આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૧
બીજા દિવસની સાંજ. રોજના શિરસ્તા મુજબ અર્વાચીનાનાં બા અને બાપુજી બેઠાં છે. બા આરામખુરશીમાં, બાપુજી હીંચકા પર. આવી રીતે સાડા છ-સાતના સુમારે થોડી વાર સામસામાં કે પછી પાસેપાસે બેસીને પછી જ બહાર જવાનો આ રિવાજ તેમણે ક્યારે શરૂ કર્યો તે તો એ બંને ભૂલી ગયાં હતાં. સમજુ ઘરોમાં આ રિવાજ બંને જણાં પિસ્તાળીસ વર્ષ વિતાવી જાય તે પછી જ શરૂ થાય છે… એ પ્રમાણે અહીં પણ બન્યું હતું.
બી.એ. થયા પછી સમાજશાસ્ત્ર શીખ્યા સિવાય જેનો છૂટકો જ નહોતો તેવા એક બાજુમાં રહેતા તરુણને તો અર્વાચીનાનાં બા-બાપુજીની આ સાયંવિધિએ એટલો બધો વિચારે ચડાવી દીધો હતો કે તેણે આ વિષય પર મહાનિબંધ લખવાનો મનસૂબો કર્યો હતો. તેના માનવા પ્રમાણે સાંજ પડ્યે પાસે પાસે બેસવાની આ રીત મા-બાપોને એક રીતે કબૂતર વગેરેના જેવા પક્ષીજીવન સાથે જોડે છે, તો બીજી રીતે વેદકાળની સહ નાવવતુ | વગેરેવાળી વિચારધારામાં તેમને વહેતાં મૂકે છે.
જોકે પાછળથી આ જ વિદ્યાર્થીને પક્ષીજીવનમાં એટલો બધો રસ પડેલો કે તેના વધુ અભ્યાસાર્થે તે પરદેશ પહોંચી ગયેલો. આ પછી જ તે અહીં માનવજીવનનો અભ્યાસ કરવાની લાયકાત મેળવી શકશે તેવું તેના એક પ્રખર પ્રાધ્યાપકને લાગેલું. આગળ ઉપર આ છોકરાનું શું થયું તે કહેવું મુશ્કેલ છે, પણ છેલ્લો તેને કોઈએ એક મ્યૂઝિયમના પક્ષીવિભાગમાં એક શાહમૃગના જોડા સામે જોઈ બેસી રહેલો જોયેલો.
અર્વાચીનાનાં બા-બાપુજીના વિચારોને સાંજ પડ્યે ટહેલવા નીકળવાની ટેવ હતી. આજની સાંજ જરા વધુ શાંત, શીતળ અને રંગીન લાગવાથી તે આજે વળી ઓર રંગમાં હતાં. બાલમંદિરમાં ઘંટ વાગતાં એકીસાથે છૂટી જતાં ભૂલકાંઓ જેવા, જોનારને વહાલા લાગે એવા, હતા આ વિચારો. એકએકને માથે રંગબેરંગી ફૂમતાં ફરકતાં હતાં. એકે-એકે ભાતભાતનાં, જાતજાતનાં ઝબલાં પહેર્યાં હતાં. એકના વાળ સોનેરી, તો બીજાના ગાલ ગુલાબી. એકનો સૂટ કાબરચીતરો, તો બીજાનું દફતર.
અને અર્વાચીનાનાં બા-બાપુજીના મનને બાગબાગ બનાવી દેતા, આનંદથી મહેકતા વિચારોના આ ટોળામાંથી ઊડતું કોઈ અસ્પષ્ટ પણ અતિ સુંદર સંગીત તેમનાં બંનેનાં મોં પર નિ:શંક નીતરી રહ્યું હતું. તે સાંભળવા માટે બાલમંદિરમાંથી છૂટતાં છોકરાં પર કાન માંડવો પડે…
આ વિચારોના મોં પર આખાય દિવસનો — પિસ્તાળીસ ઉપર વર્ષોનો — થાક વરસતો હતો, અને કદાચ તેથી જ તે વધુ સુંદર લાગતા હતા. અર્વાચીનાનાં બા-બાપુજીના મનમાં સાંજ પડ્યે ટહેલવા નીકળી પડતા આ બધાય વિચારોનું મોં એક જ સરખું હતું — અર્વાચીના જેવું… અર્વાચીના જુએ તો બા-બાપુજીનાં પણ અત્યારે તેને બાળક જેવાં જ લાગે…
‘આવું કે?’ નીચેથી ચંદ્રાબાનો અવાજ આવ્યો.
‘ઓહોહો! ચંદ્રાબા! આવો.’ અર્વાચીનાનાં બાએ દાદરના કઠેડા ઉપર ઝૂમી ઝૂમી તેમને આવકાર્યાં. ચંદ્રાબા ઉપર આવ્યાં, બીજે માળે. જિંદગીને મકાનનું રૂપક જો હજુ સુધી ન અપાયું હોય તો — આપણાં અત્યારનાં ત્રણેય પાત્રો — આ ત્રણે જણાં, જિંદગીના ઉપલા માળ સુધી આવી ગયાં હતાં. હવે આગળ જતાં આવતી હતી ખુલ્લી અગાસી અને તેથી ઉપર તો… આકાશ પોતે.
‘ચંદ્રાબાની અત્યારની ગતિ માફક બધાય આત્માઓની ગતિ પણ ઊર્ધ્વ જ છે.’ ચંદ્રાબાને દાદર ચડતાં જોઈ બાપુજીને આવો આધ્યાત્મિક વિચાર આવ્યો… અંતે તેમણે મનોમન કહ્યું :
‘ઈશ્વર ચંદ્રાબાના આત્માને શાંતિ આપે!’ સારે નસીબે તેમણે આ સ્વગત જ ઉચ્ચાર્યું.
‘ગઈ કાલે સાંજે જ તમારી રાહ જોઈ’તી.’ અર્વાચીનાનાં બાએ ચંદ્રાબાને કહ્યું.
‘આવવું જ હતું, પણ એક…’ ચંદ્રાબા ખુલાસો આપવો શરૂ કરે ત્યાં તો…
‘પણ એક આફત આવી પડી, એમ ને?’ બાપુજી મદદે આવ્યા. ચંદ્રાબા હવે બૂચસાહેબની ચપળતાથી ટેવાતાં જતાં હતાં, છતાં આ ચમકારો તેમને અજોડ લાગ્યો. વિમળાબહેનને ‘આફત’ સિવાય બીજું શું કહેવાય?… છતાં દેખાવ ખાતર…
‘આફત તો શી રીતે કહું… અતિથિ કહીશ.’ ચંદ્રાબાએ ખુલાસો પૂરો કર્યો.
‘કોણ અતિથિ હતાં?’ બાએ ચંદ્રાબાને પૂછ્યું.
‘અરે! હતાં કોઈ વિમળાબહેન કરીને!’ છેવટે ચંદ્રાબાએ મર્યાદા બાજુ પર મૂકી… અને તેમના આશ્ચર્ય વચ્ચે બૂચસાહેબ હીંચકા પરથી ઊભા થઈ ગયા હતા.
‘વિમળા…!’ એ એટલું જ બોલી શક્યા.
‘…બહેન.’ બાએ બાપુજીનું વક્તવ્ય ઉચિત રીતે પૂરું કર્યું.
‘ઓળખો છો?’ ચંદ્રાબાએ બંનેને એકસામટું પૂછ્યું.
‘પૂરેપૂરી રીતે!’ બૂચસાહેબનો જવાબ હતો.
‘બાજુમાં જ રહે છે!’ બાનું કહેવું હતું.
‘ધૂર્જટિને કહેશો નહિ.’ ચંદ્રાબાએ અધીરાઈથી કહ્યું.
‘ધૂર્જટિ એમને ક્યાંથી ઓળખે?’ અર્વાચીનાનાં બાએ મુત્સદ્દીગીરીથી પૂછ્યું. અર્વાચીના અને ધૂર્જટિ લગ્ન કરવાનાં છે તેવી પેલી વિમળાબહેનની આણેલી વાત તેમના મનમાં વસી રહી.
‘તેમને ઓળખવા કરતાં તેમનાથી બીએ છે બહુ!’ ચંદ્રાબાએ હસતાં હસતાં કહ્યું.
‘શું કહ્યું? ધૂર્જટિ બીએ છે?’ બૂચસાહેબનો અવાજ ધારદાર થઈ ગયો : ‘કેમ?’
‘આ તો મશ્કરીમાં કહે છે.’ બાએ વચમાં બોલવા માંડ્યું.
‘કેમ તે એમ કે વિમળાબહેન ધૂર્જટિને ક્યાંક પરણાવી દે તેવી તેને બીક છે!’ ચંદ્રાબાએ ખડખડાટ હસતાં કહ્યું.
‘તે પહેલાં હું પોતે જ ધૂર્જટિને પરણાવી દઈશ!’ બૂચસાહેબ જીવ પર આવી ગયા હતા. વિમળાબહેનના કોઈ પણ કરતૂકને ભોંયભેગું કરવાનો ક્ષાત્રધર્મ તેમણે જિગરથી સ્વીકાર્યો હતો.
‘કોની સાથે?’ ચંદ્રાબાએ તરત જ તેમને આંતર્યા.
‘જોજો હો! મારી અર્વાચીના હજુ નાની છે!’ અર્વાચીનાનાં બાએ સૂચકતાથી ઉમેર્યું…
એકદમ ચંદ્રાબા બદલાઈ ગયાં. અર્વાચીનાનાં બા પર તેમણે એક તીક્ષ્ણ નજર ફેરવી લીધી. તે એક એવી ચીજ શોધતાં હતાં કે જે ભાગ્યે જ જડે છે — શબ્દોનો અર્થ.
વાતચીત ફરી એક વાર સામાન્ય સપાટી પર આવી ચઢી, પણ ધૂર્જટિ-અર્વાચીના વિશેનું આ વિચારબીજ ત્રણેયના મનમાં પડી ચૂક્યું.*