આંગણું અને પરસાળ/સૂર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂર્ય

ચોથા માળની મારી બાલ્કનીમાંથી જોઉં છું : એકદમ શાન્ત બપોરી વેળા છે ને સૂર્ય નિરાંતે બધે છવાઈ ગયો છે. ઊંચાં-ઊંચાં મકાનોની કોઈ ટોચ પણ એણે છોડી નથી. સમથળ અગાસીઓમાં ને અણસરખા રસ્તાઓમાં એકધારી રીતે એ રેલાઈ ગયો છે. અને ક્યાંક એ તડકો છાંયડાને અઢેલીને, લિજ્જતથી, આરામ ફરમાવી રહ્યો છે. અત્યારે તો સીધું સૂર્યની સામે શી રીતે જોવાય? પણ હમણાં સાંજ પડશે ને સૂર્ય જ આપણું ધ્યાન ખેંચશે. કહેશે, કે, પૃથ્વી પર ન જુઓ – અહીં, આકાશમાં જુઓ, હું રાતું ફળ થઈને, ઝળુંબી રહ્યો છું. જોતજોતામાં, આખી પશ્ચિમ દિશા જાણે કે આપણી થઈ જાય છે. ને એ ઠાઠમાં આપણે સૂરજને વિદાય આપીએ છીએ – ચાલો, કાલે સવારે મળીએ. ગુડ બાય... શિયાળાની સવારે એ આપણને પ્રતીક્ષા કરાવે છે. પૂર્વ દિશાનો શીતળ રંગીન અજવાસ કોરી દઈને, એ રંગના જ એક તેજસ્વી આકારરૂપે સૂર્ય પ્રગટે છે – આ વખતે, આપણું મોં જોવા કોઈ નવરું હોય તો એને એ મુખડું પણ રતુંબડું લાગે એવી સૂરજની લીલા હોય છે. હા, સૂરજની લીલા. લીલા નહીં, અનેક લીલાઓ. એનાં કિરણો તો એનાં એ જ છે પણ ક્યારેક – હા, આ દિવસોમાં એ ઉષ્માભર્યાં લાગે છે ને ક્યારેક – હવે એકાદ માસમાં આવશે એ દિવસોમાં એ કિરણો ઉષ્ણતાભર્યાં લાગશે. હૂંફ અને તાપ એ ઉષ્ણતામાનનાં રૂપ છે – બહારનું ઉષ્ણતામાન જ નહીં, અંદરનું પણ... સૂર્યની સ્તુતિઓની વાત આપણે શરૂ કરીએ તો એ પૂરી જ ન થાય. વેદકાલીન સ્તોત્રો અને સૂક્તોથી માંડીને, હજારો વર્ષોથી તે છેક આજની આ સવાર સુધી સૂર્યની કવિતા પ્રગટ થતી જ રહી છે. આમ તો સૂર્યનું એક મહત્ત્વનું કામ અપ્રગટને પ્રગટ કરવાનું છે ને કવિતાનું પણ એવું જ. ને વળી કવિતા સાથે એને કુળસંબંધ પણ છે – કવિતા સાથે સૂર્યનો પ્રાસ મળે છે ને? – કવિતા અને સવિતા. અને એ કુળના વંશજો? આમ તો આપણે બધા જ. પણ રઘુકુળ એ સૂર્યનું કુળ કહેવાતું. કવિ કાલિદાસે રઘુવંશ વિશે મહાકાવ્ય લખ્યું છે અને એ જ કાલિદાસે ઉનાળાની, નિદાઘકાલની, ઓળખ એમના ‘ઋતુસંહાર’ કાવ્યમાં જાણે કે એક પ્રાકૃતિક સૂત્રથી આપી છે : પ્રચંડ સૂર્યઃ, સ્પૃહણીય ચંદ્રમા. જેમાં સૂર્ય પ્રચંડ હોય છે ને ચંદ્ર હંમેશાં સ્પૃહણીય, વહાલો, હોય છે તે ઋતુ. સંસ્કૃતમાં સૂર્યનાં કેટકેટલાં નામ-અભિધાનો છે! માર્તંડ, ભાસ્કર, આદિત્ય... એવાંએવાં દબદબાભર્યાં નામોની વચ્ચે આપણને તો એક નામ ગમે – રવિ. રવિ એટલે, સામાન્ય રીતે, મૃદુ સૂર્ય. કવિ કલાપી યાદ આવી જાય. શાર્દૂલવિક્રીડિત છંદમાં એમનું સૌમ્ય કાવ્ય ‘ગ્રામ્યમાતા’ આ રીતે શરૂ થાય છે --

ઊગે છે સુરખીભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં

ખેતરમાં ખેડૂતોનાં નાનાંનાનાં બાળકો તાપણા આગળ બેઠાં છે ને સૂર્ય એમને વહાલ કરે છે –

રવિ નિજ કર એની ઉપરે ફેરવે છે.

એ રાતા ગાલની ઉપર રવિના કર, એટલે કિરણો, ફરે છે ને એ ઑર રાતા થાય છે. સૂર્યની આ મૃદુતાની એક બીજી સરસ કાવ્યપંક્તિ યાદ કરવા જેવી છે. સૂર્ય પ્રચંડ થઈને બધે છવાઈ જાય છે એવું જ નથી; એ કાળજીથી, ને વળી કુતૂહલથી, સ્હેજ નીચે-ઊંડે ઊતરીને કોઈકને મળે છે. કોને મળે છે? કવિ સુરેશ દલાલે એ જોયું છે –

લીલ લપાઈ બેઠી જળને તળિયે
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ.

શરમાળ એવી એ લીલને મળવા સૂર્ય એના કિરણનો તેજહુંફાળો હાથ લંબાવે છે એ પણ એની લીલા – સૂર્યની લીલા. એની એવી લીલાઓથી તો આ સૃષ્ટિ દર્શનીય લાગે છે – ને સ્પર્શનીય પણ...

૨૯.૧.૨૦૧૧