અષ્ટમોઅધ્યાય/શૂન્ય અને એબ્સર્ડ વિશે થોડુંક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શૂન્ય’ અને ‘એબ્સર્ડ’ વિશે થોડુંક

સુરેશ હ. જોષી

1


શૂન્ય અને શૂન્યવાદની વાત હવે કોઈ ખાસ ઉઠાવતું નથી. અછાન્દસ કવિતાના પ્રારમ્ભના તબક્કામાં કેટલાંક સ્વસ્થ પ્રૌઢોએ એ કાવ્યપ્રવૃત્તિમાં, ભાંડવા પૂરતી, શૂન્યવાદ (નિહિલિઝમ)ની અસર જોઈ હતી, પણ એમણે પોતે તો ‘નિહિલિઝમ’ની કશી વ્યાખ્યા બાંધી નહોતી. મોટા ભાગના કવિઓ પણ આ વિશે અનભિજ્ઞ હોવા છતાં ‘નિહિલિઝમ’નું છોગું પહેરીને ફરવામાં વાંધો જોતા નહોતા. દોસ્તોએવ્સ્કીની નવલકથા ‘ધ ઇડિયટ’માં આ શૂન્યવાદનું પ્રવક્તા એવું એક પાત્ર છે. દોસ્તોએવ્સ્કીને શૂન્યવાદીઓ પ્રત્યે નૈતિક સહાનુભૂતિ નહોતી, છતાં પૂરી નિષ્ઠાથી એમનો પક્ષ એણે રજૂ કર્યો છે. એનામાં સર્જકને અપેક્ષિત તાટસ્થ્ય હતું.‘એબ્સર્ડ’, ‘નિહિલિઝમ’ – આ સંજ્ઞાઓ આપણે ત્યાં જોતજોતાંમાં ચલણી થઈ ગઈ, પણ એ વિભાવનાઓની દાર્શનિક પીઠિકાની માંડણી કરી આપવા પૂરતી કોઈનામાં ધીરજ નહોતી. પશ્ચિમમાં એનો ઉદય શી રીતે થયો તે ટૂંકમાં જોઈએ. જેમ રોમની સંસ્કૃતિનો નાશ આન્તરિક ક્ષયિષ્ણુતા તથા બહારથી થયેલા બર્બરોના આક્રમણથી થયો તેમ ઓગણીસમી સદીના પશ્ચિમ યુરોપની અવનતિ રશિયા અને અમેરિકા જેવા બર્બરોને કારણે થઈ એવું મનાવા લાગ્યું. પ્રખ્યાત ઇતિહાસકાર ઓસ્વાલ્ડ સ્પેન્ગ્લેરે ‘ડિક્લાઇન ઓવ્ ધ વેસ્ટ’ નામનું સ્મરણીય પુસ્તક લખ્યું. પશ્ચિમની અવનતિ એ આડકતરી રીતે ઉદ્બોધનકાળની નિષ્ફળતા પ્રત્યેનો ઉપાલમ્ભ પણ બની રહી. ઉદ્બોધનકાળમાં આવેલી જાગૃતિએ પ્રજાને વહેમો અને અન્ધશ્રદ્ધામાંથી મુક્ત કરી એ ખરું, પણ સાથે સાથે સમાજને સુદૃઢ અને વ્યક્તિના જીવનને સાર્થ બનાવતી ધામિર્ક અને રાજનૈતિક વિચારણાઓને લુપ્ત કરી નાંખી. મનુષ્યને પ્રકૃતિની જોહુકમીમાંથી મુક્ત કરીને વૈજ્ઞાનિક ટેક્નોલોજીએ માનવી માટે બન્ધનની નવી બેડી પણ ઘડી. આ બન્ધન તે પ્રાપ્તિને માટેની ઉગ્ર લાલસાનું, આધ્યાત્મિક અને રસકીય ધોરણોના હીનીકરણનું, અને બધું જ ગુણવત્તાની દૃષ્ટિએ નહીં પણ સંખ્યાબળની દૃષ્ટિએ જોવાના વલણનું. આ ઉદ્બોધનકાળ બુદ્ધિવાદના ઉદયના પર્યાયરૂપ બની રહ્યો હતો. આથી બુદ્ધિની ટીકા કે તર્કની અપ્રતિષ્ઠા આપોઆપ જાણે પશુસ્તુતિ બની ગઈ. બુદ્ધિ એ જાણે એક અવિધેયાત્મક તત્ત્વ હોય એવું લેખાવા લાગ્યું. ગાણિતિક ભૌતિક વિજ્ઞાનની ઉપપત્તિઓમાંથી બુદ્ધિની જે વિભાવના ઉત્ક્રાન્ત થઈ તેનાં પરિણામોમાંથી તો આ ઉદ્બોધનયુગના સમર્થકો પણ બચી શક્યા નહીં. માર્ક્સવાદ, પોઝિટિવિઝમ અને બિહેવયરિઝમ એનાં જ પરિણામો હતાં. પરિસ્થિતિની વિલક્ષણતા તો એ કે બુદ્ધિવાદના સમર્થક અને વિરોધી બંનેએ બુદ્ધિને બુદ્ધિનિરપેક્ષ બળોના સાધન લેખે સ્વીકારી લીધી. એ આપણા અસ્તિત્વની અખણ્ડતાનું જાણે અવરોધક બળ બની રહી. બન્નેએ બુદ્ધિનિરપેક્ષ અથવા પ્રાગ્-બુદ્ધિ એવી માનવજીવનની સાર્થકતા પણ સ્વીકારી.
નવ-ઉદ્બોધનવાદીઓ જીવનની સાર્થકતા વિશે જે કહે તેને બુદ્ધિહીન કહીને ક્યાં તો દબાવી દેવામાં આવ્યું અથવા એને પ્રાગ્-બુદ્ધિ એવું ઉચ્ચારણ ગણીને બિરદાવવામાં આવ્યું, પણ એમ કરવાથી તો ઉચ્ચારણને બૌદ્ધિક અર્થ કે મહત્ત્વ અર્પવાની સમ્ભવિતતાને જ જાણે સાવ નકારી કાઢવામાં આવી. એ વિશે કશું બોલવું જ નહીં એવો ફતવો બુદ્ધિવાદીઓએ બહાર પાડી દીધો. બૌદ્ધિક ઉચ્ચારણો ગાણીતિક કે અંશત: ગાણીતિક હોય એવા વિષયો પૂરતા જ મર્યાદિત રાખવાં. પ્રાગ્-બુદ્ધિવાદીઓએ વર્ણનાત્મક વૈજ્ઞાનિક કે ઇન્દ્રિયપ્રત્યક્ષમૂલક પોઝિટિવિઝમના ક્ષેત્રમાં વન્ધ્ય પ્રયોગો કરી જોયા. એમાં એમણે ગાણિતિક ભાષાની શુદ્ધતાને આધ્યાત્મિક તત્ત્વને બિરદાવનારી ભાષા જોડે સાંકળવાનો પ્રયત્ન કર્યો. એમાં મળેલી નિષ્ફળતાનો સ્વીકાર થયો. જૂની રીતિઓનો પરિહાર કરીને નવી વિચારણાને પ્રતિષ્ઠિત કરવાને એઓ મથ્યા. એમાં ભાષાનો અર્થ ભાષામાંથી નહીં પણ ભાષાના નિ:શબ્દ એવા ઉદ્ગમસ્રોતની આગળ ઉપસ્થિત રહેવાથી કે એની સાથે તદ્રૂપ થવાથી ઉત્ક્રાન્ત થાય એવું મનાવા લાગ્યું. ઇન્દ્રિયપ્રત્યક્ષમૂલક દર્શન ટકી રહ્યું છે તે એવા વૈજ્ઞાનિક કે અંશત: ગાણિતિક એવા સારતત્ત્વનાં વર્ણન કરવાની શક્તિને કારણે નહીં, પણ ઇતિહાસના ક્રમબદ્ધ એવા જીવનજગતનો આવિષ્કાર કર્યે જવાની પ્રવૃત્તિને કારણે હવે જે સમસ્યા છે તે જીવન-જગતની અવસ્તુનિષ્ઠ (એબ્સ્ટ્રેકટ) સંરચના અને ગેલિલિયોએ સ્થાપેલા વિજ્ઞાને ઉપજાવેલી પરિભાષામાં થતું એનું વર્ણન તથા જીવન-જગતની ઐતિહાસિક સામગ્રી – આ ત્રણેને જોડનારી કડીના અભાવની.

દાર્શનિક સંજ્ઞાઓની અટપટી જાળને ભેદીને જોઈએ તો આની પાછળ નિ:શબ્દતાની સ્થિતિને પુન:પ્રાપ્ત કરવાની ઝંખના રહેલી છે. ગમે તે દર્શનનું નામ દઈને ઘોંઘાટ કરો તોય વાણી બુદ્ધિસંગત છે અને હોવી જોઈએ, એને નકારી શકાશે નહીં. વાણી પોતાને વિશે બુદ્ધિમત્તાપૂર્વક બોલી ન શકે તે કબૂલ, એ સંગતિના મહત્ત્વ વિશે કે પ્રમાણભૂતતાના મહત્ત્વ વિશે ન બોલી શકે તેય કબૂલ, પણ તેથી તો મનુષ્યની આત્મસંરક્ષણની જન્મજાત વૃત્તિ (પછી તમે વૈજ્ઞાનિક વિકાસ વિશેની શ્રદ્ધા કહો કે બીજું ગમે તે કહો) એને નિગૂઢતમ નિ:શબ્દતા તરફ જ ખેંચી જાય છે. વાણી જેને વર્ણવે છે તેને ઇજા પહોંચાડે છે, તેને અવિકલ રહેવા દેતી નથી, તેનો નાશ સુધ્ધાં કરે છે, એ સૂક્ષ્મને સ્થૂળ બનાવી દઈને બીજાથી વેગળું પાડી દે છે. જ્યારે નિ:શબ્દતા તો આપણી રુધિરગત સમજ છે, શરીરની સાહજિક સૂઝ છે, હૃદયને અભિમત એવું તે વાજબીપણું છે. એ તો ઘા રુઝાવે છે. મનોવિશ્લેષણ કરીને માનસિક ઉપચાર કરનાર દર્દી પાસે એવી ભાષા બોલાવડાવે છે. એ કાંઈ બુદ્ધિને વશ વર્તીને સભાનપણે બોલતો નથી હોતો. તર્કસંગત ભાષા તે ભાષાના ગાણીતિક બંધારણ વિશેની ભાષા છે. તર્કોત્તર (મેટાલોજિકલ) ભાષા તે ભાષા બોલવાની રીતિના નિયમોને વર્ણવતી ભાષા છે. ભાષામાં રહેલું તત્ત્વ શું છે? એ ઇતિહાસનો અન્તહીન ગણગણાટ જ નથી? જીવતત્ત્વ વિશેની ભાષાને માટે પણ આમ જ કહી શકાય. એનો હેતુ જીવન વિશે બોલવું તે નથી પણ જીવનનું પ્રત્યક્ષીકરણ છે. ભાષા જીવને જ ઉપજાવેલી વસ્તુ છે. એ વસ્તુઓ વચ્ચેની વિશૃંખલ બહુલતા સાથે અનુસ્યૂત થઈને રહેલી છે. આથી એ આપણને ‘બિઇંગ’થી છૂટા જ પાડે છે. આથી જ તો ભાષાકીય પૃથક્કરણ કરનારાઓ મરણિયા બની વાચાળ થતા જોવામાં આવે છે. ભાષા બધું નોખું પાડી બતાવે છે. અવસ્તુક એવા જીવનની અખણ્ડતા, સુસંગતિ, એકતા તથા અતિક્રમણશીલતા તો કેવળ નિ:શબ્દતા. ભાષાની સાર્થકતાનો ઉદ્ગમસ્રોત હોય તો ભાષા નિ:શબ્દ બનીને જ પોતાની સાર્થકતા પ્રકટ કરી શકે છે, એટલે કે એ પોતાના મહત્ત્વની વાત કરી ન શકે, પણ એ અવિધેયાત્મક રીતે, નિ:શબ્દતામાં સરી જઈને, પ્રત્યક્ષ કરાવી શકે. આપણા કવિએ ભાષા વિશે આ રીતે કશું વિચાર્યુર્ં છે? હજી કવિતાને અપેક્ષિત છે તેટલી માત્રાની ભાષા સાથેની ઘનિષ્ઠતા – જે આપણને નિ:શબ્દતા તરફની દિશા ચીંધે – આપણે કેળવી નથી.

2


‘એબ્સર્ડ’ શબ્દ આપણા વાતાવરણમાં બહુ પડઘાતો રહ્યો. કેટલીક વાર અત્યન્ત સ્થૂળ પ્રકારની તર્કવિરોધી વિસંગતિનો જ એ પયાર્ય બની રહ્યો. આ સંજ્ઞા પરત્વે પણ, કશી દાર્શનિક ભૂમિકાને અભાવે, આપણે બૌદ્ધિક સ્તર પર કશી ચર્ચા કરી નહીં. ‘એબ્સર્ડ’ દ્વારા ફરીથી આપણા સુપરિચિત નૈતિક અભિગ્રહોનું લાલનપાલન કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. આમ ‘એબ્સર્ડ’માંથી આપણે રૂપકગ્રન્થિમાં આરામથી સરી પડ્યા.
આ જગતમાં જે કંઈ વિરોધાભાસી છે તેમાં અસ્તિત્વવાદી દાર્શનિકોને ઝાઝો રસ પડતો રહ્યો. એઓ પોતાની દાર્શનિક વિચારણાને સ્ફુટ કરતી મહત્ત્વની સંજ્ઞાઓના વિનિયોગ પરત્વે પણ આવા વિરોધાભાસો ઊભા કરતા રહ્યા છે. ‘હતાશા’ સંજ્ઞા સાથે કેટલી બધી આશા સંકળાયેલી રહી છે તે આપણે ક્યાં નથી જાણતા? આથી તો આપણે કહેવા પ્રેરાઈએ છીએ કે આપણી એકમાત્ર આશા આશાને ખોઈ બેસવાની છે! ‘અર્થહીનતા’ની ચર્ચા ભારે અર્થપૂર્ણ રીતે થતી આપણે નથી જોઈ? ‘અર્થહીનતા’ સંજ્ઞા જાણે એક આખા માનવીય અર્થપૂર્ણતાના વિશ્વનો પરિચય કરાવનારી બની રહે છે.

‘એબ્સર્ડ’નું પણ કંઈક એવું જ છે. જે સંજ્ઞા સર્વ બૌદ્ધિક વિચારણાની ઇતિને સૂચવે છે તે વાસ્તવમાં તો દાર્શનિક વિચારણાના એક નવા અભિગમનો પ્રારમ્ભ કરનાર બની રહે છે. આ ઘટના જ ‘એબ્સર્ડ’ નથી? કોઈને એમ લાગવા સમ્ભવ છે કે આ સંજ્ઞાના વિનિયોગ પરત્વે કશીક ભૂલ થઈ રહી છે. એ સાચું હોય તો એ ભૂલ શી છે તે જાણ્યા વગર આપણને કરાર ન વળે. ક્યિર્કેગાર્દે બહુ પહેલાં આ સંજ્ઞાનો ઉપયોગ કરેલો. પણ એને મન એનો જે સંકેત હતો તે આજે આપણને અભિપ્રેત છે ખરો? એની પછી એક સદી બાદ ફ્રેન્ચ દાર્શનિકોએ એ સંજ્ઞા ફરીથી પ્રયોજી. આન્દ્રે માલરોની શરૂઆતની નવલકથામાં અમુક માનવીય સન્દર્ભને વર્ણવતાં આ સંજ્ઞા પ્રયોજાયેલી છે. આ બધા જ પ્રયોગોમાં કશુંક સામાન્ય હશે જ એમ માનીને એ શોધવાનો પ્રયત્ન આપણે કરવા માગતા નથી. સંજ્ઞા એકની એક રહે, પણ એનો સંકેત સાવ ધરમૂળથી બદલાઈ જાય એવું દાર્શનિક વિચારણાના ઇતિહાસમાં ક્યાં નથી બન્યું? નર્યા વિરોધાભાસવાળી કોઈ પરિસ્થિતિ જો કોઈ વ્યક્તિને એક બૌદ્ધિક અને નૈતિક વાસ્તવિકતા લેખે સ્વીકારવાનું કહેવામાં આવે તો તે ક્યિર્કેગાર્દને મતે ‘એબ્સર્ડ’ કહેવાય. માનવીમાં આન્તરિક પરિવર્તન વ્યક્તિગત રીતે થાય એમાં એને રસ હતો. આથી માનવી સમક્ષ એણે આવા ઉગ્ર પ્રકારના વિરોધાભાસને રજૂ કર્યો. એના સ્વીકારથી વ્યક્તિમાં આમૂલ પરિવર્તન આવી જશે એવી એની ધારણા હતી.

આપણા સમયમાં એ સંજ્ઞાનો આ જ અર્થ સ્વીકારાયો નથી. ‘એબ્સર્ડ’ તે પરિવર્તનને માટેના આહ્વાનનો પ્રતિભાવ નથી. એ તો એક સમસ્યા છે જેને બૌદ્ધિક પુરુષાર્થ કરીને ઉકેલવાની છે, ક્યિર્કેગાર્દ ‘એબ્સર્ડ’ની શોધમાં નીકળ્યો હતો. સમકાલીન દાર્શનિકો એને શોધતા નથી, અનિચ્છાએ એનો મુકાબલો કરવામાં તેઓ ફસાઈ પડ્યા. ‘એબ્સર્ડ’નો અંગીકાર કરવો તે, વર્તમાન દૃષ્ટિબિન્દુએ જોતાં, ઉન્માદને નિમન્ત્રણ આપવા જેવું છે. આપણે એમ માનીએ છીએ કે એ એક પ્રાપ્ત એવી પરિસ્થિતિ છે. એને આપણે પૂરી નિર્ભ્રાન્તિ અને વિશદતાથી ઓળખી લેવાની છે અને સ્વાસ્થ્ય તથા શાણપણ જાળવી રાખવા માટે એની સામે ઝઝૂમવાનું છે.

અસ્તિત્વવાદી ફિલસૂફીમાં વપરાતી સંજ્ઞાઓથી સાવ નોખી એવી આ એક સંજ્ઞા છે એવું માની લેવાની જરૂર નથી. નિત્શે જેને ‘પેથોઝ ઓવ્ ડિસ્ટન્સ’ કહે છે, સાર્ત્ર જેને ‘નોશિયા’ કહે છે, કૅમ્યૂ જેને ‘રિવોલ્ટ’ કહે છે, હાઇડેગર જેને ‘ડ્રેડ’ કહે છે અને અખબારી આલમમાં પણ જે શબ્દ સ્વીકારાઈ ચૂક્યો છે તે ‘અર્થહીનતા’ – આ બધી જ ઉપયોગી સંજ્ઞા ‘એબ્સર્ડ’ના જેટલી જ ઉપયોગી નીવડેલી છે. આથી સંજ્ઞા પરત્વે પિષ્ટપેષણ કરવાને બદલે એ જે પરિસ્થિતિને ચીંધે છે તેમાં રસ લેવો એ જ મહત્ત્વનું છે.

આપણને ઘેરી વળીને જે જગત રહેલું છે તેની સાથેની આપણી પૃથક્તાની એક નિ:શેષ પરિસ્થિતિનો અનુભવ તે આ ‘એબ્સર્ડ’, એનો અર્થ એ નથી કે આપણે આપણા પરિવેશથી વેગળાપણું, વિખૂટાપણું કે મનમેળનો અભાવ અનુભવીએ છીએ. આ વિખૂટાપણાનો નહીં પણ ભિન્નતાનો અનુભવ છે. એને વિશે દાર્શનિક રીતે કે નૈતિક દૃષ્ટિએ આપણે મીમાંસા કરી શકીએ. વ્યક્તિના પોતાના અસ્તિત્વનું બંધારણ અને એની આવશ્યકતાઓ એના વાસ્તવિક પરિવેશના બંધારણની સમપરિમાણ નથી એવો એને અનુભવ થાય છે. હાઇડેગર અને સાર્ત્રને આ ભેદમાં રસ છે. પણ કૅમ્યૂને એની નૈતિક ઉપપત્તિઓમાં રસ છે. યેસ્પર્સ અને માર્સેલ જગત અને વ્યક્તિ વચ્ચેના આ ભેદને આધ્યાત્મિક દૃષ્ટિબિન્દુથી જુએ છે. આમ બધાંને જુદો જુદો રસ પડે છે. તેનાં સ્તર ભિન્ન ભિન્ન છે, પણ મૂળ પરિસ્થિતિ અને એના બંધારણમાં ફેર પડતો નથી, કારણ કે એ દરેકની બાબતમાં પોતાના અસ્તિત્વની જગતથી અનુભવાતી ભિન્નતાનો મુદ્દો તો રહ્યો જ હોય છે.

આ મુદ્દો જ દાર્શનિક વિચારણાનું પ્રસ્થાનબિન્દુ છે, એને આવા પ્રારમ્ભબિન્દુ તરીકે સ્વીકારનાર સાથે જ આપણા બૌદ્ધિક ઊહાપોહની શક્યતા છે. બીજાઓ આ સંજ્ઞાને ભેદીને એની પાછળ રહેલા મૂળભૂત અનુભવ સુધી જઈ શકશે નહીં.

અસ્તિત્વવાદ વિશે આપણા કહેવાતા બૌદ્ધિકોને એક વિલક્ષણ પ્રકારનું કુતૂહલ રહ્યું છે. કેટલાંક એમાં રહેલી તાકિર્ક અસંગતિની હાંસી ઉડાવે છે, કેટલાંક એને શ્રદ્ધા અને મૂલ્યોના ઉચ્છેદક તરીકે ઓળખાવીને આતંક ફેલાવવાની મજા માણે છે. બને છે એવું કે પોતાને અસ્તિત્વવાદના પુરસ્કર્તા ગણાવનારાઓ જ અસ્તિત્વવાદના વિરોધીઓને એમના પર પ્રહાર કરવાની તક ઊભી કરી આપે એવાં વિધાનો કરતા હોય છે. આ ‘એબ્સર્ડ’ની કે ‘અર્થહીનતા’ની અનુભૂતિ, જે નર્યું અબૌદ્ધિક છે તેની અનુભૂતિ છે એમ કહીને ઓળખાવવાનો પ્રયત્ન આ પ્રકારનો જ છે. એમાં અસ્તિત્વવાદના પાયાના ગૃહીત વિશેની અણસમજ પ્રકટ થાય છે.

જગત ‘અર્થહીન’ છે એમ કહેવાનો અર્થ એ નથી કે એ બુદ્ધિહીન છે, વાત તો એથી સાવ ઊલટી જ છે: આપણા પરિવેશ રૂપે રહેલા જગતમાં આટલી બધી બૌદ્ધિકતા આ પહેલાં ક્યારેય વર્તાઈ નહોતી. આપણા વાસ્તવિક વાતાવરણની બુદ્ધિગમ્યતા સૌ પ્રથમ આપણને એ પરિચિત પરિવેશ સાથેના આપણી બંધારણગત પૃથક્તાને સમજવાની ભૂમિકા રચી આપે છે. આપણા જમાનામાં આપણે જેનું નિરીક્ષણ કરતા રહ્યા છીએ તે જગત આપણી એને વિશેની બુદ્ધિનિર્ભર સમજને કારણે સત્યની નિકટ આવી ગયું છે અને હવે આધ્યાત્મિક કે ધામિર્ક માન્યતાઓની મદદથી જાણવાનું રહ્યું નથી. ભૌતિક વિજ્ઞાન, યન્ત્રવિદ્યા એ જગતને દરેક વ્યક્તિ આગળ પ્રતીતિકારક રીતે પ્રકટ કરે છે.

3


જગતની અર્થહીનતા ઓળખી લીધા છતાં મેર્લો-પોંતિ કહે છે કે અર્થને શરણે ગયા વગર આપણો આરો નથી. ફિલસૂફીની સંજ્ઞાઓનો અમુક એક જ નિશ્ચિત સંકેત હોવો જોઈએ એવું હવે અનિવાર્ય લેખાતું નથી. વિશદતાને નામે આવી અર્થ પરત્વેની એકવાક્યતા હોવી જરૂરી લેખાતી નથી. એરિસ્ટોટલે જ્યારે કહ્યું કે ‘Being has many senses’ ત્યારે એના મનમાં આવો જ કંઈક ખ્યાલ હશે. ‘એબ્સર્ડ’નો પ્રયોગ હવે વસ્તુઓ, વ્યક્તિઓ, કાર્યો, વિચારો, વિધાનો, પરિસ્થિતિઓ પરત્વે કરવામાં આવે છે. આ બધા પ્રયોગોમાં એ સંજ્ઞાનો અર્થ એકનો એક રહે છે ખરો? એવી સંજ્ઞાના રેઢિયાળ ઉપયોગથી આપણે જીવનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ વિશે વિચારવાનું, ચતુરાઈપૂર્વક, ટાળતા હોઈએ એવું તો બનતું નથી ને? આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એનું કારણ એ છે કે કેટલાંક આ સંજ્ઞાને આધુનિક માનવસન્દર્ભને સમજવા માટે ચાવીરૂપ ગણે છે, તો બીજી બાજુથી કેટલાંક એને માત્ર ચસકેલ મગજે ઉપજાવી કાઢેલી વાત ગણે છે, ડેનિશ ફિલસૂફ ક્યિર્કેગાર્દે આ સંજ્ઞા સોએક વર્ષ પહેલાં વાપરેલી; પણ ત્યાર પછી એ સંજ્ઞાના સંકેતો બદલાતા રહ્યા છે. ક્યિર્કેગાર્દને માટે તો એ એક વ્યક્તિનો પ્રશ્ન હતો. વ્યક્તિને વિરોધાભાસ કે અસંગતિભરી પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો રહે અને એમ કરીને એ વાસ્તવિકતાનાં બૌદ્ધિક અને નૈતિક પાસાંને સ્વીકારવા તત્પર બને. આ જાતનું વ્યક્તિગત રૂપાન્તર એને ઉદ્દિષ્ટ હતું. આજે વીસમી સદીમાં વ્યક્તિના આવા રૂપાન્તરને સિદ્ધ કરવા માટેના ઉદ્દીપન કે ઉદ્બોધન રૂપે આ સંજ્ઞા ભાગ્યે જ વપરાય છે. આ પરિસ્થિતિ સમસ્ત માનવનિયતિ સાથે સંકળાયેલી છે અને તેથી બધાએ જ એ સમસ્યા સામે ઝૂઝીને એનો ઉકેલ શોધવાનો છે. ક્યિર્કેગાર્દને ‘એબ્સર્ડ’ની શોધમાં નીકળવું પડ્યું. આજના ફિલસૂફને તો ગમે કે ન ગમે તોય એનો સામનો કરવાનો રહે જ છે. આજે તો આપણે માનવસન્દર્ભમાં રહેલી અસંગતિ વિશેની વિશદ અભિજ્ઞતા કેળવીએ તો જ માનસિક સ્વાસ્થ્ય અને બૌદ્ધિક સમતુલા જાળવી રાખી શકીએ.ધર્મ જે સત્ય આપવાનો દાવો કરે છે તેને શ્રદ્ધાથી સ્વીકારવાનું રહે છે. એનાં જુદાં જુદાં અર્થઘટનો, એમાંથી ઉદ્ભવતા સમ્પ્રદાયો, એ બધાંનો પોતાના મતના સ્વીકારને માટેનો ઝનૂની હઠાગ્રહ – આ બધાંમાંથી પસાર થઈ ચૂક્યા પછીથી વિજ્ઞાનનું વર્ચસ્ વધતું અનુભવ્યું. વિજ્ઞાને એ સત્યને પ્રમાણભૂત રીતે સ્થાપી આપવાનો પડકાર ઝીલ્યો. પણ એની પદ્ધતિ પૃથક્કરણની હતી. એણે વિશ્વને ઓળખાવ્યું ખરું પણ તે ખણ્ડ ખણ્ડ રૂપે. એમાંથી સુગ્રથિત અખિલાઈનો અનુભવ કરાવવાનું એનાથી બની શક્યું નહીં. ફિલસૂફી જો વિજ્ઞાનના આ સત્યને સ્વીકારે તો આ ખણ્ડ ખણ્ડને એ સૂત્રે ગૂંથવા માટે આ બધાંથી પર, એને અતિક્રમીને રહેનારા, કશાક, તત્ત્વની કલ્પના કરવાની રહે. પણ એ તો એક આશ્વાસન માત્ર બની રહે.
આમ જગતને સમજાવી દેવાનો પ્રયત્ન જ અધૂરો અને શંકાસ્પદ લાગવા માંડ્યો. જો બધાંને અતિક્રમીને રહેલા પરમ તત્ત્વને સારું માનો તો એના અસ્તિત્વને જ સત્યરૂપ ગણવાનું રહે. આથી સાચું અને પ્રાતિભાસિક એવા ભેદ ઊભા થાય. જડ જગત અને ચૈતન્ય તત્ત્વ વચ્ચેની ભિન્નતા ઊપસી આવે. મન અથવા ચિત્ત જાણે શરીરમાં અમુક સ્થાને રહ્યું હોય અને જગત આપણી બહાર રહેલી ભિન્ન વસ્તુ હોય એમ માનીને એ બન્ને વચ્ચેના સમ્બન્ધની, જગતની વાસ્તવિકતા વિશેની, આભાસ અને સત્ય વિશેની ઘણી નિરર્થક વિતણ્ડાઓ અત્યાર સુધી ચાલ્યા કરતી હતી. હવે જે દેખાય છે તે સત્ય છે કે આભાસ છે તે પ્રશ્ન અપ્રસ્તુત છે. હવે જેને આપણે ચેતના કે subjectivity કહીએ છીએ તે પદાર્થ પ્રત્યેની અભિમુખતા માત્ર છે અથવા mode of existence of an object છે. વળી આ પદાર્થ અજસ્ર અને અખૂટ છે, inexhaustible છે. આપણી બહારનું nonhuman universe અને આપણી ચેતના આમ mutually exclusive છે, છતાં અવિચ્છેદ્ય છે. આ આપણી સમસ્યા છે. આમાં ‘એબ્સર્ડ’નાં મૂળ રહેલાં છે. એ જેને ચીંધે છે તે પરિસ્થિતિ પ્રત્યે આપણે અભિમુખ થવાનું છે તો જ જે સમસ્યા ગૂંચવાઈ ગઈ છે તેને કંઈક અંશે સ્પષ્ટ કરવાનું શક્ય બનશે. આપણાથી સાવ નિલિર્પ્ત અને ઉદાસીન એવા જગત વચ્ચેની આપણી ઉપસ્થિતિ વિશે આપણે કશા પૂર્વગ્રહ કે અનુચિત અભિનિવેશ વિના વિચારવાનું રહેશે. આથી એમ કહેવું અભિપ્રેત નથી કે આપણને આપણા પરિવેશ સાથેના આપણા વેગળાપણાનો, વિશ્લિષ્ટતાનો અનુભવ થાય છે. આમ કહેવું તે ખોટું છે કારણ કે આપણામાંના કોઈ વાસ્તવિકતાથી છેદાઈ ગયા છીએ એવું નથી. આપણે આપણી વિચ્છિન્નતાની વાત કરતા નથી; અસ્તિત્વમૂલક એક પાયાની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ. આપણને એવો અનુભવ થાય છે કે આપણા અનુભવનાં બંધારણ અને જરૂરિયાત તે આપણા વાસ્તવિક પરિવેશના બંધારણ સાથે બંધબેસતાં નથી, સમપ્રમાણ નથી. આમાં ‘એબ્સર્ડ’નાં મૂળ રહેલાં છે. કૅમ્યૂને આ સમસ્યાના નૈતિક પાસામાં રસ છે જ્યારે સાર્ત્ર અને હાઇડેગર એને અસ્તિત્વની ભૂમિકા પર રહીને જુએ છે. આમ સહુ ભિન્નભિન્ન સ્તર પરથી આ સમસ્યાને જુએ છે. જુદા જુદા ચિન્તકોમાં આમ સ્તરભેદ દેખાય છે; પણ મૂળભૂત પરિસ્થિતિ પરત્વે કશો ભેદ નથી, કારણ કે એ દરેકમાં પાયાની વાત તો એક જ છે: વ્યક્તિનો અસ્તિત્વના કેન્દ્રરૂપ બનવાનો અનુભવ અને એનું બંધારણ તે એના પરિવેશ રૂપે રહેલા જગતના બંધારણથી જુદાં છે. આ ભેદનો અનુભવ તે દાર્શનિક વિચારણાનું પ્રારમ્ભિક બિન્દુ છે. જે આ ભેદને સ્વીકારે છે તેની વચ્ચેનો દાર્શનિક વિનિમય પરિણામકારી નીવડે છે. પણ આ સિવાયના જેઓ અસ્તિત્વવાદી દર્શનની સંજ્ઞાઓથી આકર્ષાઈને એમાં ઊમિર્જન્ય ઉદ્રેકોનું આરોપણ કરે છે તેઓ જ અસ્તિત્વવાદ વિશેની ગેરસમજ ઊભી કરીને એના ટીકાકારોને ઉશ્કેરવાનું કામ કરતા હોય છે. ‘એબ્સર્ડ’નો અનુભવ irreducibly irrational છે એમ માનવું તે પાયાની ભૂલ છે. એમાં અસ્તિત્વવાદી વિચારસણીના મૂળભૂત ખ્યાલ વિશેની ગેરસમજ તો છે જ.

જગત અર્થહીન છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ irrational છે એવું સૂચવવામાં નથી આવતું, એથી ઊલટું આ વીસમી સદીના અન્તિમ ચરણમાં આપણે એ દર્શાવતા હોઈએ છીએ કે આપણી આજુબાજુના પરિવેશ રૂપ જગતમાં આટલી ચૌિર્હચનૈાઅનો અનુભવ ક્યારેય થયો નહોતો. આપણા વાસ્તવિક પરિવેશની rationality પહેલી જ વાર આપણી વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિકલ સંસ્કૃતિને સમજવા માટેની ભૂમિકા બની રહે છે. આપણે પહેલી જ વાર માનવજાતિના ઈતિહાસમાં, આજુબાજુના જગત સાથેના structural differenceને તીવ્રપણે અનુભવીએ છીએ.

આપણી આજુબાજુનું, નિરીક્ષણના વિષયરૂપ, જગત આપણે બુદ્ધિમત્તાની સીમામાં ખેંચી લાવવા માટે મથ્યા છીએ. આ કોઈ આધ્યાત્મિક કે ધામિર્ક પુરુષાર્થ નથી પણ રોજ-બ-રોજની એક વ્યક્તિના અનુભવની ઘટના છે. અસ્તિત્વવાદ આપણા વાસ્તવિક પરિવેશના rational structuralને સ્પષ્ટ રીતે બતાવે છે, પણ સાથે એ પણ દર્શાવે છે કે એ structure વ્યક્તિ પોતાના અસ્તિત્વમાં જે structureને અનુભવે છે તેનાથી સાવ જુદું છે. જો આ ભેદની મને પ્રતીતિ થતી હોય, જો બહારનું વિશ્વ આ રીતે સાવ વેગળું જ રહી જતું હોય, તો મને પ્રશ્ન થાય કે હું જે કાંઈ કર્યે જાઉં છું તે હું શા માટે કરું છું? જો એ અર્થહીન હોય તો હું એ શા માટે કર્યે જાઉં છું? પોતાના જીવનનું જે structure છે તેની સાથેના આ બાહ્ય પરિવેશના rational structureનો સમ્બન્ધ તે અસ્તિત્વવાદી વિચારણાનું કેન્દ્રબિન્દુ છે. અનુભવની વાસ્તવિકતા પાયાની વસ્તુ બની રહે છે. એને વિશે પ્રામાણિકપણે વિચારવું તે ચિન્તકની ફરજ બની રહે છે; પછી એને માટે બીજો કશો વિકલ્પ રહેતો નથી. જે આ ભૂમિકાને સ્વીકારતા નથી તેની સાથે મતભેદ તો રહેવાનો જ. અનુભવની આ પ્રાથમિક ભૂમિકા આપણા જમાનામાં વધુ ને વધુ સ્વીકારાતી આવે છે. જેમને આ જાતનો અનુભવ નથી થઈ શકતો તેઓ વિધિનિષેધોમાંથી મુક્તિ અપાવનારાં કેફી દ્રવ્યોનો આશ્રય લઈને પણ એ અનુભવ લેવા ઇચ્છે છે. આમ ‘એબ્સર્ડ’નો અનુભવ તે કશીક અસાધારણ કે સમાજના અમુક વિદગ્ધ સંભ્રાન્ત વર્ગનો જ ઇજારો હોય એવી વસ્તુ નથી. એ એક સર્વસાધારણ અને સ્વાભાવિક એવો આપણા જમાનાના technological organization પ્રત્યેનો પ્રતિભાવ છે.

માનવીની એક વ્યક્તિ તરીકેની આવશ્યકતા અને એના બંધારણ સાથે સુસંગત નહીં એવા એના વાસ્તવિક પરિવેશ વચ્ચે અનુભવાતી નિરાશાને વર્ણવતી સંજ્ઞાઓ કંઈક negative સ્વરૂપની લાગવા સમ્ભવ છે. પણ ફિલસૂફીનું કામ પ્રારમ્ભના તબક્કાના આ negative

experienceમાં જ સીમિત થઈને રહેવાનું નથી; એ દૃઢતાપૂર્વક એના positive સૂચિતાર્થોની શોધ ચલાવે છે. ‘એબ્સર્ડ’ના અનુભવનાં બે પાસાં છે: આપણે જે જગત વચ્ચે વસીએ છીએ તેને વિશેની નિરાશાના અનુભવ સાથે માનવઅસ્તિત્વના વિશિષ્ટ બંધારણ અને જરૂરિયાતો વિશેની સમજ પણ જરૂરી છે.

આમ છતાં ‘એબ્સર્ડ’ આ જમાનાની ફિલસૂફીની સૌથી વિવાદાસ્પદ સંજ્ઞા બની રહી છે. આથી ‘એબ્સર્ડ’ની વાત કોઈ પાગલની કલ્પનાનું પરિણામ છે એમ કહીને એને વખોડી કાઢવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરીએ તે જ ઉચિત છે. આપણે ત્યાં જ્યારે જ્યારે આ સંજ્ઞા વપરાય છે ત્યારે એનાથી શું ઉદ્દિષ્ટ છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી હોતી. આલોચનાત્મક લેખોમાં તાકિર્ક શિથિલતા જોવામાં આવે છે. સુચિન્તિત મતને બદલે clicheના ઉપયોગમાં રાચવાનું વલણ જોવામાં આવે છે.

આપણે ત્યાં જ આવી પરિસ્થિતિ છે એવું નથી, પશ્ચિમમાં પણ એવું જ છે. આથી જ તો જાણીતા નાટ્યવિવેચક અને અનુવાદક મર્ડેકાઈ ગોરેબિકે આવા ‘absurd absurdist’ની ઠેકડી ઉડાવી છે. ‘એબ્સર્ડ’ તરીકે ઓળખાવાતાં ઘણાં નાટકોમાં નાટ્યરૂપની શિસ્ત હોતી નથી; એમાં માનવીય અભિલાષાઓને નકારી કાઢવામાં આવી હોય છે. ઘણાં એમ માને છે કે બીજા વિશ્વયુદ્ધમાં સૌ પ્રથમ હારીને હિટલરને શરણે જનાર ફ્રેન્ચ લોકોની જે મનોદશા હતી તેનું આજે આપણે અનુકરણ કરવાની શી જરૂર છે? જ્ઞાન સમ્ભવિત છે એ હકીકતને જ નકારી કાઢવી અને કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ જ નકામો છે એ પ્રકારના nihilismના પ્રસારની જવાબદારીમાંથી ફિલસૂફો પણ છટકી જઈ શકે તેમ નથી.

આ સંજ્ઞાનું મહત્ત્વ સાહિત્યના ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નથી. આજની યુવાનપેઢીમાં જે નિલિર્પ્તતા કે વેગળાપણું દેખાય છે તે સમજાવવા માટે સમાજના ચિન્તકો પણ આ વિભાવનાનો વિનિયોગ કરતા હોય છે. ધર્મના ક્ષેત્રમાં પણ ‘એબ્સર્ડ’નો વિલક્ષણ રીતે મહિમા સ્થપાયો છે. એમ કરવામાં ક્યિર્કેગાર્દ, યેસ્પર્સર્, માર્સેલ જેવા અસ્તિત્વવાદી ચિન્તકોનો ફાળો ઘણો છે.

‘એબ્સર્ડ’ને માટે બૌદ્ધિક વાતાવરણમાં વિરોધ ઘણો હોય અને સહાનુભૂતિ ઓછી હોય તોય એને એક મહત્ત્વની વિભાવના લેખે સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આ જગતમાં વસતા માનવી વિશેનું મોટું સત્ય ‘એબ્સર્ડ’ દ્વારા પ્રકટ થયું છે એટલું જ નહીં, એ માનવીને માટે ઉદ્ધારક નીવડ્યું છે એમ કહીએ કે પછી એ અત્યન્ત હાનિકારક એવો વક્રદૃષ્ટિપૂર્ણ અભિગમ છે; માનવીના વાજબી આશયોનું મનોરુગ્ણ મનોદશામાં કરાયેલું વિકૃતિકરણ છે એમ કહીએ તોય એની તાકિર્ક ભૂમિકા તો રચી આપવાની જ રહેશે.

‘એબ્સર્ડ’ સંજ્ઞાનો લાક્ષણિક અર્થવિસ્તાર ઘણો થયો છે. આથી વિસ્તરેલી અર્થચ્છાયાઓમાંથી અમુકને રાખીને સ્વીકારવાનું વલણ આપણું હોઈ શકે. ‘આ કે તે ‘એબ્સર્ડ’ છે’ એમ કહેતા હોઈએ છીએ ત્યારે કેટલીક વાર આપણે ઘણી સાચી અને મહત્ત્વની વાત કહેતા હોઈએ છીએ તો કેટલીક વાર સાવ ખોટી અને તુચ્છ વાત કહેતા હોઈએ એમ પણ બને. આ પરત્વે વિવેક કેળવવો જરૂરી બની રહે છે.

આ સંજ્ઞાનો થોડો પૂર્વ ઇતિહાસ જોઈએ: ચિચેરોએ absurdusનો ઉપયોગ બસૂરા ધ્વનિઓ માટે કરેલો. એનાથી અણગમો ઉત્પન્ન થાય, એ ધ્વનિઓ કઠોર લાગે. એ શબ્દના પાછલા ભાગ surdusનો અર્થ ‘બહેરો’ એવો થાય છે. ચમ તે ઉત્કટતાવાચક પૂર્વગ છે. ધીમે ધીમે સંગીતના ક્ષેત્રમાંથી rhetoricsના ક્ષેત્રમાં અને એમાંથી logicના ક્ષેત્રમાં એનો અર્થ વિસ્તર્યો. કોઠાસૂઝને કે ઠરેલ બુદ્ધિને જે ખૂંચે તે એવો ‘એબ્સર્ડ’નો સંકેત વિસ્તર્યો. આથી એબ્સર્ડ તે ધ્વનિ નથી, પણ બોલાતી વાત કે કરવામાં આવેલાં કાર્ય છે; એટલું જ નહીં પણ એવું બોલનારા અને કરનારાને પણ ‘એબ્સર્ડ’ કહેવામાં આવે છે. આવા સંકેતવિસ્તાર પછી એબ્સર્ડને નક્કી કરવાનું ધોરણ વધુ ને વધુ અસ્પષ્ટ બનતું ગયું. ગણિતમાં absurd number આવે છે. આમ ‘આ એબ્સર્ડ છે’ એ વાક્યમાં ‘આ’ને સ્થાને આપણે ગમે તે મૂકી દઈ શકીએ – એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, કાર્ય હોય, વિચાર હોય, વિધાન હોય કે પરિસ્થિતિ હોય.

ચિચેરોએ ખ્રિસ્તી ધર્મમાં રહેલા ‘એબ્સર્ડ’ને ચીંધી બતાવ્યું છે: કુંવારી કન્યાને પુત્ર થાય, એ ઈશ્વરનો પુત્ર હોય એવું માનવામાં આવે, એ ચમત્કારો કરે, એને શૂળીએ ચઢાવવામાં આવે અને એ ત્રીજે દિવસે વળી ઊભો થાય, નરકમાં ઊતરે, સ્વર્ગમાં આરોહણ કરે અને ઈશ્વરનો જમણો હાથ બનીને રાજ કરે – આ ‘એબ્સર્ડ’ની અવધિ નથી? આપણી દેવદેવીઓ વિશેની પુરાણકથાઓમાંથી આવાં અસંખ્ય દૃષ્ટાંતો મળી રહેશે. પણ આનો અર્થ એ કે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં વિશ્વસનીયતાને માટેનાં આપણાં ધોરણો એકસરખાં હોતાં નથી. જે એક ક્ષેત્રમાં સુબદ્ધ અને વ્યવસ્થિત લાગે તે બીજામાં અતન્ત્ર અને અવ્યવસ્થિત પણ લાગે. પણ પાસ્કલ, ક્યિર્કેગાર્દ, કૅમ્યૂ અને સાર્ત્ર જેવા ચિન્તકોએ આ સંજ્ઞા બુદ્ધિવાદના અતિરેક સામેના વિદ્રોહ માટે પ્રયોજી છે.

તો પ્રશ્ન આ છે: વિચારવ્યવસ્થા એક જ હોવી ઘટે? એમાંથી જ બધું તાકિર્કતાથી તારવી આપવાનું રહે? દોસ્તોએવ્સ્કીએ આવી માન્યતાનો જ વિરોધ કર્યો હતો. ‘ભોંયતળિયેનો આદમી’માં એ ‘crystal palace’ની સમ્પૂર્ણ ગાણિતિક અને યાન્ત્રિક વ્યવસ્થા સામે વિદ્રોહ કરે છે. એ સાહજિકતા, વિકલ્પોમાંથી પસંદગી કરવાની અબાધિત સ્વતન્ત્રતા, આકસ્મિકતા અને બુદ્ધિને ન ગાંઠતી હકીકતોને એકબીજાની પડછે મૂકીને બતાવે છે. પાસ્કલ પૂછે છે: ‘વાસ્તવમાં પ્રકૃતિમાં માનવીનું સ્થાન શું છે? અનન્તને મુકાબલે તો એ કશું જ નથી; એ nothing અને everything વચ્ચેનો સાંધો માત્ર છે.’ પાસ્કલને મતે માનવજીવનમાં પાયાનો વિરોધાભાસ છે તે આ જ છે. એ nothing અને everything બનવા ઇચ્છે છે. આમ એબ્સર્ડ તે અમુક માન્યતાઓ, અમુક પરિસ્થિતિઓ પૂરતું જ મર્યાદિત નથી; એ પ્રકૃતિ સાથેના માનવીના સમ્બન્ધની પરિસ્થિતિને લાગુ પડે છે. વ્યવસ્થાઓની શૃંખલાઓ તૂટતી જાય છે અને તેમાંથી એબ્સર્ડ ફણગાઈ ઊઠે છે.

હેગલે એક જ વ્યવસ્થા નીચે બધું લાવી દેવાનો આગ્રહ રાખ્યો; એકમાત્ર પદ્ધતિથી આ સિદ્ધ કરવાનું તાક્યું. ક્યિર્કેર્ગાર્દે આનો વિરોધ કર્યો અને વ્યવસ્થાની તથા પદ્ધતિની અનેકવિધતાની વાત કરી. એ રીતે જોઈએ તો કેવળ બુદ્ધિ પર નિર્ભર રહ્યા વિના જેને સમજી શકાય તે ‘એબ્સર્ડ’. જે લોકો આ ‘એબ્સર્ડ’ને ઓછું એબ્સર્ડ બનાવવા મથે છે તેમની પ્રત્યે એને ઘૃણા છે. પણ એબ્સર્ડ તે અસમ્ભવ, આકસ્મિક કે અદૃષ્ટનો પર્યાય નથી.

કૅમ્યૂને મતે એબ્સર્ડનો ઉદ્ભવ પ્રશ્ન પૂછનાર માનવી અને નિરુત્તર રહેનાર પ્રકૃતિ વચ્ચેના વિરોધમાંથી થાય છે. આમ બન્ને વચ્ચે એક રિક્ત અવકાશ છે; અપેક્ષિત સમ્બન્ધનો અભાવ છે. અનેકવિધ સમ્બન્ધોની શક્યતાઓ કેવી રીતે બુદ્ધિગમ્ય બને છે અને એ સમ્બન્ધો પૈકીના કયા આપણે ઇચ્છીએ છીએ અને આપણે માટે જરૂરી છે તેનો નિર્ણય આપણે શાને આધારે કરીશું? આમ સમ્બન્ધોનો જ છેદ ઉડાવવાની વાત એમાં નથી, પણ આપણે જે વ્યવસ્થા જાણીએ છીએ તે મર્યાદિત છે અને તે એકબીજાનો છેદ ઉડાડતી હોય છે. માનવજાતિને કેટલાક પ્રશ્નોના જવાબ મળ્યા છે. પણ કેટલાકના મળ્યા નથી. એનું શું કારણ? ગેલિલિયો, પાસ્કલ, ન્યૂટન કે કેપ્લરના પ્રશ્નોના જવાબ મળ્યા છે, જગતમાં અનિષ્ટ શા માટે છે, સદાચારી એનો ભોગ કેમ બને છે જેવા પ્રશ્નોના હજી જવાબ ક્યાં મળ્યા છે? આથી જ તો આપણે જો એમ કહીએ કે જગતમાં અસંગતિ છે તો તે વાજબી છે.

આમ આપણે જો તારણ કાઢીએ તો ‘એબ્સર્ડ’ની મુખ્ય મુખ્ય અર્થચ્છાયાઓ આટલી છે: અનુભવના એવા અંશો જે મનુષ્યના વ્યક્તિગત કે સામાજિક જીવનની અપેક્ષાઓ સાથે બંધબેસતા નહીં થતા હોય; વિરોધાભાસના માધ્યમથી અર્થપૂર્ણ રીતે વિચારવિનિમય કરવો; તર્ક કેવળ અમૂર્ત જોડે જ વ્યવહાર ચલાવી જાણે છે; એ કદી મૂર્તને પૂરેપૂરું તાગી શકે નહીં; પ્રકૃતિ આપણે માટે વસ્તુલક્ષી દૃષ્ટિએ મૂલ્યો સ્થાપી આપતી નથી, માટે આપણે જ મૂલ્યોની પસંદગી કરવાની રહે તે પરિસ્થિતિ; આકસ્મિકતાના તત્ત્વનો આપણા જ્ઞાનની પ્રક્રિયામાં અને તત્ત્વવિદ્યામાં સ્વીકાર.

જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે કૅમ્યૂ કહે છે કે લોકો કહે છે કે આ યુદ્ધ કાંઈ ઝાઝું નહીં ચાલે; કારણ કે નિ:શંકપણે યુદ્ધ એક બેહૂદી ઘટના છે. પણ તેથી કાંઈ યુદ્ધ અટકી જતું નથી. બુદ્ધિ ઘટનાઓને પૂરી સમજાવી શકતી નથી કે એને બનતાં અટકાવી પણ શકતી નથી. મરણને આપણે ‘એબ્સર્ડ’ કહીએ છીએ કારણ કે માનવી એવી રીતે જીવે છે કેમ જાણે એ સદાકાળ જીવ્યે જવાનો જ નહીં હોય! માનવીઓ એવા તો અનિવાર્યતયા પાગલ હોય છે કે પાગલ ન હોવું તે વળી પાગલપણાનો જ બીજો પ્રકાર બની રહે! માનવીની મહત્તા એવી તો સુવિદિત છે કે એનું અભાગિયા હોવું તે પણ એનો પુરાવો બની રહે છે!

પાસ્કલે પ્રશ્ન પૂછ્યો હતો: ફિલસૂફો એકબીજાનો વિરોધ કેમ કરતા હોય છે? એનું કારણ એ છે કે મનુષ્યના સ્વભાવને બે રીતે જોઈ શકાય છે: એક તો એ જે લક્ષ્યને દૃષ્ટિ સમક્ષ રાખે છે તે પ્રમાણે – એ રીતે જોતાં એ મહાન અને અતુલનીય લાગે છે. બીજું એને મોટા સમૂહમાં જોઈએ તો – આપણે જે રીતે ઘોડાનો કે કૂતરાનો સ્વભાવ નક્કી કરતા હોઈએ તે રીતે – માનવી અધમ અને દુષ્ટ લાગશે. આ બે પદ્ધતિઓ માનવીને વિશે આપણને જુદાં જુદાં મૂલ્યાંકનો ઉચ્ચારવા પ્રેરે છે!

આમ એબ્સર્ડમાં તર્કની મર્યાદાનો સ્વીકાર રહેલો છે. અસ્તિત્વમાં હોવું એનો અર્થ જો વ્યક્તિ બનીને, મૂર્ત બનીને જીવવું એવો હોય અને જો logic માત્ર વર્ગ જોડે કે અમૂર્ત જોડે જ કામ પાડવા ટેવાયેલું હોય તો logicનાં ગૃહીતોના આધારે આપણે કશા અસ્તિત્વને પ્રમાણિત કરી શકીએ નહીં. આમ અસ્તિત્વને સ્વીકારવું એટલે જે nonlogical અને nondemonstrated છે તેનો મુકાબલો કરવા બરાબર છે. આ પરિસ્થિતિને ‘એબ્સર્ડ’ કહી શકાય.

રૂઢ પરમ્પરાગત ફિલસૂફીમાં મૂલ્યોની ચઢતીઊતરતી શ્રેણીની ગોઠવણી જોવામાં આવે છે. હવે એ આખી વાત ખોટી છે એમ કહેવામાં આવે છે. મૂલ્યનો આધાર આપણી પસંદગી પર રહેલો છે; એ કશું પૂર્વનિર્ણીત નથી. જો એમ હોય તો મૂલ્યોને માટે આપણે કશી વસ્તુલક્ષી ભૂમિકા પ્રસ્તુત નહીં કરી શકીએ. જો આ ન સ્વીકારીએ તો આપણે માનવીય સ્વતન્ત્રતાને જ નકારી કાઢવાની રહે. ફિલસૂફીની બધી અમૂર્ત સ્વરૂપની વ્યાખ્યાઓનું કેન્દ્ર અસ્તિત્વ હોય છે તે સાચું, પણ આવાં સર્વસામાન્ય સ્વરૂપનાં universal વિધાનોથી અસ્તિત્વને પૂરેપૂરું સમજાવી દઈ શકાતું નથી અને તેટલે અંશે પૃથક્કરણની પદ્ધતિની સીમાની બહાર એ રહી જાય છે એમ જ કહેવું રહ્યું. આથી આવી વ્યાખ્યાઓને અતિક્રમી જતું કશુંક નહીં સમજાવી શકાયેલું એવું, contingent રહ્યું જ હોય છે. આમ બુદ્ધિનિયોજિત વ્યવસ્થાથી પર એવું કશુંક રહેવાનું જ અને એને જો ‘irrational’ કહીએ તો ખોટું નથી. અસ્તિત્વ બુદ્ધિ જે કડીઓ જોડી આપી શકે છે તેટલા પૂરતું જ મર્યાદિત નથી; માત્ર બુદ્ધિથી એનો પૂરેપૂરો તાગ કાઢી નહિ શકાય.

આ બધું કહ્યા છતાં એક વસ્તુનો સન્તોષ પ્રકટ કરવાનો રહે છે: ‘એબ્સર્ડ’ના અનુભવને વર્ણવતા અહેવાલો ‘nonabsurd’નો અનુભવ શું છે તેનો સમાવેશ કરવામાં નિષ્ફળ જાય છે. અમૂર્ત રીતે પણ આ ‘nonabsurd’ શું છે તેની વાત કરવામાં આવતી નથી. જ્યારે ‘absurd’ અને ‘nonabsurd’ને સમાવિષ્ટ કરી લઈ શકે એવો સમ્પૂર્ણ અહેવાલ આપી શકાશે ત્યારે એમ કહી શકાશે જે ઉપલક નજરે જોતાં ‘positive’ લાગે છે તે ‘negative’ છે, ને જે ઉપલક નજરે જોતાં ‘negative’ લાગે છે તે ‘positive’ છે.