આંગણું અને પરસાળ/નાગરિક-ધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાગરિક-ધર્મ

રમણલાલ વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો નાયક એન્જિનિયર થયા પછી શહેરની સરકારી નોકરીની ઑફર ફગાવી દઈને ગાંધીજીએ ચીંધેલી રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને ગામડામાં સેવા કરવા જાય છે. ત્યાં એ શેરીઓમાંથી કચરો વાળતો હોય છે ત્યારે એને મદદ કરવા કે એની કદર કરવાને બદલે કેટલાક માણસો ઉપરના માળેથી આ સેવાભાવીની ઉપર જ કચરો ફેંકે છે. આ દૃશ્ય ચોંકાવનારું છે ને નાગરિક તરીકેની આપણી નિષ્ફળતા પર એ પ્રકાશ પાડે છે. સાવ સાદી રીતે કહીએ તો, બીજાનો પણ વિચાર કરવો એ પહેલો નાગરિકધર્મ છે. સમાજમાં રહેનારને ડગલે ને પગલે આ વિચાર કરવાનો આવવાનો જ. સિવિક સેન્સ એટલે એક સમજ, એક ખ્યાલ, એક કાળજી. આપણી મોટી રાષ્ટ્રીય સમસ્યાઓ અમર્યાદિત વસતી અને મર્યાદિત સાધનોની છે એ ખરું, પણ આપણી મૂળભૂત સમસ્યા તો રાષ્ટ્રીય ચારિત્ર્યની ને એનાય મૂળમાં રહેલા નાગરિકધર્મના અભાવની છે. મોટાં આર્થિક કૌભાંડો, લાંચ-રુશ્વતો, સગાંવાદ એ આખા સમાજને અસર કરનાર મોટા ને વિકટ પ્રશ્નો છે. પણ આપણી રોજ-બ-રોજની જિંદગીમાં વ્યક્તિને જે નુકસાન, જે હાડમારી, જે અડચણો, જે અગવડો ને જે અપમાનો વેઠવાં પડે છે એના મૂળમાં તો સીધાસાદા નાગરિકધર્મનો સદંતર અભાવ જ કારણભૂત છે. બે દૃશ્ય જોઈએ? અમેરિકાના કોઈ નિવાસ-સંકુલના રસ્તા પર તમે સવારે ચાલવા નીકળ્યા છો. ખરેલાં પાંદડાંને એકઠાં કરવા, બ્લોઅર્સથી રસ્તા સાફ કરતા કર્મચારીઓ કામે લાગેલા છે. ચાલતાચાલતા તમે એમની નજીકથી પસાર થાઓ છો ત્યારે એ અટકી જાય છે. તમે થોડાક આગળ ચાલો પછી એ એમનું કામ ચાલુ કરે છે. બીજું દૃશ્ય : ભારતની કોઈ એક રાષ્ટ્રીય સંસ્થાના કેમ્પસ પર તમે રાત રોકાયા છો. સવારે ચાલવા નીકળ્યા છો. સેવકો "વૈષ્ણવજન તો તેને રે કહીએ"ના ગાન સાથે રસ્તા સાફ કરવા ઝાડુ મારે છે. ધૂળ ઊડ્યા કરે છે. તમે પસાર થાઓ એની એમના પર કશી અસર નથી પડતી. કામ કંઈ અટકાવાય? તમે રૂમાલ નાકે દાબીને ઝડપ વધારો છો... નાગરિકધર્મ બહુ દોહ્યલો છે. અવરજવરવાળા શહેરના રસ્તા ઓળંગવાનું તો સૌને નસીબે આવ્યું હશે ને? ત્યારે એમ લાગ્યું જ હશે કે, તમે જ્યારે રસ્તો પસાર કરતા હતા ત્યારે સામેથી આવતા વાહનચાલકે વાહન ધીમું કરવાનું તો બાજુએ રહ્યું પણ એના વાહનની ઝડપ ઑર વધારી છે. આને રાક્ષસી આનંદ કહેવો કે નાગરિકધર્મનો અભાવ કહેવો – એમ વિચારતાંવિચારતાં તમે બચી ગયાની રાહત અનુભવી હશે. ગ્રાહક તરીકે આપણને કદી સંતોષનો અનુભવ થયો હોય છે? ઉત્પાદકો ને વેપારીઓ માલ પધરાવે છે, વસ્તુ આપતા નથી હોતા! ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો – એવું આધ્યાત્મિક સૂત્ર આપણી મશ્કરી કરવા માટે જ લખેલું હશે. અને આપણે પણ ક્યાં ઓછા ઊતરીએ છીએ? બસમાં કે ટ્રેનમાં સીટ પર પહોળા થઈને બેસીએ છીએ, પાસે બેસનારની ને ઊભાં રહેલાંની ધરાર ઉપેક્ષા કરીએ છીએ; રસ્તા પર બેફામ ઝડપથી વાહન ચલાવીએ છીએ, આગળ નીકળી જવા જોખમી ઓવરટેક કરીએ છીએ; બીજાને વાહન બહાર કાઢતાં તકલીફ પડશે એ જાણતાં છતાં આડેધડ વાહન પાર્ક કરીએ છીએ આપણે; ચાલુ વાહને બહાર પાનના ડૂચા થૂંકીએ છીએ... પાછળ બેઠેલાનો ને પાછળ આવનારનો વિચાર કરવાની બુદ્ધિ આપણને ઈશ્વરે આપી જ નથી શું? – એની રોજ બે કલાક પૂજા કરીએ છીએ તો પણ! વાહન ચલાવતાં કાન ફાડી નાખનાર હૉર્ન મારીએ છીએ, રેડિયો-ટીવીના અવાજો મોટા રાખીને પાડોશીને તેમજ આખી સોસાયટીને ત્રાસ આપીએ છીએ; અને નવરાત્રિમાં રાતે બે-બે વાગ્યા સુધી મોટા માઈક-ઘોંઘાટો કરવા દેવાની છૂટ મળે એને આપણો નાગરિક-હક્ક માનીએ છીએ – ધર્મના કામમાં પણ નાગરિકધર્મની ખેવના કરતા નથી. લગભગ દરેક સ્થળે લાઈનમાં ધક્કામુક્કી વગર આગળ જવું આપણે ફાવતું નથી. અને ત્યારે નાગરિકધર્મનાં ચીંથરાં ઊડી જાય છે. પણ એ બધું ચર્મચક્ષુથી આપણને થોડું દેખાવાનું હતું? લાઈનમાં ઘૂસીને; રમખાણો વખતે તૂટતી દુકાનોમાં પેસીને, વસ્તુ ઉઠાવી લાવીને પાછા ગૌરવપૂર્વક ઘરનાંને આપણું એ પરાક્રમ બતાવતા હોઈએ છીએ. આપણા બાળકમાં એ જ ક્ષણે એક ઝેરી બીજ રોપાઈ જાય છે – પપ્પા એનો આદર્શ(!) બની જાય છે. અમેરિકામાં એક મોટા સ્ટોર આગળ વહેલી સવારે લાંબી લાઈન લાગી હતી. સ્ટોર ખૂલે ત્યારે કેટલીક વસ્તુઓ ભારે વળતરથી મળવાની હતી. સ્ટોરમાં મહત્ત્વની વસ્તુઓ ઓછી હતી ને વહેલો તે પહેલો એ ધોરણે થોડાંકને જ મળવાની હતી. લાઈન શિસ્તબદ્ધ હતી, સાવ અડીને કોઈ ઊભાં ન હતાં. મને થયું કે, પાછળવાળાંને તો હવે ઓછા વળતરવાળી વસ્તુઓ જ લઈને ચલાવવું પડશે. સાડા છ વાગ્યે સ્ટોર ખૂલ્યો ત્યારે શું જોઉં છું? ચિચિયારીઓ પાડતું ટોળું ધસ્યું ને લાઈન તૂટી ગઈ. ઓહ, અહીં પણ? ‘મેરા ભારત મહાન’નો એક અનુભવ અહીં પણ થશે એવું કંઈ કલ્પ્યું હોય? હું પાછો વળી ગયો. મને થયું – હે નાગરિકધર્મ, તું ખરેખર દુર્લભ છે.

૨૫.૩.૨૦૦૪