આંગણે ટહુકે કોયલ/મારા વાડામાં ગલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩૬. મારા વાડામાં ગલ

મારા વાડામાં ગલ છોડવો રે,
ફાલ્યો લચકાલોળ મારા વાલા!
ખોળો વાળી ફૂલ વીણતાં રે,
કરડ્યો કાળો નાગ મારા વાલા!
ફળિયે આવી ફેર ચડ્યાં રે,
પડિયાં અમે ભફોભફ મારા વાલા!
સસરો આવ્યો જોવા રે,
પાંચસે રૂપિયા પાણી મારા વાલા!
સાસુ આવી જોવા રે,
ભલે વહુ ભાગ્યશાળી મારા વાલા!
જેઠ તે આવ્યા જોવા રે,
ઘૂમટાની તાણનાર ગઈ મારા વાલા!
જેઠાણી આવી જોવા રે,
પાણીની ભરનાર ગઈ મારા વાલા!
દેરજી આવ્યા જોવા રે,
ઠેકડીની કરનાર ગઈ મારા વાલા!
દેરાણી આવી જોવા રે,
મારી તે જોડીદાર ગઈ મારા વાલા!

આપણું યુવાધન ધીમે ધીમે લોકગીતો સાથે કનેક્ટ થઇ રહ્યું છે ભલે એની સ્પીડ ફોર કે ફાઈવ જી જેવી નથી, ટૂ-થ્રી જી જેવી છે! સહિયારા પ્રયાસોથી ગતિ વધી જશે એમ માનીએ. જયારે શહેરી સંસ્કૃતિ ઉપર ગ્રામ સંસ્કૃતિનું વર્ચસ્વ હતું, જયારે બોલીમિશ્રિત ગુજરાતી ભાષાનું પ્રભુત્વ હતું ત્યારે લોકસંસ્કૃતિનાં બધાં પ્રકરણો લોકહૈયે વસ્યાં હતાં પણ જ્યારથી શહેરો મોર્ડન કે સ્માર્ટસિટી બનવાં લાગ્યાં ને ગામડાંમાં ‘સિટી કલ્ચર’ આવ્યું સાથોસાથ ગુજરાતી ભાષામાંથી બોલીની બાદબાકી થઈ ને એનું સ્થાન અંગ્રેજીએ લીધું ત્યારથી આપણે લોકસંસ્કૃતિથી દૂર થવા લાગ્યા. હવે દસેય દિશાના પ્રયત્નો શરૂ થયા છે ત્યારે ફરી પાછાં સૌનાં કદમ એ દિશા તરફ પ્રયાણ કરવાં લાગ્યાં છે. નવી શિક્ષણનીતિમાં લોકસંસ્કૃતિ આપણી પરંપરાને પુન: પ્રસ્થાપિત કરવાનો નિર્દેશ છે. ‘મારા વાડામાં ગલ છોડવો રે...’ ઓછું જાણીતું લોકગીત છે. એક વહુ પોતાના વિશે બહુ જ વિચિત્ર કલ્પના કરે છે કે જો હું વાડામાં ખીલેલાં ગલગોટાનાં ફૂલ વીણવા જાઉં, ખોળો વાળીને ફૂલડાં વીણતી હોઉં ને મને કાળોતરો નાગ કરડી જાય, હું દોડીને ઘરમાં આવું પણ ફળિયે પહોંચું ત્યાં જ ચક્કર આવે ને પડી જાઉં, ઘરના બધા જ સભ્યો દોડી આવે, મારી છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે કોણ શું વિચારે? સસરાને એવો વિચાર આવે કે માંડ માંડ પાંચસો રૂપિયા ભેગા કરી દીકરાને પરણાવ્યો પણ વહુ તો હમણાં મોતને ભેટશે...પાંચસો રૂપિયા પાણીમાં ગયા! વળી, દીકરાને બીજીવાર પરણાવવો પડશે-એ ખર્ચ જુદો! સાસુને થયું કે વહુ નસીબદાર છે કેમકે પતિની ચૂંદડી ઓઢીને ગઈ. જેઠને લાગશે કે ઘૂંઘટ તાણનારી, જેઠાણીને થશે કે પાણી ભરનારી ગઈ. દિયર માટે મજાક-મસ્તી કરનારું પાત્ર ગયું તો દેરાણીને એમ લાગશે કે મારી જોડી તૂટી ગઈ. એક ગૃહિણીની કલ્પના તો જુઓ! સાવ સરળ લોકગીત દ્વારા તેણે કેટલી મોટી વાત વહેતી મૂકી કે આપણા અંતરંગ સંબંધો પણ કેવા મલ્ટીડાયમેન્શનલ એટલે કે બહુપરિમાણીય હોય છે. આપણે દરેક વ્યક્તિ માટે અલગ અલગ મહાત્મ્ય ધરાવતાં હોઈએ છીએ, જેવો જેનો સ્વાર્થ! એક નાનકડું લોકગીત માનવ સંબંધોનું કેટલું અગાધ તત્વચિંતન પીરસી જાય છે! લોકગીતના રચયિતાઓએ સોક્રેટીસ કે અબ્રાહમ લિંકનને વાંચ્યા ન્હોતા, તેઓ એરિસ્ટોટલ, પ્લેટોની કોઈ થીયરી જાણતા ન્હોતા પણ પોતાની હૈયાઉકલત દ્વારા જે કાંઈ સૂઝ્યું એ ગાઈ નાખ્યું ને એમ આ બધાં લોકગીતો બની ગયાં.