આંગણે ટહુકે કોયલ/મેહ વરસે મેહુલિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩. મેહ વરસે મેહુલિયા

મેહ વરસે મેહુલિયા રે ગોંડલના રાજા લોલ,
ઝબકે ઝીણી વીજ ધોરાજી શે’રના સૂબા લોલ.
ઉતારા દેશું ઓરડા રે ગોંડલના રાજા લોલ,
દેશું મેડીના મોલ ધોરાજી શે’રના સૂબા લોલ.
પોઢણ દેશું ઢોલિયા રે ગોંડલના રાજા લોલ,
દેશું હિંડોળા ખાટ ધોરાજી શે’રના સૂબા લોલ.
દાતણ દેશું દાડમી રે ગોંડલના રાજા લોલ,
દેશું કણેરી કાંબ ધોરાજી શે’રના સૂબા લોલ.
નાવણ દેશું કુંડિયું રે ગોંડલના રાજા લોલ,
દેશું જમુનાનાં નીર ધોરાજી શે’રના સૂબા લોલ.
ભોજન દેશું લાપસી રે ગોંડલના રાજા લોલ,
દેશું કઢિયેલાં દૂધ ધોરાજી શે’રના સૂબા લોલ.
મુખવાસ દેશું એલચી રે ગોંડલના રાજા લોલ,
દેશું બીડેલાં પાન ધોરાજી શે’રના સૂબા લોલ.

શાસ્ત્રોમાં વરસાદને દેવ કહ્યો છે, એ વરુણદેવ છે પણ લોકશાસ્ત્રોએ વરસાદને પ્રાણાધાર માન્યો છે. આપણું લોકજીવન વર્ષારાણીનાં ઝાંઝરના ઝણકારે ઝંકૃત થઇ જતું ને જો એ મહારાણી રિસાઈ જાય તો ઝંખવાઈ જતું. ગ્રામજીવન, કૃષિ, ગોપાલન, ઉત્સવો, લોકમેળાઓ, વૈયક્તિક અવસરો-બધું જ સમયસરના, પુરતા અને નિયમિત વરસાદ પર અવલંબન રાખતું હતું કેમકે મેહ મહારાજની કૃપા વિનાનો સંસાર એટલે કામિનીનાં કાજળ વિનાનાં નેણાં...! આજે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે બસો-પાંચસો ફૂટ ઉંડા બોર કલાકોમાં બની જાય છે, સો-બસો વીઘા જમીન પર મલકાતી મોલાતને ઘડીના છઠ્ઠા ભાગમાં પાણી પીવડાવી શકાય છે. ઘરે નળમાં શુદ્ધ પાણી આવી જાય છે કેમકે સિંચાઈની સુવિધા વધી, ગામેગામ કેનાલો પહોંચી ગઈ, નર્મદામૈયા આપણા આંગણા સુધી આવી ગયાં ને સૌની જેવી યોજના થકી સરોવરો-ડેમ ભરવા સહેલા થઇ ગયા. હજુ નદીઓનું આંતરજોડાણ થઈ જાય અને વિજ્ઞાનીઓ દરિયાને મીઠા કરી દે તો આપણે સૌ આજીવન ‘પાણીવાળા’ બની રહેશું! પણ પચાસ, સો કે એનાથી વધુ વર્ષો પૂર્વે બહુધા ગામડાંમાં વીજળી ન્હોતી, ટેકનોલોજીનો વ્યાપ બહુ સીમિત હતો, કૂવા-તળાવ ત્રિકમ, કોદાળી, પાવડાથી ગાળવા પડતા, ખેતી માટે પાણી ખેંચવા બળદ જોતરીને કોસનો ઉપયોગ કરવો પડતો ને બહેનોને કૂવા-તળાવેથી માથે હેલ ભરીને પાણી લાવવું પડતું એવા સમયે દુષ્કાળ પડે, સતત બે-ત્રણ વર્ષ સુધી વરસાદ ન વરસે તો કેવી દશા થતી હશે? ‘મેહ વરસે મેહુલિયા રે ગોંડલના રાજા લોલ...’ કારમા દુકાળ પછી વરસેલા ધોધમાર વરસાદનો સાંબેલાધાર ઉલ્લાસ વરસાવતું લોકગીત છે. વિક્રમ સંવત ૧૯૫૬માં ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ જેવો દુષ્કાળ પડ્યો હતો. અનેકાનેક લોકો અનાજના દાણા અને ખોબા પાણી વિના તરફડીને મરતા હતા. માતા-પિતાની નજર સામે સંતાનો અને સંતાનો સન્મુખ જન્મદાતાઓને જમડા લઈ જતા હતા પણ કોઈ શું કરી શકે? આ કારમોકાળ કેમેય કરીને પસાર કર્યા બાદ વાદળો જામ્યાં, તૂટી પડ્યાં, ધરતીને અને લોકને ધરવી દીધા ત્યારે ગોંડલિયા રાજના લોકો શેરીઓમાં આવી ગયા મેઘરાજાના ઋણસ્વીકાર માટે અને નાચવા કૂદવા લાગ્યા પોતાના રાજવીનું સ્મરણ કરીને. ‘છપ્પનિયા દુકાળ’ તરીકે દુઃખદ યાદી બની ગયેલો સંવત ૧૯૫૬ એટલે કે ઈ. સ. ૧૯૦૦ની સાલનો આ ‘કાળ’ ગોંડલમાં પ્રજાપ્રિય રાજા ભગવતસિંહજીનો શાસનકાળ હતો. ગોંડલબાપુ, ભગાબાપુ જેવાં હુલામણાં નામવાળા આ રાજવીએ કુશળશાસક બનીને કાયમ લોકસેવા કરી પણ ‘છપ્પનિયા’ વખતે તો તેઓ પ્રજાનો પડછાયો બની ગયા એટલે પછીના વર્ષે વાદળો વરસતાં જ ગોંડલરાજની પ્રજા હરખઘેલી થઈને શેરીઓમાં ઉતરી પડી ને મેઘરાજા સાથે ગોંડલના રાજાની પણ જાણે કે સ્તુતિ કરવા લાગી! ભગવતસિંહજીનું અવતરણ ઈ. સ. ૧૮૬૫માં ધોરાજી ખાતે થયું હતું એટલે સંભવ છે કે લોકગીતમાં ધોરાજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ગોંડલ, ધોરાજી ઉપલેટામાં પહોળા અને પાક્કા રસ્તા , વીજળી, મોટા પુલ, શાળા, પંચાયતઘરની ઈમારતોની સુવિધા ગોંડલબાપુએ એમના કાર્યકાળમાં આપી હતી. સમાજના દરેક વર્ગ માટે એમને સન્માન હતું એટલે જ લોકોનો પ્રતિભાવ પણ જુઓ, લોકગીતમાં ગાયું કે તમે અમને સુવિધાસંપન્ન બનાવ્યા છે હવે અમારો ખપ પડે ત્યારે અમે પણ સર્વસ્વ આપવા તૈયાર છીએ.