આચમની/૩૫
તિબેટની એક જૂની બોધકથા છે. એક હતો ગરીબ જણ. ભારે મહેનતુ અને કામગરો. તેણે તનતોડ મજૂરી કરી એક ગૂણ અનાજની બચાવી. રોજનું રોજ પૂરું કરે તેને માટે એક ગૂણ અનાજનો સંઘરો તો અધધ બની જાય. આ ગૂણનું અનાજ ઉંદર ખાઈ જાય તો? અને ઉંદર ન ખાઈ જાય ને કોઈ ચોરી જાય તો? એને માટે અનાજનો સંગ્રહ તો મોટી ચિંતાનો વિષય બની ગયો. આ ગૂણીવાળાએ રસ્તો શોધી કાઢ્યો. ગૂણને તેણે દોરડાથી બાંધી પોતાની ઝૂંપડીની પડાળે એક વળી સાથે બાંધી દીધી. તેને થયું, ‘હવે ઉંદર જખ મારે છે’. પણ ત્યાં વિચાર આવ્યો કે કોઈ ચોર ચોરી જાય તો? તેણે અનાજની ગૂણ નીચે જ સૂવાનું નક્કી કર્યું. હવે ચોરની બીક ન રહી. ગૂણની નીચે સૂતાં સૂતાં તે ઘોડા ઘડવા લાગ્યો : આ અનાજમાંથી તે થોડું થોડું નફો કરી વેચશે, તેમાંથી થોડું બીજું અનાજ ખરીદશે અને પોતે અનાજનો મોટો વેપારી બની જશે. પછી? પછી તો તેનું માન વધી જશે, પોતાની દીકરીનાં લગ્ન આવા મોટા દાણાવાળા સાથે કરવા ઘણાં મા-બાપ તૈયાર થશે... પણ ના, એમ કાંઈ દાણાવાળો લગ્ન ન કરે; એ તો સુંદરમાં સુંદર છોકરી જોઈ લગ્ન કરશે. હા, પણ એ પહેલાં નવું મકાન ચણાવવું જોઈશે. આવી તૂટી-ફૂટી ઝૂંપડીમાં રહેવાનું હવે પાલવે નહીં. દાણાવાળાની નજર સામે નવું મકાન ચણાતું અને પોતાનાં લગ્ન ધામધૂમથી થતાં હોય એવું ચિત્ર રમવા માંડ્યું અને પછી તો પોતાને ત્યાં પુત્રજન્મની વધામણી તેને સંભળાવા લાગી. ત્યાં વળી વિચાર સળવળ્યો. પુત્રનું નામ શું રાખવું? દાણાવાળા શેઠના પુત્રનું નામ તો દીપી ઊઠે એવું જ હોય ને ! એ જ પળે તેણે નાનકડી બારીમાંથી ચન્દ્રને ઊગતો જોયો. કેવા શુકન ! કેવી શુભ ઘડી ! પુત્રનું નામ ચન્દ્ર જેવી કીર્તિ ધરાવે એવું જ રાખવું. ‘તેનું કીર્તિચન્દ્ર જ નામ પાડીશ…’ હજી તો મનોમન કીર્તિચન્દ્ર બોલે ત્યાં તો ઉંદર વળી પર ચડી ગયો હશે તેણે દોરડું કાતરી નાખ્યું. માથા પર ગૂણ પડતાં જ અનાજનો વેપારી ત્યાં ને ત્યાં મરણને શરણ થયો. આ બોધકથા આપણા મનમાં કલ્પનાના ઘોડા દોડાવતા મહત્ત્વાકાંક્ષીને સંભળાવવા માટે જ સર્જાઈ લાગે છે. કબીરે આવી જ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે :
પાવ પલક કી સુધ નહીં, કરૈ કાલ કી આજ,
કાલ અચાનક મારસી, જ્યોં તીતર કો બાજ.
મનની ઘોડ-દોડ અટકાવીને આપણે માથે જ શું લટકે છે તે જરા જોઈશું ખરા?
***