આંગણું અને પરસાળ/તડકાનો વૈભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તડકાનો વૈભવ

આપણો આ દેશ – એ ઋતુઓનો દેશ છે. અને જેટલી ઋતુઓ છે એટલાં જુદાંજુદાં તડકાનાં રૂપ છે. સૂરજ ઊગે છે, અને એની સાથે જ તડકો પણ જાણે કે ઊગી નીકળે છે. લો, એકાએક યાદ આવી ગયા કવિ કલાપી. એમનું ખૂબ જાણીતું કાવ્ય ‘ગ્રામ્યમાતા’ આ રીતે શરૂ થાય છે –

ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં

હેમંતનો સુરખીભર્યો, એટલે કે કૂણો રાતો તડકો. એ સૌથી પહેલાં ક્યાં અડે છે? કવિ કલાપી કહે છે કે ખેતરમાં રમતાં કૃષિકારોનાં બાળકો પર. ને એથી એ ‘બાલના ગાલ રાતા’ થાય છે. બાલ સૂર્યની પણ પહેલી પસંદગી તો બાળકો જ છે! બીજું બધું જે હશે તે, પણ તડકાની તો ખોટ જ નથી આપણે ત્યાં. રામાયણ મહાકાવ્યના રામ, એમનો રઘુવંશ એ સૂર્યવંશ હતો. આજે આપણામાંથી ઘણા, જરાક જુદા અર્થમાં સૂર્યવંશીઓ હોય છે – મોડા ઊઠનારા. ઊગતા સૂર્યને એમણે ભાગ્યે જ જોયો હોય. ઊગતો સૂર્ય – એ શિયાળાનો હોય કે ઉનાળાનો હોય, કૂણીકૂણી રતાશવાળો ને પ્રસન્ન કરનારો હોય છે. એની સામે તમે આંખ માંડી શકો છો, તાકી શકો છો. યોગની ભાષામાં એને ત્રાટક કહે છે. ખરા સૂર્યનમસ્કાર તો એ જ. તડકો ઝડપથી બધે ફેલાતો જાય છે – પર્વત પરથી ડોકિયું કરીને, વૃક્ષોની ટોચ પર પગ ટેકવીને, એ પાંદડેપાંદડે ધરતી પર ઊતરે છે ને પછી તો એનું સામ્રાજ્ય વિસ્તારે છે. એ વિસ્તાર એ જ તડકાનો વૈભવ. પણ આ વૈભવનું રૂપ કંઇ એક જ પ્રકારનું નથી, વિવિધ છે. વૈવિધ્ય અને વૈભવ, એ બંનેનો સુયોગ થાય છે, એથી મોટો આનંદ બીજો કયો હોઈ શકે? ફરી કાવ્ય યાદ આવે છે. શિયાળાના તડકાને માટે કવિએ, ખૂબ જ અચરજથી કહ્યું – ‘આ તે ફૂલ ઝરે, કે તડકો?’ તો ઉનાળાના તડકા માટે કવિ નિરંજન ભગતે એક સરસ ગીત આપ્યું.

તગતગતો આ તડકો
ચારે કોર જુઓ ને કેવી ચગદઈ ગઈ છે સડકો!

સડકોનો ડામર પોચો પડી જાય છે ને ભારે વાહન પસાર થાય ત્યારે એના પર સળ પડે છે. એટલે જ કવિએ કહ્યું હશે – ચગદઈ ગઈ છે સડકો. અને ચોમાસામાં તડકો? ક્યારેક કલાકો સુધી ન હોય – દિવસ આખો તડકા વગર ગયો હોય. ત્યાં વળી કો’ક દિવસ ચમત્કાર થાય છે. એ ચમત્કારને કવિ ઉમાશંકરે કેવો બતાવ્યો છે એ જોઈશું ને?

થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી...

જુઓ ચમત્કાર – તડકો ઢોળાઈ જાય છે. ચોમાસાનાં વાદળો બરોબર ફેલાઈ ગયાં છે, સૂરજ ઢંકાઈ ગયેલો છે, ને એક નાનુંસરખું છિદ્ર પડે છે ને વાદળો વચ્ચેથી પાણી નહીં પણ તડકો ઢોળાઈ જાય છે આપણી ઉપર! ચોમાસાનો એ તડકો જોવાની ને માણવાની પણ એક મજા છે – ભીનાભીના રસ્તા તડકાથી ચળકવા માંડે છે. આ વૈભવ પણ કંઈ ઓછો નથી. બપોરનો સૂરજ, ને એ પણ ઉનાળાનો, એ તો જાણે કે શંકરનું ત્રીજું નેત્ર! તડકો ચામડીને વીંધીને અંદર ઊતરી જાય છે. આપણે સુંવાળાં માણસો – રૂમના એ.સી.માં ભરાઈ જઈએ છીએ ને ત્યાંથી બારીના કાચમાંથી તડકાનું રુદ્ર રૂપ જોઈએ છીએ. થોડેક જ દૂર પેલા કર્મવીર મજૂરો ભરતડકે કામ કરી રહ્યા છે. તડકાના દેવ પવનના દેવને વિનંતી કરે છે – આ મજૂર મનુષ્યોના પરસેવા પર જરા શીતળ વાયુ લહેરાવશો? સાંજનો તડકો તો પેલા સવારે મોડા ઊઠતા સૂર્યવંશીઓએ પણ માણ્યો હોય છે. એટલે જ આપણે ત્યાં સૂર્યાસ્ત – સન સેટ જોવાનો મહિમા છે. પર્વત પરથી કે દરિયાના કિનારા પરથી સૂર્યાસ્ત જોવાનો એક સામુદાયિક ઉત્સવ હોય છે. દરિયાને કિનારે તો, આથમતો તડકો, છેક પશ્ચિમ છેડેથી પાણીમાં તરતોતરતો આપણા પગને પખાળવા લિસોટાભેર જાણે દોડ્યો આવે છે. ઉમાશંકરે તો ભગવાનને પણ સાંજના તડકાના કવિ બનાવી દીધા છે. એમના ‘શોધ’ નામના કાવ્યમાંથી આ વાંચીએઃ

પ્રભુએ મને પકડ્યો’તો એક વાર
સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો’તો

જે તડકાથી ખુદ ઈશ્વર વૃક્ષનાં થડને સોનેરી રંગથી રંગતો હોય એ તડકો કેવો ભાગ્યશાળી? ને આપણે કેવા બડભાગી? તડકાનો વૈભવ આપણી સૌની કાયમી સંપત્તિ બની રહે છે.

૫.૨.૨૦૨૦