આંગણું અને પરસાળ/વિશ્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વ

‘ઘરને તજીને જનારને, મળતી વિશ્વતણી વિશાળતા’ – કવિ રાજેન્દ્ર શાહની આ સુંદર પંક્તિ જીવનના સત્યને કેટલી બધી વ્યાપકતાથી ધ્વનિત કરે છે! ઘર જો સીમા બની રહે, સ્વાર્થનું ને મર્યાદિત સમજનું કોચલું બની જાય તો જીવનને અખિલાઈથી જોઈ ન શકાય – પામી પણ ન શકાય. એટલે સીમા ઓળંગવી જ રહી. ઘરની રૂપેરી સીમામાં રાજકુમાર ગૌતમને પૂરી રાખેલા. પણ એક દિવસ એમને ઘરની બહાર ડોકિયું કરવાની તક મળી. ને એમણે જે જોયું એથી જીવન વિશે એમને પ્રશ્નો થયા. આ બધું શું છે? આમ કેમ છે? પછી તો આ પ્રશ્નો જ ખુદ વિદ્રોહ બની બેઠા ને આ વિદ્રોહે એમનાં ચરણને ઘરની બહાર ખેંચ્યાં, વિશ્વ તરફ. એટલે જ તો એમનું બહાર જવું એ મહા અભિનિષ્ક્રમણ ગણાયું. આ ગૃહત્યાગે જ વિશ્વની વિશાળતાનો એમને પરિચય કરાવ્યો. ગૌતમમાંથી એમને બુદ્ધ બનાવનાર તે આ વિશ્વનો સંપર્ક. બુદ્ધનું તો એક વિશિષ્ટ દૃષ્ટાન્ત છે. પણ ઘરની સાથે તંતુ જોડેલો રાખીને ય વિશ્વની સમ્મુખ થઈ શકાય. કવિ ઉમાશંકર જોશી કહે છે એમ ધરતીનો સંપર્ક રાખીને પણ વ્યક્તિમાંથી વિશ્વમાનવી બની શકાય. વિશ્વનો અર્થ જ સમગ્રતા, અખિલાઈ. એથી અનેક સૂર્યમંડળો ધરાવતા વિરાટ અવકાશને પણ આપણે વિશ્વ કહીએ છીએ ને પૃથ્વીના ભૌગોલિક વિસ્તારને–દુનિયાને–પણ વિશ્વ કહીએ છીએ. તો બીજી તરફ મનોવિશ્વ કે કવિનું સંવેદનવિશ્વ એવા શબ્દો પણ યોજીએ છીએ. નાનામાં નાના અણુનું પણ વિશ્વ હોય. એની પરમાણુ-સંયોજિત સમગ્રતામાં કેટલી પ્રચંડ શક્તિ હોય છે! માનવીની કલ્પનાએ, એની બુદ્ધિની સીમાનેે પણ ઓળંગી જાય એવી શોધ કરી છે, કૉમ્પ્યુટરની. કૉમ્પ્યુટર પણ, લાક્ષણિક અર્થમાં તો એક વિશ્વ છે. વિશ્વનો – વિશ્વત્વનો – અનુભવ જ નહીં, એની કલ્પના પણ અહ્લાદક ને અદ્ભુત હોય છે. આકાશની વિરાટતાને કલ્પી જુઓ તો! અનુભવ થશે કે વિશ્વનો અંદાજ કાઢવામાં કલ્પનાના પ્રલંબ તાર પણ ટૂંકા પડે છે. તો પછી, વિશ્વ-અખિલાઈ એ એક આદર્શ જ થયો. ને એથી તો એ સનાતન પડકાર છે. બુદ્ધનું જીવનકાર્ય એવા શાન્ત પડકારનું જ તો પ્રતીક છે. વિશ્વની વિશાળતાથી માણસની મતિ મૂંઝાઈ એટલે એની કલ્પનાએ આધાર લીધો – વિશ્વપતિનો, ઈશ્વરનો. વિભુ એટલે જ સર્વવ્યાપી, સર્વશક્તિમાન. આ પણ આદર્શ થયો ને ઈશ્વર પૂજાપાત્ર બન્યો. વિશાળતાની સાથે જ વિશ્વમાં એક ચુંબકત્વ પણ છે. ખુલ્લી અગાસીમાં પડ્યાંપડ્યાં તારાખચિત આકાશની સામે તાકી રહીએ ત્યારે એક ખેંચાણ સૌએ અનુભવ્યું હશે. કલ્પનાને સહારે નજર કેટલે ઊંચે, રહસ્યનાં કેટલાં ઊંડાણોમાં પહોંચવા મથે છે! અદ્ભુત છે એનું ખેંચાણ – આપણા અસ્તિત્વના એકેએક કોષને એ પોતાના કેન્દ્રમાં ખેંચે છે. પોતાની જ સીમામાંથી બહાર નીકળીને, ઊછળીને આપણે લીન, ને પછી વિલીન થઈ જઈએ છીએ વિશ્વના કેન્દ્રમાં. પરંતુ ત્રિલોકની, સુરાસુરદ્વંદ્વની, વિશ્વવિજેતાની કલ્પના કરવી ગમતી નથી. વિશ્વને પણ બાંધી દઈને એને યુદ્ધગ્રસ્ત કરીને સાંકડું ને વરવું કરતી એ હીન આકાંક્ષા સાથે ‘વિશ્વ’ શબ્દને ગોઠવવાનું કંઈ ગમતું નથી. બબ્બે વિશ્વયુદ્ધોએ આપણી આ સાંકડી દુનિયાને વધુ સાંકડી કરી છે. યત્ર વિશ્વં ભવતિ એક નીડમ્ એ મંત્રમાં તો એક સઘનતાનો સંદેશ છે, પણ આપણે તો ચારે તરફથી ચુસ્ત ઘેરાયેલી અંધાર કોટડીના અર્થમાં સાંકડા બન્યા છીએ, માંડ ટકી રહ્યા છીએ. વિશ્વનો આથી વિકૃત અર્થ બીજો કયો હોઈ શકે? એટલે વિશ્વના ચેતનને, જીવનને રહેંસી નાખીને કે એને બાન પકડીને બની બેસનાર વિશ્વજિતને બદલે વિશ્વવિદ્, વિશ્વને જાણનાર–સમજનાર આપણને ગમે. ને સૌથી વધુ ગમે વિશ્વતોમુખી – વિશ્વને બધી તરફથી જોનાર, નિરખનાર. પ્રીતિપૂર્ણ વિશ્વદ્રષ્ટા જ આપણો ઉચિત આદર્શ હોઈ શકે.