આંગણું અને પરસાળ/શકાર કે સકાર?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસ્તા અને આપણે

શકાર સાચું કે સકાર?

સંસ્કૃત સાહિત્યનાં બે જાણીતાં નાટકો છે – ‘દરિદ્ર ચારુદત્ત’ અને ‘મૃચ્છકટિક’. એ નાટકોમાં રાજાના સાળાનું પાત્ર આવે છે. રાજાનો સાળો હોવાને લીધે જ એને સંસ્થાનક – રક્ષકોનો ઉપરી – બનાવવામાં આવેલો છે. પણ એ છે બિલકુલ મૂર્ખ, ગમાર, અને વળી દુષ્ટ. સત્તાશીલનો સંબંધી મૂર્ખશિરોમણિ હોવા છતાં ઉચ્ચ પદને પામતો હોય છે – એવો એ નાટ્યકારોનો કટાક્ષ તો એની પાછળ છે જ. પણ એ સંસ્થાનકના ભાષા-અવિવેક અંગે એ નાટ્યકારોનો એક રોષ પણ એમાં દેખાય છે. આ પાત્રનો જે ઠઠ્ઠો એમણે કર્યો છે! રાજાના આ સાળાનું નામ શકાર છે. શકાર એટલે ‘શ’-કાર, જ્યાં ને ત્યાં ‘સ’ને બદલે ‘શ’ જ બોલનારો, અશુદ્ધ ને અણઘડ ઉચ્ચારો કરનારો. ગુજરાતીના વિદ્વાન નાટ્યકાર રસિકલાલ પરીખે ૧૯૫૭માં ‘શર્વિલક’ નાટક લખેલું એમાં એ પાત્રના આ ‘શ’કાર-પણાની વધુ ઠેકડી ઉડાડવામાં આવી છે. એ શકાર પોતાને ‘રાજા-શાળા શંઠાણા’ (રાજાનો સાળો સંસ્થાનક) કહે છે ને વસંતસેનાને ‘વશંતશેણી’ કહે છે, ને એવું ઘણું બધું... આ ‘સ’ અને ‘શ’ વચ્ચેનો ભેદ આજે પણ કેટલાંકનાં ઉચ્ચારણોમાં ચોખ્ખો હોતો નથી. કેટલાક શિક્ષિતો, અરે સાહિત્યના કેટલાક અધ્યાપકો – બહુ દુખ અને શરમ સાથે કહેવું પડે છે કે – આવા ‘શ’-કારો છે. એ મિત્રો ‘શાહિત્યના શર્વ શંપાદકો’ એમ બોલે ત્યારે આપણા કાનમાં કાંકરી ખૂંચી જતી હોય એમ લાગે! શું કહેવું આ સજ્જનો [?શજ્જનો]ને! એવા એક શિક્ષક-મિત્ર કાળા પાટિયા પર એક નોટિસ લખી રહ્યા હતા – Recess શબ્દને એમણે ગુજરાતી લિપિમાં આમ લખ્યોઃ ‘રિશેશ’. મેં કહ્યું, ખોટું લખ્યું તમે. એ મૂંઝાયા ને સુધાર્યું – ‘રિશેષ’. મેં કહ્યું, મિત્ર, હજુ ખોટું. એ વધુ મૂંઝાયા. એમની પાસે હવે બે જ વિકલ્પ હતા – ‘રિષેશ’ અને ‘રિષેષ’. મેં નકારમાં માથું ધુણાવ્યું એટલે એમણે ચૉક મને પકડાવી દીધો. મેં ‘રિસેસ’ લખ્યું ત્યારે પહેલાં એમને અચરજ થયું, પછી વાત સમજાતાં એમણે કહ્યું – ‘ઓહો! તો, આમ છે! મને ખબર જ નહીં!’ ‘સ’ દંત્ય, દાંત આગળ થતો ઉચ્ચાર છે ને ‘શ’ તાલવ્ય, તાળવા પાસે થતો ઉચ્ચાર છે – એ તો એનું શાસ્ત્રીય વર્ણન થયું, ને એવી તાલીમ (આ અને બીજા ઉચ્ચારો માટે) જરૂરી પણ ગણાય. પરંતુ આમાં ખરો વાંક જીભનો નથી, કાનનો છે. સાંભળવું (to hear) એટલું જ નહીં, ધ્યાનથી સાંભળવું (to listen), એ સર્વમાન્ય (standard) ભાષાના ઉચ્ચારણ માટેની ખરી તાલીમ છે. અને તાલીમ તો પછી આવે, મૂળે તો એ સૂઝનો મુદ્દો છે. નાનપણમાં પ્રાદેશિક ઉચ્ચારણોથી આપણાં કાન-જીભ ટેવાયેલાં હોય, અને એ સ્વાભાવિક પણ છે. પરંતુ પછી, વતન છોડીને આપણે બહોળા સમુદાય વચ્ચે જઈએ છીએ ત્યારે પહેરવેશમાં, રીતભાત-મૅનર્સમાં જેમ આપણે બીજાં સૌનું જોઈને – એટલે કે નિરીક્ષણ અને શ્રવણથી – સર્વમાન્ય પણ સહજ ફેરફારો કરતા જઈએ છીએ, બહુ કાળજીથી; એ જ રીતે કાળજીપૂર્વક આપણાં ઉચ્ચારણોને પણ આપણે સરખાં કરતાં જવું જોઇએ. જાહેર વક્તવ્યો કરનારે અને, ખાસ તો, શિક્ષકોએ તો ઘણી સભાનતાથી ને બનતી ઝડપે પોતાની ભાષાને સર્વમાન્યતાનાં ધોરણોની નજીક લઈ જવી પડે. અલબત્ત, મૂળભૂત રીતે કોઈ પણ પ્રાદેશિક બોલી અ-શુદ્ધ હોતી નથી. પણ જુદીજુદી લઢણોવાળી પ્રાદેશિક બોલીઓનો જેમાં સમન્વય થતો હોય છે, એને સર્વમાન્ય ભાષા કહેવાય. અને એ સર્વમાન્યની દૃષ્ટિએ તો ભાષાના શુદ્ધ-અશુદ્ધ એવા ભેદ થવાના જ. અ-શુદ્ધિ એટલે બીજું કશું નહીં પણ માન્ય થયેલી ભાષાએ કરેલી અ-સ્વીકાર્યતા. દરેક પ્રાદેશિક બોલીમાં એક આગવાપણું ને એક મીઠાશ હોય છે. પરંતુ, કોઈ બોલીને જાહેર વક્તવ્યનો એટલે કે સર્વમાન્ય અભિવ્યક્તિનો અંશ ન બનાવાય. એમાં તો તમારાં સ/શ/હ, ર/ડ/ળ, ઈ/ય એવાં ઉચ્ચારણોના પ્રાદેશિક ખૂણા ઘસીને સરખા કરવા પડે. આપણે ‘સ’ ને બદલે ‘શ’ બોલનારની વાત કરી. હવે, એક બીજી વાત – ‘શ’ને બદલે ‘સ’ બોલનારાં વિશે. ‘શ’નો અતિરેક જેમ અમુક રીતે પ્રાદેશિક લક્ષણ રહ્યું છે તેમ ‘સ’નો અતિરેક – એનો અતિ-સુધારો (over correction) એ જાણે કે શહેરી હોવાનું એક લક્ષણ, એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. જુઓ, આવું તમે રોજ રોજ સાંભળતાં હશો – ‘સકુન્તલાબેન, આજે સું સાક બનાવ્યું?’ ‘અમે સ્ત્રીસસક્તિકરણની ઝુંબેસ ચલાવીસું.’ ‘સરીર છે તે માંદા પડાય, એમાં સરમાવું સા માટે?’ ‘અમે તો અમારી દીકરી નિસાને સિસુવિહારમાં મૂકી, ત્યાં સરસ સીખવે છે.’ ‘ઈસ્વરમાં સ્રધ્ધા જ ન હોય એને તમે સું કરી સકો?’ ‘ભાઈ, સહેરી તે સહેરી, ને ગામડિયા તે ગામડિયા!’ આવું તો અપરંપાર બોલાયે જ જાય છે! તમે ચકરાઈ જાઓ! આ ‘સ’-કાર પણ સર્વવ્યાપી બનતો જાય છે એના પર મજાક કરતાં મેં મારા એક મિત્રને કહ્યુંઃ ‘જો આપણે હજુ બીજાં પચીસ-ત્રીસ વરસ સુધી જીવતા રહ્યા તો આપણે એક ઠપકો ખાવાવારો આવશે.’ એેણે કહ્યું – કેવો ઠપકો? મેં કહ્યું – આપણે આ ‘શબ્દ’ ને ‘શશાંક’ ને ‘શિશિર’ ને ‘શ્રાવણ’ – એમ બોલતા હોઈશું ત્યારે કોઈક આપણને ટોકશે, કે, ‘અરે ભાઈ, તમે સિક્સક છો તો ભાસા તો જરા સુધ્ધ બોલવાનું રાખો!’

૨૪.૪.૨૦૧૬