આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/E

સંજ્ઞાકોશ
E

E Echo પ્રતિધ્વનિ

આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એકનો એક ધ્વનિ કે પુનરાવૃત્ત થતાં ધ્વનિસંયોજનો તે પ્રતિધ્વનિ. આ રીતે અનુપ્રાસ, સ્વરવ્યંજન સંકલના કે અંત્યપ્રાસ વગેરેનો પ્રતિધ્વનિમાં સમાવેશ કરી શકાય. પંક્તિ અંતર્ગત કે પંક્તિઅંતે આવતાં આ પ્રકારનાં પુનરાવર્તનો લયમાધુર્યનાં અને અર્થસંગત પદ સંરચનાનાં વિશેષ ઉપાદાનો છે.

Echo verse યમકપદ

કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટીપ્પણરૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ.
જેમકે, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ :

આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન?
પવન.
ને રેલતું આ રંગ કોણ? પતંગિયાં?
એ નો પિયા.
આ આંધિ છે? આ ચિત્તમાં શું વિસ્તરે રણ?
સાંભરણ.

Eclogue ગોપગીત

ગોપપરંપરામાં ટૂંકું કાવ્ય. બે ગોપ વચ્ચેના સંવાદના રૂપમાં કે કોઈ ગોપની સ્વગતોક્તિના રૂપમાં આ કાવ્ય મળે છે. વર્જિલનાં ગીતોને પહેલવહેલીવાર, આ સંજ્ઞા લાગુ પાડવામાં આવેલી.

Ecriture લેખન

ફ્રેન્ચ સંરચનાવાદીઓના મત મુજબ સાહિત્ય-કૃતિ એ સામાજિક-સંસ્થાઓનો એક પ્રકાર છે, જેને તેઓ લેખન કહે છે. આ લેખન કોઈપણ કૃતિને સાહિત્યિક બનાવનાર તત્ત્વ છે; વિશિષ્ટ સાહિત્યિક રૂઢિઓ અને સંહિતાઓના સમૂહને એ મૂર્ત સ્વરૂપ આપે છે. લેખનનું અર્થઘટન બિનંગત વાચન-પ્રક્રિયાથી પ્રભાવિત થાય છે જેને તેઓ વાચન પ્રક્રિયા (lecture) કહે છે.

Edition આવૃત્તિ

પહેલી આવૃત્તિ એ મૂળ પ્રકાશિત પુસ્તક છે. કોઈ પણ જાતના ફેરફાર વગર કે જૂજ ફેરફાર સહિત ફરીને છાપવામાં આવે તો તે પુનર્મુદ્રણ ગણાય, પરંતુ ઘણા ફેરફારો સહિત જુદા રૂપે પુસ્તક છાપવામાં આવે તો તે નવી આવૃત્તિ કહેવાય.

Egalitarian સમતાવાદી

સર્વ મનુષ્યે સમાન છે એવી માન્યતાનો પ્રસાર કરતી વિચારધારા, સમતાવાદી લેખક તેનાં પાત્રોને સામાજિક દરજ્જો, આર્થિક સ્થિતિ વગેરે બાબતોમાં વિભિન્ન સ્તરે નિરૂપે, પણ તે બધાંને મનુષ્યો તરીકે સમાન કક્ષાએ જ મૂલવે. વૉલ્ટ વ્હિટમન, લિંકન, ગાંધી વગેરેએ આ વિચારધારાને પ્રસાર કર્યો છે.

Ego-futurism અહંપરક ભવિષ્યવાદ

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી ૨૦મી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલીઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’ પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા.

Egotistical Sublime સ્વકેન્દ્રી ઉદાત્તતા

વડર્‌ઝવર્થની કવિતાના એક મુખ્ય લક્ષણની ચર્ચા કરતાં કીટ્‌સે આ સંજ્ઞા પ્રયોજી. આ સંજ્ઞા કૃતિમાં પ્રતિબિંબિત થતા સર્જકના ‘હું’-પદને નિર્દેશ કરે છે. વિશેષ કરીને ‘આત્મકેન્દ્રી’ કવિ મિજાજનું અહીં સૂચન છે.

Einfuhlung અન્તઃક્ષેપ

જુઓ : empathy.

Einstellung અભિવૃત્તિ

આ જર્મન શબ્દ જર્મનવિવેચનમાં લેખકના આશયને તો સૂચવે છે પણ સાથે સાથે કૃતિની વ્યવસ્થા અંતર્ગત વિવિધ અંગોના રચનાવિધાનને પણ સૂચવે છે.

Elegy કરુણપ્રશસ્તિ, કરુણિકા, શોકગીત

કોઈ એક ચોક્કસ વ્યક્તિના મૃત્યુ પરનો આ વૈયક્તિક અને ચિંતનપ્રધાન કાવ્યપ્રકાર છે. જીવનનાં કરુણ પાસાંઓ પરનું કવિનું ચિંતન અહીં કોઈ શાશ્વતસિદ્ધાંતમાં શમન શોધે છે. ટેનિસનનું ‘ઈન મેમોરિયમ’ રિલ્કની ‘દુઈનો કરુણિકાઓ’ અને આપણે ત્યાં નરસિંહરાવ દીવેટિયાનું ‘સ્મરણસંહિતા’ પ્રચલિત છે,

Elevation અધિરોહ

સાધારણ અર્થમાં પ્રયોજાતા શબ્દો કોઈક કારણસર સમય જતાં સન્માનસૂચક અર્થમાં પ્રયોજાવા લાગે ત્યારે શબ્દની અર્થચ્છાયામાં થયેલા આ પ્રકારના વિધેયાત્મક ફેરફારને અધિરોહ (Elevation) તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, નગરવાસી માટે પ્રયોજાતો ‘નાગરિક’ શબ્દ પછીથી ‘સંસ્કારી’ કે ‘સભ્ય’ના અર્થમાં અધિરોહ પામ્યો છે.
લેખકની ઉચ્ચ શૈલીના સંદર્ભમાં પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
જુઓ : Grandeur.

Ellipsis પદલોપ

વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટે જરૂરી એવો શબ્દ કે એવા શબ્દસમૂહનનો લોપ. જેમકે,
મેઘનાદ ભટ્ટના ‘અસહાય’ કાવ્યની પંક્તિઓ જુઓ :

‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે
માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી
સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે મારી મેળે હું રડી પણ શક્યો નહિ.
—એથી જ—કદાચ...

Emendation પાઠસુધાર

હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્રષ્ટ લાગે તેનો સુધારો કે તેમાં ફેરફાર. પાઠમાં ક્ષતિ કેવી રીતે જન્મી અને જે તે સમયના પુસ્તકની ભાષાના સંદર્ભમાં ફેરફાર કેવી રીતે ઉચિત છે એ પાઠસુધાર વ્યવસ્થિત રીતે દર્શાવે છે.

Emotion સંવેગ

જીવ-મનોવિજ્ઞાનમાંથી સાહિત્યમાં આવેલી સંજ્ઞા, સંવેગ એ સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ છે. ‘અનુભૂતિ’, ‘અનુભૂતિની સચ્ચાઈ’ જેવા પ્રયોગો આ કારણે જ નીપજેલા છે. સાહિત્ય જે ભાષાનો સર્જન અર્થે પ્રયોગ કરે છે તે સંવેગપરક (emotive) છે. કોઈ ઘટના કે પ્રસંગ પ્રત્યેનો સર્જકનો પ્રતિભાવ અને તેથી સર્જાતું સાહિત્ય એ સંવેગની પ્રક્રિયાનું જ પરિણામ છે. કાવ્ય એ સાહિત્યનો સૌથી મોટા સંવેગપરક પ્રકાર છે.

Emotive language સંવેગાત્મક ભાષા

વિજ્ઞાની અને ફિલસૂફની વસ્તુલક્ષી તેમ જ નિર્દેશાત્મક ભાષાથી વિરુદ્ધની આ ભાવકના ભાવોદ્દીપન માટેની ભાષા. સી. કે. ઑગ્ડેન અને આઈ. એ. રિચડર્‌ઝે આ બે ભાષા વચ્ચે ભેદ કર્યો છે.

Empathy અંતઃક્ષેપ

સજીવ કે નિર્જીવ વસ્તુની ભીતર અનૈચ્છિક રીતે થયેલો પોતાની જાતનો પ્રક્ષેપ તે અન્તઃક્ષેપ. અન્તઃક્ષેપનો વિચાર લોત્સ (Lotze) દ્વારા જર્મનીમાં વિકસ્યો. આ રીતે ડૂબતી નૌકાને જોઈને ચિત્રમાંના ખલાસીઓની જેમ જોનાર ભયની લાગણી અનુભવે છે યા શિલ્પ અંગેનું એકાગ્ર સંવેદન શિલ્પમાં સૂચવ્યા પ્રમાણેનું જનારને શારીરિક સંવેદન આપે છે. કૂદતો માણસ કે ઘોડો જોઈને પગ ઊંચકાય એવા રોજિંદા અનુભવની સાથે સંકળાયેલો આ અનુભવ છે.
એક રીતે જોઈએ તો જોનાર સંદર્ભે ‘આંતરિક નકલ’ (‘Inner mimicry’)નું પરિણામ હોય છે.

Emphasis ભાર

જે દ્વારા કથનની વિશિષ્ટ અર્થછાયા ઊભી થઈ શકે એવો શબ્દ કે શબ્દસમૂહ ઉપર મુકાતો ભાર, વાક્યમાં નિશ્ચિત શબ્દને ઉપસાવવા માટે પુનરાવર્તન, વિરોધ વગેરે અનેક પ્રવિધિઓ અજમાવવામાં આવે છે.

Empirical અનુભવનિષ્ઠ

સાહિત્યમાં અનુભવનિષ્ઠતા એટલે તથ્યપરકતા. મુખ્ય અનુભવનિષ્ઠ સાહિત્ય એ કથાસાહિત્ય છે. રોબર્ટ શોલ્સ અને કૅલોગ કથાસાહિત્યના મુખ્ય બે પ્રકાર જણાવે છે : અનુભવનિષ્ઠ (Empirical) અને કપોલકલ્પિત (fictional). ઐતિહાસિક અને અનુકૃતિમૂલક કથાઓ અનુભવનિષ્ઠ કથાના વર્ગમાં આવે છે. અનુભવનિષ્ઠ સાહિત્ય વસ્તુરચનાની વફાદારીની જગ્યાએ વાસ્તવની વફાદારી ધરાવે છે.

Encyclopaedia જ્ઞાનકોશ

કોઈ એક વિષય કે વિષયાંગને સમગ્રપણે આવરી લેતો કોશ. જ્ઞાનકોશનું મુખ્ય લક્ષ્ય સંદર્ભગ્રંથ તરીકે કામ આપવાનું તથા વાચકને જે તે વિષયની પ્રાથમિક સમજ આપવાનું છે.

End Rhyme અંત્યાનુપ્રાસ

પંક્તિની શરૂઆતના પ્રાસથી અને આંતરયમકથી અલગ કવિતામાં પંક્તિને અંતે આવતો પ્રાસ.
જેમકે, રાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશ’માં

પંથ નહિ કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી

Energy સંશક્તિ

કૃતિ અંગેની સંશક્તિનો ખ્યાલ રશિયન ભાષા-સાહિત્યવિદ યુરિ લોતમનનો છે. કલાકૃતિની સંરચનામાં એકસાથે બે વિરોધી તંત્રો ક્રિયાશીલ હોય છે. એક તંત્ર કૃતિનાં બધાં તત્ત્વોને, વ્યવસ્થાને વશવર્તી બનાવવા તાકે છે, એમને સ્વયંચાલિત વ્યાકરણમાં રૂપાન્તરિત કરવા મથે છે. જેના વગર સંપ્રેષણ કાર્ય અશક્ય છે; જ્યારે બીજુ તંત્ર સ્વયંચાલનને નષ્ટ કરવા અને સંરચનાને પોતાને જ સંસૂચના (information)ના સંવાહક બનાવવા તાકે છે. લોતમનનો આ બહુવ્યવસ્થાનો કે વ્યવસ્થા સમાઘાત (clash of systems)નો સંપ્રત્યય અને એમાંથી જન્મતી કૃતિની સંશક્તિ અંગેનો ખ્યાલ વિશિષ્ટ છે.

Enjambrment અપૂર્ણાન્વયી, શ્લોકભંગ

એક પંક્તિ એક કડી કે એક શ્લોકમાંથી અન્ય પંક્તિ અન્ય કડી કે અન્ય શ્લોકમાં ચાલુ રહેતો વાક્યાન્વય.
જેમકે, ઉશનસ્‌ની ‘પ્રશાન્તક્ષણ’ સૉનેટની પંક્તિઓ જુઓ :

“જળની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે
નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં
સ્થિર પડી રહ્યા ખૂણામાં આ ઉપાન ચપોચપ.”

Epanaphora આદ્યપુનjgક્તિ

જુઓ : Anaphora.

Epic મહાકાવ્ય

કાઈ આધિદૈવિક વીર નાયક અને ઘટનાઓની અખિલાઈ અંતર્ગત મહાન અને સંપૂર્ણ કાર્ય દાખવતો, ઉત્તમ પ્રકારની પ્રતિભા અને પ્રજ્ઞા તેમ જ અપૂર્વ પરિશ્રમ અને ઊંડી સંવેદના પ્રગટાવતા, વ્યક્તિ અને સમસ્ત જાતિજીવનને સંરચનામાં ઝીલતો, અનિવાર્યપણે લાંબા કાવ્યનો પ્રકાર.
મહાકાવ્યના પ્રાથમિક અને દ્વૈતીયિક એમ બે મુખ્ય પ્રકારો છે. હોમરના ‘ઓડિસી’ અને ‘ઇલિયડ’ તેમ જ ભારતમાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ પ્રાથમિક મહાકાવ્યો (primary epics) છે, દાન્તેનું ‘ડિવાઈન કૉમેડી’, મિલ્ટનનું ‘પેરેડાઈઝ લોસ્ટ’ કે કાલિદાસનાં ‘રઘુવંશમ્‌’ યા ‘કુમારસંભવમ્‌’ દ્વૈતીયિક મહાકાવ્યો (secondary epics) છે.

Epic Narrative મહાકાવ્યાત્મક નિરૂપણ

સાવ સાદા વિષયોનું પ્રેમ, શૌર્ય કે કરુણ જેવા મહાકાવ્યના વિષયોની જેમ થતું નિરૂપણ. આ પ્રકારના નિરૂપણની શૈલી ભવ્ય અને ઔપચારિક હોય છે. આવું નિરૂપણ મહાકાવ્યનાં લંબાણ કે સંકુલતા વગરનું અને અત્યંત આલંકારિક શૈલીમાં થતું હોય છે. મહાનવલ (Epic Novel) એ મહા-કાવ્યની સપાટીએ પહોંચતી અને સ્વરૂપભેદ હોવા છતાં મહાકાવ્યના ગુણો જાળવતી નવલ છે.

Epic Novel મહાનવલ

જુઓ : Epic Narrative

Epic Simile મહાકાવ્ય-ઉપમા

ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમા પ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે.

Epic Theatre મહાકાવ્ય રંગમંચ

બર્તોલ્ત બ્રેસ્ત દ્વારા રંગભૂમિની પોતાની આગવી વિભાવનાને ઓળખાવવા માટે પ્રયોજાયેલી આ સંજ્ઞા છે. આ સંજ્ઞા એવાં નાટકોનું સૂચન કરે છે ને નાટકો મહાકાવ્યમાં ઉપલબ્ધ વસ્તુલક્ષિતા અને તાટસ્થ્યથી તેમના વિષયને રજૂ કરે છે તથા તે દ્વારા પ્રેક્ષકના ભાવાત્મક પ્રતિભાવને નકારી તેના તટસ્થ, વૈચારિક પ્રતિભાવની તક ખુલ્લી રાખે છે.
જુઓ : Alienation

Epicureanism ભોગવાદ

ભોગવાદી નીતિશાસ્ત્રના પ્રણેતા ગ્રીક એપિક્યુરસનો તત્ત્વસિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે મનુષ્યનું ધ્યેય નીતિમત્તા, મધ્યમતા, પ્રસન્નતા અને સાંસ્કૃતિક વિકાસથી નિયંત્રિત પ્રશાંત આનંન્દપૂર્ણ જીવન છે. સાહિત્યમાં પ્રગટ થતી આવી અભિવૃત્તિ.

Epidiplosis આદ્યંત પદાનુવૃત્તિ

ક્યારેક અખત્યાર કરવામાં આવતા આ અલંકારપ્રવિધિમાં લેખક વાક્યના આરંભે અને અંતે એના એ જ શબ્દનો વિનિયોગ કરે છે. જેમકે, શેખાદમ આબુવાલાની ‘ચાંદની’ ગઝલની પંક્તિઓ જુઓ :

થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની! ચાંદની બોલી : હવે છું હું ખરેખર ચાંદની! Epigram મર્મસૂત્ર, મુક્તક, સૂક્તિ, સુભાષિત

મૂળમાં સ્મારક કે મૂર્તિ પરનો શિલાલેખ, પણ પછી શૃંગાર, કરુણ, ચિંતન સ્તુતિ કે વક્રતાથી સભર કોઈપણ લઘુકાવ્યના સાહિત્યપ્રકાર માટે આ સંજ્ઞા સ્થિર થઈ.

Epilogue ઉપસંહાર, ભરતવાક્ય

આ સંજ્ઞા ત્રણ અર્થમાં પ્રચલિત છે : (૧) નાટકને અંતે આવતું લઘુ વક્તવ્ય (૨) દૃષ્ટાંતકથાને અંતે આવતો બોધ (૩) કોઈ પણ સાહિત્યકૃતિનું સમાપન.

Epiphora અંત્યપુનરુક્તિ

એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓના અંતમાં આવતું પુનરાવર્તન તે અંત્યપુનરુક્તિ છે.

જેમકે, રાવજી પટેલના ‘સ્વ. હુંશીલાલની યાદ’માં કાવ્યની પંક્તિઓ :

કાનમાં વહાલા ફૂંક મારીશું
તમારા નામની ફૂંક મારીશું.

Episodic પ્રસંગપ્રચૂર

અનેક પ્રસંગોનાં સંકલન વડે બનેલી સાહિત્યકૃતિ. આ પ્રકારની કૃતિમાંના પ્રસંગો વાર્તાના મુખ્ય વસ્તુ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય.

Episode પ્રસંગ, ઘટના

લાંબી વાત! કે નવલકથાની અંતર્ગત એવી ઘટના કે એવો પ્રસંગ જે કથાના મુખ્ય વસ્તુ સાથે અનુસંધાન ધરાવતાં હોય. અન્ય અર્થમાં ધારાવાહી નવલકથા કે વાર્તાના સ્વતંત્ર વિભાગ માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.

Epistemes જ્ઞાનઘટકો

મિશેલ ફૂકો (Foucault) દ્વારા પ્રચલિત સંજ્ઞા, જ્ઞાનની વ્યવસ્થાને યોજનાબદ્ધ કરનારા જ્ઞાનના પ્રાથમિક ઘટકોને ફૂકો જ્ઞાન-ઘટકો કહે છે. જ્ઞાનના વિકાસમાં જ્ઞાનઘટકોનો અર્થ વૈજ્ઞાનિક પ્રવાહ પરિવર્તનશીલ રહે છે. અને જ્ઞાનની નવી સંરચનાઓને જન્મ આપે છે.

Epistemology જ્ઞાનમીમાંસા

જ્ઞાનની પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અને સૈદ્ધાન્તિક અભ્યાસ કરતું શાસ્ત્ર. તત્ત્વજ્ઞાનમાંથી આવેલી અને હવે બધી જ વિદ્યાશાખાઓમાં સમાન રસ અને મહત્ત્વ ધરાવતી સંજ્ઞા. આ વિદ્યાશાખા, જ્ઞાન શું છે, એની ઉત્પત્તિ, એનું સ્વરૂપ અને એનો વિકાસ, એનું સર્જન વગેરે પ્રશ્નોના ઉત્તરની શોધને લક્ષ્ય બનાવે છે.
જ્ઞાનમીમાંસાની બે શાખાઓ છે : (૧) અનુભવનિષ્ઠ (Empirical) અને બુદ્ધિનિષ્ઠ (Rationale) અનુભવનિષ્ઠ જ્ઞાનમીમાંસા એવું માને છે કે જ્ઞાન જન્મજાત નથી હોતું પણ અર્જિત છે; જ્યારે બુદ્ધિનિષ્ઠ જ્ઞાનમીમાંસા એવું માને છે કે જ્ઞાન જન્મજાત (Innate) છે. આધુનિક ભાષાવિજ્ઞાની ચૉમ્સ્કી ભાષા વિશે જે કહે છે તેવું જ બુદ્ધિનિષ્ઠો જ્ઞાન વિશે કહે છે.
આ સદીના ઉત્તરાર્ધમાં જીવવિજ્ઞાની-મનોવિજ્ઞાની ઝાં પ્યાઝે (Jean Piaget) દ્વારા પ્રચાર-પ્રસાર પામેલી જનીનપરક જ્ઞાનમીમાંસા (genetic Epistemology) એ જ્ઞાનમીમાંસાની શાખા છે. આ શાખા જ્ઞાનમાં મૂળ સ્રોતો અંગેનો અભ્યાસ કરે છે. સાહિત્ય જ્ઞાનની એક શાખા હોઈ એ સંદર્ભમાં એનું જ્ઞાનમીમાંસાપરક અધ્યયન મહત્ત્વનું છે.

Epistle પત્રકાવ્ય

કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને પત્રના સ્વરૂપમાં લખાયેલી કવિતા
જેમ કે, બ. ક. ઠાકરનું ‘વધામણી’ સૉનેટ.

Epistrophe અંત્યપુનરક્તિ જુઓઃ epiphora Epitaph કબ્રલેખ, કબરકાવ્ય

મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવા લાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે, જેમ કે, મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય :

“આપ સારસ્વત હો.
તો પણ આપને
સારી કવિતાઓ લખી
હો તે છતાં
સૌ પ્રથમ કુમળી
વયે મરવું પડે.”

Epithalamion લગ્નગીત

લગ્નની રાત્રિએ વધૂના કક્ષની બહાર ગવાતું ગીત. આનો સાહિત્યસ્વરૂપ તરીકે ઉપયોગ કરનાર સેફો પહેલો કવિ છે. સેફો, પિન્ડાર, થિયોક્રિટસ જેવા ગ્રીક કવિઓએ આ સાહિત્યસ્વરૂપને પૂર્ણતાએ પહોંચાડ્યું. આવા ગીત પાછળનો આશય સંતતિના કે ફળદ્રુપતાના ઉત્તેજનનો છે,

Epithet વિશેષનામ

વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટને નિર્દેશ કરે એવું વિશેષણ કે એવો વિશેષણખંડ.
જેમકે, બ. ક. ઠાકોરનું ‘જૂનું પિયરઘર’ સૉનેટમાં જુઓ :

માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;

Epitome સંક્ષેપ, ટૂંક સાર, લઘુ સ્વરૂપ

કોઈ પણ પુસ્તકની મુખ્ય વિગતોનો ટૂંક સાર, બીજા અર્થમાં કોઈ પણ એવી વસ્તુ જે સંક્ષેપ સ્વરૂપે સંબંધિત બૃહદ્‌ વસ્તુનું સૂચન કરે છે.

Epoch યુગાન્તર

ઐતિહાસિક દૃષ્ટિએ નવા યુગનો આરંભ સાહિત્યના ઇતિહાસમાં પણ તેની વિકાસરેખાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સમયગાળાને નવા યુગના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

Epoch-making યુગપ્રવર્તક, શકવર્તી

સાહિત્યના સંદર્ભમાં આ સંજ્ઞા જેના દ્વારા સાહિત્યમાં નવો અભિગમ દાખલ થવા પામ્યો હોય એવી અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર સાહિત્યકૃતિ કે એવા આંદોલન માટે પ્રયોજાય છે.

Era, Literary સાહિત્યયુગ

સાહિત્યના ઇતિહાસમાં નવાં પરિવર્તનો અને વિભેદક લક્ષણોથી વિશિષ્ટ બનતો સમય ગાળો.

Erotic literature શૃંગારસાહિત્ય

પ્રેમસાહિત્ય અને શૃંગારસાહિત્ય વચ્ચે ભેદ કરવો જરૂરી છે. પ્રેમસાહિત્ય યૌન વીગતોને ચાતરીને ચાલે છે. જ્યારે શૃંગારસાહિત્ય યૌનપ્રેમને, યૌનવિષયને લક્ષમાં રાખે છે. શૃંગારસાહિત્ય પ્રેમાનુરાગનાં દૈહિક પાસાંઓ પર અલબત્ત ધ્યાન આપે છે. પરંતુ અશ્લીલ સાહિત્યની જેમ સૌન્દર્યનિષ્ઠ ધોરણોની ઉપેક્ષા નથી કરતું, બલ્કે સૌન્દર્યનિષ્ઠ ધોરણોને જાળવીને આગળ વધે છે.

Erziehungsroman વિકાસ નવલ

જુઓ : Bildungsroman.

Escape literature પલાયનસાહિત્ય

રહસ્યકથાઓ, વાર્તાઓ, સંગીતરૂપકો વગેરે કેટલુંક પલાયનસાહિત્ય કહેવાય છે; એમાં જીવનની વાસ્તવિકતાથી તરંગસૃષ્ટિમાં પલાયન થવાની ઇચ્છા કે અભિવૃત્તિ હોય છે.
આ પ્રકારના સાહિત્યમાં ભાવક હમેશાં જીવનથી ભાગેડુ હોય છે એવું નથી, પરંતુ ક્યારેક રોજિંદા જીવનના કંટાળાજનક એકધારાપણાના અનુભવથી છૂટી વધુ પૂર્ણ અનુભવ તરફ વળવા માગતો હોય છે.
ઉપરાંત, પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધકેદીઓની છાવણીમાંથી પલાયન થયેલાઓએ પુસ્તકો આપ્યાં છે તે પણ પલાયનના સાહિત્ય તરીકે ઓળખાય છે.

Esoteric દીક્ષિત, ગૂઢ

માત્ર અંતરંગ શિષ્યો જ સમજી શકે તેવો સિદ્ધાંત કે વિચારધારા. પ્રાચીન સમયની કેટલીક ગૂઢ, રહસ્યપૂર્ણ વિચારધારાઓ માટે આ સંજ્ઞા પ્રયોજાય છે.

Esperanto એસ્પરાન્તો

ભાષાવિજ્ઞાનીઓએ ભાષાઓનું સ્થૂળ વર્ગીકરણ બે પ્રકારે કર્યું છે : પ્રાકૃતિક (Natural) ભાષાઓ અને કૃત્રિમ (Artificial) ભાષાઓ. ૧૭મી સદીથી ભાષાવિજ્ઞાનીઓ એવી ભાષાની શોધમાં હતા જેના દ્વારા સાર્વભૌમિક સંપ્રેષણ શક્ય બને; અને જેને સાર્વભૌમિક માન્યતા પ્રાપ્ત થાય.
એસ્પરાન્તોને બીજી કૃત્રિમ ભાષાઓ કરતાં આંશિક સફળતા મળી છે. એસ્પરાન્તો (Esperanto) એટલે ‘આશા’. એના શોધક હતા પોલિશ વિદ્વાન ઝમેનહોફ (Zamenhof), અત્યંત વ્યાકરણિક નિયમિતતા, ઉચ્ચારણ-ક્ષમતા, લૅટિન, રોમેન્સ, જર્મેનિક અને ગ્રીક પર આધારિત શબ્દભંડોળ વગેરે આ ભાષાની વિશેષતાઓ છે. વિશ્વમાં સિત્તેર લાખ ભાષકો દ્વારા આ ભાષા બોલાય છે એવો દાવો કરવામાં આવે છે.
હવે ‘એસ્પરાન્તો’નું જ સંવર્ધિત સ્વરૂપ ઈડો(Ido)ના નામે વિશ્વને પ્રાપ્ત થયું છે. જેને કારણે રશિયા, હંગેરી, નાઈજિરિયા, ભારત જેવા દેશો માટે આ ભાષાની સંરચના અંગેની અપરિચિતતાનું પ્રમાણ ઘટ્યું છે.

Essay નિબંધ

વિશ્વસાહિત્યમાં આ સ્વરૂપનો આરંભ ૧૫૮૦માં ફ્રેન્ચ લેખક મોન્તેનના આ પ્રકારનાં લખાણોથી થયો, અન્ય સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નિબંધ ઘણો મુક્ત સાહિત્યપ્રકાર છે. મોટે ભાગે ગદ્યમાં લખાતી, સાધારણ લંબાઈની આ રચના આત્મલક્ષી કે પરલક્ષી, કાલ્પનિક કે વાસ્તવિક વિષયવસ્તુની આસપાસ વણેલી હોય છે.
સામાન્ય રીતે તેના વિષયાનુસાર નિબંધને ૧. લલિત ૨. લલિતેતર એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનું ખેડાણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે.
‘રખડવાનો આનંદ’ (કાકાસાહેબ કાલેલકર), ‘જનાન્તિકે’ (સુરેશ જોષી), ‘દૂરના એ સૂર’ (દિગીશ મહેતા) વગેરે નોંધપાત્ર નિબંધ-સંચયો છે.

Esemplastic Imagination સર્જકપ્રતિભા

કોલરિજ જેને દ્વૈતીયિક કલ્પના (secondary Imagination) કહે છે તે, કલ્પનાના સર્જનાત્મક સ્વરૂપને સૂચવવા માટે કોલરિજ Esemplastic શબ્દ પ્રયોજે છે. સર્જક પ્રતિભા અનિયંત્રિત, અનિયોજિત, પરસ્પરવિરોધી એવાં તત્ત્વોમાં પૂર્ણ અન્વિતિ લાવીને એમાંથી એક નવું જ રૂપ સર્જે છે. તે પદાર્થોનાં આંતરબાહ્યમાં પ્રવેશીને પ્રત્યેક અંગને આંતરક્રિયા દ્વારા ચમત્કૃતિજનક આકર્ષક આકૃતિ આપે છે. :સર્જકપ્રતિભા એ કલાકારની વિશિષ્ટ પ્રજ્ઞા છે. આ પ્રજ્ઞા દ્વારા તે પ્રકૃતિગત પદાર્થોનું કલાત્મક પુનઃસર્જન કરે છે.

Essentialism સત્ત્વવાદ

સંસ્કૃતિનો કેટલોક સામાન્ય મધ્યવર્તી ભાગ દરેકે જાણવાની જરૂર છે એવી માન્યતા રજૂ કરતો વાદ, કેટલુંક જ્ઞાન, કેટલાંક કૌશલ્યો, કેટલાંક આદર્શો, વલણો વગેરે અપવાદ વિના દરેકે શીખવા આવશ્યક છે એવું આ વાદ માને છે.

Ethnic group નૃજાતીય સમૂહ

પહેલાં પ્રચલિત જાતિ ( Race) સંજ્ઞાને બદલે ઘડવામાં આવેલી સંજ્ઞા. આજનો નૃજાતિવિજ્ઞાની હવે એવા નિષ્કર્ષ પર આવ્યો છે કે આંતર-જાતીય સંબંધો મૈત્રીપૂર્ણ બનાવવા માટે જાતિ (Race) જેવા શબ્દનો બહિષ્કાર કરી ‘નૃજાતીય સમૂહ’ (Ethnic Group) શબ્દનો પ્રયોગ કરવો જોઈએ, ‘નૃજાતિ’ (Ethnic)ના સંપ્રત્યયમાં વંશાનુક્રમનું મહત્ત્વ નથી પણ સામાજિક પર્યાવરણનું મહત્ત્વ છે. રક્તનું નહિ પણ સાંસ્કૃતિક તત્ત્વોનું પ્રાધાન્ય છે. શારીરિક લક્ષણોને બદલે સમાન ભાવનાઓનું મહત્ત્વ છે. એટલે કે નૃજાતિ-ભાષાવિજ્ઞાનીઓ (Ethnolinguist)ના માનવા પ્રમાણે એ એક જૈવિક સંપ્રત્યય ન રહેતાં સાંસ્કૃતિક સંપ્રત્યય બનશે. ઉપરોક્ત માન્યતા ૧૯૫૨માં યુનેસ્કો દ્વારા પ્રયોજિત નૃવંશવિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ, ભાષાવિજ્ઞાનીઓ, જનીનવિજ્ઞાનીઓ વગેરેની બેઠકમાં સર્વિસંમતિથી રજૂ થઈ.

Ethnology નૃજાતિ વિજ્ઞાન

માનવસમાજના જુદા જુદા વિભાગોને નૃજાતિઓમાં વહેંચી એમની ઉત્પત્તિ અને વિશિષ્ટતાઓનું અધ્યયન કરતું વિજ્ઞાન. નૃજાતિવિજ્ઞાન એ શારીરિક નૃવંશવિજ્ઞાન (Physical Anthropology)ની શાખા છે. આ વિજ્ઞાન વિશ્વમાં ફેલાયેલી જ્ઞાત-અજ્ઞાત નૃજાતિઓ, સંસ્કૃતિઓ વગેરેનું અધ્યયન અને વર્ગીકરણ કરે છે. એનું મુખ્ય લક્ષ્ય વિશ્વની જુદી જુદી નૃજાતિઓ, સંસ્કૃતિઓમાં જોવા મળતાં સામ્ય-વૈષમ્યોનું અધ્યયન કરવાનું છે. આ વિજ્ઞાનની પ્રકૃતિ સમકાલિક (Synchronic) છે.

Ethnopoetry નૃવંશકવિતા

૧૯મી સદી દરમ્યાન ભાષાશાસ્ત્રીય (Philological) માળખામાં રહીને આ કવિતાનો અભ્યાસ થયો. આ માળખામાં નૃવંશકવિતાનો પાઠ એ અન્ય ઐતિહાસિક દસ્તાવજોની જેમ જ એક દસ્તાવેજ ગણાતો અને એના ઉપરથી સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઇતિહાસ જાણી શકાતો. રશિયન સ્વરૂપવાદી શ્ક્લોવ્સ્કીએ પહેલી વાર નૃવંશકવિતાના સાહિત્યપ્રકારના સ્વરૂપને વિશ્લેષવાનો પ્રયત્ન કર્યો. આ પછી પ્રોપના પ્રકાશિત સંરચનાત્મક કાર્યથી ઘણા નૃવંશકાવ્યવિદો આકર્ષાયા. શરૂમાં રશિયન નૃવંશકાવ્યવિદોએ પરીકથા અને મહાકાવ્ય જેવા મૌખિક સાહિત્યના બે પ્રકારોમાં કાર્ય કર્યું.

Etymology વ્યુત્પત્તિવિચાર

શબ્દોનાં ઉદ્‌ગમ, રચના અને વિકાસનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા. નૃત્ય>નાચ અને ઉપાધ્યાય>ઓઝા જેવા ધ્વનિ-અર્થ વૈજ્ઞાનિક પરિવર્તનો, ભાષાના શબ્દોમાં કઈ રીતે આવ્યા તે અહીં શોધનો વિષય છે. સાહિત્યમાં પ્રયોજતી પારિભાષિક સંજ્ઞાઓના અર્થની ચોકસાઈ માટે આ વિજ્ઞાન મદદરૂપ નીવડે છે. ગુજરાતી સાહિત્યમાં હરિવલ્લભ ભાયાણીનો ‘વ્યુત્પત્તિ વિચાર’ ગ્રંથ આ પ્રકારનું કાર્ય છે.

Etymon આંતરકણ

પ્રત્યેક કૃતિ આંતરિક રીતે પૂર્ણપણે સંયોજિત છે. કૃતિની આ આંતરસંયોજનાને લીઓ સ્પિટ્‌સર વ્યુત્પત્તિશાસ્ત્રમાંથી વિચાર ખેંચી લાવીને કૃતિના આંતરકણ તરીકે ઓળખાવે છે. સ્પિટ્‌સરનું માનવુ છે કે ઘણાં વાચન પછી કોઈ સહજાનુભૂતિની ક્ષણે ભાવકને કૃતિનો આ આંતરકણ હાથ ચડે છે. આ આંતરકણ વિના કૃતિ અંગેની થોડી ઘણી પણ સમજ સાધવી મુશ્કેલ બને છે.

Eulogy પ્રશસ્તિ

લેખિત કે મૌખિક, વ્યક્તિ કે એના કાર્યના પ્રશસ્તિ. જેમકે, ઉમાશંકર જોશીના ‘ચન્દ્રવદન એક ચીજ’ની પંક્તિઓ :

“કેંક ઈલાના માડીજાયા
રંગાચાર્ય નટ લાડકવાયા
શબ્દપીંછીરંગી તરસ્વીરોના કીમિયાગર,
ઘરઆંગણ ક્યારેક અદીઠા નકરા ચં. ચી.
પરદેશે તે ઊંચક્યા ના ઊંચકાય,
પ્રોફેસર ડૉક્ટર સી. સી. કંઈના કંઈ સી.સી,
મશિયુ સી.સી. રંગમુકુટ કંઈ શિર ધરી આવ્યા.
દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા.

....................................................................

એક અલકમલકની ચીજ
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન...

Euphemism ચાટૂક્તિ

સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ.

Euphony સ્વરમાધુર્ય, નાટ્યમાધુર્ય

શબ્દોનાં ચયન અને સંયોજન સાથે નાદના સુકુમાર પ્રસન્નમધુર સંગીતમય પ્રવાહથી સભર ભાષા.
જેમકે, કાન્તના ‘વસંતવિજય’માં

‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય
ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય,
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય”

Euphoria માયાતુષ્ટિ, સુખભ્રાન્તિ

સત્ય કે વાસ્તવમાં જે આધારિત ના હોય તે ભાવોદ્રેકની કે સુખસંતોષની સ્થિતિનું આ સંજ્ઞા સૂચન કરે છે. આ પ્રકારના જેમ્ઝ બેરી કે વિલ્યમ સરોયન જેવા લેખકોએ કઠોર વાસ્તવિકતાઓને અવગણીને પલાયનવાદ કે કલ્પનાનો આશ્રય લીધો છે. વૉલ્ટ વ્હિટમનની કેટલીક ઉદ્રેકપૂર્ણ કવિતાઓના મૂળમાં જીવન અને મનુષ્યો પ્રત્યેનો એમનો માયાતુષ્ટિભર્યો પ્રેમ પડેલો છે.

Euphuism કૃત્રિમ શૈલી, શબ્દાડંબર

પ્રાસાનુપ્રાસ, વર્ણનાદો અને અલંકારખચિત કૃતક અત્યંત શબ્દાડંબરપૂર્ણ શૈલી. જેમકે, કલાપીનો ‘કાશ્મીરનો પ્રવાસ’.

Evaluation મૂલ્યાંકન

વિવેચનનું એક ઉપકરણ. મૂલ્યાંકન એ વિવેચનપ્રક્રિયાનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિનું મૂલ્યાંકન કરવું એટલે તે સારી છે કે નરસી છે એ વિશે નિર્ણય કરવો; કૃતિની મહત્તા બતાવવી અને તેનું મૂલ્ય નક્કી કરવું. મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં કૃતિનું મૂલ્ય નિર્ણીત કરવાને કૃતિની બહારના સંયોગો અને સંબંધો લક્ષમાં લેવાના રહે છે. માત્ર કૃતિના આધારે નહિ, પરંતુ વ્યાપક જીવનના સંદર્ભમાં જ કૃતિનું મહત્ત્વ નક્કી કરવામાં આવે છે. ઍલન ટેય્‌ટ જેવા વિવેચકો કહે છે કે આજની પરિસ્થિતિમાં ‘મૂલ્યાંકન’ના અર્થમાં વિવેચન શક્ય નથી.

Exaggeration અતિશયતા

અતિ-વિધાન કે સત્યની મર્યાદા ઓળંગીને વિવર્ધન દ્વારા વિગતને રજૂ કરવી. સાહિત્યમાં અતિશયતા અતિશયોક્તિ અલંકારના સ્વરૂપે રજૂ થાય છે. એ એ. મિલ્ને, જેમ્ઝ બેરી, માર્ક ટવેય્‌ન, ઓગ્ડેન નૅશ વગેરે સર્જકોનાં સર્જનો અતિશયતાનાં ઉદાહરણરૂપ છે.

Exegesis વિવરણ

રોમન સમય દરમ્યાન ધર્મગ્રંથોનું વિવરણ કરનારા પાદરીઓ Exegetes તરીકે ઓળખાતા, તેથી મુખ્યત્વે ધર્મગ્રંથોની સમજૂતીના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજાય છે. સાહિત્યના સંદર્ભમાં આ સંજ્ઞા કૃતિના વિવેચન કે કૃતિની અંતર્ગત રહેલાં સંદર્ભોની સમજૂતીના અર્થમાં પ્રયોજવામાં આવે છે.

Exemplum બોધકથા

ટૂંકી, બોધપ્રદ વાર્તા. ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા આ પ્રકારની વાર્તાઓનો ધર્મપ્રચાર માટે ઉપયોગ થતો. આ પ્રકારની વાર્તામાં દર્શાવાતી ઘટના સત્ય હકીકત ઉપર આધારિત છે એવી માન્યતા હતી. સામાન્ય રીતે આ વાર્તાઓમાંનો બોધસાર વાર્તાના આરંભમાં જ રજૂ થતો.

Existentialism અસ્તિત્વવાદ

સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો એક વાદ, આ વાદ એવું માને છે કે મનુષ્યને માટે સૌથી કીમતી બાબત તેનું પોતાનું અસ્તિત્વ છે. આ વાદમાં મનુષ્યના પોતાના અનુભવોને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સમાજે બધાને માટે નક્કી કરેલાં ધોરણો આ વાદ સ્વીકારતો નથી, પરંતુ દરેક વ્યક્તિ પોતાને માટે અનુભવોમાંથી મૂલ્યો પેદા કરે છે એવી આ વાદની માન્યતા છે. સાર્ત્ર. હાઇડેગર, કામ્યૂ વગેરે આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષી, મધુ રાય, ચંદ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરીના કથા-સાહિત્યમાં આ વાદનો સંસ્પર્શ જોઈ શકાય છે.

Exoteric સાર્વજનીન

માત્ર અંતરંગ શિષ્યો જ નહીં પણ સૌ કોઈ સમજી શકે તેવો સિદ્ધાંત કે વિચારધારા.

Exoticism વિદેશજવાદ

જે સુદૂર અને અજાણ્યા પ્રદેશો તરફ વળી હોય, જેનો હેતુ માત્ર નાવીન્યનો હોય એવી ભૂતકાળ પ્રીતિ દર્શાવતી કવિતાનો આવિર્ભાવ આ સંજ્ઞા દ્વારા સૂચિત છે. અપરિચિત એવાં પરિવેશ પાત્રો અને રીતરિવાજોનો ઉત્તેજક પ્રભાવ જન્માવતી સાહિત્યિક કૃતિઓ વિદેશજવાદને પ્રગટ કરે છે. હર્મન મેલવિલ, રૉબર્ટ લૂઈ સ્ટીવન્સન અને જોઝફ કૉન્રેડની નવલકથાઓ આ અર્થમાં વિદેશજ નવલકથાઓ છે.

Experimental પ્રયોગશીલ

સાહિત્ય કે કલાની સ્થાપિત પ્રણાલીઓને તોડીને નવા, મૌલિક સ્વરૂપ કે વિચારની સ્થાપના કરવાનું વલણ દરેક સમાજના સાહિત્યમાં જોવા મળે છે. કેટલીક વાર પ્રણાલીભંગના પરિણામરૂપે જે વિચારધારા પ્રયોગશીલ વિચારધારા તરીકે આગળ આવી હોય તે વિચારધાર સ્થિર થતાં પોતે જ એક પ્રણાલી બને, અને આ પ્રણાલીને તોડતી અન્ય કઈ પ્રયોગશીલ વિચારધારા અસ્તિત્વમાં આવે છે. આમ પ્રયોગશીલતા એ સમાજના બદલાતાં જતાં વલણોને પ્રતિબિંબિત કરે છે.

જુઓ : Tradition. Explanation સમજૂતી

વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો છે : વર્ણન, સમજૂતી અને મૂલ્યાંકન. કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં એ કૃતિનું વર્ણન કરવા અંગેનાં અને એ કૃતિની સમજૂતી અંગેનાં ઉપકરણો વિવેચને વિકસાવવાનાં રહે છે. સમગ્રના અર્થ સંદર્ભે ઘટકોનો અર્થ અને ઘટકોની પરસ્પર અન્વિતિનો અર્થ એ સમજૂતીનું ક્ષેત્ર છે.

Explication de Text પાઠ-સ્પષ્ટીકરણ પાઠવિશ્લેષણ

પાઠ-સ્પષ્ટીકરણ એ સઘન વાચન પર આધારિત ફ્રેન્ચ સાહિત્યવિચારની પરંપરાગત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં કૃતિનાં ઐતિહાસિક અને ભાષાકીય પાસાંઓ વચ્ચે સંબંધ હોવાનું માનવામાં આવે છે, અને એ સંબંધ સાથે પાઠમાં રહેલા વિશિષ્ટ ઉપકરણો તથા એ ઉપકરણો દ્વારા નિષ્પન્ન થતાં સૌન્દર્યપરક પ્રભાવો કઈ રીતે સંકળાયેલાં છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે.
આ પદ્ધતિની વિશેષતા એ છે કે એમાં પાઠનું વિશ્લેષણ, એના લેખક કે વાચકની અંગત રુચિઓ અને માન્યતાઓના સંદર્ભમાં થાય છે.

Exposition ઉદ્‌ઘાટન

નાટક કે નવલકથાના આરંભમાં પાત્રો અને પરિસ્થિતિ વિશેની જરૂરી માહિતી આપતો અંશ, આ પ્રકારની માહિતી રજૂ કરવા અગાઉ સૂત્રધાર કે કોરસનો ઉપયોગ કરવામાં આવતો. ઉત્તમ સર્જક કોઈ પણ પ્રકારની પ્રવિધિના સીધા ઉપયોગ વિના ક્રિયાના ભાગરૂપે જ આ માહિતી રજૂ કરે છે. કૃતિની વસ્તુસંકલના (Plot)નો આ મહત્ત્વનો અંશ છે.

Expression અભિવ્યક્તિ

સર્જકના ચિત્તમાં પડેલા આંતરિક વાસ્તવનું પ્રગટીકરણ. કલાત્મક અભિવ્યક્તિની પ્રક્રિયામાં, જેની અભિવ્યક્તિ કરાય છે તે, જેના દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે તે—શબ્દઃ અને અભિવ્યક્તિ જેના દ્વારા પ્રગટપણે રજૂ થાય છે તે વક્તા, પાત્ર વગેરે – આ ત્રણ ઘટકોનો આંતરસંબંધ એ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કલાવિવેચનમાં ‘અભિવ્યક્તિ’ અને ‘શૈલી’ના સંબંધની પણ ચર્ચા થયેલી છે. કેટલાક વિવેચકોના મતે કલાકારની અભિવ્યક્તિ એ જ એની શૈલી છે.

Expressionism અભિવ્યક્તિવાદ, અભિવ્યંજનાવાદ

રંગદર્શી કલાદૃષ્ટિનું આ એક સ્વરૂપ છે, જેની અંતર્ગત સાહિત્યકૃતિમાં ભાવના અને લાગણીની અભિવ્યક્તિ અતિશયોક્તિપૂર્ણ હોય અને વાસ્તવનું ચિત્રણ અમુક હદે વિકૃત હોય.
વીસમી સદીના આરંભમાં જર્મન ચિત્રકળામાં આ અભિગમ દાખલ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાટકોમાં પણ વાસ્તવવાદ (Realism)ના વિરોધમાં આ વાદ પ્રચારમાં આવ્યો. આ હલચલ ઇટેલિયન અને રશિયન ભવિષ્યવાદ તથા ઘનવાદની સમાંતર ચાલી હતી. પરાવાસ્તવવાદ, આધુનિકતાવાદ જેવી વિચારસરણીઓ પર અભિવ્યક્તિવાદનો મોટો પ્રભાવ છે, અભિવ્યક્તિવાદીઓની શૈલી વિસ્ફોટક અને અસંયત હતી.
સ્ટ્રીન્ડબર્ગનાં નાટકોમાં તેનાં મૂળ નંખાયાં. ત્યાર બાદ યુરોપ અને અમેરિકાના નાટ્યકારોએ પણ તેનું ખેડાણ કર્યું. અર્નેસ્ટ ટૉલર, યૂજીન ઓનિલ, ર્થોર્નટન વિલ્ડર, ફોકનર, બૅકિટ વગેરેમાં વધતે-ઓછે અંશે આ વાદની અસર વરતાય છે.
આ વાદની અસરતળે લખાયેલી કવિતામાં રંગ અને ધ્વનિની પ્રભાવક રજૂઆત જોવા મળે છે. ઇડિથ સિટ્‌વલ તથા ક્રિસ્ટફર મિડ્‌લ્ટન જેવા કવિઓએ આ પ્રકારની કવિતા આપી.

Expurgation શુદ્ધીકરણ

પાઠ્યપુસ્તક કે શાળાપયોગી પુસ્તકોમાંથી વાંધાજનક શબ્દો કે ખંડોને દૂર કરવાની ક્રિયા.

Extension વિસ્તાર

તર્કશાસ્ત્ર સાથે સીધો સંબંધ ધરાવતી આ સંજ્ઞા ભાષાના સર્જનાત્મક વિનિયોગ સંદર્ભે કોઈ એક શબ્દની સાથે સંકળાયેલા અન્ય શબ્દો, અર્થો, વિચારો વગેરેનું સૂચન કરે છે. કોઈ એક ચોક્કસ શબ્દ પ્રયોજતાં વિચારસાહચર્યને લીધે જે અનેક સંદર્ભો ઊભા થાય તે, જે-તે શબ્દનો વિસ્તાર કહેવાય.

Extrapolation બહિર્વેશન

અનુમાન કે અંદાજ દ્વારા જ્ઞાત માહિતીનું પ્રક્ષેપણ કે વિસ્તૃતીકરણ. આ સંજ્ઞા મૂળ આંકડાશાસ્ત્રમાંથી સાહિત્યમાં આવી છે અને સાહિત્યિક વરણો (Selection) સાથે સંકળાયેલી છે.

Extra-text અતિરિક્ત કૃતિ

રશિયન સંકેતવિજ્ઞાની યુરિ લોતમનના કાવ્યશાસ્ત્રને આધારે પ્રચલિત સંજ્ઞા. લોતમનનો અભિપ્રાય છે કે સાહિત્યકૃતિને ધોરણો, પરંપરાઓ અને અપેક્ષાઓથી બનેલી ‘અતિરિક્ત કૃતિ’ દ્વારા જ સમજી શકાય. આ વિચારણામાં સર્જકની ચેતના અને ભાવકની અપેક્ષાઓ જ નહિ પરંતુ સંસ્કૃતિના એક આવિષ્કારરૂપ સાહિત્યની સમસ્યા પણ એમાં નિહિત છે, અતિરિક્ત કૃતિ સંરચનાવાદી પરિભાષાઓમાં સંસ્કૃતિના અભ્યાસનો માર્ગ ખોલે છે.

Extravaganza અતિશયતાપૂર્ણ કૃતિ

૧૯મી સદીમાં ઇંગ્લૅંડમાં પ્રચલિત નાટ્યસ્વરૂપ, સંગીત અને નૃત્યના વિનિયોગ દ્વારા પરીકથા કે પુરાણકથાના આધારે તૈયાર કરાતા આ પ્રકારનાં નાટકોમાં અતિશયોક્તિપૂર્ણ હાસ્ય કે વ્યંગ વિશેષ જોવા મળતો. મુખ્યત્વે મનોરંજનના હેતુથી રચાયેલી આ કૃતિઓમાં અતાર્કિક અને અયુક્ત (Absurd) પાત્રો, પરિસ્થિતિઓનો ઉપયોગ થતો.