આંગણું અને પરસાળ/વાચનનો રસ અને કસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાચનનો રસ અને કસ

તમે એવા વાચકોને જાણો છો જેમને વાર્તા કે નવલકથા ગમી હોય પણ એના લેખકનું નામ એ જાણતા ન હોય? હા, હોય છે એવા વાચકો. એમને તો વા-ર-તા-થી કામ; લેખકનું નામ એમણે ચોપડી પર વાંચ્યું તો હોય પણ એ તરફ એમનું લક્ષ ન હોય. એટલે તમે પૂછો તો એમને યાદ ન હોય. એ કહેશે, ‘હશે હવે કોઈ નામ, પણ આપડને વાર્તા મસ્ત લાગી’ કે ‘ઘણું નૉલેજ મળે છે આ ચોપડીમાંથી’. હવે જુઓ કે ફિલ્મો જોનાર મોટાભાગનાંને એનાં એક્ટર્સનાં, નટ-નટીઓનાં નામની ખબર હોય, પણ દિગ્દર્શક કોણ, છબીકલાકાર કોણ, પટકથાલેખક કોણ – એની કોઈ જ ખબર હોય છે? ફિલ્મનાં ગીતો ગમ્યાં હોય, ‘ટૉપ’ લાગ્યાં હોય, પણ એના સંગીતકાર કોણ એની ખબર નથી હોતી એમને – પછી એના ગીતકાર કોણ એની તો ક્યાંથી ખબર હોય એમને?’ સામે છેડે એવા સજ્જ વાચકો પણ હોય છે જેમને પુસ્તકની બધી બાબતોની ખબર હોય – લેખક કોણ, પુસ્તક ક્યારે પ્રગટ થયું, કોણે કર્યું, બીજી આવૃત્તિ હોય તો પહેલી ક્યારે થયેલી, કયું પારિતોષિક કે ઍવૉર્ડ મળેલાં, એના વિશે કોણે લખેલું, એ લેખકનાં બીજાં કયાં પુસ્તકો, ને આવીઆવી ઘણી બાબતોની એ વાચકોને જાણ હોય છે. આવા જાણકાર વાચકો – એ પોતે પ્રોફેસર કે સાહિત્યકાર ભલે ન હોય પણ જિજ્ઞાસુ ને અભ્યાસી હોય છે. પુસ્તકમાંથી એ લોકો માત્ર પસાર થઈ જતા ન હોય, પણ ઊંડે ઊતરતા હોય. એની વાર્તા જ નહીં, એની શૈલીલઢણો પણ જોતા હોય, પુસ્તકનાં માર્મિક સ્થાનો પકડી શકતા હોય ને એનો આનંદ લેતા હોય. પુસ્તકની મર્યાદાઓ પણ એમની નજરે પકડાતી હોય. આ સજ્જ વાચકો વિવેચકો જ હોય એવું નહીં, પોતે ક્યારેય કશું લખ્યું ન હોય, ન વાર્તા કે ન વિવેચન, તો પણ પુસ્તકની દુનિયાના એ માહેર હોય. જો કે મને તો બંને પ્રકારના વાચક ગમે છે. જે લોકો સમય પસાર કરવા વાંચતા હોય, થોડાક મનોરંજન માટે વાંચતા હોય; ચોપડી વાંચીને વેગળી મૂકતા હોય, ભૂલી જતા હોય; એવા વાચકો પણ ‘વાચકો’ તો છે ને – કંઈક તો વાંચે છે, વાંચવામાં રસ તો લે છે, એ પણ આજે તો મોટી વાત છે. ને જે આજે માત્ર વા-ર-તા જ વાંચે છે એ, બને કે, કાલે વાર્તામાં ને વાર્તાના તત્ત્વમાં રસ લેવા માંડે. વાંચવાની શરૂઆત કરનાર બધા જ લગભગ આવા હોય છે – કથારસથી શરૂ કરનારા, ને પછી એમાં આગળ જનારા, ઊંડે ઊતરનારા. કાચ અને હીરામાં ભેદ ન કરી શકતા હોય, પણ એકવાર ચમકમાં રસ પડ્યો પછી, જતે દહાડે, એમાંથી કોઈ હીરાપારખુ પણ થવાના. નિશાળમાં ભણતી વખતે કવિતા ઉપરછલ્લી જ વાંચી હોય, પરીક્ષાના પ્રશ્નોના ઉત્તર નીચોવી કાઢવા પૂરતું જ એની લીટીએ લીટી જોઈ લીધી હોય – અમારા વખતમાં તો, અમે કવિતાના રાગડા પણ કાઢ્યા હોય, મજા પડી ગઈ હોય – પણ કવિતાની અંદર, એના પેટાળમાં જવાનું તો પછી થાય, ધીરેધીરે. પછી એનો ખરો કસ, એનો ખરો મર્મ મન સામે ઊઘડે. સાહિત્યની અને કળાની ખરી મજા આ જ છે – એનાં મર્મસ્થાનો ઓળખવાં અને માણવાં. કોઈ ઉત્તમ આસ્વાદક વિવેચકે કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હોય એ વાંચો ત્યારે સમજાય કે એણે કેવાં દલેદલ ખોલ્યાં છે કવિતાનાં! કવિતા આપણી સામે ફૂલની જેમ ઊઘડી. તો, માર્મિક વાચન એ જ ખરું વાચન – ભલે એ થોડુંક મોડું આવતું. ધીરેધીરે, ફરીફરી વાંચીને એનો સાચો રસાનંદ મેળવવો. ઉત્તમ કૃતિ પણ એ જ કે એ જેટલી વાર વાંચીએ, વર્ષો પછી ફરી વાંચીએ ત્યારે પણ એવો જ આનંદ આપે – અરે, એવો ને એવો જ નહીં, કંઈક જુદો, ને વિશેષ આનંદ આપે. પહેલાં પકડાયું ન હોય, બરાબર ઊઘડ્યું ન હોય એ હવે ઊઘડે. જે મૂળે હતું જ પણ એ પછી પ્રગટ થાય! એવી ચોપડીને કસદાર કહેવાય. વાચનનો રસ અને કસ એમાંથી જ મેળવી શકાય...

૨૪.૧૨.૨૦૧૬