આંગણે ટહુકે કોયલ/સરગ ભવનથી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૪. સરગ ભવનથી રે

સરગ ભવનથી રે ઊતર્યાં ગવતરી
આવ્યાં મરતૂક લોકમાં મા’લવા રે.
ચરવા ડુંગરડે ને પાણી પીવા ગંગા
વાઘ વીરાની નજરે પડ્યા રે.
ઉભાં રો’ ગવતરી, પૂછું એક વાત!
મોઢે આવ્યું ખાજ નહીં મેલું રે.
સાંભળ, વાઘ વીરા! કહું તને વાત!
ઘર મેં મેલ્યાં નાનાં વાછરું રે.
ચંદર ઊગ્યાની વીરા, અવધું રે આપો!
વાછરું ધવરાવી વે’લાં આવશું રે.
નો રે આવું તો બાવા નંદજીની આણ્યું,
ચાંદો સૂરજ આપું સાખિયા રે.
ઊઠો ઊઠો, વાછરું! ધાવો માનાં દૂધ
અવધ્યું આવી વીરા વાઘની રે!
ઘેલી માતા કામધેનુ, ઘેલડિયાં મ બોલો!
કળપેલું દૂધ કડવો લીમડો રે.
મોર્ય ચાલ્યાં વાછરું ને વાંસે માતા કામધેનુ
કલ્યાણી વનમાં ઊભાં રિયાં રે,
ઊઠો ઊઠો વાઘમામા, પેલાં અમને મારો!
પછી મારો મારી માતને રે.
નાનાં એવાં વાછરું તમને કોણે શીખવિયાં
કિયે વેરીડે વાચા આલિયું રે!
રામે શીખવિયાં લખમણે ભોળવિયાં
અરજણે વાચા આલિયું રે.
નાના એવાં વાછરું તમે કરો લીલા લે’ર
વસમી વેળાએ સંભારજો રે.

લોકગીતો એટલે માનવજીવનની આરસી, સમાજજીવનનો અર્ક તો ખરો જ પણ વેદ-પુરાણો સાથેનું સંધાન પણ ખરું. ધાર્મિક કથાનકોમાંથી ફૂટેલી અસ્ખલિત સરવાણી આપણે ત્યાં લોકગીતોરૂપે વહે છે. બધા માટે વેદો-પુરાણોનો અભ્યાસ કરવો શક્ય નથી એટલે કોઠાસૂઝવાળા લોકકવિઓએ મજાનાં લોકગીતો રચી નાખ્યાં જેના થકી શાસ્ત્રોનો સાર આપણે સહજતાથી જાણી શકીએ. ‘સરગ ભવનથી રે...’ ને કથાગીતની શ્રેણીમાં મૂકી શકાય. એમાં વાત એવી છે કે સ્વર્ગલોકની કામધેનુ મૃત્યુલોકમાં ઘાસચારા-પાણી માટે અહીંતહીં ફરે છે ત્યાં વાઘની નજરે ચડી ગઈ. વાઘે કહ્યું કે તને ખાઈ જાઉં! ગાય વિનંતી કરે છે કે મારું વાછરું ઘેર છે હું એને ધવરાવીને વહેલાસર પાછી આવું, જો ન આવું તો મને નંદજીની આણ, સૂરજ-ચંદ્ર બેયને સાક્ષી રાખીને ગવતરી ગઈ. વાછરુને જઈને વાત કરી તો એણે પેટ ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી કે મા, તારું દૂધ કળપેલું થઈ ગયું, વાઘની માલિકીનું થઈ ગયું, અમારા માટે હવે એ કડવા લીમડા સમાન છે. આગળ વાછરું ને પાછળ ગાય-એમ બન્ને વાઘ પાસે ગયાં. વાછરું કહે, પહેલા મને ખાવ. અંતે માયાવી વાઘે બન્નેને મુક્ત કર્યાં! આ લોકગીતનાં બીજ મહાકવિ કાલિદાસના મહાકાવ્ય ‘રઘુવંશ’માં પડયાં છે! હા, ‘રઘુવંશ’માં ભગવાન શ્રીરામના પૂર્વજ દિલીપ રાજાની કથા છે એ કથા અહીં થોડી ‘લોક’ઢબે રજૂ કરવામાં આવી છે એટલે આ લોકગીતનું અનુસંધાન છેક રામના પૂર્વજ સુધી આપણને દોરી જાય છે એનો અર્થ એ કે લોકગીતો ઉપરછલ્લી વાતો કે પ્રસંગો વણીને રચી નાખેલાં જોડકણાં નથી એમાં શાસ્ત્રોક્ત વાતો, પૂજનીય પાત્રો સાથે સંલગ્ન ઘટનાઓનું મેળવણ પણ ઉમેરાયેલું હોય છે. ‘રઘુવંશ’માં દિલીપ રાજાની કથા કંઈક આવી છે : રાણી સુદક્ષિણા અને દિલીપ રાજાના જીવનમાં શેરમાટીની ખોટ હતી. તેમણે કૂલગુરૂ વશિષ્ઠ ઋષિને એનું કારણ અને નિવારણ પૂછતાં ઋષિએ કહ્યું કે એકવાર તમે સ્વર્ગલોકમાં ગયા હતા ત્યાં તમને કામધેનુ મળી હતી, તમે કામધેનુને પ્રદક્ષિણા કરવાનું ચૂકી ગયા ને એમ અજાણતાં જ અનાદર થયો-એની સજા તમે ભોગવો છો. નિવારણ બતાવતાં વશિષ્ઠે કહ્યું કે મારા આશ્રમમાં કામધેનુની દીકરી નંદિની છે, તેની સેવા કરી આશીર્વાદ મેળવો તો તમને સંતાનસુખ પ્રાપ્ત થશે. દિલીપ રાજાએ નંદિનીની સેવા શરૂ કરી. એક દિવસ નંદિની પહાડોમાં જતી રહી. દિલીપ રાજા એની પાછળ સેવામાં હતા. અચાનક સિંહ આવ્યો ને નંદિની પર વાર કરે એ પૂર્વે દિલીપ રાજાએ સિંહને વિનંતી કરી કે મને ખાઈજા. દિલીપ રાજા બે હાથ જોડી, નતમસ્તકે સિંહનો પંજો પોતાના પર પડવાની રાહમાં છે ત્યાં જ તેમના પર પુષ્પવર્ષા થઈ અને નંદિનીએ જ સર્જેલો માયાવી સિંહ અલોપ થઈ ગયો ને એમ નંદિની પ્રસન્ન થઈ.