આંગણે ટહુકે કોયલ/માછલી વિયાણી દરિયાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૩. માછલી વિયાણી દરિયાને

માછલી વિયાણી દરિયાને બેટ, સરવણ રિયો એની માને પેટ,
કાળી પછેડી ને ભમરિયાળી ભાત, સરવણ જનમ્યો માજમ રાત.
અડીકડી વાવ ને નવઘણ કૂવો, ત્યાં સરવણનો જનમ હુવો,
લાંબી પીપળ ને ટૂંકાં પાન, સરવણ ધાવે એની માને થાન.
ચાર પાંચ વરસનો સરવણ થયો, લઈ પાટી ને ભણવા ગયો,
ભણી ગણી બાજંદો થયો, સુઘરી નારને પરણી ગયો.
સુઘરી નાર મારાં વચન સુણો, મારાં આંધળાં મા બાપની સેવા કરો,
આંધળાં માબાપને કૂવામાં નાખ, મને મારે મૈયરિયે વળાવ.
મોર્ય સરવણ ને વાંહે નાર, સરવણ ચાલ્યો સસરાને દ્વાર,
સસરાજી મારાં વચન સુણો, તમારી દીકરીને ઘરમાં પુરો.
ર્યો! ર્યો! જમાઈ જમતા જાવ, (મારી) દીકરીના અવગુણ ગાતા જાવ,
ઈ રે અભાગણીનાં મોં કોણ જુવે,
(મારા) આંધળાં માબાપને નાખે કૂવે.
ત્યાંથી સરવણ ચાલતો થયો, સુતારીના ઘર પૂછતો ગયો,
ભાઈ સુતારી મારાં વચન સુણો, આંધળા માબાપની કાવડ ઘડો.
કાવડ ઘડજો ઘાટ સુઘાટ, સોયલા બેસે મારાં મા ને બાપ,
આંધળા માબાપ રાજી થાય, અડસઠ તીરથ કરવાને જાય.
ગંગા જમુના નાયાં રે નીર, ત્યાંથી આવ્યા સરયૂને તીર,
આંધળા મા બાપ તરસ્યાં રે થાય, સરવણ પાણીડાં ભરવાને જાય.
ભરિયા લોટાને ખખડયાં નીર, સરવણ વીંધાણો પેલે તીર,
તરસ્યાં તપસ્વી પાણીડાં પીઓ, તમારો સરવણ સરગે ગિયો.
આંધળા માબાપે સાંભળી વાત, દાઝેલ દલડે દીધો રે શ્રાપ,
દશરથ તારે દીકરા ચાર, અંત સમે નહિ એકેય પાસ.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શ્રવણકુમાર અનહદ આજ્ઞાકારી પુત્ર તરીકે લોકહૈયે વસ્યા છે. આજે કોઈ દીકરો માતાપિતાની પરમસેવા કરતો હોય તો એને ‘શ્રવણ’નું બિરુદ મળે છે ને એથી ઉલટું થાય તો કટાક્ષમાં ‘કળિયુગી શ્રવણ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘માછલી વિયાણી દરિયાને બેટ...’ રામાયણમાં કહેવાયેલી શ્રવણની કથા પરથી બનેલું ખૂબ જ પ્રચલિત લોકગીત છે. એ કથાગીતની વ્યાખ્યામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ માતા-પિતાનો પુત્ર શ્રવણ ભણી ગણી હોંશિયાર થયો ને સારા ઘરની (સુઘરી) કન્યાને પરણ્યો પણ માતાપિતાની સુશ્રુષા કરવાનું વ્રત ચુક્યો નહીં. તેની પત્નીએ જયારે સાસુ-સસરાની સેવા કરવાનો ઈન્કાર કરી દીધો ત્યારે એને પિયર મુકી આવ્યો ને કાવડમાં માતા-પિતાને બેસાડી અડસઠ તીર્થની યાત્રા કરાવવા નીકળ્યો. ફરતાં ફરતાં સાંજ પડ્યે સરયૂ નદીને તીર પહોંચ્યા. માતાપિતા માટે શ્રવણ જળ ભરવા ગયો, પાણીમાં પાત્ર ડૂબાડ્યું ને એનો બૂડ...બૂડ. . અવાજ આવતાં શિકારે નીકળેલા અયોધ્યાના રાજા દશરથે કોઈ પ્રાણી જલપાન કરતું હશે એમ માની અંધારામાં ‘શબ્દવેધી’ (અવાજની દિશામાં) બાણ માર્યું ને શ્રવણ વીંધાઈ ગયો! દશરથને પછી ખબર પડી કે પોતાનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પણ શું થાય? છેલ્લા શ્વાસ લેતા શ્રવણે દશરથ રાજાને કહ્યું કે મારાં માતાપિતા તરસે ટળવળે છે એને જલદી પાણી પીવડાવી આવો. દશરથ જલપાત્ર લઈને ગયા અને સાચી વાત કહી દીધી પણ શ્રવણ જેવો પુત્ર ગુમાવનાર માતાપિતાએ દશરથને અભિશાપ આપી દીધો કે તમારા અંતકાળે ચારમાંથી એક પણ પુત્ર તમારી પાસે નહીં હોય. તમે અમારી જેમ પુત્રવિરહમાં દેહ ત્યાગશો! શ્રવણના દિવ્યાંગ માતાપિતાએ આપેલો શાપ વાસ્તવમાં દશરથ રાજા માટે વરદાન હતું કેમકે દશરથ તો ત્યારે નિ:સંતાન હતા! એ પછી એમને ઘેર રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અવતર્યા!