આંગણું અને પરસાળ/વાચક અને લેખક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાચક-અને-લેખક

ગયા મહિને બારડોલીના નવ-લેખક-વર્તુળ સામે એક ગોષ્ઠિ-વાર્તાલાપ કરેલો. એમાંથી કેટલુંક તારવીને અહીં મૂકું છું. : "આપણે સૌ લેખકો. શબ્દ સાથે કામ પાડનારા, આજે આપણે આપણા વ્યવસાયની કેટલીક જાહેર, અને કેટલીક ખાનગી વાતો પણ, કરીશું. આપણે લેખકો એ ખરું, પણ વાચકો વિના આપણું બધું નકામું. વાચક વિના નર્યો લેખક હોઈ શકે નહીં. વાચકનું મહત્ત્વ સમજવા માટે આપણે નરસિંહ મહેતાના એક કાવ્ય પાસે જઈએ. નરસિંહ કહે છે કે હે ઈશ્વર, આ સૃષ્ટિ તારી છે, તેં રચી છે એ ખરું પણ મારા વિના – ભક્ત વિના તારું અસ્તિત્વ નથી :

‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં,
હું રે હઈશ તાંહાં લગી તું રે હઈશે,
હું જતે તું ગયો....’

નરસિંહે કેવી ઊંડી ને માર્મિક વાત કરી! ઈશ્વર જેમ સર્જક છે, એમ કળાનો જે સર્જક એ પણ ઈશ્વર હોઈ શકે, પણ શિવ-જીવનો જેવો સંબંધ છે એવો જ સર્જક-વાચકનો સંબંધ છે. એકોહં બહુસ્યામ્ની વેદવાણીને કવિ તરીકે નરસિંહ આ રીતે મૂકે છે –

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.

‘અનેક રસ લેવાને’ માટે સર્જક કૃતિને જ નહીં, વાચકને પણ સર્જે છે... એ તો બરાબર. પણ મારે એક બીજી વાત પણ કહેવી છે જે આજની ગોષ્ઠી માટે વધારે મહત્ત્વની છે. જેમ લેખકને માટે વાચકનું હોવું જરૂરી છે એમ જ લેખકનું પોતાનું પણ ‘વાચક’ હોવું જરૂરી છે. સૌથી પહેલાં તો આપણે વાચક છીએ, એ પછી જ લેખક છીએ. એટલે કે લેખક બનવાની પૂર્વશરત છે – વાચક હોવું એ. કેટલાક લેખકો લેખક બન્યા પછી વાચક મટી જતા હોય છે! (વાંચવાંચ કરીએ તો લખીએ ક્યારે?–એવી એમની તાલાવેલી હોય છે!) પરંતુ લેખક હોય એને વાચકપણુું છોડી દેવાનું પાલવે નહીં. એમના કામમાં પછી કશો કસ જ ન રહે. જે ઉત્તમ લેખક હોય છે એ અઠંગ વાચક પણ હોય છે. વાચન સમજ અને સંવેદનની ક્ષિતિજો એટલી વિસ્તારે છે કે એનું તેજ પછી લેખનમાં પણ વરતાય છે. વિદ્વાન કે વિવેચક માટે જ નહીં, કવિતા-વાર્તાના સર્જક માટે પણ વાચનનું એટલું જ મહત્ત્વ છે. મોટા સર્જક એ વિદગ્ધ – વિદગ્ધ એટલે જાણકાર, વૅલ રેડ હોય છે. નાનો સર્જક એની સંકડાશમાં જ ફર્યા કરતો હોય છે. નવા લેખકમિત્રોને મારે પ્રેમપૂર્વકનું કહેવાનું છે કે તમે કવિતા લખતા હો તો આપણી ભાષાની ઉત્તમ કવિતા સતત વાંચતા રહો, વાર્તાકાર હો તો ઉત્તમ વાર્તાઓનું સેવન કરતા રહો. વળી, થોડોક વધારે શ્રમ કરીને બીજી ભાષાનું, અંગ્રેજી અને સંસ્કૃતનું પણ ઉત્તમ હોય તે વાંચો. મૂળ સુધી ન જવાય તો ઉત્તમ અનુવાદો વાંચો. અચ્છા, આપણે વાંચીએ ત્યારે માત્ર વાંચવાનું હોતું નથી. જેમકે, જે નૃત્ય શીખે છે તે, નૃત્યનો કાર્યક્રમ જોતી વખતે નૃત્યકારના એકએક પગલાને, એક એક સ્ટેપને, ને એકેએક અંગ-ભંગિમાને જુએ છે. વેઈન બૂથ નામના એક સંશોધકે Craft of Research (સંશોધનનો કસબ) નામનું પુસ્તક લખ્યું છે એમાં એક સરસ વાત કહી છે. એ કહે છે Read Critically. ક્રિટીકલી એટલે જે કંઈ વાંચતા જાઓ એને તપાસતા પણ જાઓ – લખનારે કેવા મુદ્દા ઉપસાવ્યા છે, પોતાની વાતના સમર્થન માટે કેવી દલીલો રજૂ કરી છે, કેવા દાખલા આપ્યા છે કેવી રીતે, કેવી ભાષામાં લખ્યું છે – એ બધું જોતાં જવું. જેમકે આપણે ગઝલ લખતા હોઈએ તો આપણી ભાષાની ઉત્તમ ગઝલો આનંદ ખાતર તો વાંચીએ જ, પણ એમાં છંદ-લય-પ્રાસ, એની કલ્પનાવલી, એની શરૂઆતની છટા – એ બધું પણ ઝીણવટથી જોતા જવું જોઈએ. કેમ? તો કે કોઈપણ Art (કળા) એ મૂળભૂત રીતે creation (સર્જન) છે પણ અંતે તો એ Craft(કસબ)પણ છે – All art is artifice છે, કારીગરી છે. કોઈ એક કારીગરને, દાખલા તરીકે, સુથારને જુઓ. સુથારનો આગ્રહ પરફેક્શનનો હોય છે, એકદમ પૂરી ચોકસાઈનો. રંધો મારીને એ દરેક વાર લાકડાને બરબર જોઈ લે છે, સરખું થયું છે ને! તમે કડિયાને કામ કરતો જોયો હશે. દીવાલ ચણતી વખતે, પાંચ-દસ ઈંટો ચણીને તરત જ એ ઓળંભો મૂકશે – વાંકુંચૂકું નથી જતું ને? આપણે કદી ગઝલ લખીને કે વાર્તા લખીને તપાસીએ છીએ ખરા કે છંદ-લયની રીતે, લખાતી ભાષાની રીતે બધું સરખું ચાલી રહ્યું છે કે નહીં? ના. આપણા કેટલાક કવિઓ બીજા કવિઓની કવિતા તો વાંચતા નથી જ, પોતાની પણ બીજી વાર વાંચતા નથી! બીજા સમવયસ્ક લેખકોનું ને વરિષ્ઠ લેખકોનું વાંચતા રહેવાનો ને પોતાના લખાણને સતત જોતા-સુધારતા રહેવાનો આનંદ પણ હોય છે ને એથી આપણી સર્જકતા મંજાતી રહેવાની, પરિણામે સમૃદ્ધ રહેવાની. એટલે શ્રમનો બહુ મહિમા છે કલાકૃતિની રચના કરવામાં. બલવંતરાય ઠાકોરે કહેલું કે, સર્જનાત્મક લખાણમાં, કવિતામાં ૮૫% હિસ્સો તો શ્રમનો, કાળજીનો, સજ્જતાનો છે. સજજતા એટલે આ – છંદવિધાન, લયવિધાન, નિરૂપણ, સંકલન, આયોજન. એ બધાની ચુસ્ત કાળજી વિના કલા-કૃતિ થાય નહીં. કળા માનવસર્જિત સૌંદર્ય છે – એ પ્રકૃતિનું લીલાસૌંદર્ય નથી.

૨૦.૨.૨૦૧૭