આંગણે ટહુકે કોયલ/ફૂલવાડીમાં દીપડો નજુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૫. ફૂલવાડીમાં દીપડો નજુ

ફૂલવાડીમાં દીપડો નજુ! બાગવાડીમાં દીપડો,
હાલોને દીપડો જોવા જાયેં રાજપૂતિયા.
તારી માતા તને વારતી નજુ! તારી માતા તને વારતી,
વેર વિના સંગડા છોડી મેલ્ય રે રાજપૂતિયા.
ઘરડાં માબાપ છે નજુ! ઘરડાં માબાપ છે,
ઘરડાં માબાપની દયા લાવજે રાજપૂતિયા.
એકલિયો વીર છે નજુ! એકલિયો વીર છે,
એકલિયા વીરની દયા લાવજે રાજપૂતિયા.
પરદેશણ બેન છે નજુ! પરદેશણ બેન છે,
પરદેશણ બેનની દયા લાવજે રાજપૂતિયા.
નાની તારી નાર્ય છે નજુ! નાની તારી નાર્ય છે,
નાનીના જન્મારા કેમ જાશે રાજપૂતિયા.
ત્રણસે તરવારિયાં નજુ! ત્રણસે તરવારિયાં,
બસો બંધૂકે દીપડો માર્યો રાજપૂતિયા.

આપણાં લોકગીતો યુગોથી કંઠસ્થ પરંપરા થકી ગવાતાં, સંભળાતાં રહ્યાં છે. છેલ્લા એકાદ શતકથી ગ્રંથસ્થ થવાં લાગ્યાં બાકી તો કંઠ અને કાનથી જ સફર કરતાં રહ્યાં. આનો સીધો અર્થ એ થાય કે એમાં સત્વ છે જ બાકી કઈ ચીજ આટલું દીર્ઘ આયુષ્ય ભોગવી શકે? જો એ મનઘડંત, ઉપજાવી કાઢેલાં તુક્કા કે જોડકણાં હોત તો આજનાં ફિલ્મગીતોની જેમ ક્ષણભંગુર બની રહ્યાં હોત! લોકગીતોને લોકજીવનનો અર્ક કહીએ. જેવું જીવાય એવું લોકગીતમાં ગવાય. અનેક લોકગીતો કોઈ સત્યકથાનાં બયાન સમાં પણ છે. એ વાત જુદી છે કે એમાં ક્યાંક અતિશયોક્તિ કે ચમત્કૃતિનો અહેસાસ થતો લાગે. આપણી ભોમકાના નરબંકાઓ, દાનવીરો, પર માટે પાળિયા થઈને ખોડાઈ ગયેલા વીરવર પુરૂષોની સાચુકલી વાતોને લોકકવિએ ગેયરૂપ આપી દીધું ને એ લોકગીતો બનીને અમર થઇ ગયાં. ગૂર્જરધરા પર સમયે સમયે પાકેલાં આવાં રત્નોનાં ઝવેરાત જેવાં લોકગાણાં રસિકાઓએ રાસડારૂપે ગાયાં. એવરત જીવરતનું જાગરણ, શરદપૂનમ કે અન્ય કોઈ અવસરે એકત્ર થયેલી કામિનીઓ ગામના પાદર કે ચોરાના ચોકમાં કૂંડાળું રચી રાતભર રાસ લેતી જાય, તાળી પાડતી જાય, એક બહેન ગવડાવે ને બાકીની ઝીલતી જાય એમ નવેય રસનાં ગીતો આપણને મળ્યાં. વૃધ્ધાઓ અને પ્રૌઢાઓ પાસેથી વહુવારુઓ-દીકરીઓ શીખે ને એમ આ ગીતો વંશપરંપરાગત આવતાં રહ્યાં. ભામિનીઓએ નાતજાતનો ભેદ રાખ્યા વિના અઢારેય વરણનાં ગુણ-દોષ લોકગીતોમાં સરાજાહેર ગાયા છે. ‘ફૂલવાડીમાં દીપડો નજુ! બાગવાડીમાં દીપડો...’ કોઈ શૂરવીર યુવા રાજપૂતનો રાસડો છે. વાત એમ બની કે જંગલમાંથી એક દીપડો ગામમાં, ફૂલવાડીમાં ચડી આવ્યો. દીપડો સિંહ જેવું શાહી પ્રાણી નથી. એ ક્રૂર, દગાખોર, પીઠ પાછળથી વાર કરનારો અને માનવભક્ષી હોય છે એટલે એને ગામમાંથી ભગાડવો અનિવાર્ય બની જાય છે. સામાપક્ષે એ વાત પણ સાચી છે કે દીપડો કંઈ લાકડી ઉગામવાથી નાસી ન જાય એને તો તલવાર કે બંદૂકથી ભગવવો પડે. આ રાસડામાં જેની બહાદુરી ગવાઈ છે એ નજુ (અમુક લોકો માટે નથુ) નામના હિંમતવાન યુવકે હામ ભીડી. ‘હાલો દીપડો જોવા’ એમ કહીને આગેવાની લીધી પણ અહિ ‘જોવા’નો અર્થ એને ‘જોઈ લેવા’ એવો થાય! ગ્રામજનોને ખબર હતી કે હવે દીપડા સાથે શૂરવીરની ટક્કર થવાની છે એટલે નજુને યાદ કરાવી દેવામાં આવ્યું કે તારા માતાપિતા ઘરડાં છે, એકલો ભાઈ છે, બહેન દેશાવરમાં સાસરે છે ને તારી પત્નીની વય નાની છે માટે ધ્યાન રાખજે પણ માથું પડે તોય ધડ લડે એવી ખમીરવંતી ભૂમિનો બાહુબલી ગ્રામજનોની સલામતી માટે કંઈ પણ કરી છૂટે. નજુ દીપડાનો શિકાર કરીને જ જંપ્યો...! ત્રણસો તલવાર અને બસો બંદૂકે દીપડો માર્યો એનો અર્થ એ કે દીપડો આટલાં હથિયારોથી મરે એવો જોરુકો હતો છતાં નજુએ એકલે હાથે હણી નાખ્યો! અહિ દીપડાનું ખૂંખારપણું અને નજુના જિગરનું ચિત્રણ કરાયું છે. વળી ‘ત્રણસો તલવાર’ અને ‘બસો બંદૂક’ ‘ત’ અને ‘બ’નો પ્રાસ મેળવવા પણ મુક્યું હોય. આજે કોન્ક્રીટનાં જંગલો છે તોય ગુજરાતનાં ગામડાંમાં અવારનવાર દીપડા ચડી આવે છે ને માણસ તથા પશુઓ પર હુમલા કરતા રહે છે. હવે જંગલખાતું પાંજરાંમાં પુરીને લોકોને ભયમુક્ત બનાવે છે પણ અગાઉ બહાદુરોએ શિકાર કરવો પડતો. આજે શિકાર પ્રતિબંધિત છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ પણ જયારે આવા કોઈ નિયમો ન્હોતા, શિકાર થતા ત્યારે કોઈ વીરકથા પરથી લોકગીતો બની જતાં જેમ આજે કોઈ ઘટના પરથી ‘બ્રેકિંગ’ વાઈરલ થાય છે એમ જ...!