આંગણું અને પરસાળ/મકાન એ જ ઘર?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મકાન એ જ ઘર?

એક સમજદાર મકાનમાલિકે પોતાનું મકાન ભાડે આપતી વખતે ભાડુઆતને કહ્યું : ‘જુઓ, આ મકાન મારું છે પણ તમે રહો ત્યાં સુધી એ તમારું ઘર છે એ રીતે એને સાચવજો. તો મકાનની રક્ષા થશે ને ઘરની શોભા વધશે.’ તો આ જ ફેર છે મકાન અને ઘરની વચ્ચે. મકાન એ ઈંટ-ચૂનાનો એક નિર્જીવ ઘાટ છે, બાંધકામ છે – એક સ્ટ્રક્ચર કે કન્સ્ટ્રકશન છે. એ મકાન હોય ત્યાં સુધી તો માત્ર એમાં વપરાયેલી સામગ્રીનો – લાકડું કે લોખંડ કે માર્બલ કે ગ્રૅનાઈટ કે રંગ વગેરેનો જ ઓછો-વત્તો મહિમા હોય છે. સ્થાપત્યવિદ્યાની ને વાસ્તુવિદ્યાની ચર્ચાનો એ વિષય છે. પણ પછી એ ઘર બને છે ત્યારે એમાં સંચાર થાય છે – વાયુની લહેરખીનો ને પગરવનો, કલરવનો ને ભોજનની સુગંધનો. એટલે જ ગૃહપ્રવેશનો ને વાસ્તુપૂજનનો મહિમા હશે. યજ્ઞવેદીની ઉષ્ણતાથી મકાનની નિર્જીવતા સજીવતામાં પરિણમે છે. ખાલી મકાન એ સાચે જ ભૂતનો નિવાસ છે એટલે કે ખાલીપાનો નિવાસ છે; રહેનાર મનુષ્ય એમાં પ્રવેશે છે ત્યારે જ એ અવ-ગતિવાળા ભૂતનું ગતિશીલ વર્તમાનમાં પરિવર્તન થાય છે. સોનેરી ભવિષ્યનું સ્વપ્ન લઈને એ વર્તમાન વિસ્તરતો રહે છે – ઘરમાં, પછી પડોશમાં, એ પછી શેરીમાં ને સમગ્ર સોસાયટીમાં. પડોશી તરત ડોકાવાના – ‘કેમ છો? હાશ. તમે રહેવા આવ્યાં ત્યારે જીવમાં જીવ આવ્યો. ભૈસાબ, બહુ ભેંકાર લાગતું હતું. જંગલ ઊગી ગયેલું. માણસનું મોં જોવા મળે ને બે વાત થાય એની જ રાહ જોતાં હતાં અમે તો.’ એટલે મકાન આ રીતે પણ ઘર બને છે. માની લો કે સુંદર, મોટાં મકાનોવાળી કોઇ સોસાયટીમાં તમે એકલાં જ રહેતાં હોવ તો? ગગનચુંબી ફ્લૅટસંકુલોમાં ઘણી વાર એવું બને છે કે એક માળ પરનાં ચાર મકાનોમાં ત્રણ ખાલી હોય ને પેલા એકમાત્ર મકાનમાં ઘર વસાવીને રહેતાં માણસો અહોનિશ પાડોશીની, કોઈ બીજા પરિવારના આવવાની કાગડોળે રાહ જોતાં હોય. ઘરનાં પણ કેટકેટલાં રૂપ છે? આપણું ઘર ને બીજાનું ઘર, સ્વજનનું ઘર ને મિત્રનું ઘર; પરિચિતનું ઘર ને વળી અપરિચિતનું ઘર. કોઈના ઘરમાં અધિકારથી પ્રવેશ કરીએ છીએ ને કોઈના ઘરમાં વિવેકપૂર્વક, કંઈક ઔપચારિક ભાવે પ્રવેશ કરીએ છીએ. અરે, કોઈકોઈના તો ઘરમાં તમે પૂરા પ્રવેશી પણ શકતા નથી. અરધુંક બારણું ખૂલે ને તમારે વરંડામાં, પ્રતીક્ષાખંડમાં બેસવાનું. થોડીક વારે અક્કડ વસ્ત્રો ને એવા જ અક્કડ ચહેરે એક માણસ બહાર આવીને તમને મળે છે. અરે, ‘મળે’ છે એમ પણ શી રીતે કહેવાય? એ મળતો નથી પણ મુલાકાત આપે છે. તમે મહેમાન નથી, મુલાકાતી છો; બોલાવેલા નથી, આવી ચઢેલા છો; અતિથિયે નથી, પણ આગંતુક છો. ‘કોઈક આવ્યું હતું’– એમ જ કહેવાશે. એટલે કે તમે એમને માટે નાન્યેતર છો. ડોરબેલ પર તમારી આંગળી કેટલા વિશ્વાસથી કે કેવા ખચકાટથી દબે છે એના પરથી તમે કોને ઘરે પહોંચ્યા છો એનો ખ્યાલ આવી જાય. પરંતુ મિત્રનું ઘર હોય કે સ્વજનનું, તમારું પોતાનું ઘર એ એક જુદી જ બાબત છે. કવિ નિરંજન ભગતની એક સરસ કવિતા છે –‘ઘર તમે કોને કહો છેા?’ એમ શરૂઆત કરીને પછી એ કહે છે કે, જ્યાં તમે ખીંટીએ ટોપી ભરાવીને, હળવા થઈને, હાશ કરીને નિરાંતે પગ લંબાવીને બેસો તે ઘર. એ ઘરની એકએક ઈંચ જગા તમારી છે એટલે કે એના અણુએ અણુ સાથે તમારો ગાઢ અનુબંધ છે. તમે એની સાથે ચપોચપ ગોઠવાઈ ગયેલા છો. એટલે બીજાના ઘરમાં વધુ સુખ-સગવડ કે સમૃદ્ધિ હોય ને તમારા ઘરમાં ઓછી સગવડો હોય તો પણ બીજાનું ઘર તમને પૂરેપૂરું આરામદાયક નીવડતું નથી; તમે ત્યાં સંપૂર્ણ કમ્ફર્ટેબલ નથી હોતા. ક્યાંક, કશુંક અડવુંઅડવું લાગે છે. તમારી ટેવો પણ તમારું ઘર ઉદારભાવે ચલાવી લે છે. ઘરની અંદર નથી હોતી કુટેવો કે નથી હોતી સુ-ટેવો – હોય છે માત્ર ટેવો. એ આપણું અંગત વિશ્વ હોય છે. હા, ઘરની અંદર તમારી પોતાની એક દુનિયા હોય છે – યત્ર વિશ્વં ભવત્યેક નીડં – જ્યાં વિશ્વ એ એક માળો બની રહે છે, એ એક ઉત્તમ વાત છે, બહુ મોટી ભાવના છે પણ જ્યાં માળો એટલે કે ઘર પોતે જ આખુંય વિશ્વ હોય છે એ વાત બીજા કોઈને મોટી ભલે ન લાગે, આપણે માટે એ આત્મલક્ષી સર્વસ્વ છે. ઘરકૂકડી હોવું એ યોગ્ય ન કહેવાય એ બરાબર છે, તો એ પણ એટલું જ સાચું છે કે ઘરરખુ રહેવું, ગૃહસ્થ કે ગૃહિણી હોવું એ પણ એવું જ અગત્યનું છે, ખરું ને? બહારગામ ગયા હોઈએ, ફાઇવસ્ટાર હોટલમાં રહ્યા હોઈએ, પણ પછી ઘર સાંભરે જ. પેલું ઈંટચૂનાવાળું મકાન નહીં, પરિવારની ઉષ્માવાળું આકર્ષક ઘર, પરંતુ ઘર હોય ત્યારે મમતાની સાથે મમત્વ પણ આવે. ગૌતમની જેમ રૂંધામણ પણ થાય ને એ ઘરની બહાર નીકળી જાય, બુદ્ધત્વ માટે. કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે – ‘ઘરને તજીને જનારને, મળતી વિશ્વતણી વિશાળતા.’ પણ સવારનો ભૂલો પડેલો સાંજે ઘરે આવી જાય છે ત્યારે એનો આનંદ ને એનો મહિમા પણ શું ઓછો હોય છે?

૨૫.૩.૨૦૦૪