આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/G
Jump to navigation
Jump to search
સંજ્ઞાકોશ
G
G
Generalization સામાન્યીકરણ
- વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિયા દ્વારા વિચાર, ભાવ કે સિદ્ધાન્તનું સામાન્યીકરણ. ભારતીય કાવ્યશાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ જેવા અલંકારમાં વિશેષ વાતનું સામાન્યથી સમર્થન કરવામાં આવે છે ત્યારે એમાં સામાન્યીકરણની પ્રક્રિયા જ હોય છે.
- જેમકે, કલાપીના ‘એક આગિયાને’માં
‘દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?’
Generative Grammar સંસર્જનાત્મક વ્યાકરણ
- સંસર્જનાત્મક વ્યાકરણ એ આધુનિક ભાષાવિજ્ઞાનની ક્રાન્તિકારી ઘટના છે. ઈ. સ. ૧૯૫૭ના અરસામાં નોમ ચૉમ્સ્કી દ્વારા ભાષાવિજ્ઞાનનો આ ક્રાન્તિકારી યુગ શરૂ થયો. ભાષાનાં ‘શક્ય’ એવાં બધાં જ વાક્યો અને માત્ર વાક્યો-(અ-વાક્યો નહીં) નિષ્પન્ન કરવાની આ વ્યાકરણ નેમ ધરાવે છે. આ વ્યાકરણ અસંખ્ય નવાં કે અશ્રુતપૂર્વ વાક્યોનું સંસર્જન કરવાની અને તેમને સમજવાની ભાષકની શક્તિ વર્ણવવાનું લક્ષ્ય ધરાવે છે. ભાષકને પોતાની ભાષાનું જે આંતરિક જ્ઞાન હોય છે એટલે કે તેની ભાષાના દરેક વાક્યમાં ધ્વનિ અને અર્થ વચ્ચેનો સંબંધ નક્કી કરતી નિયમાવલીની તેને જે આંતરિક સૂઝ હોય છે તેને ખરે અહેવાલ :આપવાનું આ વ્યાકરણનું મુખ્ય ધ્યેય છે.
- આ વ્યાકરણનાં મુખ્ય ત્રણ અંગો છે :
- (૧) વાક્યતંત્રીય અંગ (૨) અર્થતંત્રીય અંગ (૩) ધ્વનિતંત્રીય અંગ. સંસર્જનાત્મક વ્યાકરણ સાહિત્યના અધ્યયનમાં કેટલું ઉપયોગી નીવડી શકે તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. રિચાર્ડ ઓમાન, થોર્ન, રોજર ફાઉલર, વેન ડિક વગેરે સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાનના પુરસ્કર્તાઓ છે.
Generative semantics સંસર્જનાત્મક અર્થવિજ્ઞાન
- વાક્યની અંતરંગસંરચના (deep structure) એ જ એની અર્થગત રજૂઆત છે એવો મત ધરાવતો અર્થ વૈજ્ઞાનિક અભિગમ. આ સિદ્ધાન્ત અંતરંગ સંરચનાની ધારણાને નકારે છે. અને વાક્યવિન્યાસઘટક એ જ માત્ર વ્યાકરણનો સંસર્જનાત્મક ઘટક હોય એવી માન્યતાનો છેદ ઉડાડે છે. ૧૯૬૭માં ટેક્સાસ ખાતે યોજાયેલા પરિસંવાદમાં મેકૉલૅએ પોતાના લખાણ ‘The Role of Semantics in a Grammar’માં કાત્ઝ, ફોડર, ચૉમ્સ્કી વગેરેનો વિરોધ કરતાં કહ્યું કે વાક્યવિન્યાસ અને અર્થવિજ્ઞાન વચ્ચે કોઈ સ્વાભાવિક લાગે એવી દીવાલ નથી. એમણે એવું કહ્યું કે ભાષા એક સંપૂર્ણ એકમ છે અને એને સમગ્રપણે જ જોવી રહી. આથી અંતરંગ સંરચના એ વાક્યોના અર્થની જ રજૂઆત છે. આ મતની સમાંતર જ લૅફૉક, કિલમા, ફિલમોર જેવા ભાષાવિજ્ઞાનીઓના મત રહ્યા અને તે કારણે તેઓ સંસર્જનાત્મક અર્થવિજ્ઞાનીઓ તરીકે ઓળખાય છે.
Generic criticism પ્રકારનિષ્ઠ વિવેચન
- સાહિત્યકૃતિનું પ્રકારમૂલક વિવેચન. વિવેચનલક્ષી કે મૂલ્યાંકનલક્ષી કોઈ પણ સાહિત્યિક અધ્યયનમાં સ્વરૂપમૂલક તપાસ અંતર્ગત હોય છે. પ્રકારનિષ્ઠ વિવેચનની બે શાખાઓ છે : આદેશાત્મક (Preseirptive) અને વર્ણનાત્મક (Descriptive). આદેશાત્મક વિવેચન સર્વસામાન્ય તત્ત્વો અને જાતિ (Kind) પર ભાર મૂકે છે, જ્યારે વર્ણનાત્મક વિવેચન ‘વિશેષ’ કે ‘વ્યક્તિ’ પર ભાર મૂકે છે. કૃતિના પ્રકારનો નિર્ણય કરીને તે યુગના સાહિત્યિક આદર્શ પર લક્ષ કેન્દ્રિત કરી શકાય, અને તેથી કૃતિ પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી તેની ભૂમિકા બાંધી શકાય.
Genre પ્રકાર
- મહાકાવ્ય, ઊર્મિકાવ્ય જેવાં સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોનો નિર્દેશ કરતી સંજ્ઞા. ‘પ્રકાર’નો ખ્યાલ એ એક વ્યવસ્થાસાધક સિદ્ધાંત છે. વૅલેક અને વૉરન કૃતિના વિવેચન અને મૂલ્યાંકન માટે ‘પ્રકાર’ના સંપ્રદાયને આવશ્યક ગણે છે.
Genotext સંસર્જિત કૃતિ
- પ્રતિમાનને આધારે સાહિત્યકૃતિ વિવિધ ઘટકો સંસર્જે છે. કૃતિ એક વ્યવસ્થા છે અને તે અંતરંગ સ્વરૂપો સંસર્જે છે. આ સંસર્જનાત્મક તરેહને પ્રસિદ્ધ માકર્સવાદી સંકેતવિજ્ઞાની જૂલ્ય ક્રિસ્તેવા સંસર્જિત કૃતિ કહે છે.
Genteelism ભદ્રંભદ્રીયતા
- તેના મૂળ ફ્રેન્ચ અર્થમાં આ સંજ્ઞા અભિજાત શિષ્ટ વર્તનનું સૂચન કરે છે. પરંતુ સમય જતાં આ સંજ્ઞા તેની બદલાયેલી અર્થચ્છાયા અનુસાર કૃતક શિષ્ટતાનો નિર્દેશ કરે છે. સાહિત્યિક સંદર્ભમાં વધુ સરળ શબ્દને સ્થાને અન્ય દુર્બોધ શબ્દ પ્રયોજવાનું વલણ સૂચવે છે. જેમકે, ‘રેલવે સ્ટેશન’ને સ્થાને ‘અગ્નિરથ વિરામસ્થાન’ (ભદ્રંભદ્ર).
Ghost-Story પ્રેત-કથા
- આ પ્રકારની વાર્તાનાં મૂળ મનુષ્યની આદિમ કલ્પનાવૃત્તિમાં પડેલાં છે. ‘ભૂતપ્રેત’ની કલ્પના એ મૃત્યુ વિશેના મનુષ્યના વિચારોનો એક આત્યંતિક ફાંટો છે. આ વિચારધારાના પોષણ માટે તેમ જ માત્ર સનસનાટીભર્યા મનોરંજન માટે પણ આ પ્રકારનું કથાલેખન પ્રસિદ્ધિ પામે છે.
- ગંભીર સાહિત્યમાં આ પ્રકારના કથાઅંશોનો પ્રતીકાત્મક રીતે વિનિયોગ કરવામાં આવે છે. શેક્સપિયરનાં અનેક નાટકોમાં આ તત્ત્વનો વિનિયોગ થયેલો છે.
- વિશાળ અર્થમાં આ પ્રકારની વાર્તાઓ રહસ્યવાર્તા (Suspense Stories) તરીકે પણ ઓળખાય છે.
Ghost-Words આભાસી શબ્દો
- મુદ્રણ-ભૂલ કે હસ્તપ્રત લેખકની ભૂલને કારણે લખાયેલો ખોટો શબ્દ. જેનો વાસ્તવમાં કોઈ અર્થ ન હોય, પરંતુ પાછળથી તેની પર અર્થનું આરોપણ કરવામાં આવ્યું હોય તેવો શબ્દ તે આભાસી શબ્દ. જૂની હસ્તપ્રતોના પ્રકાશન વખતે સંપાદકના અજ્ઞાન કે તેની ઉતાવળી કલ્પનાશક્તિને આધારે મૂળ શબ્દને બદલે આવા શબ્દો અસ્તિત્વમાં આવે છે.
Ghost-Writer છદ્મ-લેખક
- પુસ્તકમાં લેખક તરીકે જેનું નામ પ્રકાશિત ન થયું હોય, પરંતુ વાસ્તવમાં જે પુસ્તકનો કર્તા હોય તેવો લેખક. અન્ય વ્યક્તિના નામે લેખન કરવા પાછળ સારા-નરસા અનેક હેતુઓ કામ કરતાં હોય છે. સાહિત્યિક સંશોધનમાં અડચણ ઊભી કરનારી આ બાબત છે.
Gibberish જલ્પોક્તિ
- જે માત્ર અર્થહીન ધ્વનિ જ લાગે એવી અસ્પષ્ટ, સંદર્ભહીન શબ્દોની બનેલી ઊક્તિ.
Glossary પારિભાષિક કોશ
- અપરિચિત દુર્બોધ શબ્દો કે સંજ્ઞાઓની સ્પષ્ટીકરણ સાથેની સૂચિ. મોટે ભાગે વૈજ્ઞાનિક કે પ્રવિધિમૂલક લખાણોમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દોને સ્પષ્ટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ખાસ કરીને પુસ્તકના કે લેખના અંતે આવી સૂચિ આપવામાં આવે છે.
Gongorism ‘ગૉન્ગૉર’ શૈલી
- ખૂબ આવેગયુક્ત કૃતક અને અલંકૃત લેખનશૈલીને ‘ગૉન્ગૉર’ શૈલી કહેવાય છે. ૧૭મી સદીના સ્પેનિશ કવિ ગૉન્ગૉરાની કવિતાશૈલીને અનુલક્ષીને આ સંજ્ઞા ઉપયોગમાં આવી છે.
Gradatio પરાકોટિક્રમ
- કાવ્યસર્જનની એક પ્રવિધિ, જે દ્વારા ભાવ-વિકાસની સમાંતરે લયનો વિકાસ સાધી ચમત્કૃતિ સાધવામાં આવે છે. કાવ્યના એક વાક્ય કે ઉપવાક્યનો અંતિમ ભાગ એ બીજા વાક્ય કે ઉપવાક્યનો પ્રથમ ભાગ બને છે અને એ રીતે ત્રણથી વધુ તબક્કાઓ સ્થાપીને / અસર સાધવામાં આવે છે.
- જેમકે મનોજ ખંડેરિયાકૃત ‘શાહમૃગ’.
Grammar and literature વ્યાકરણ અને સાહિત્ય
- અર્થઘટનના માધ્યમ તરીકે સાહિત્યને વ્યાકરણની ઉપયોગિતા છે. પ્રાચીન ગ્રંથો તેમ જ આધુનિક ગ્રંથો બંનેમાં પ્રયોજાયેલી પ્રવિધિઓના ભાષાકીય વિશ્લેષણ માટે વ્યાકરણ અનિવાર્ય છે. ભાષાની વીગતવાર સમજને આધારે કૃતિના દેશકાળ કે એના કર્તા અંગે નિર્ણય લઈ શકાય છે. શૈલીની સંકુલતાને વિશ્લેષવા વ્યાકરણનાં ધોરણોને ખપે લગાડાય છે.
- પ્રાચીન ભારતીય ભાષાશાસ્ત્રીઓના વ્યાકરણના સંપ્રત્યયોનો વિનિયોગ કાવ્યશાસ્ત્રીઓએ કર્યો હોય એવી પરંપરા તો છે જ. વ્યાકરણે અલંકારશાસ્ત્રને ઘણી બાબતમાં પોષ્યું છે. અને ઘણાબધા આલંકારિકો ઉપર વ્યાકરણશાસ્ત્રનો પ્રભાવ રહ્યો છે. ધ્વનિની વિવેચનામાં અભિધેય પ્રતિપાદનમાં અને ઉપમા અલંકારના જુદા જુદા પ્રકારો બતાવવામાં વ્યાકરણનો પ્રભાવ અછતો નથી.
Grammetrics વ્યાકરણશૈલી વિજ્ઞાન
- લેખક દ્વારા પ્રયોજાયેલી ભાષિક તરેહો તથા આ ભાષિક તરેહોના વ્યાકરણિક ધોરણથી થતા વિચલનનો અભ્યાસ કરતી શૈલીવિજ્ઞાનની શાખા.
Grammaticality, Degree of વ્યાકરણતાની માત્રા
- કોઈ પણ નવા વાક્યનો અર્થ, ઘટકોના અર્થ અને ઘટકોની સંયોજનાના અપૂર્વ કાર્યો પર નિર્ધારિત છે. પરંતુ એમાં જે અનિચ્છનીય ઘટકની હાજરી કે એમાં અધિકૃત ઘટકની ગેરહાજરી કે એમાં ઘટકોનો અપક્રમ હોય તે વાક્યમાં વિકાર જોઈ શકાશે. આમ વ્યાકરણતાની માત્રાને આધારે વ્યાકરણિક, અર્ધવ્યાકરણિક અને અવ્યાકરણિક વાક્યોનું સંસર્જન થાય છે.
- ચૉમ્સ્કીએ દર્શાવેલી વ્યાકરણતાની આ માત્રાની સાથે સાહિત્યની વિચલિત ભાષાને નિકટનો સંબંધ છે. આની જાણકારી કવિતાની કેટલીક દુર્બોધતાને અંકે કરવામાં સહાયક નીવડી શકે.
Grammatology આલેખવિજ્ઞાન
- ઝાક દેરિદાનું આ વિશિષ્ટ યોગદાન છે. દેરિદાએ સંકેતવિજ્ઞાનને સ્થાને આલેખવિજ્ઞાન અને એ જ રીતે સંરચનાત્મક વિશ્લેષણને સ્થાને વિનિર્મિતિ ગોઠવ્યાં છે. આલેખવિજ્ઞાન ‘લેખન’નું વિજ્ઞાન છે. દેરિદાની ‘લેખન’ અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differAnce). મૃગણા (Trace) અને મૂળલેખન (Arche writing).
- જુઓ : deconstruction
Grandeur ભવ્યતા
- કરુણાંતિકા (Tragedy)ની વ્યાખ્યા આપતી વખતે ઍરિસ્ટોટલ આ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. તે અનુસાર આ પ્રકારના નાટક પાસેથી જીવનના વિશાળ સંદર્ભ અને તે અંગેના ઉદાત્ત દર્શનની અપેક્ષા રહે છે તેનું સૂચન કરવામાં આવ્યું છે.
Grand Style ભવ્યશૈલી
- અંગ્રેજ કવિ-વિવેચક મૅથ્યુ આર્નલ્ડ દ્વારા પ્રસ્થાપિત આ સંજ્ઞા ગ્રીક વિવેચક લોન્જાઈન્સની ઉદાત્તની વિભાવનાને મળતી આવે છે. આર્નલ્ડના મતે સામાન્ય રીતે મહાકાવ્યમાં સિદ્ધ થતી આ સર્જનશૈલી મહાકાવ્યશૈલી તરીકે પણ ઓળખી શકાય.
- ભવ્ય શૈલી એ સર્જક માટેની સર્વોચ્ચ સિદ્ધિ છે એમ આર્નલ્ડ માને છે. તેના મને જ્યારે ઉમદા પ્રકૃતિનો, કાવ્યશક્તિથી ભરપૂર સર્જક સરલતા કે આવેગ વડે કોઈ ગંભીર વિષયનું નિરૂપણ કરે છે ત્યારે આ પ્રકારની શૈલી ઉદ્ભવે છે. આગળ ઉપર આર્નલ્ડ આ શૈલીના સરળ ભવ્ય શૈલી (Grand style simple) અને આવેગપૂર્ણ ભવ્ય શૈલી (Grand style severe) એમ બે ભાગ પાડે છે. પહેલા પ્રકારની શૈલીના નમૂના તરીકે હોમર અને બીજા પ્રકારની શૈલીના નમૂના તરીકે તે મિલ્ટનનું ઉદાહરણ આપે છે.
Graphocentrism આલેખકેન્દ્રિતા
- જુઓ : Deconstruction
Grotesque વરાકશેલી
- વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચિત્રો કે શિલ્પો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. સામાન્ય રીતે મનુષ્યઆકારો અને પ્રાણીઆકારોના મિશ્રણ દ્વારા આ રીતનાં બેહૂદાં ચિત્રો તૈયાર કરાતાં. સ્થાપત્યકલામાં વિકૃત સ્થાપત્યશૈલી માટે પ્રયોજાતી આ સંજ્ઞા સાહિત્યના સંદર્ભમાં અસંગત, અતિશયતાપૂર્ણ, અપ્તરંગી નિરૂપણશૈલી માટે પ્રયોજવામાં આવે છે.
Gynocritics નારીમીમાંસા
- જુઓ : Feminist criticism.