zoom in zoom out toggle zoom 

< આંગણે ટહુકે કોયલ

આંગણે ટહુકે કોયલ/અરરર માડી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪. અરરર માડી રે

અરરર માડી રે! છાણાં વીણવા ગઈ’તી ન્યાં વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! મેઘલી રાતે કરડ્યો મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! ટચલી આંગળીએ કરડ્યો મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! વડોદરાના વૈદડા તેડાવો મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! વડોદરાના વૈદડા છે ખોટા મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! પાટણથી પિયુને તેડાવો મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો
અરરર માડી રે! પિયુજીને જોઈને ઉતર્યો મા! વીંછુડો
હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો,
ચટક્યો મા! વીંછુડો

લોકગીત જન્મે એક ગામ, પંથક કે પ્રાંતમાં પણ જો એ બળુકું હોય તો હરણફાળ ભરતું થોડાક જ સમયમાં જનજન સુધી પહોંચી જાય છે. એને તાલુકા, જિલ્લા, વિસ્તારના સીમાડા અવરોધી શકતા નથી. જોરુંકું લોકગીત વાદળની જેમ દોડે છે, એને કોઈ બંધન નથી હોતું. સહેલા શબ્દો, ગીતનો ભાવ અને ઢાળ એને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થાય છે, આકાશી વાદળ તો થોડાં સમયમાં વિખેરાઈ જાય પણ લોકગીતનું વાદળ સૈકાઓ સુધી અમર રહે છે.

‘અરરર માડી રે...’ દમદાર, મદમસ્ત, માદક લોકગીત છે. વાત એમ છે કે લોકગીતની નાયિકા એવી નવયૌવના છાણાં વીણવા ગઈ ત્યાં એને એક મોટા, કાળાભમ્મર વીંછીએ ટચલી આંગળીએ ચટકો ભરી લીધો. વીંછીનો ડંખ કેટલો અસહ્ય હશે એ નાયિકાના મુખેથી સારી પડેલા ‘અરરર માડી’ જેવા શબ્દોથી સમજી શકાય છે. ચોમાસામાં વરસાદ પડે એટલે છાણાંના મોઢવામાં વીંછી થઈ જાય એ હકીકત છે.

નાયિકાને વીંછીએ મેઘલી રાતે ચટકો ભર્યો, હવે કરવું શું? સારવાર માટે વડોદરાથી વૈદ તેડાવવા માટે ભલામણ કરે છે. વૈદ આવ્યા, નિદાન કર્યું ને એણે જે તારણ આપ્યું એને નાયિકાએ અસ્વીકૃત કરી વૈદને ખોટા કહ્યા. એણે બીજો ઉપચાર સૂચવ્યો કે હવે પાટણથી મારા પિયુને તેડાવો...પિયુ આવ્યા, એને જોયા ત્યાં તરત જ ઝેર ઉતરી ગયું લ્યો!

પિયુના વિરહમાં ઝૂરતી નવોઢાને મેઘલી રાતે ‘હંબો હંબો વીંછુડો’ બની કામદેવે ડંખ માર્યો છે! નાયિકાએ પુરાવા પણ આપી દીધા. એણે વૈદને ખોટા કહ્યા કેમકે વૈદે નિદાન કરી ને એમ જ કહ્યું હશે કે આ બાઈને વીંછી કરડ્યો હોય એવું લાગતું નથી, એના શરીરમાં વીંછીનું ઝેર બિલકુલ નથી. હા, વૈદ આમાં સાચા છે પણ વીંછી કરડ્યો એવું નાયિકા ગાઈ વગાડીને કહે તો જ પિયુને તેડાવાયને?! એટલે વૈદ ખોટા...! વળી, પિયુ આવે, એને જુએ ત્યાં જ વીંછી ઉતરી જાય એવો ‘કહ્યાગરો’ વીંછી કયો હોય એ સ્પષ્ટ જ છે.

લોકગીતો ક્યારેય નકારાત્મક સંદેશા આપતાં નથી. સ્વાભાવિક રીતે જ આ વર્ષો પૂર્વેનું ગીત છે એ જમાનામાં સાપ, વીંછી જેવાં ઝેરી જનાવર કરડે તો લોકો ભૂવા કે સાપ-વીંછીનું ઝેર ઉતારનારા પાસે જતા હતા પણ આ લોકગીતમાં વીંછી કરડયા પછી નાયિકાએ વૈદને બોલાવવાનું કહ્યું, નહિ કે મંત્ર-તંત્રથી વીંછી ઉતારનારા માંત્રિક કે તાંત્રિકને બોલાવવાનું...એનો સીધો જ અર્થ એ કે અહિ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશો અપાયો છે!

આ લોકગીતની કથાવસ્તુ, ઢાળ, અડધી હિંચનો તાલ વગેરે પરથી એવું સમજાય છે કે આ મૂળ ઉત્તર ગુજરાતનું લોકગીત છે પણ પ્રદેશની સીમા ઓળંગીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગવાવા લાગ્યું એટલે ઉત્તર ગુજરાતની બોલીની છાંટવાળા શબ્દોને બદલે પોતપોતાની બોલીનો સ્પર્શ આપી દેવામાં આવ્યો હોય. ઉત્તર ગુજરાતમાં ‘છાણાં’ને બદલે ‘છોણાં’, ‘વીણવા’ને બદલે ‘વેણવા’ અને ‘વીંછુડા’ને બદલે ‘વેંછુડો’ બોલાય અને ગવાય છે પણ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકોએ એમાંથી ઉત્તર ગુજરાતીપણું કાઢી ‘છાણાં’, ‘વીણવા’ અને ‘વીંછુડો’ જેવા શબ્દો ગાયા. લોકગીત પોતાનો જન્મપ્રદેશ છોડીને અન્ય વિસ્તારમાં જાય તો ત્યાંના રંગે રંગાઈ જતું હોય છે એ વાત પણ અહિ સમજાય છે.