અષ્ટમોઅધ્યાય/લોકપ્રિયતાનો લપસણો ઢાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકપ્રિયતાનો લપસણો ઢાળ

સુરેશ જોષી

કહે છે કે બેકેટની નવલકથા ‘મર્ફી’ બહાર પડી પછી ચાર વર્ષમાં એની માત્ર પંચાણું નકલ જ ખપી હતી. પણ ત્યાર પછી સોળ વર્ષે બેકેટને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. બેકેટ ખૂબ ઓછું લખે છે, અને હવે તો એમનું લખાણ ક્રમશ: વધુ ને વધુ દુર્બોધ થતું જાય છે એવી ફરિયાદ થતી રહે છે. બેકેટના પર વાચકથી વિમુખ થતા જવાનો આરોપ મૂકાયો છે કે નહિ તે મારા જાણવામાં નથી. આપણે ત્યાં જો આવું થાય તો લેખક ક્યારનો અજ્ઞાતના અંચળા પાછળ ઢંકાઈ જાય.

થોડાં જ વર્ષ પહેલાં એમણે ‘બ્રે્રથ’ નામનું નાટક લખેલું. એમને નોબેલ પુરસ્કાર મળ્યો તે પહેલાં જ ભજવાયેલું. એમાં કોઈ અદાકારોની આવશ્યકતા નહોતી; એ માત્ર પાંત્રીસ સેકંડ જ ચાલે એવું ‘નાટક’ હતું. એમણે મોટા અક્ષરે છાપેલી નાના કદનાં માત્ર ચૌદ પાનાંની ‘લેસનેસ’ નામે નવલકથા લખેલી. એમાં માત્ર એક પાત્ર છે. એ ખંડેર વચ્ચે નિશ્ચલ સ્થિતિમાં છે.

આ બધી હકીકત એ પુરવાર કરે છે કે બેકેટમાં મૌલિકતા અસાધારણ પ્રમાણમાં છે. એથી વિશેષ નોંધપાત્ર વસ્તુ એ છે કે જનરુચિને નામે એમણે સર્જનકર્મ પરત્વે કશાં સમાધાન સ્વીકાર્યાં નથી. આને હું ઉચ્ચ કોટિની નીતિમત્તા લેખું છું. ઘણા સર્જકો ખ્યાતિના વધવા સાથે લોકપ્રિયતાના લપસણા ઢાળ પરથી નીચે ને નીચે સરતા જતા દેખાયા છે. બેકેટ વિશે એથી ઊંધું જ બન્યું છે. એઓ વધુ ને વધુ પશ્ચાદ્ભૂમિમાં જતા જાય છે. સામાજિક સમારમ્ભોમાં એઓ શરમાળ બનીને મૂગા બેસી રહે છે. લોકનજરે ચઢવું એ જ એમને માટે મોટી યાતના છે. એમની નાની મિત્રમંડળીમાં એમને ફાવે છે. એઓ કદી મુલાકાત આપતા નથી. એમના જીવન વિશેની વિગતો મેળવવાનું પણ મુશ્કેલ બની રહે છે.

એમના પ્રયોગો અળવીતરાપણામાંથી નથી ઉદ્ભવતા. એ પ્રયોગોને પૂરી ગમ્ભીરતા અને ધીરજથી સમજવા માટેની અનુકૂળ આબોહવા યુરોપમાં છે. આપણે ત્યાં તો હજી કાવ્યસંગ્રહોનાં ઉદ્ઘાટનોનો જમાનો ચાલે છે. સમારમ્ભો માટે નિમિત્ત નહિ હોય તો ઊભું કરવામાં આવે છે. ઘણા સર્જકો ‘પબ્લિસિટી’ના ક્ષેત્રમાં જાય તો વધુ નામ કાઢે એવા હોય છે. ઘણા લેખકો ‘પબ્લિક રિલેશન ઓફિસર’ તરીકે વધુ સારું કામ આપે એવા હોય છે.

હું એ સ્વીકારું છું કે લેખકો અમુક પ્રકારના જ હોવા જોઈએ એવો હઠાગ્રહ રાખવો નહિ જોઈએ. લોકાભિમુખતાને સ્વીકારનારો લેખક ઊતરતી કોટિનો હોય એવી પણ મારી કાચી સમજ નથી. છતાં મને એમ લાગ્યા કરે છે કે કેટલીક ગૌણ આળપંપાળને કારણે આપણો સર્જક હંમેશાં પોતાને જ વધુમાં વધુ અન્યાય કરતો રહ્યો છે. મને સૌથી વધુ દોષ વિવેચકનો લાગે છે. એ લોકપ્રિયતાના આંક તરફ નજર માંડીને વિવેચનકાર્ય કરતો લાગે છે. જે સર્જક વિશે કશી ચર્ચા થતી નહીં હોય ને તે છતાં જો એની સર્જકતા ઉચ્ચ કોટિની હોય તો એને વિશે કશું કહેવાનું સાહસ એ એકદમ કરતો નથી. પ્રમુખ પાંચ જણ સાથે પોતાનો અવાજ મેળવીને એ પોતાને સલામત માનીને નિશ્ચિન્ત રહે છે.

મને લાગે છે કે આવી આબોહવા ઉત્તમ સાહિત્યના સર્જન માટે અનુકૂળ નહિ નીવડે. આપણું સાહિત્ય એનું સમર્થન કરે છે. પછી નવલરામે જેની ફરિયાદ કરેલી તે ‘ઘરદીવડા શા ખોટા?’ એવું વલણ જ કેળવવાનું રહે છે. સર્જકતા સાથે નિ:સ્પૃહતા પૂરી માત્રામાં નહીં હોય તો જતે દિવસે સર્જકતાને જ વેઠવાનું આવે તે નક્કી. મને એક વાતનું હંમેશાં સખેદ આશ્ચર્ય થાય છે. આપણે ત્યાં જેને લોકપ્રિય કહી શકાય એવા સર્જકોની જ સંખ્યા વધારે છે, છતાં જે આંગળીને વેઢે ગણી શકાય તેટલા સર્જકો સર્જક તરીકેની પોતાની જાત સાથેની વફાદારીને વશ વર્તીને લખે છે તેની સામે, એઓ જાણે સમાજદ્રોહી હોય તેમ, આંગળી ચીંધ્યા કરવામાં આવે છે.

જ્યારે બેકેટને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થવાના સમાચાર આવ્યા ત્યારે અખબાર, ટી.વી.વાળાઓ એમની ભાળ કાઢવા નીકળી પડ્યા. પણ પૅરિસમાં ક્યાંય એમનો પત્તો ખાધો નહિ, ‘ધ માર્ન મડ’ નામની એમની ઝૂંપડીમાંય એઓ નહોતા. ટ્યુનિસિયાની એક હોટલમાંથી એઓ આખરે મળ્યા ને અખબારનવેશોનું ટોળું એમને ઘેરી વળ્યું. પણ એમનું કશું વળ્યું નહીં. કેટલાય દિવસો સુધી એમણે ત્યાં ધામા નાંખ્યા, પણ એમાંનો કોઈ બેકેટનો વાળ સરખો જોવા પામ્યો નહીં. એઓ પુરસ્કાર સ્વીકારવા સ્ટોકહોમ ગયા નહોતા એ તો જાણીતી વાત છે. પિરાન્દેલોને નોબેલ પુરસ્કાર મળ્યો પછી એમનું એકાન્ત ઝૂંટવાઈ ગયું. રસ્તે જતા હોય, હોટલમાં જમવા બેઠા હોય, બધાં જ ચીંધીચીંધીને એમને બતાવે. આખરે પિરાન્દેલો કહે છે ‘મારે ચોરની જેમ નાસતા ફરવું પડ્યું, જ્યાં હું હોઈ જ ન શકું એવા કોઈ રેસ્તોરાંમાં બે કોળિયા ખાઈ લેવાના રહ્યા!’

બેકેટે તો શું નથી કર્યું? એમણે પાત્ર વિનાનાં નાટક લખ્યાં છે, કથાનક કે અલ્પવિરામપૂર્ણવિરામ વિનાની નવલકથા લખી છે. પૃથક્જન ઊભો રહી શકે એવી તસુભર ભોંય એમણે એમની સૃષ્ટિમાં રાખી નથી; ને છતાં આજે જગતભરમાં ખૂબ પ્રખ્યાત એવા સર્જક છે. આ ખ્યાતિ પૂર્વવ્યવસ્થાને કારણે મળેલી ખ્યાતિ નથી. એમનાં નાટકો કરતાં એમનાથી પ્રભાવિત થયેલા હેરોલ્ડ પિન્ટરનાં નાટકો વધુ સારો આવકાર પામે છે, બ્રોડવેનો નીલ સાયમન એક દિવસમાં જેટલું નાટકમાંથી રળે છે તેટલું તો બેકેટ એક વર્ષમાંય પામી શકતા નથી. પણ સમકાલીન નાટકોને રાતોરાત ફેરવી નાખનાર તો બેકેટ જ!

આપણે ત્યાં ઘણા લેખકો જીવનનાં ખાનાં પાડી નાખી એક પછી એક પાસા વિશે લખે છે. આવા લેખકો બધું ‘આવરી’ લેવાના મતના હોય છે. વાસ્તવિકતાની ઉપલી સપાટી પર રહીને એઓ કામ કરતા હોય છે. એમને ઊંડાણ કરતાં પહોળાઈ વધારે રુચે છે. પણ કવિતાની એક પંક્તિ કોઈ વાર એવું ઊંડાણ સિદ્ધ કરે છે, જે પાંચસો પાનાંની નવલકથા સિદ્ધ કરી શકતી નથી. વાસ્તવિકતાના અમુક પ્રદેશો બાકાત રહી ગયા હોય એવું તો હેમિંગ્વે અને ચેખોવ વિશે પણ કહી શકાશે. પણ એમણે જે એક કૃતિમાં સિદ્ધ કર્યું છે તે આવા ‘સર્વગ્રાસી’ લેખકોએ એમની બધી જ કૃતિઓમાં પણ કર્યું છે ખરું? બેકેટનાં નાટકોમાં ‘વેઇટિંગ ફોર ગોદો’ અને ‘એન્ડગેઇમ’નાં નામ ઘણું ખરું દેવામાં આવે છે, પણ એ તો બરફના તરતા પહાડનાં શિખરો માત્ર છે, ઉપર નથી દેખાતી એવી કૃતિઓ આધારસ્તમ્ભરૂપ છે, એ બધું આજે મોટા પ્રમાણમાં વંચાતું હશે એવું હું માની શકતો નથી. એમ તો અસ્તિત્વવાદની ફેશન પૂરજોશમાં પ્રવર્તતી હતી ત્યારેય સાર્ત્રનું ‘બિઇંગ એન્ડ નથંગિનેસ’ કોણ વાંચતું હતું?

આપણા જમાનામાં કંઈક અંશે આત્મલક્ષી કૃતિઓનો અતિરેક થયેલો જોવામાં આવે છે. આ ‘હું’ને જ અનેક પ્રકારના વાઘા સજાવવા, અનેક પાઠો એની પાસે ભજવાવવા એ એક પ્રિય પ્રવૃત્તિ થઈ પડી છે. આમાંથી કંઈક રોગિષ્ઠ અને માંદલી આત્મરતિ બહેકી ઊઠી છે. હવે આ કેન્દ્ર બદલવાની જરૂર વર્તાય છે. હવે કંઈક ઓછી વાચાળ, કલ્પનોના ખડકલા વિનાની, સાદી છતાં ઊંડાણવાળી કૃતિઓની આવશ્યકતા વર્તાય છે. બેકેટે પોતાના જીવન અને પોતાના સાહિત્યને એકબીજાથી સાવ નોખાં રાખ્યાં છે. રોમેન્ટિકો એવું કરી શકતા નથી. બેકેટની કૃતિમાંના ગુહ્ય નિર્દેશો આખા વિશ્વને સંકેતિત કરતા હોય છે ને છતાં કશું વિક્ષિપ્ત લાગતું નથી. રોમેન્ટિકો ધુમ્મસની જેમ વ્યાપે છે, પણ એથી દૃષ્ટિની ઉજ્જ્વલતા સિદ્ધ થતી નથી. કૃતક રહસ્યોની માયાજાળ જ માત્ર ફેલાય છે.

આપણે ત્યાં ઘણા વિવેચકો ખોદકામ ખાતાના અધિકારીઓ જેવા લાગે છે. ‘સરસ્વતીચંદ્ર’ના ખંડેરોમાંથી હજી ઘણા બહાર નીકળ્યા જ નથી. રોમેન્ટિકોને ખંડેરની પ્રીતિ ઘણી હોય છે. કોઈ કૃતિ પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાવા લાગે એટલે એને વિશેનું ખોદકામ શરૂ થઈ જાય. પછી ભાષ્ય અને તેના પરનાં ભાષ્ય શરૂ થઈ જાય. આમ સમકાલીન સર્જનથી ક્રમશ: દૂર ને દૂર સરી જવાય. જે કૃતિનું આવું વિવેચન બહુ થાય તે કૃતિ આખરે આ વિવેચનો નીચે જ દટાઈ જાય છે. પછી એ કૃતિ સુધી કોઈ જતું નથી. એનાં વિવેચનો વાંચવાથી જ કામ સરી જાય છે. ‘સરસ્વતીચંદ્ર’ વિશે આજેય લખનારાઓમાંનાં ઘણાંએ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પૂરી વાંચી હશે કે કેમ તે પ્રશ્ન છે. એથી કૃતિની મહત્તા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના વર્ગમાં સ્થપાતી હશે કદાચ, પણ સાચા અર્થમાં આવું વિવેચન જ વાચકને, સહૃદયને, કૃતિથી વિમુખ કરનારનું નીવડે છે.

બાળપોથીમાંથી વાક્યો લઈને આયોનેસ્કોએ પોતાનાં નાટકમાં વાપર્યાં અને ભાષાની આપણે શી દશા કરી છે તેની કરુણતા આપણને હસાવતાં હસાવતાં બતાવી. આયોનેસ્કો પછીથી એ ફોર્મ્યુલામાં ફસાઈ ગયા. જે મજાક ઉડાવવા માટે એણે કર્યું તે આપણા જમાનામાં તો ‘રેઢિયાળપણાનું કાવ્ય’ અને ‘એબ્સર્ડ’ના ગૌરવને પામ્યું. આયોનેસ્કો વિદૂષક છે તો બેકેટ ફિલસૂફ છે. બેકેટમાં પણ શબ્દરમત છે, નર્મમર્મ છે, પણ ત્યાં, જે આયોનેસ્કોમાં નથી બની શકતું તે, બને છે; ત્યાં હાસ્ય કરુણનું સમર્થ ઉપાદાન બની રહે છે. એક રીતે જોઈએ તો કૅમ્યૂ જેને ‘એબ્સર્ડ’ કહે છે તેનેય ક્યિર્કેગાર્દે ‘ડિસ્પેર’ કહીને ઓળખાવ્યું નહોતું? આમ મને લાગે છે કે હાસ્ય અને કરુણ એરિસ્ટોટલના ‘પિટિ અને ફિયર’ની જેમ એક જ વસ્તુનાં બે પાસાં છે.

આપણે અણુબોમ્બ ફેંકાઈ ચૂક્યા પછીની દુનિયામાં જીવીએ છીએ. એથી બધું જ ઉપરતળે થઈ ગયું છે. જે કાલ સુધી કરુણ તરીકે ઓળખાતું હતું તે આજે હાસ્ય તરીકે પ્રતિષ્ઠિત થયું છે. જે ગૌરવપ્રદ લેખાતું હતું તેની આજે વિડમ્બના થાય છે. આનાં બે પરિણામ આવ્યાં: કેટલાક અણુબોમ્બ પહેલાંની સ્થિતિને વધારે ઝનૂનથી વળગી રહ્યા, શ્રદ્ધાને વધુ વળ ચઢાવ્યો અને જાણે એવી કશી ઘટના બની જ નથી એમ માનવા મનાવવા લાગ્યા; તો કેટલાકને માથેથી સંસ્કૃતિનો ભાર ઊતરી ગયો. આખી સૃષ્ટિનો જાણે હમણાં જ આરમ્ભ થયો હોય એવા અભિનિવેશથી એઓ જીવવા લાગ્યા. પણ બેકેટે બતાવ્યું છે, એઓ સંસ્કૃતિના ભંગારમાં ગળાડૂબ દટાયેલા છે.

‘કંકાવટી’: જાન્યુઆરી, 1981