આંગણું અને પરસાળ/અનુભવનું ઐશ્વર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભવનું ઐશ્વર્ય

બહાર વરસાદ પડે છે. હું ઓશિકે અઢેલીને પ્રવાસનું પુસ્તક લઈને બેઠો છું. ગઈકાલે બહાર હીંચકે ઝૂલતાંઝૂલતાં વરસાદ માણ્યો – એ રીતે એને સત્કાર્યો. હવે આજે એ વરસાદ મહેમાન નથી, ઘરનો માણસ છે. એટલે આજે તો બારીમાંથી એ મને ‘કેમ છે?’ પૂછે છે ને હું ‘આજે પણ તને કંઈ બહુ જોર ચડ્યું છે ને!’ કહીને, પગ લંબાવીને, પથારીમાં પડ્યોપડ્યો પ્રવાસ-કથાનકો વાંચી રહ્યો છું. વચ્ચેવચ્ચે એને વરસતો જોઈ લઉં છું. કાન તો એના ભાતીગળ અવાજો તરફ વળેલા જ છે – ચૉકમાં એ તડતડ પછડાય છે, ઢાળિયાનાં કોરુગેટેડ પતરાં પર એ જલતરંગ વગાડી રહ્યો છે. રસ્તા પર કોઈ કાર પાણી સાથે મોટો છમકારો કરીને દોડી જાય છે એ પણ કાન અંકે કરી લે છે. અને આંખોનું સંધાન પુસ્તક સાથે... ક્યાં છું હું? તો કે ઘરમાં અને ફ્રાન્સમાં એકસાથે. એકસાથે અહીં અને ત્યાં. હજુ શરૂઆતનાં પાનાં છે એટલે એફિલ ટાવર વર્ષાધારાઓની પશ્વાદ્ભૂમાં જરીક દૂર દેખાઈ રહ્યો છે. પ્રવાસલેખકે બતાવેલા, ફ્રાન્સના સુગંધિત માર્ગોની સુવાસ અને મારા ઘરના રસોડામાં ઊકળતી ચાની સુવાસ સાથેસાથે નાસિકાપથમાં પ્રવેશે છે. પણ પછી... થોડીક જ વારમાં ઘર નકશામાંથી હટી જાય છે. નોત્ર દામના દેવળની સન્નિકટ પહોંચું છું ત્યારે પગમાં તરવરાટ છે ને અતિ પ્રિય લુવ્ર મ્યૂઝિયમ સામે દેખાય છે કે તરત હું દોડતો ધસી જાઉં છું – હે પ્રવાસલેખક મિત્ર, મને ઝટ અંદર પ્રવેશ કરાવો. એ પ્રસન્નતાઓથી હવે ઘેરાઈ ગયો છું. નથી હવે વરસાદ, નથી ઘર, નથી ઓશિકે અઢેલ્યાની નિરાંત, નથી ચાની સુવાસ; હું અહીં નથી, ત્યાં જ છું – લોભામણા ફ્રાન્સમાં... એટલે જ પ્રવાસનું પુસ્તક મને વધારે ગમતું હોય છે. વળી, જેમાં અનેક સ્થળોના પ્રવાસોના નિબંધો હોય એવું સંપાદન તો એથીય વિશેષ ગમે છે. ૧૯મી સદીના મહીપતરામ નીલકંઠનાં અને કરસનદાસ મૂળજીનાં ‘ઈંગ્લાંડો’માં ફરીને, કલાપીના કાશ્મીરમાં ઝડપી લટાર મારીને સ્વામી આનંદ અને કાલેલકરના હિમાલયમાં લિજ્જતથી રખડવાનું! નવનીત પારેખે બોરોબુદુરનાં શિલ્પો-સ્થાપત્યો લગભગ ચોમેરથી બતાવ્યાં છે એમાં ફરી વળીને ચંદ્રકાન્ત બક્ષીએ અનુભવેલા કરાંચીની સૈર કરીને નંદિની જોશીના ઈટાલીનાં અનેક સ્પૃહણીય શહેરોને — ખાસ તો આપણને સૌને પ્રિય, એમણે ‘તરતું શહેર’ કહેલા વેનિસને – નિહાળીને ભારતી રાણેના જોર્ડનની રહસ્યમયી સૃષ્ટિમાં જઈ ચડવાનું!...ને અલબત્ત, ભોળાભાઈએ નવસંચારિત કરેલી વિદિશાને પણ માણવાની. એમ બેઠાંબેઠાં ને સૂતાંસૂતાં જ દુનિયાભરનો કેફી સ્વાદ માણ્યે જવાનો. ઘરની બહાર જ જોરદાર વરસાદ વરસે છે ને હું તો વગર ભીંંજાયે – અરે હોય વગર ભીંંજાયે, પરિપ્લાવતિ થઈને – જોરદાર રઝળી રહ્યો છું, ભરપૂર આનંદથી. સાહિત્યને વિગલિત વેદ્યાન્તરમ્ કહ્યું છે – ઘડીકમાં વાસ્તવ જગતમાંથી સાનંદ પલાયન – એ આ રીતે પણ સાચું છે. ‘આસપાસ’માંથી નીકળી જવાનું, ‘ચોપાસ’ ફેલાવા માટે. સમયને ને સ્થળને ઠેકી જવાનાં. કદાચ એમ કહેવું જોઈએ કે અનેક સમયો અને અનેક સ્થળોમાં એક સાથે વિહરવાનું, બલ્કે વિસ્તરવાનું. માહિતીપુસ્તિકા નહીં, પ્રવાસપુસ્તક કે નવલકથા કે નિબંધ કે કવિતા. લેખકનો અનુભવ સીધો જ વાચકનો અનુભવ બને એ બિંદુ. વાચકે પોતાના અનુભવને ને જ્ઞાનને જુદાં પાડવાનાં ન રહે, નર્યો ભરપૂર અનુભવ જ. કલાનો આનંદ એ એવી અનુભવસમૃદ્ધિનો, એવા અનુભવ-ઐશ્વર્યનો આનંદ છે. વરસતા વરસાદની પ્રસન્ન શુભેચ્છાઓ સાથે.

૨૮.૬.૨૦૧૭