આંગણું અને પરસાળ/સલાહ-શિખામણ-ઉપદેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સલાહ-શિખામણ-ઉપદેશ

લગભગ એક જ અર્થના આ ત્રણ શબ્દો, સલાહ, શિખામણ, ઉપદેશ બહુ છૂટથી હરતાફરતા હોય છે. એકધારા, વણ-અટક્યા, નૉન સ્ટૉપ; ને એનું નિશાન બનનારા સતત ફફડે છે. ભાગી જવાય તો ભાગી છૂટે છે, ભાગી ન જવાય તો આંખો ખુલ્લી રાખીને કાન બંધ કરી દે છે, સલાહનું પોટલું ન છૂટકે સ્વીકારી તો લે છે પણ પછી બહાર જઈને ખંખેરી દે છે – હાશ, છૂટ્યા. શિકારે નીકળેલાને શિકાર તો મળી રહેતા હોય છે. ગામમાંથી બહાર ભણવા જવા નીકળેલો કોઈ કિશોર, પરણીને સાસરે જતી કન્યા, નોકરી કરવા જતો યુવક, ઝટ લઈને ભોળવાઈ જતો મુગ્ધ ભક્ત – એ બધાં એમના મિષ્ટ શિકાર હોય છે. નાના હોવું, શિષ્ય હોવું, પુત્ર હોવું, જિજ્ઞાસુ હોવું – એ શિકાર બનવાની ઉત્તમ લાયકાત છે. પછી પેલા શિકારી એમના પર શિખામણનો મારો ચલાવે છે. અને આપણે જાણીએ છીએ આ શિકારીઓ કોણ હોય છે તે. અકાળે પક્વ થઈ ગયેલા, જિંદગીમાં કદી સક્રિય નહીં થઈ શકેલા, કદી પ્રભાવક નહીં બની શકેલા, શરીરથી જ નહીં મનથી પણ અશક્ત બનેલાઓ જ મોટેભાગે સલાહશિખામણનો મારો ચલાવે છે, કાગારોળ કરી મૂકે છે : ‘જુઓ, આ કરો, આ રીતે કરજો, આનું ધ્યાન રાખવું, સત્યં વદ, ધર્મં ચર, સાંભળ્યું? સમજ્યાં?’ આજ્ઞાર્થ ક્રિયાપદોની આવી ટાંકણીઓ ઘોંચ્યા કરવામાં એમને અપાર આનંદ મળે છે, એમનો સમય સુખમાં પસાર થાય છે. પણ સામેનાનું શું? ખરા અનુભવીઓ ને સાચા જાણકારો કદી સલાહો આપવા બેસી જતા નથી. એ લોકો માને છે કે હજુ પોતાને ય વધુ અનુભવની, વધુ જાણકારીની જરૂર છે. ને જાતે ઠેબાં ખાધા સિવાય અનુભવ કે જ્ઞાન મળતાં નથી. વળી, તૈયાર, readymade અનુભવ નામની કોઈ ચીજ હોતી નથી. એટલે માગવા આવનારને ય એ સલાહ નથી આપતા, બહુ બહુ તો માર્ગ-દર્શન કરાવે છે કે, ‘જો, પેલો રસ્તો, ત્યાંથી આગળનો તારે જાતે ખોળી લેવાનો.’ એ લોકો તમારી સાથેસાથે, તમને આંગળીએ વળગાડીને ફરતા નથી, બહુ જીભ ચલાવતા નથી, કેમકે એ ટોળાંને ઘુમાવનાર ટુરીસ્ટ ગાઈડ નથી હોતા – હોય છે આછો સંકેત કરનાર, માત્ર ઈંગિત કરનાર. આપણા ઘણાખરા શિક્ષકો ને આપણા ધર્મગુરુઓને એમ હોય છે કે પોતે ઉપદેશ આપવા માટે જ અવતાર ધારણ કર્યો છે ને એમના ઉપદેશ વિના આ જગત એકેય ડગલું આગળ ચાલી શકવાનું નથી. એમની પાસે મોટે ભાગે શું હોય છે? એમની પાસે વિચારોના કોથળા હોય છે, ને એ વળી, મોટેભાગે તો એમણે પણ અગાઉ કોઈ શિક્ષક કે ધર્મગુરુ પાસેથી મેળવ્યા હોય છે. શિખામણ ગાંઠે બંધાવી એમ કહેવાય છે ને? એ આ જ. કશું છોડવાનું જ નહીં, એમનું એમ આગળ પધરાવવાનું! પણ જ્ઞાન એ કંઈ કોથળો નથી, એ તો વહેતી અને વધતી જતી શક્તિ છે. એટલે ખરેખરો શિક્ષક ને ખરેખરો ધર્મગુરુ તો ઉપદેશક નહીંં પણ પ્રેરક હોય, રસ્તો ચીંધનારો હોય. શિષ્યના ચિત્તમાં વિચારનો એક તણખો એવો મૂકે કે એ એની ચેતનામાં પ્રસરતો જાય, એ એક વિચાર એવો ઉત્તેજક હોય કે બીજા ચાર નવા વિચાર શિષ્યના પોતાના મનમાં જન્મે. જ્ઞાન એ નિર્જીવ વારસો નથી – ડેડસ્ટૉક નથી, આપણા શરીરના જીવતા કોષોની જેમ એવું સંવર્ધન થાય છે. એટલે જ શિષ્યો સવાયા થાય છે. ને એવો ગુરુ જ કહી શકે છે – પુત્રાત્ શિષ્યાત્ પરાજયઃ ઉપદેશનું એક લક્ષણ એ છે કે એ ગળે ઊતરતો નથી હોતો. ઠાંસીને ઘુસાડવામાં આવે છે. ઉપદેશ ભાગ્યે જ આપણે પ્રેમથી સ્વીકાર્યો હોય છે. ‘સોનેરી સલાહો’ ને એવું બધું કહેવાય છે ખરું, પણ એ બધો મહિમા સલાહ આપનારે ઊભો કરેલો હોય છે. પોતાની વાત બીજાના મનમાં નાખવાની ત્રણ રીતો હોય છે : શિખામણ, વિનંતી અને પ્રેમ. કાવ્ય એટલે શું – એની ઓળખ આપતાં સંસ્કૃતના એક આચાર્યેે કહ્યું છે – એ કાન્તાસમ્મિત ઉપદેશ કરે છે. પછી વિવરણમાં કહે છેઃ શાસ્ત્રો અને વડિલો આજ્ઞાપૂર્વક ઉપદેશ કરે છે; મિત્રો અને સ્નેહીઓ વિનંતી અને સમજાવટથી કામ લે છે. પણ બને કે આ બંને બાબતો માણસના મનમાં ઝટ ન ઊતરી જાય. એટલે પેલો રસિક સંસ્કૃત વિદ્વાન કહે છે કે કાન્તાસમ્મિત – એટલે કે પ્રિય પત્નીના વચનની જેમ કવિતા એનો ઉપદેશ – ઉપદેશ શાનો? – એનો મર્મ વાચકના હૃદયમાં પ્રેમથી સરકાવે છે. ઈષ્ટ વાણી પણ મિષ્ટ રીતે, પ્રેમપૂર્વક આપણા તરફ આવે તો આપણે સ્નેહથી સ્વીકારીએ. કશું પણ આપવા માટે ને લેવા માટે વિશ્વાસનો સેતુ સૌથી વધુ કામનો હોય છે. હિતેચ્છુ હોય તે જક્કી કે આક્રમક ન હોય, બીજી શક્યતાનો, બીજાનો વિચાર ધ્યાનમાં રાખતો હોય તો પછી સલાહ-શિખામણ-ઉપદેશને આપણે દેશવટો આપીએ તો પણ ચાલે... કદાચ વધારે સારું ચાલે.

૨૭.૭.૨૦૦૮