આચમની/૫
સદાચાર જ ખરેખરી મહત્તા છે. એ તો જીવન કરતાંયે વધુ મૂલ્યવાન છે. પોતાના ચારિત્ર્યનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી મોટો સહાયક બીજો કોઈ નથી. મહાત્માઓ સદાચારમાં કદી ચૂકતા નથી. તેઓ જાણે છે કે સદાચારમાં નિષ્ફળ નીવડવાથી કેવું ભયંકર પરિણામ આવે છે. સદાચાર તો સારપનું બીજ છે. કુત્સિત જીવન અનેક બૂરાઈઓને ઉત્પન્ન કરે છે. આ સત્ય જે જાણતા નથી તે ભલેને ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ પામ્યા હોય પણ તે અજ્ઞાની છે. ‘અમુક વસ્તુ કાયમ માટે ટકી રહેશે એમ માનવું તે સહુથી મોટું અજ્ઞાન છે. પક્ષી પોતાનો માળો તજી ઊડી જાય છે, એવો જ દેહ અને આત્માનો સંબંધ નાશવંત છે. આત્મા દેહને છોડીને ચાલ્યો જાય છે. મૃત્યુ નિદ્રા છે અને જન્મ નિદ્રા પછી જાગવાનું નામ છે. ‘મનની પ્રભુ પ્રત્યેની દીનતા જ પરમ દીનતા છે. જ્ઞાની ધનના અભાવને કદી પણ દીનતા માનતા નથી. મૂર્ખતા ! અરે, એ વળી શું છે? ‘અમે જ જ્ઞાની છીએ’ એવો અહંકાર જ પરમ મૂર્ખતા છે. ‘દુ:ખ આવે ત્યારે હસવું જોઈએ. દુઃખ પર વિજય પ્રાપ્ત કરવા માટે તેનાથી મોટો કોઈ બીજો ઉપાય નથી. જ્ઞાનીની દૃષ્ટિથી દુ:ખના સ્વરૂપનું જ્ઞાન થતાં જ દુઃખનું પૂર ઓસરી જાય છે. જે દુઃખમાં અદુઃખી રહે છે તે દુઃખને માટે જ દુઃખ-સ્વરૂપ બની જાય છે. દુઃખ અચાનક જ આવી પડે તો પણ જ્ઞાની અને ભયરહિત જીવાત્મા માટે દુઃખ પોતે જ દુ:ખી બની જાય છે. જે મનુષ્ય સુખમાં સુખની તલાશ નથી કરતો તે દુ:ખમાં દુ:ખી નથી થતો.’ દક્ષિણના વેદ મનાતા તમિળ ભાષામાં લખાયેલા ‘કુરલ’નાં આ વચનો છે. તેના રચનાર સંત તિરુવલ્લુવર એક એવા સંત છે, જે માનવને તેના દિવ્ય અને દિવ્યતર સ્વરૂપ ભણી પ્રેમાળ ભોમિયાની જેમ લઈ જાય છે. એ સ્વયં પોતાની મુક્ત અવસ્થા વિષે કહે છેઃ ‘પ્રભુ, તમે મારાં કર્મની બેડીઓ કાપી નાખી અને મને તમારો પોતાનો માણસ બનાવી દીધો. તમારાં દર્શનથી મારો જન્મ સફળ થઈ ગયો.’
***