત્ત), અમેરિકા.
અમેરિકા.
ashok@meghani.

+1-410-692-5155
*