આંગણે ટહુકે કોયલ/આઠેય કૂવા ને નવ પાવઠાં
૬૭. આઠેય કૂવા ને નવ પાવઠાં
આઠેય કૂવા ને નવ પાવઠાં હો જી રે,
પાવઠે જોને પાણીડાં નિહાર્ય માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
કાંઠે તે કાન ઘોડાં ખેલવે હો જી રે,
કાન મુને ઘડૂલો ચડાવ્ય માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
તારો ઘડૂલો ગોરી તો ચડે હો જી રે,
થા તું મારા ઘર કેરી નાર માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
કેડ રે મરડીને ઘડો ઉંચક્યો હો જી રે,
તૂટી મારા કમખાની કસ માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
ભાઈ રે દરજીડા વીરા વિનવું હો જી રે,
ટાંક્ય મારા કમખાની કસ માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
કસે તે ટાંક્ય ઘમર ઘૂઘરી હો જી રે,
હૈયે તે લખ ઝીણા ઝીણા મોર માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
જાતાં વાગે રે ઘમ્મર ઘૂઘરી હો જી રે,
વળતાં ઝીંગોરે ઝીણા મોર માણારાજ,
કલગીવાળો કાન, હે કાન તારું ઝુમખડું રે.
આઠેય કૂવા ને...
લોકગીતોના શબ્દો સરળ, ઢાળ સીધા સાદા, લોકગીતની સામગ્રી પણ રોજિંદા જીવનના પરિપાકમાંથી તારવેલી-છતાં એવું કેમ કે અમુક લોકોના અવાજમાં જ એ સાંભળવાં ગમે? લોકસંગીતને રફનેસ સાથે ઘનીષ્ઠ નાતો છે, બરછટતા એનો અર્ક છે એટલે બહુ જ ‘પોલીશ્ડ વોઈસ’ માં રજૂ થતાં લોકગીતો કરતાં બરછટ-બુલંદ કંઠે પ્રસ્તુત થતાં આ ભાતીગળ ગીતો વધુ કર્ણપ્રિય લાગે છે. એન્ટિક ચીજોનું મ્યુઝિયમ માટીના લીંપણવાળું એટલે કે ગાર કરેલું હોય એ યોગ્ય લાગે પણ ચોતરફ વિટ્રીફાઈડ ટાઈલ્સ ચોંટાડી હોય તો કેવો વિરોધાભાસ લાગે? ફાઈવસ્ટાર હોટેલમાં ટાઈલ્સ જ જોઈએ! લોકસંગીત મ્યુઝિયમ જેવું છે... ‘આઠેય કૂવા ને નવ પાવઠાં...’ સાકર જેવું ગળ્યું ગળ્યું લોકગીત છે. કૂવે પાણી ભરવા ગયેલી પનિહારીએ બેડું તો ભરી લીધું પણ ઘડો ચડાવે કોણ? નજર કરી તો કાનુડો ત્યાં ઘોડો ખેલવતો દેખાયો ને એને વિનંતી કરી પણ કાન કહે, તું મારા ઘરની નાર થા તો તને ઘડો ચડાવું. પનિહારીને એ માન્ય નહીં હોય એટલે જાતે જ કેડ મરડીને ઘડો ઉંચક્યો પણ કમખાની કસ તૂટી ગઈ! દરજી પાસે જઈ કસ પર ઘૂઘરી ને કમખાના હૈયાવાળા ભાગ પર ઝીણા મોર ટાંકવા સૂચવ્યું. પનિહારી પાણી ભરવા જાય છે ત્યારે એ ઘૂઘરીનો ઘમકાર થવા લાગે છે ને પાછી વળે ત્યારે હૈયે ટાંકેલા મોરલા ગહેકે છે! દ્રૌપદીનાં ચીર પુરનારા, અર્જુનનો રથ હાંકનારા, ગોવાળો કાજે ગોવર્ધન ઉંચકનારા પુરૂષોત્તમ પનિહારીને ઘડો ચડાવવા જેવી મામૂલી મદદ માટે આવી શરત મુકે? ના, અહીં કાનુડો એટલે પનિહારીનું પોતાનું પરિચિત પાત્ર...! એ જ આ ભાષામાં વાત કરી શકેને? બાકી ભારતવર્ષની ‘દેવીઓ’ સામે આંખ ઉંચી કરવી સહેલી છે? શ્રૃંગાર છલકતું આ લોકગીત રાસગરબા લેતી વખતે જામે છે કેમકે આ બધાં એ ગીતો છે જેનું અવતરણ જ રમતાં રમતાં ગાવા માટે થયું હોય છે.