આંગણે ટહુકે કોયલ/માલમ મોટાં હલેસાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૫. માલમ મોટાં હલેસાં

માલમ મોટાં હલેસાં તું માર,
જાવું મારે મધદરિયાની પાર.
મેણું માર્યું છે મને ભાભલડીએ, દે’ર આળસુનો સરદાર;
ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે, એનો બળ્યો અવતાર રે
માલમ મોટાં હલેસાં...
જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લખમીનો નહીં પાર,
જાવે ગિયા કોઈ પાછા ન આવે, આવે તો બેલડો પાર રે
માલમ મોટાં હલેસાં...
જાવું છે મારે સિંહલદ્વિપમાં, પરણવા પદમણી નાર,
મોતીડે પોંખે જો ભાભી ભામાને, જીવવામાં બહુ સાર રે
માલમ મોટાં હલેસાં...
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં, જીવો જીભલડીની ધાર;
મેણાં મારીને મારી મતિ સુધારી, ખોલ્યાં મનનાં દ્વાર રે
માલમ મોટાં હલેસાં...

હિમાલયમાંથી ઉદભવેલી ભાગીરથી જેમ યુગોથી અસ્ખલિત વહેતી રહી છે એમ ગુર્જરજનોનાં હૃદયમાંથી અવતરેલી લોકસંગીત-લોકસાહિત્યરૂપી લોકગંગા પણ સૈકાઓથી અદ્રશ્ય ધારા વહાવી રહી છે. ગંગામૈયા શ્રદ્ધાળુઓ માટે વિશુદ્ધ છે એમ લોકગંગા સાત્વિક છે. જહાનવી અર્થાત્ ગંગાના જેમ સાત પ્રવાહ વહ્યા એમ લોકગંગાના પણ લોકગીત, ભજન, ધોળ, લગ્નગીત, દુહા, છંદ, ઉખાણાં, ઓઠાં, પર્વ-પ્રસંગોનાં ગીતો, લોકવાર્તા, રમૂજી ટૂચકા, લોકવાતો જેવા અનેકાનેક પ્રવાહો વહ્યા. શ્રદ્ધાળુ જેમ અલકનંદામાં સહપરિવાર ડૂબકી દેવા ઉત્સુક હોય એમ લોકગંગા એવી જ પાવની છે જેનું ચરણામૃત પિતા-પુત્રી, માતા-પુત્ર, ભાઈ-બહેન સાથે બેસીને લઈ શકે! ‘માલમ મોટાં હલેસાં તું માર...’ શેરડીના રસ જેવું મધુર લોકગીત છે. એક યુવક આત્મકથન કરતો હોય એવીરીતે ગીતનો ઉપાડ થયો છે. મુખડામાં જ યુવક જહાજના માલમ એટલે કે નાવિકને કહે છે કે તું મોટાં હલેસાં માર તો હું જલદી દરિયાની પાર પહોંચી જાઉં. આજે આપણા યુવકો દેશાવરમાં ઉચ્ચ અભ્યાસ, નોકરી, વ્યવસાય અર્થે જઈ રહ્યા છે, દેશનું ઘણું યુવાધન વિદેશ વસ્યું છે પણ અગાઉ, પચાસ-સો વર્ષ પહેલાં લોકો પરદેશ શા માટે જતા હતા? લોકગીતનો નાયક પોતાની અંગત વાત જાહેર કરતાં કહે છે કે માતૃસ્વરૂપા ભાભીએ મને મેણું માર્યું હતું કે હું આળસુનો સરદાર છું, મોટાભાઈ દિન-રાત મહેનત કરે છે, પરિવારનું લાલનપાલન કરે છે હું મોજશોખ પુરા કરું છું, એશ કરું છું, ઘોડાં ખેલવું છું, આવીરીતે મારો અવતાર સફળ નહીં થાય. નાયક કહે છે કે હવે હું જ્યાં લક્ષ્મીજીનો ખૂબ જ અનુગ્રહ છે એવા જાવા બંદરે કમાવા જઈ રહ્યો છું. જાવા જાય એ કોઈ પાછા ન આવે પણ જે આવે તે માલામાલ થઈને આવે! લોકગીતો સમાજનું દર્પણ છે. લોકગીતનો નાયક જે વાત કરે છે એ જે તે વખતના સાહસિક ગુજરાતીઓ જાવા સહિતના ઇન્ડોનેશિયન ભૂભાગ પર વેપાર માટે જતા એ કાળનું ચિત્રણ છે. ગુજરાતની હવામાં વ્યાપાર હતો ને છે! નાયક હજુ તો જાવા ટાપુ જવા માટે ગુજરાતથી વહાણમાં બેઠો છે ત્યાં જ પોતે જાવા પહોંચી ગયો, ત્યાં ખૂબ કમાણી કરી લીધી, ઠાઠથી જીવન જીવવા લાગ્યો ને હવે લગ્ન પણ કરવાં પડશે ને! એટલે સિંહલદ્વિપ એટલે કે આજના શ્રીલંકામાં પદ્મિની મતલબ સર્વાંગ સુંદર તથા દૈવી (લક્ષ્મી જેવી) પત્નીને પરણવા જશે એવાં દીવાસ્વપ્નો જોવા લાગ્યો અને પોતે પદમણીને પરણીને આવે ને જો ભાભી નવવધૂને મોતીડે પોંખે તો જીવનનો આનંદ ઓર વધી જશે! લોકગીતના છેલ્લા અંતરામાં પોતાને મેણાં મારનારાં ભાભીનો નાયક અંતરથી આભાર માને છે, ભાભી દીર્ઘાયુ થાય એવી શુભભાવના વ્યક્ત કરે છે કેમકે ભાભીએ જો મેણાં ન માર્યાં હોત, આળસુ અને બીજાની કમાણી બેઠાં-બેઠાં ખાનારો ન કહ્યો હોત તો પોતે જાવાના દરિયાઈ માર્ગે જવા નીકળ્યો ન હોત. ભાભી શતાયુ થાય પણ જીભની ધાર તો પૂર્વવત્ રહેવી જોઈએ તો જ પોતાને મેણાં સાંભળવા મળે ને પોતાના જીવનબાગને લીલ્લેરો રાખવાની ધગશ રહે. નાયકે અહીં ભાભીનાં બે કલ્પનાચિત્રો ઉપસાવ્યાં છે, એક તો પોતે પરણે ત્યારે ભાભી મોતીડે પોંખે ને બીજું મેણાં મારવાનું બંધ ન કરે! અભણ કે અલ્પશિક્ષિત ગુજરાતીઓએ રચેલાં અને સંગીતનાં કોઈ સાધનો વિના માત્ર તાળીના તાલે ગાઈ શકાય છતાં સાંભળ્યાં જ કરીએ એવા ઢાળનાં ગુજરાતી લોકગીતો સાંભળીને એવું કોણ કહી શકે કે અંગ્રેજોની ગુલામીમાં સબડતી પ્રજાનું આ ગરવું ગાન છે? આજે આપણે અનેક સવલતો વચ્ચે મૌલિકતા ગુમાવી બેઠાં છીએ ત્યારે બાપડા ગુલામ ગુજરાતીઓએ આવાં જુગ-જુગ જીવે એવાં અણમોલ ગાણાં રચ્યાં!