આમંત્રિત/૧૨. સુજીત
૧૨. સુજીત
એમ કહેવાય છે કે કોઈ બહુ જ મોટી બિના બનવાની હોય, કે બની રહી હોય ત્યારે પોતાની જિંદગીની ઘણી યાદો સામે આવી જતી હોય છે. વર્ષો સુધી દબાવીને, દાટીને રાખી હોય તેવી, સુખકર તેમજ કષ્ટકર યાદો, ચલચિત્ર ચાલતું હોય તેમ, મનની અંદરના પટ પર દેખાવા માંડતી હોય છે. આવું મેં સાંભળ્યું હતું, અને એક-બે એક-બે સ્મરણ ચિત્ત પર આવી ચઢ્યાં હોય એમ ઘણી વાર બન્યું ય હશે, પણ આવા ફોર્સમાં આ પહેલાં ક્યારેય અનુભવ્યું નહતું. અત્યારે મારી દીકરી સામે દેખાતી હતી ત્યારે, એ જન્મી ત્યારથી શરૂ કરીને એને છેલ્લે જ્યારે જોઈ હશે ત્યાં સુધીની, કેટલીયે ઘડીઓ તસ્વીરોની જેમ હું જોઈ શકતો હતો. આનંદના પ્રસંગોનાં સ્મરણ આંખોને આર્દ્ર કરી રહ્યાં હતાં, તો મુશ્કેલીની અને દુઃખની પરિસ્થિતિઓનાં સ્મરણથી હૃદય, હજી પણ, ફરી ફરી પણ, અસહ્ય ભારે થઈ ગયું હતું. પિતા તરીકે હું કદાચ સાવ નિષ્ફળ ગયો હતો. સચિન તો જાણે આગળ ભણવા જવા માટે, સ્કૉલરશિપ મેળવીને, ભારે ઉત્સાહથી અને ગર્વથી, ઘર છોડીને નીકળી ગયો હતો. પણ અંજલિ? નાની ઉંમરથી જ એની જિંદગી એવી વિખેરાઈ ગઈ, કે જાણે એને જીવ બચાવવા ઘર છોડીને ભાગી જવું પડ્યું. કહો કે એનો જીવ બચી ગયો. એ જીવ ગુમાવી પણ બેઠી હોત. તો? આ આખી ઘટમાળમાં એક બનાવની યાદ મને સૌથી વધારે પીડતી હતી. નાનકડી અંજલિને હું જ્યારે તમાચો મારી બેઠેલો, તે. એ પછી જ તો શરૂ થયો હતોને બધો વિનિપાત. એ પછી જ તો બધાંનાં સુખ ને શાંતિ છીનવાઈ ગયાં, કોઈ આનંદમાં ના રહ્યું, ને પછી તો કુટુંબ કુટુંબ જ ના રહ્યું. અને તે જ વખતથી શરૂ થઈ હતી મારી પોતાની પડતી. આ માનસિક હુમલાથી અત્યારે હું એવો હચમચી ગયો છું કે ઊભા રહેવા માટે મારે હમણાં દીવાલનો ટેકો લેવો પડ્યો. મને ખબર હતી, કે અંજલિ આવશે તો ખરી જ, કારણકે સચિને કહ્યા કર્યું કે એ મળવા માગે જ છે. પણ મળ્યા પછી શું થશે? એ ગુસ્સે થશે?, મને જ જવાબદાર ગણશે એના સંઘર્ષોને માટે?, બેસીને મારી સાથે વાત કરશે કે મને સંભળાવી દઈને જતી રહેશે?, એ પ્રશ્નોએ મને અશક્ય બનાવી દીધો. અંજલિ આવી, એનું મોઢું મેં જોયું અને મારી બધી આશંકાઓ ભુલાઈ ગઈ. એવી ને એવી જ રહી છે મારી વહાલી દીકરી, ભલેને ઉંમરમાં વધારો થયો હોય. એનું મોઢું કેવું કુમળું છે હજી, એની આંખોમાં કેવું હાસ્ય છે હજી. કેટલી શક્તિશાળી હશે એની આંતર્ચેતના, જેણે એને બચાવી. એટલું જ નહીં, પણ એને વિકસવા પણ દીધી. મને એમ, કે એ વિવેક પૂરતા હાથ જરૂર જોડશે ખરી, ને અતડી રહેશે. પણ અરે, સચિનની સાથે અંદર આવીને એ તરત મને પગે લાગી. મારાથી કહેવાઈ ગયું, “અરે, બેટા, એવું ના હોય.” એને ઊભી કરીને, બે હાથે એનું મોઢું પકડીને એના કપાળે ચુમી ભરી. હાથમાંની બૅગ સચિનને આપતાં એણે કહ્યું, “પાપા, તમારે માટે આઈસ્ક્રીમ લાવી છું.” કુટુંબમાં બધાંને આઈસ્ક્રીમનો કેટલો શોખ હતો. કશું ઉજવવાનું હોય કે ના હોય, આઈસ્ક્રીમ તો ખાવાનો જ. ઘરમાં હંમેશાં ત્રણ જાતના આઈસ્ક્રીમ તો હોવા જ જોઈએ. ઉપરાંત, બહાર જઈ ‘હાગનડાઝ’ કે ‘બાસ્કિન-રૉબિન્સ’ જેવી ખાસ દુકાનોમાં એમની ફૅન્સી ફ્લેવર્સ ખાવા બેસવાનું, તે તો જુદું. કુટુંબથી છૂટાં પડી જવા પછી મેં તો આઈસ્ક્રીમ છોડી જ દીધો હતો. કેટલાં વર્ષોથી હું એને અડક્યો પણ નથી. એ વાત સચિનને ખબર નથી. અંજલિને તો ના જ હોય, કારણકે મારી સાથે ક્યાં એને કોઈ સંપર્ક રહ્યો છે આટલાં વર્ષોથી. ને હવે ડાયાબિટિસ આવ્યો છે, એટલે સચિને બધું ગળ્યું બંધ કરાવ્યું છે. પણ અત્યારે એણે ઉત્સાહથી કહ્યું, “જુઓ, પાપા, અંજલિ ત્રણ જાતના આઈસ્ક્રીમ લાવી છે. આજે આપણે સાથે બેસીને ખૂબ ખાઈશું.” પછી એને મારા ડાયાબિટિસની યાદ આવી ગઈ હશે, એટલે કહેવા માંડ્યો, “પાપા, એમ તો કોઈ વાર ગળ્યું ખવાય. ને આજે તો ખાસ પ્રસંગ કહેવાય, એટલે આજે ગળ્યું ખાવાનો વાંધો નહીં. બરાબર ને?” સાંભળીને અંજલિએ પૂછૃયું, “આજે ખવાય એટલે? બીજા દિવસે ના ખવાય, એમ?” સચિન એને મારી તબિયત વિષે કહેવા માંડ્યો. મેં કહ્યું, “આજે રહેવા દે. પછી કહેજે.” પણ હવે અંજલિને બધું જાણવું હતું. સચિને એને મારા પૂરા ચૅક-અપ વિષે બધું કહ્યું. અંજલિના અવાજમાં હવે ચિંતા હતી. “ભાઈ, પાપાની દવા? એ બરાબર લે છેને? તું સરખું ધ્યાન રાખે છેને?” મારાં આંખો ને હૃદય બંને આર્દ્ર તો થયેલાં જ હતાં. હવે હું આંસુ રોકી ના શક્યો. સચિન એકદમ પાપા, પાપા, કરવા લાગ્યો. અંજલિ મને ભેટીને રડવા લાગી. “પાપા, તમને કેટલા હેરાન કર્યા અમે. મારી નાની ઉંમરે હું અણસમજુ હતી, પણ મૉમમાં તો સમજણ હતીને. કે પછી નહીં જ હોય. નહીં તો આવી રીતે કોઈ વર્તી શકે? તમારા જીવની, તમારા જીવનની એણે કોઈ કિંમત ના કરી. એણે પોતાનો જ સ્વાર્થ જોયો.” અંજલિનું બોલવાનું ચાલુ હતું, પણ એ શું બોલતી હતી તે મને જાણે સંભળાતું નહતું. જે રીતે મારે ઘર છોડવું પડ્યું હતું, તે ભૂલવા મેં ઘણો લાંબો વખત ઘણી મહેનત કરી હતી. મારાથી થયેલી ભૂલો યાદ આવે ત્યારે ક્યારેક કેતકી યાદ આવી જાય ખરી, પણ એને ભાગ્યે જ મેં સભાનપણે યાદ કરી હશે. અને છેલ્લાં આટલાં વર્ષોમાં, એને વિષે વાત કરી શકાય એવું તો કોઈ હતું જ ક્યાં? સચિનની સાથે રહેતાં ઘણો વખત થયો હવે. ને એ બધા દિવસો બહુ સરસ ગયા છે. કેટલાં વર્ષે મને બધી સગવડ મળી, શાંતિથી રહેવાનું નસીબ પાછું મળ્યું. દરરોજ હું ને સચિન કલાકો સાથે ગાળતાં હોઈશું, પણ કેતકીનું નામ પણ ક્યારેય લીધું નથી - ના એણે, કે ના મેં. એ મને સાચવતો હતો, હું મને પોતાને. આજે અંજલિ એની મૉમને વિષે બોલવા લાગી ત્યારે મને જાણે અચાનક ફરી ચાબખા વાગવા માંડ્યા. એક સમયે સહન કરેલી બધી માનસિક યાતના ને પીડા અચાનક જાણે જીવ ધારણ કરીને માથાની અંદર ચકરાવા માંડી. પછી મેં એ કર્યું જે કરવા મેં ધાર્યું નહતું. જરા સ્વસ્થ થઈ મેં સચિનને અને અંજલિને ટેબલ પર બેસવાનું કહ્યું. “તમને બંનેને હું કશું કહેવા માગું છું. હવે તમે બંને પુખ્ત થયેલાં છો, પોતપોતાની જિંદગીમાં ઘણું અનુભવ્યું છે, અને માનવ-જીવન કેવું જટીલ હોઈ શકે છે એના ઘણા દાખલા તમે જોયા જ હશે. મારા જીવનની નિષ્ફળતાનું પહેલું કારણ મારાં મા-બાપ હતાં, એમ હું કહી શકું. એમનો સ્નેહ પામવા માટે હું પ્રયત્ન કરતો જ રહ્યો, પણ ના પામ્યો. બલ્કે હું તરછોડાતો રહ્યો. આ ખોટની બહુ અસર કોઈ છાની રીતે, ઊંડી રીતે મારા માનસ પર પડી હોવી જોઈએ. છેક નાનપણથી જિંદગીમાં મારે બે જ વસ્તુ જોઈતી હતી - સ્નેહ અને સફળતા. અમેરિકા આવ્યા પછી શરૂઆતે એ બંને હું પામ્યો. કુટુંબ પાસેથી સ્નેહ, કૅરિયર દ્વારા સફળતા. એમાંથી કદાચ મને થોડો ઘમંડ થવા લાગ્યો હશે. અને બીજાંઓ પર દાબ-દબાણ કરવાની ટેવ.” અહીં મને સચિને અટકાવ્યો. “પાપા, બસ, અમારે કાંઈ નથી જાણવું. તમે મને પાછા મળી ગયા છો, તે મારું કેટલું મોટું સદ્ભાગ્ય છે, તમે જાણો છો? જે પણ થયું, આપણાં ત્રણેયની સાથે - ” એણે ત્રણનો ઉલ્લેખ કર્યો - ચારનો નહીં, એટલેકે એની મૉમનો નહીં, તે મેં નોંધ્યું. એ પણ ત્યાં જરા રોકાયો, અને એ આગળ બોલે તે પહેલાં અંજલિ કહેવા લાગી, “હા, પાપા, આપણાં ત્રણેયની સાથે જે થયું તે બધું હવે પાછળ રહી ગયું છે. ખરું કે નહીં? હવે આપણે ભૂતકાળને યાદ જ નથી કરવાનો. હું ને ભાઈ - અમે તમને જોઈએ એનાથી વધારે સ્નેહ આપીશું.” કેવું બન્યું હતું, કે જ્યારે કુટુંબનાં બધાંએ એકબીજાંની માફી માગ્યા કરવી પડે. મને તો હજી થયા કરતું હતું, કે ફરી મારાં છોકરાંની માફી માગું. પણ હું જોઈ શકતો હતો કે મારાં આ બાબો ને બેબી - મોટેથી નહીં, પણ મનમાં તો હું એમને આ રીતે બોલાવી શકું ને?, મને સુખ થયું મનમાં એમને આ રીતે બોલાવતાં. હા, હું જોઈ શકતો હતો કે મારાં છોકરાં સંઘર્ષ કર્યા પછી સ્વસ્થતા, અને રોષ અનુભવતાં રહ્યાં પછી હવે સહજ આનંદ પામી ચૂક્યાં હતાં. છતાં મારે એક વધારે વાત તો એમને જણાવવી જ હતી. સાવ અણગમતું લાગે તે રીતે નહીં કહું, પણ સરસ મૅચ્યૉર છે મારાં છોકરાં, બંને સમજશે મારું કમનસીબ. મેં કહ્યું, “બસ, થોડું હજી સાંભળી લો. અમેરિકામાં એન્જિનિયર તરીકેની નોકરી કરતાં કરતાં હું વકિલાતનું ભણવા માંડ્યો. ઘણી મહેનત કરી, ડિગ્રી મળી ગઈ, અને મારી પોતાની ઑફીસ શરૂ કરી. પહેલાં સારું ચાલ્યું, પછી થોડો વખત કામ ઘટી ગયું. હું ડિપ્રેસ્ડ જેવો થઈ ગયો હતો. પણ પછી એક બહુ મોટો કેસ હું જીત્યો. ને એ પછી તો હું સહેલાઈથી સફળ વકીલ બનવા તરફ જઈ શકવાનો હતો. એ જ આનંદ તમારી મૉમ સાથે વહેંચવા જતાં મારાથી એક અવિચારી પગલું લેવાઈ ગયું હતું. મારા કમનસીબે મારા પસ્તાવાની ગણત્રી કરાઈ નહીં, મારી માફી સ્વીકારાઈ નહીં, સામાન્ય ગુનેગારની જેમ ખૂબ મોટી સજા મને આપવામાં આવી.” “કોણે આવું કર્યું તમારી સાથે, પાપા? કોણ આવું હર્ટલેસ થઈ શકે?” અંજલિના પ્રશ્નનો મેં જવાબ ના આપ્યો. એની અને સચિનની વચ્ચે આંખોથી કશી વાત થઈ ગઈ, એમ મને લાગ્યું. હું આગળ બોલતો ગયો, “મહેશ અંકલે બહુ મથામણ કરી, પણ જરા પણ સમજૂતી માટે, કે મને ઘરની પાછળના ભાગમાં પડી રહેવા દેવા માટે પણ, કશું શક્ય ના બન્યું. રાતોરાત હું હોમલેસ બની ગયો. એ પછીની વાત તો ઘણી લાંબી છે, પણ સાર આ છે, કે મારે ખૂબ ઝઝુમવું તો પડ્યું, પણ એ દરમ્યાન ઘણું મનન ને ચિંતન પણ થતું ગયું. કટુતાનો ભાવ ઘસાતો ઘસાતો અંતે મનમાંથી નીકળી ગયો. હું જાતને જ જાણે ભૂલી ગયો. સમય પાસેથી કશી અપેક્ષા ના રહી. ખૂબ ધીરે ધીરે કરતાં, સહેજ અમથી બાબતમાંથી પણ મને સાધારણ ખુશી મળવા માંડી. ને એ ય ઘણું હોય તેમ લાગવા માંડ્યું મને. મને એક ગ્નાન લાધ્યું છે, એમ કહું તો બંને હસતાં નહીં. હું સમજી શક્યો છું, કે જિંદગીમાં દરેક બાબતે નસીબ આપણને આમંત્રિત કરતું હોય છે. શું, ક્યાં, શા માટે, કોની સાથે વગેરે બધાંમાં આપણે તો આમંત્રિત મહેમાન જેવાં જ હોઈએ છીએ. નસીબમાં હોય તેમ જ થાય. નસીબ કહે તેમ જ કરવાનું; એ આવો કહે ત્યારે આવવાનું, ને જવાનું કહેશે ત્યારે જતાં ય રહીશું. હું ઘણું બોલ્યો. પણ બાબા, એક વાત યાદ રાખજે. ક્યારેય મારા જેવો ના થતો.”