આંગણે ટહુકે કોયલ/ચોબારીના ચોકમાં રૂડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૫. ચોબારીના ચોકમાં રૂડાં

ચોબારીના ચોકમાં રૂડાં ઝરમર વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડા હારલા વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડા ચૂડલા વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડી ગૂજરી વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડી કાંબિયું વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડાં કડલાં વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.
ચોબારીના ચોકમાં રૂડા કંદોરા વેંચાય છે,
લેરીડો હોય તો મૂલવે, પાતળીને પેર્યાના કોડ છે.

આનંદ, દુઃખ, શોક, વસવસો, ગર્વ, અભાવ, ઈર્ષ્યા આ બધું માનવસહજ છે. કોણ એનાથી બાકાત હોય? વ્યક્તિએ વ્યક્તિએ એનું પ્રમાણ વધુ ઓછું હોઈ શકે પણ એનો સંપૂર્ણ હ્રાસ કરી નાખ્યો હોય એ માનવ મટીને દેવ બની જાય! તબીબી અને મનોવિજ્ઞાન કહે છે કે માનવમનના નકારાત્મક ભાવો જો લાંબો સમય મનમાં જ ઘૂમરાયા કરે તો એ મનોદૈહિક બીમારી નોતરે છે એટલે આવી નેગેટીવિટીને વહેલીતકે ત્યાગી દેવી. અરે, હરખનો અતિરેક પણ ઘણીવાર શારીરિક આફતને બોલાવી લાવતો હોવાના અનેક કિસ્સા આપણા ધ્યાને આવતા રહે છે. આ બધી નકારાત્મક બાબતોને દૂર કેમ કરવી એનો ઉકેલ આપણે શોધી રહ્યા છીએ. આપણા દાદીમા-નાનીમા કે એના વડીલોએ મનમાંથી નેગેટીવિટીનો કચરો કાઢી નાખવાનો માર્ગ શોધી લીધો હતો એટલે તેઓ નિરામય દીર્ઘાયુષ્ય ભોગવી શકતાં હતાં. હા, એમના જીવનનો કોઈપણ ભાવ, ચાહે પોઝીટીવ હોય કે નેગેટીવ, એણે અન્યોને શેર કરી દીધો હતો લોકગીતોના માધ્યમથી! કોઈપણ તહેવાર આવે, બહેનો ભેગી થઈને રાસડા લે જ. આ રાસમાં લોકગીતો ગવાતાં અને એ ગીતો દ્વારા પોતાનાં સુખ, દુઃખ, વિરહ, વલોપાત ગાઈ નાખવામાં આવતા એટલે એરિસ્ટૉટલની ‘થીયરી ઓફ કેથારસીસ’ અનુસાર એમના મનમાંથી બધું નીતરી જતું. આજે આપણે આવું કરી શકીએ છીએ? ના, એટલે જ સ્ટ્રેસ અને એન્ઝાયટીનો ભોગ બન્યા છીએ. ‘ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેંચાય છે...’ પહેલી નજરે કે પ્રથમ શ્રવણમાં ઉલ્લાસનું ગીત લાગે પણ એમાં ભારોભાર વિરહની વ્યથા ઘોળાયેલી છે. ચોબારી ગામના ચોકમાં મહિલાઓને પહેરવાના ઝરમર જેવા સુવર્ણ અલંકાર વેંચાય છે. માથાથી પગ સુધીનાં ઘરેણાં વેંચાણમાં મુક્યાં છે પણ માનુનીને આ દાગીના કોણ લઈદે? એને મૂલવવાવાળો પોતાનો લેરીડો ક્યાં? એ તો કમાવા માટે દરિયાપાર ગયો છે. જો પિયુ હોય તો એની સમક્ષ માગણી કરી શકાય. આમેય વાલમ વિદેશ વસતો હોય એની યાદ ક્ષણે ક્ષણે આવતી હોય એમાંય પાતલડીને પ્રિય એવા ઘરેણાં બજારમાં વેંચાતાં હોય ત્યારે પરણ્યો સાંભર્યા વિના કેમ રહે? કઈ કામિની એવી હોય જેને આભૂષણોના કોડ ન હોય? અહીં ચોબારી ગામનો ઉલ્લેખ થયો છે, સંભવ છે કે ‘ચોક’ સાથે પ્રાસ મેળવવા ‘ચોબારી’ ગામનું નામ ગાવામાં આવ્યું હોય અથવા વાસ્તવમાં ચોબારી ગામની ઘટના પણ હોઈ શકે. સૌરાષ્ટ્રમાં ચોટીલા તાલુકામાં ચોબારી ગામ છે જે આઝાદી પૂર્વે પ્રિન્સલી સ્ટેટ હતું અને શૂરવીર એવા કાઠી દરબારો ત્યાંના રાજવીઓ હતા. એક ચોબારી કચ્છમાં છે. ભચાઉ તાલુકાનું ચોબારી ઐતિહાસિક ગામ છે. ગામમાં પ્રાચીન વાવ હતી જેમાં પ્રવેશવાનાં ચાર દ્વાર હતાં એટલે ‘ચાર બારી’ પરથી ગામનું નામ ચોબારી પડ્યું એવો ઈતિહાસ છે. આપણે ત્યાં પગથિયાંવાળા કૂવા એટલે કે વાવના ચાર પ્રકારો પાડવામાં આવ્યાં છે. એક પ્રવેશદ્વારવાળી વાવનું નામ નંદા, બે પ્રવેશદ્વારવાળી ભદ્રા, ત્રણ પ્રવેશદ્વારવાળી જયા અને ચાર પ્રવેશદ્વારવાળી વિજયા કહેવાય છે. આ લોકગીતમાં ઘણા ‘દેરીડો હોય તો મૂલવે’ એમ ગાય છે પણ એ યોગ્ય નથી જણાતું કેમકે સ્ત્રીને ઘરેણાં કોણ લઇ દે? દિયર કે પતિ?