આંગણે ટહુકે કોયલ/ઘરની પછવાડે વાલો
૫૪. ઘરની પછવાડે વાલો
ઘરની પછવાડે વાલો સાદ કરે,
ઝટ રે જમુનાજીનાં પાણી ઓધવજી મારાં કોણ ભરે.
નાક કેરી નથણી મારી હીરલે જડેલી,
ભાલ કેરી ટીલડી ટીખળ કરે,
ઝટ રે જમુનાજીનાં પાણી ઓધવજી મારાં કોણ ભરે.
ડોક કેરો હારલો મારો હીરલે જડેલો,
કાન કેરી વાળિયું ટીખળ કરે,
ઝટ રે જમુનાજીનાં પાણી ઓધવજી મારાં કોણ ભરે.
હાથ કેરો ચૂડલો મારો હીરલે જડેલો,
પગ કેરાં ઝાંઝર ટીખળ કરે,
ઝટ રે જમુનાજીનાં પાણી ઓધવજી મારાં કોણ ભરે.
આટલી ટેકનોલોજી, કોમ્યુનિકેશનનાં આટલાં ઉપકરણો છતાં આજે આપણી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ સર્જાઈ રહ્યો છે, વધી રહ્યો છે. મોબાઈલના આગમનથી વિશ્વ ખરાઅર્થમાં ગામડું બની ગયું છે. મોબાઈલે આપણી બધી જ ઉત્કંઠા, જિજ્ઞાસા ખતમ કરી નાખી એમ કહેવામાં જરાય ખોટું નથી. આંગણે કાગડો બોલતો એટલે કોણ મહેમાન આવશે? એનું અનુમાન થવા માંડતું પણ હવે અનુમાન કરવાની જરૂર જ ન રહી કેમકે આગંતુક પોતે જ અગાઉથી મોબાઈલ દ્વારા સંદેશો આપી દેવા લાગ્યા, એટલું જ નહિ, પોતે ક્યાં પહોંચ્યા, કેટલી વારમાં પહોંચશે, એની લાઈવ કોમેન્ટરી આપવા લાગ્યા છે છતાં આવા યુગમાં મિસકોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન ગેપ કાં વધ્યા? જયારે ટેકનોલોજી કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ ન્હોતાં ત્યારે પરફેક્ટ કોમ્યુનિકેશન થતું, ભલે ધીમું ચાલતું પણ ‘ગેપ’ ન્હોતો રહેતો અથવા ઓછો રહેતો એનો અર્થ એ કે પરંપરા હંમેશા ઉપકારક નીવડી છે.
‘ઘરની પછવાડે વાલો સાદ કરે...’ બહુ ઓછું જાણીતું લોકગીત છે. એક ગોપી કૃષ્ણસખા ઉધ્ધવજી (ઓધવજી) સાથે વાર્તાલાપ કરતી હોય કે એમને નજર સમક્ષ રાખીને સ્વગતોક્તિરૂપે ગાતી હોય એવું આ ગીત છે. ગોપી કહે છે કે હે ઉધ્ધવજી! મારો વાલો ઘરની પછવાડે આવીને મને સાદ પાડીને બોલાવે છે હવે મારે એમને મળવા જવું હોય તો ઝટ ઝટ બેડું લઈને જમુનાજળ ભરવાના બહાને નીકળવું પડે કેમકે મારા સિવાય ઘરમાં પાણી ભરવા જાય એવું કોઈ નથી. બંસીધર બોલાવે તો ગોપી પાસે કોઈ નક્કર કારણ હોવું જોઈએ...!
ગોપી બેડું લઈને નીકળી ત્યાં તો ટીલડી, વાળિયું, ઝાંઝર ટીખળ કરવાં લાગ્યાં એટલે કે રમતે ચડ્યાં. અહિ આભૂષણોનું ટીખળ એટલે ગોપીના મનનો ઉમંગ! માધવને મળવાનો ઉત્સાહ કોને ન હોય? નથણી, હારલો, ચૂડલો હીરે જડેલા હોવા એ ગોપીની સમૃદ્ધિના પરિચાયક છે. જગદગુરુ શ્રીકૃષ્ણ જેના ઘરને પછવાડે આવીને બોલાવતો હોય એવી ગોપી ગરીબ તો ન જ હોય ને! એ ભાવસમૃદ્ધ હોય...!
કનૈયો કોઈ ગોપીને ઘેર જઈને બોલાવવા ગયો હોય એવું બન્યું હશે કે કેમ એ સંશોધન અને મંથનનો વિષય છે પણ આ તો લોકગીત છે, અહિ કોઈ મુગ્ધા અને એના મનના માનેલાની વાત છે જે મુગ્ધાને મુગ્ધ કરી રહ્યો છે. સામાન્ય માનવીના જીવનની કોઈ અલ્પજીવી ક્ષણનું ભગવાન કૃષ્ણ સાથે અનુસંધાન જોડીને ગીત રચી દેવાય ત્યારે એ ક્ષણ ચિરંજીવી બની જાય છે ને લોકગીતો આમ જ દીર્ઘાયુ બન્યાં છે.
લોકસાહિત્ય-લોકસંગીત કંઠ પરંપરાથી આગળ આગળ વહેતું રહ્યું છે એટલે એમાં ક્યાંક શબ્દોનું પાઠાંતર, અપભ્રંશ થાય એ સમજી અને સ્વીકારી શકાય એવી વાત છે. આ ગીતમાં પણ ‘ઘરની પછવાડે વાલો સાદ કરે, જળ રે જમુનાજીનાં પાણી ઓધવજી મારાં કોણ ભરે’ એમ પણ ગવાય છે. ‘જળ રે જમુનાજીનાં પાણી’ તો પુનરોક્તિ થઇ પણ આ તો લોકગીત છે ભાઈ...