આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/F
F
Fable નીતિકથા
- ગદ્ય અથવા પદ્યમાં રચાયેલી વ્યવહારનાં સિદ્વાંતો સમજાવતી, નીતિનો મહિમા કરતી રૂપકાત્મક ટૂંકી કથા. નીતિકથાનું વિષયવસ્તુ સામાન્ય રીતે રોજિંદા જીવનના સામાન્ય વ્યવહાર કે આચાર પર પ્રકાશ પાડતું હોય છે. માનવીય પરિસ્થિતિ કે માનવવર્તનને રજૂ કરવા માટે આવી કથા પ્રાણીઓ, પંખીઓ કે નિર્જીવ પદાર્થોનો ઉપયોગ કરે છે, ઇસપની નીતિકથાઓ, પંચતંત્ર, હિતોપદેશ વગેરે જાણીતાં છે.
Fabula કથાંશસંખ્યા
- જુઓ : Syuzhel.
Fabulation કપોલકલ્પિત
- આધુનિક વિવેચનમાં રોબર્ટ શોલ્સ દ્વારા પ્રચલિત સંજ્ઞા. શોલ્સના મત મુજબ આધુનિક નવલકથાકારોમાં કપોલકલ્પિતનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. વિચારો અને ભાવનાઓની સાથે વધુ અને પદાર્થોની સાથે ઓછી નિસ્બત હોય એવી કથા, આ નવલકથાઓ ઓછી વાસ્તવવાદી અને વધુ કસબ અને વૃત્તાંતવાળી હોય છે. ચિત્તના નિમ્ન સ્તરોના જ્ઞાનને કારણે આજના રાર્જકનું અનુભવ-જગત બદલાયું છે. :પુરાકથાઓ, પ્રતીકો, સ્વપ્નો વગેરેની અભિવ્યક્તિ માટે આજના સર્જકે કપોલકલ્પિત રીતિનો આશ્રય લીધો છે. જેઓને વાસ્તવવાદ હવે જૂનવાણી કે અસમર્થ લાગ્યો છે તેઓ અન્યોક્તિ કે રોમેન્સનાં તત્ત્વોનો આદર કરી કપોલકલ્પિત તરફ વળ્યાં છે. લૉરેન્સ ડૂરલ, મેડૉક જોન બાર્થ વગેરે આ પ્રકારના સર્જકો છે.
Facsimile પ્રતિકૃતિ
- ખાસ તો હસ્તાક્ષર, ચિત્ર કે છપાયેલી વસ્તુની યથાર્થ નકલ.
Fairy Tale પરીકથા
- પુરાણકથા કે દંતકથાનાં પાત્રોને આધારે રચાયેલી કથા. આ પ્રકારની કથાઓ દરેક સમાજના લોકસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની કથાઓ શ્રુતિપરંપરા (oral Tradition) દ્વારા યુગો પછી પણ સચવાઈ રહી છે. બાળસાહિત્યનો આ મહત્ત્વનો વારસો છે.
- પરીકથાના વસ્તુની અંતર્ગત રહેલું એક તત્ત્વઃ કપોલકલ્પિત (Fabulation) પ્રસંગચિત્રણમાં અને ગંભીર સાહિત્યમાં પણ વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવે છે.
Falling Action ક્રિયાઉતાર
- પરાકાષ્ઠા બાદ દર્શાવાતો નાટકનો અંશ. નાટકની વસ્તુસંકલના સંદર્ભે નાટકના મુખ્ય વિભાગોમાંનો એક.
- જુઓ : plot, Rising Action (ક્રિયાચઢાવ).
Fancy તરંગ
- કોલરિજ જેને કલ્પનાથી ભિન્ન એવી શક્તિ તરીકે ઓળખાવે છે તે તરંગ આ મુખ્યત્વે સંયોજનાત્મક મનઃશક્તિ છે અને સ્મૃતિ પર આધારિત છે. કોલરિજ તેને સ્મૃતિનું જ એક રૂપ કે વલણ કહે છે. તેની શક્તિ સંયોજન કે સ્થૂળ વ્યવસ્થા સુધી જ મર્યાદિત છે. તેમાં યાંત્રિકતાથી જ વ્યવસ્થા થાય છે. તરંગમાં અલંકારશક્તિ છે. પણ કલ્પના જેવી હૃદયંગમતા નથી. સાહિત્યમાં તરંગ ચિત્રાત્મક નિરૂપણ માટે વિનિયોગમાં લેવાય છે.
Fantasy સ્વૈરકલ્પના
- તરંગપૂર્ણ કે સ્વૈરવિહારી કલ્પનોના નિર્માણ માટેની શક્તિ. અંગ્રેજી સાહિત્યમાં ‘Faerie-queen’ એ આવી સ્વૈર કલ્પનાનું વિશ્વ રજૂ કરતી કૃતિ છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીની લઘુનવલ ‘મરણોત્તર’ આ પ્રકારમાં આવી શકે.
Farce પ્રહસન
- આ નાટ્યસ્વરૂપ આરંભનાં કોઈ મુખ્ય નાટકના બે અંકોની વચમાં ભજવવામાં આવતી હાસ્યનાટિકા તરીકે અસ્તિત્વમાં આવ્યું. સ્વતંત્ર રૂપે હાસ્યનાટકના એક પ્રકાર તરીકે તેનો ધીમે ધીમે વિકાસ થયો. અતિશયોક્તિપૂર્ણ તેમ જ ઉપરછલ્લું હાસ્ય જન્માવતાં આ પ્રકારના નાટકો એકાંકી અને ત્રિઅંકી બંને સ્વરૂપે જોવા મળે છે. ગંભીર નાટકોમાં પણ હાસ્ય-વિશ્રાન્તિ(comic relief)ના હેતુસર પ્રહસન જેવાં દૃશ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
Feminist Criticism નારીવાદી વિવેચન
- નારીવાદીઓ માને છે કે મૂળભૂત રીતે પુરુષશાસિત ભાષાથી નારીઓનું શોષણ થતું આવ્યું છે. એરિસ્ટોટલથી ચાલી આવેલા બુદ્ધિના પુરુષસિદ્ધાન્ત માતૃસત્તા પર પિતૃસત્તાને સ્થાપેલી છે. નારીવાદી વિવેચન મોટે ભાગે આ પિતૃસત્તાત્મક સંસ્કૃતિની સંતુષ્ટ સ્થિરતાઓને સંક્ષુબ્ધ કરવા માગે છે અને નારીલેખકો તેમ જ વાચકો માટે ઓછી શોષિત પરિસ્થિતિ જન્માવવા ઇચ્છે છે. કેટલાકનું માનવું છે કે ઋતુધર્મ, ગર્ભાધાન પ્રસૂતિ જેવા નારીજીવનના વિશિષ્ટ અનુભવો નારી જ કરી શકે. વળી, નારીઅનુભવ સાથે જુદા જ પ્રકારનું સંવેદનનું અને લાગણીનું જગત સંકળાયેલું છે. નારીલેખનમાં સાહિત્યિક પ્રતિનિધાનના આ જુદાપણાનો અભ્યાસ નારીમીમાંસા (gynocritics) તરીકે ઓળખાય છે. રાજકીય નારીવાદ, ફ્રેન્ચ નારીવાદી વિવેચન જેવા નારીવાદી વિવેચનના પ્રવાહ જોવા મળે છે. ટૂંકમાં, સંરચનાવાદ, મનોવિશ્લેષણ, માકર્સવાદ જેવા જ્ઞાનાનુશાસન સાથે આપ-લે કરી અત્યારે આ વિકસતો વિષય છે. સિમોં દ બુવા, કેત મિલે, ડેય્લ સ્પેન્ડર, જુલ્ય ક્રિસ્તેવા, ઝાક લકાં, વર્જિનિયા વુલ્ફ વગેરે આ શાખાના મુખ્ય પ્રવર્તકો છે.
Festschrift અભિનંદન ગ્રન્થ
- પ્રતિષ્ઠિત લેખક કે અભ્યાસીની કારર્કિદીની ઊજવણી વેળાએ મિત્રો અને સમકાલીનો તરફથી રજૂ કરાતા લેખોનો સંગ્રહ.
Fiction કથા-સાહિત્ય
- કાલ્પનિક પ્રસંગોને આધારે સર્જક દ્વારા નિરૂપાયેલી ગદ્યકથા. ટૂંકી વાર્તા અને નવલકથા એ બન્ને સાહિત્ય સ્વરૂપોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે.
કાલ્પનિક હોવા છતાં આ પ્રકારનું સાહિત્ય વાસ્તવિક પ્રસંગો, પાત્રો સાથે અનુસંધાન ધરાવે છે. Figurative language આલંકારિક ભાષા
- સામાન્ય રીતે માન્ય ભાષાથી અલગ વિશિષ્ટ અર્થ નિષ્પત્તિના પ્રભાવને સિદ્ધ કરવા અલંકારનો વિનિયોગ કરતી ફંટાતી ભાષા.
Figure of speech અલંકાર
- આ કાવ્યનો તત્ત્વવિશેષ છે. વ્યવહારભાષાથી વિચલિત કોઈ પણ સાહિત્ય-ભાષાને તૈયાર કરવામાં વિયોજાતી ઉપમા રૂપકાદિ પ્રવિધિ.
- ભારતીય કાવ્યશાસ્ત્રમાં અલંકારોનું અત્યધિક મહત્ત્વ છે. બાહ્ય શોભાકર પદાર્થથી માંડી અંતઃસ્થ સક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વ, સૌન્દર્યતત્ત્વ સુધી અલંકારનો વિકાસ થયો છે.
Finalist Theory પ્રયોજનવાદ
- જુઓ : Propulsive Theory.
Flash back પીઠ ઝબકાર
- ભૂતકાળમાં બની ગયેલા દૃશ્યનો એક અંશ. આ અંશ વર્તમાન ઘટનાના વર્ણનમાં વચમાં થોડીક ક્ષણો માટે રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા ચાલી રહેલી ઘટના અંગે કશીક સમજૂતી સાંપડે છે કે તે ઘટના ઉપર કશીક ટીકા, સૂચના મળી શકે છે. આ પ્રવિધિ મુખ્યત્વે ફિલ્મ સાથે સીધે સીધો સંબંધ ધરાવે છે. નવલકથા, વાર્તા અને નાટકમાં પણ આ પ્રવિધિનો અસરકારક વિનિયોગ કરવામાં આવે છે.
Flash forward પૂર્વઝબકાર
- ચાલી રહેલી ઘટનાના વર્ણનમાં ભવિષ્યમાં બનનારી ઘટનાનો અંશ દર્શાવવા- આવે તે.
Flat Characters એકપરિમાણશીલ પાત્રો
- નવલકથાનાં પાત્રોને સામાન્ય રીતે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે : ૧. એકપરિમાણશીલ પાત્રો (Flat characters) ૨. બહુપરિમાણશીલ પાત્રો (Round characters).
- એકપરિમાણશીલ પાત્રો કોઈ એક જ વિચાર કે લક્ષણની આસપાસ સર્જાયાં હોય છે, આ એકમાત્ર વિચાર કે લક્ષણ સિવાય અન્ય કોઈ ભૂમિકા તેમના મૂલ્યાંકન માટે ઉપયોગી નીવડતી નથી. આ પ્રકારનાં પાત્રો પૈકીનું એક પ્રચલિત સ્વરૂપ તે રૂઢ પાત્ર (Stock character) જે સામાન્ય રીતે હાસ્ય ઉપજાવવા માટે પ્રયોજવામાં આવે છે.
Folklore લોકવિદ્યા
- લોકકથા, લોકગીત, લોકવૈદું, લોકનૃત્ય, લોકસંગીત, લોકનાટક ઇત્યાદિ કંઠોપકંઠ ચાલી આવેલી લોકપરંપરાઓનો અભ્યાસ, એમાં પારંપરિક રીતરિવાજો, વિધિઓ અને જીવનરીતિઓને પણ સમાવેશ થાય છે.
- લોકવિદ્યાનાં તત્ત્વો પરિષ્કૃત લેખિત સાહિત્યમાં પ્રવેશી ચૂકેલાં છે.
Folk Plays લોકનાટ્ય
- ગામડાઓમાં અવારનવાર જુદા જુદા ઉત્સવો વખતે ગ્રામજનો દ્વારા જ ભજવવામાં આવતાં નાટકો. વિશ્વના બધા જ દેશોમાં જોવા મળતાં આ પ્રકારનાં લોકનાટકો સામૂહિક સર્જકત્વના પરિણામરૂપ છે, તેથી કોઈ એક લેખકને નામે કોઈ પણ નાટક ચડાવી શકાય નહીં. પુરાણો, ધર્મગ્રંથો વગેરેની સામગ્રીનો આ નાટકોમાં પ્રચૂર માત્રામાં વિનિયોગ થતો. ‘ભવાઈ’માં સંખ્યાબંધ ‘વેશ’ તે ગુજરાતનાં લેકનાટ્યોનો વારસો છે. વિશ્વના મોટા ભાગનાં લોકનાટ્યોમાં તેમ ભવાઈમાં પણ નૃત્ય, સંગીતનો ઉપયોગ કરાતો હતો.
Folk Song લોકગીત
- સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે.
- જેમકે, નાનાલાલનું
‘ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચૂંદલડી’
Folk Tale લોકવાર્તા
- કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી.
- ‘પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે.
Foreshadowing વાતાવરણ
- જુઓ : Atmosphere.
Foreward પ્રાસ્તાવિક પુરોવચન
- પુસ્તકના આરંભમાં મુકાયેલી પરિચયાત્મક નોંધ જે સામાન્ય રીતે પુસ્તકના લેખક દ્વારા નહીં પરંતુ જે-તે વિષયના નિષ્ણાત દ્વારા લખવામાં આવી હોય. આ પ્રકારની નોંધ પુસ્તકની સામગ્રી વિશે મહત્ત્વની માહિતી પૂરી પાડવા ઉપરાંત પુસ્તકની ગુણવત્તા વિશે પણ ખ્યાલ પૂરો પાડે છે.
Forgeries, literary સાહિત્યિક તરકટ
- કોઈક અજ્ઞાત લેખક પોતાની કોઈ એક કૃતિ અન્ય કોઈ પ્રસિદ્ધ લેખકના નામ સાથે પ્રગટ કરે તે કૃત્ય.
- આ પ્રકારના કૃત્યથી કૃતિના કર્તૃત્વ અંગેની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેમકે, મીરાંના નામે પ્રગટ થયેલી કેટલીક રચનાઓ અંગે ગુજરાતી સાહિત્યમાં વિવાદ છે.
- જ્યાં સુધી આ પ્રકારે લેખકના નામે પ્રગટ કરાયેલી અન્ય લેખકની કૃતિનું રહસ્ય છતું ન થાય ત્યાં સુધી જે-તે લેખકની પ્રતિષ્ઠા, તેની કૃતિનું મૂલ્યાંકન વગેરે બાબતોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.
Foregrounding નવ્યકરણ, અગ્ર પ્રસ્તુતીકરણ
- રશિયન સ્વરૂપવાદી વિવેચક યાન મુકરોવ્સ્કી દ્વારા પ્રચલિત સંજ્ઞા, મુકરોવ્સ્કી બે પ્રકારની ઉક્તિ હોવાનું જણાવે છે : રોજિંદી ભાષાની કરકસર દ્વારા જે સ્વયંચાલિત ભાષા હોય તેવી ઉક્તિ અને ભાષાનું ‘નવ્યકરણ’ થયું હોય તેવી ઉક્તિ. મુકરોવ્સ્કીના મત મુજબ ઉક્તિનું અધિક્તમ કક્ષાએ નવ્યકરણ કરવું એ કાવ્યભાષાનું કાર્ય છે. આમ નવ્યકરણ એટલે વ્યવસ્થાનું અતિક્રમણ. નવ્યકરણ ભાવકની સમક્ષ, સપાટી પર એવી ભાષાઘટનાને લાવે છે જે ભાષાઘટના રોજિંદી ભાષામાં એકદમ પ્રચ્છન્ન હોય છે.
Form સ્વરૂપ
- સાહિત્યવિવેચનમાં સ્વરૂપ એટલે કૃતિની સામગ્રી કે કૃતિમાં જે કહેવાયું છે એની સામે કૃતિની આકૃતિ, જે કહેવાયું છે તે કઈ રીતે કહેવાયું છે વગેરેનો નિર્દેશ. કૃતિનું ‘સ્વરૂપ’ એક રીતે જોઈએ તો તત્ત્વતઃ સંયોજન કરનારો સિદ્ધાંત છે. વિવેચકોમાં એ બાબતે સર્વ સંમતિ છે કે સ્વરૂપ એ એવું ખોખું નથી જેમાં બાટલીની જેમ કશું રેડી શકાય. આથી જ વાલેરી સ્વરૂપને જ કૃતિની સામગ્રી ગણે છે. સ્વરૂપ અને સામગ્રી આમ તો અવિભાજ્ય છે પણ એમને કામચલાઉ જુદાં મૂલવી શકાય છે.
Formal Analysis આકૃતિક વિશ્લેષણ
- ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે.
- સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે.
- આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે.
Formalism સ્વરૂપવાદ
- સાહિત્યના સ્વરૂપ પર ભાર મૂકતી, પહેલા વિશ્વયુદ્ધ પછીની સ્લાવિક દેશોની સાહિત્યમીમાંસા, રશિયન સ્વરૂપવાદના પાયામાં ભાષા પ્રત્યેનો સંરચનાવાદી અભિગમ છે.
- તેઓ માને છે કે પ્રત્યેક ભાષા વાસ્તવમાં તો પરસ્પરવિરોધી એવી અનેક ઉપભાષાઓની બનેલી છે.
- સ્વરૂપવાદીઓ સમગ્ર કલાકૃતિને એક તંત્ર રૂપે જોવા ઉપર ભાર મૂકે છે. આ તંત્ર સચેતન સંબંધો અને વિરોધોનું બનેલું છે. સ્વરૂપવાદીઓનું મુખ્ય ધ્યેય સાહિત્યને વિજ્ઞાન તરીકે સ્થાપવાનું હતું. યાકોબ્સનને મતે સાહિત્ય વિજ્ઞાનનું વાસ્તવિક ક્ષેત્ર સાહિત્યકૃતિ નહિ પરંતુ એની સાહિત્યિકતા છે. આમ સ્વરૂપવાદીઓનું કાર્ય એક સંપ્રત્યયાત્મક વ્યવસ્થા (Conceptual System) સ્થાપવાનું હતું, અને આ વ્યવસ્થાને આધારે જ સાહિત્યકૃતિમાં ક્રિયાશીલ અમૂર્ત શક્તિઓનો અભ્યાસ શક્ય બને છે. એવું તેઓ માનતા હતા. શ્ક્લોવ્સ્કી, યાકોબ્સન વગેરે આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Fomat ક્લેવર
- પુસ્તકનું કદ, આકાર વગેરે આ સંજ્ઞા દ્વારા સંકેતિત થાય છે.
Formation સ્વરૂપવાદ
- રશિયન સ્વરૂપવાદીઓને મતે કોઈ કૃતિમાં રહેલી ભાષાનું કાર્ય એના પ્રેષણ-(Transmission)માં સમાયેલું નથી પણ એના સ્વરૂપકરણમાં છે. જેમકે, કવિતામાં ‘કલ્પન’ પ્રતિનિધાનનો નમૂનો નથી, પણ સ્વરૂપકરણની પ્રવિધિ છે.
Frame Story ગર્ભવાર્તા
- મુખ્ય વાર્તાના એક અંશરૂપે આવતી વાર્તા. આ પ્રકારની વાર્તા મુખ્ય વાર્તાને અનુરૂપ કથાવસ્તુને આધારે લખાઈ હોય છે અને મુખ્ય વાર્તાના વસ્તુના વિકાસ માટે અનિવાર્ય હોય છે.
- કેટલીક વાર મુખ્ય વાર્તાનું માળખું આ પ્રકારની અનેક વાર્તાઓને સમાવી શકે તેવું મુક્ત હોય ત્યાં એકથી વધુ પેટાવાર્તાએ જોવા મળે છે. ચોસરકૃત ‘કૅન્ટરબરી ટેલ્સ’ આ પ્રકારની કૃતિ છે.
- દા.ત., ‘મુકુન્દરાય’માં આવતી ગર્ભવાર્તા.
Free Association મુક્ત સાહચર્ય
- માનસશાસ્ત્ર અનુસાર શબ્દો કે વિચારોની દીર્ઘ શ્રેણી. કોઈ પણ એક પદાર્થ કે વિચાર તેની સાથે સંબંધિત અન્ય પદાર્થ કે વિચારનું સાહચર્ય જગવે છે. આ પ્રક્રિયાનું એકથી વધુ વાર પુનરાવર્તન થતાં સાહચર્યોની દીર્ઘ શ્રેણી અસ્તિત્વમાં આવે, જેનો અંતિમ વિચાર કે જેનું અંતિમ કલ્પન, શ્રેણીના પ્રથમ વિચાર કે પ્રથમ કલ્પન સાથે સીધો સંબંધ સૂચવતા ન હોય.
- મુક્ત વિચાર સાહચર્યની આ પ્રક્રિયા નવલકથા અને નાટ્યલેખનમાં અનેક રીતે પ્રયોજાય છે. નવલકથા સંદર્ભે આંતરચેતનાપ્રવાહ (Stream of consciousness) અને નાટક સંદર્ભે મનોગત એકોક્તિ (interior monologue)માં આ પ્રવિધિ વિશેષ અર્થમાં પ્રયોજાય છે.
Free play અનિયત વ્યાપાર
- અર્થના ‘અનિયત વ્યાપાર’ અંગેનો વિચાર ઝાક દેરિદાએ પહેલવહેલો જૉન હોપકિન્સ યુનિવર્સિટીમાં સંરચનાવાદ પર યોજાયેલ પરિસંવાદમાં રજૂ કર્યો. વિનિર્મિતિમાં સંકેતોની વ્યવસ્થાપૂર્ણ ભાષાએ ઉપસ્થિત એવા સંકેતકોને અનુપસ્થિત એવા સંકેતિતોની અવેજીઓના શાશ્વત અનિયત વ્યાપારમાં ધકેલવાના છે. એટલે કે કૃતિની કહેવાતી ચોક્કસતા અને નિશ્ચિતતાની ભૂમિથી કૃતિના અર્થને કોઈ કેન્દ્ર વગર છૂટો મૂકવાનો છે. દેરિદાએ સોસૂરના સંકેતોના વ્યતિરેકની વાત સ્વીકારીને સંકેતોના વ્યાક્ષેપ પર ભાર મૂક્યો, એની સાથે કૃતિત્વની અનિર્ણિતતા ઉદ્ઘાટિત થઈ છે અને અર્થનું અતલ પ્રગટ થયું છે. આ જ કારણે દેરિદા અર્થના અનિયત વ્યાપારને ઉપસ્થિતિનું વિદારણ (disruption in presence) કહે છે.
- જુઓ : Deconstruction
Free verse મુક્ત પદ્ય, મુક્ત છંદ
- છંદનાં નિયમિત બંધનોને ન જાળવતી રચના. એમાં કોઈ નિયમિત છંદ કે નિયમિત પંક્તિ-લંબાઈ હોતા નથી; અને તેથી રચના સ્વાભાવિક ભાષાલય પર અવલંબિત હોય છે. પ્રતિભાવાન કવિના હાથમાં આવી રચના એનો પોતાનો લય અને એનું માધુર્ય પામે છે. છતાં, રૉબર્ટ ફ્રૉસ્ટ કહે છે, ‘મુક્ત પદ્ય લખવું એ નેટ નીચે રાખીને ટેનિસ રમવા જેવી વાત છે.’ વૉલ્ટ વ્હિટમન હોપકિન્સ, એઝર પાઉન્ડ, એલિયટ મુક્ત પદ્યના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Frenzy સર્જન ઉન્માદ
- જુઓ : Poetic Madness.
Furor poeticus (Poetic madness) કાવ્યવિષયક ઉન્માદ
- કાવ્યપ્રેરણા માટે વપરાતી સંજ્ઞા,
Futurism ભવિષ્યવાદ
- ઇટલીમાં ફિલીપો મારીનેતી દ્વારા શરૂ થયેલી સાહિત્યિક અને કલાઝુંબેશ, આને ખરીતો ‘લે ફિગારો’માં ૧૯૦૯મા બહાર પડેલો. આ ઝુંબેશ ભૂતકાળીન વારસા તરફના તેમ જ પારંપરિક અભિવ્યક્તિનાં સ્વરૂપો તરફના પ્રકોપ સાથે ગતિ, શહેરીજીવન અને મોટાં ઔદ્યોગિક કેન્દ્રોની પ્રશસ્તિ નિરૂપે છે. સાહિત્યમાં આ ઝુંબેશ દ્વારા વાક્યવિન્યાસભંગ અને લયભંગ પુરસ્કારાયા. રશિયામાં ભવિષ્યવાદનો સૌથી વધુ પ્રભાવ પડશે. આ ઝુંબેશની આડકતરી રીતે ઘનવાદ અભિવ્યંજનાવાદ અને પરાવાસ્તવવાદ પર અસર પડી છે.