આમંત્રિત/૧૧. સચિન
૧૧. સચિન
ન્યૂયોર્ક શહેરની ગલીઓ તો આમે ય ચાર્મિન્ગ લાગે. સાથે જ, બધે એવું ઘર જેવું લાગે - આ ગલીઓમાં ચાલવાનું એટલું ગમે. વચમાં થોડો વરસાદ થઈ ગયો દેખાય છે, સચિને વિચાર્યું. એ ખલિલના અપાર્ટમેન્ટ બિલ્ડીન્ગની બહાર આવ્યો ત્યારે રસ્તા ભીના થયેલા હતા, ને બંને બાજુ પરનાં ઝાડનાં પાંદડાં એકદમ ફ્રેશ થઈ ગયેલાં હતાં. એણે ઊંડો એક શ્વાસ લીધો - ભીનો ભીનો, તાજો તાજો, આનંદથી ભરેલો. નસીબ પરથી પાંદડાં જાણે એક એક કરીને ખસતાં જતાં હતાં. ખોવાયેલું સુખ ધીરે ધીરે કરીને પાછું મળતું જતું હતું. પહેલાં પાપા સાથે મેળાપ થયો, અને સાથે રહેવાનું બન્યું. હવે કેવી અચાનક નાની બહેન અંજલિ મળી ગઈ. ઓહો, કેટલાં વર્ષો પછી જોઈ એને. “હું પણ કોઈક રીતે ખોવાઈ જ ગયો હતો ને - કદાચ મારા પોતાનામાં. સ્વાર્થીપણું મારું ય ખરું જ ને. મારું પ્રાયશ્ચિત પૂરતું થઈ ગયું હોવું જોઈએ, ત્યારે જ પાછાં મળ્યાં છે ને મને મારા પાપા, મારી સિસ.” ઘર તરફ જતાં જતાં સચિન વિચારોમાં મગ્ન હતો. અંજલિ ખલિલને ત્યાં થોડું વધારે રોકાઈ હતી. એ અને રેહાના ઘણી વાતો કરવા માગતાં હતાં. અંજલિ રહેતી હતી એ બિલ્ડીન્ગ આ ચૅલ્સિ એરિયામાં, નજીક જેવું જ હતું, એટલે ઘેર જવામાં એને કશી વાર નહીં લાગે. સચિન અને ખલિલની વાતોમાં અંજલિએ જ્યારે જાણ્યું કે સુજીત હવે સચિનની સાથે હતા, ત્યારે એણે મળવા માટે આજીજી કરેલી. “હા, ચોક્કસ જ વળી”, સચિને કહેલું, પણ પાપા સાથે વાત કર્યા વગર એ કશું ગોઠવવા માગતો નહતો. અંજલિની બાબતે ખાસ્સા નિશ્ચિંત થયા પછી, હવે એ એકલો પડ્યો એટલે જૅકિની યાદથી ફરી મન ખુશ-ઉદાસ થવા માંડ્યું હતું. એને ફ્રાન્સ ગયે ત્રણ અઠવાડિયાં તો થવા આવ્યાં. એના તરફથી કોઈ સંપર્ક કેમ નથી? “ભૂલી ગઈ હશે મને? મારો જ વાંક છે. હું સાવ મૂરખ છું - કોણ જાણે શેના ગભરાટમાં, ને બહુ સારા થવામાં, મેં એને જણાવ્યું નહીં, કે જાણવા દીધું નહીં કે એ કેટલી અગત્યની છે મારે માટે. ના, એમ કે હું કેટલો પ્રેમ કરું છું એને.” આવા ડહાપણનું હવે શું, એ જાત પર વધારે ચિડાયો. “ને આવી કેવી નબળાઈ હશે મારી? આવો ગભરાટ?” રસ્તા પર એ જ ઘડીએ એને એક વિચારનો ધક્કો લાગ્યો. એ ચાલતો અટકી ગયો. બે હાથે માથું પકડીને મોટેથી બોલવા લાગ્યો, “અરે હા, એમ જ, એમ જ કરીશ. કેમ ના સૂઝ્યું અત્યાર સુધી?” એક-બે રસ્તે જનારાએ ઊભા રહી જઈને પૂછ્યું, “આર યુ ઑલ રાઇટ?”, ત્યારે એ સભાન થયો, અને હસતાં હસતાં ‘બધું બરાબર છે’નું ઇંગિત આપ્યું. કાલે જ ખલિલની સાથે વાત કરી લેવાનું એણે નક્કી કર્યું. બીજે દિવસે ખલિલ તરત ફોન પર મળ્યો નહીં. સચિને અધીરાઈમાં વારંવાર ફોન કર્યા કરેલા. બન્યું હતું એવું કે સવારે ઑફીસે પહોંચતાં જ એને ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં જવાનું કહેવામાં આવ્યું હતું. ઘણા વખતે ત્યાં કામ પડ્યું હતું, એને થયું. કોન્સ્યુલેટમાં એને ચારેક કલાક થયા. છેવટે કામ પતાવ્યા પછી એ રૉલ્ફને મળ્યો. એની સાથે કૉફી પીતાં પીતાં વાતવાતમાં એણે જૅકિના ખબર પૂછ્યા. રૉલ્ફે કહ્યું કે એ હજી ફ્રાન્સમાં જ હતી, પૅરન્ટ્સની સાથે આ વખતે ક્રિસ્મસ ઉજવવા માગતી હતી. “ઓહ, તો તો હજી એને પાછાં આવતાં બીજાં ત્રણેક અઠવાડિયાં થવાનાં”, ખલિલે કહ્યું. “અરે, ન્યૂ ઈયર સુધી ત્યાં જ રહી જાય તો નવાઈ નહીં”, રૉલ્ફ બોલ્યો. “મારો કઝીન પૉલ અહીં આવ્યો ત્યારે જ એને જૅકિ બહુ ગમી ગઈ હતી. એ બહુ સ્પેશિયલ છે ને. એક તરફ ફ્રેન્ચની ફ્રેન્ચ, ને બીજી તરફ બ્યુટીફુલ ઍક્ઝૉટિક ઇન્ડિયન જેવી ! એટલે, અત્યારે જૅકિ ત્યાં છે એનો સરસ લાભ પૉલને મળી રહ્યો છે. પૅરિસ જેવા રોમાન્ટિક શહેરમાં તો— ” “હા, બરાબર”, કહેતાં ખલિલે કૉફીનો કપ ટેબલ પર મૂક્યો, અને કાંડા-ઘડિયાળમાં નજર કરીને, ‘ અરે, સૉરિ, મારે જવું પડશે’-ની ઉતાવળ દર્શાવી. આવું સાંભળીને, સચિનને માટે થઈને એનો જીવ બળવા લાગ્યો હતો. ઑફીસમાં પહોંચીને તરત એણે સચિનને ફોન કરીને બને એમ જલદી મળવાની વાત કરી. સચિન તો એ માટે સવારથી ખલિલને ફોન કરતો હતો. પાંચ વાગતાંમાં બંને બ્રાયન્ટ પાર્કમાંના બહાર ગોઠવેલા કાફેમાં ભેગા થયા. અંજલિ આમ મળી ગઈ, અને એની જિંદગી હવે સ્થિર થયેલી છે, તે સારું છે, જેવો એનો ઉલ્લેખ બંનેએ કર્યો, પણ જાણે બંનેને બીજી વાત કરવાની ઉતાવળ હતી. ખલિલ બોલવા ગયો, પણ સચિને એને રોક્યો, “મારી વાત પહેલાં સાંભળ. તું ખુશ થઈ જઈશ.” સચિનને એ આઇડિયા આવેલો કે એ પોતે જ જૅકિને મળવા ફ્રાન્સ કેમ ના જાય? આમ તો ડિસેમ્બરનો મહિનો હતો, એટલે યુરોપમાં ઠંડી થઈ ગઈ હશે, પણ ટૉપ કોટ, મફલર અને હાથનાં મોજાં લઈ લીધાં હોય, તો પૂરતું થાય. સચિનને બહુ જ ઈચ્છા હતી કે સીઝનનો પહેલો બરફ - હલકો, ચોખ્ખો, અતિસંુદર બરફ - પડતો હોય ત્યારે એ જૅકિની સાથે હોય. આવું આ સીઝનમાં ન્યૂયોર્કમાં થાય એમ ના હોય, તો પૅરિસમાં એ લ્હાવો ચોક્કસ મળી જઈ શકે. . “અને ખલિલ, તું છે, અને દિવાન અંકલને હું કહી દઈશ, જો એ રાતે ત્યાં સૂવા જઈ શકે તો. અને હા, હવે તો અંજલિ પણ છે. તમે ત્રણ છો, એટલે જ હું જઈ શકું. નવેક દિવસ માટે જાઉં, એમ વિચારું છું. એક શુક્રવારે અહીંથી જાઉં, અને પછીના રવિવારે પાછો આવી જાઉં. તો કામમાં એ બિઝી હોય તોયે અમને બે વીક-ઍન્ડ જેવું સાથે મળે. ખરું કે નહીં? શું કહે છે?, છેને ગ્રેટ આઇડિયા?” સચિન અત્યંત ઉત્સાહથી, અટક્યા વગર બોલ્યે ગયેલો. ખલિલ ચૂપ બેસીને સાંભળતો રહ્યો હતો. સચિનની આશા હમણાં જ સાવ ભાંગી પડશે, એ જાણીને એ દુઃખી થતો હતો. “શું આમ મુંગો થઈને બેઠો છું. કે હું ફ્રાન્સ જવાનો છું જાણીને જલન થાય છે?”, સચિનનો ઉત્સાહ માતો નહતો. “સાંભળ, દોસ્ત. આજે હું રૉલ્ફને મળ્યો હતો. એ જૅકીનો કલીગ છે. એણે કહ્યું કે જૅકિ ક્રિસ્ટમસ એનાં મા-બાપ સાથે ગાળવાની છે.” “ઓહ”, સચિનના મન પર આટલામાં જ મૂઢ માર પડ્યો હતો. છતાં એ મન સાથે મથ્યો, કે બે દિવસમાં, એમ તરત જ નીકળી જાય તો ક્રિસ્મસ સુધીમાં એને આઠ-નવ દિવસ મળી જઈ શકે. હજી બીજો, વધારે મોટો આઘાત બાકી હતો. એ વિષે- કઝીન પૉલ વિષે- કહેવું કે નહીં, એમ ઘણું વિમાસ્યા પછી ખલિલ નિર્ણય પર આવ્યો હતો કે સચિનને પરિસ્થિતિની જાણ તો થવી જ જોઈએ. નહીં તો, હમણાં નહીં તો પાછળથી હેરાન થશે. રૉલ્ફ પાસેથી સાંભળ્યું હતું તે બધું એણે સચિનને કહી દીધું. જૅકિ પૅરિસમાં એક ફ્રેન્ચમૅન સાથે હરતી-ફરતી હશે, એ કલ્પનાથી સચિન સાવ જ દિગ્મૂઢ થઈ ગયો. એવું બને? જૅકિ એને ભૂલી ગઈ હોય, એવું બને? તો ના ય શું કામ બને? જૅકિની સાથે એવો તે શું સંબંધ હતો એને? ક્યારેય નહતી થઈ પરસ્પર માટેની ફીલિન્ગ્સની વાત, કે કોઈ કમિટમૅન્ટની ચોખવટ. ને પૅરિસમાં જો જૅકિને ગમતું બની રહ્યું હોય, ને એ આનંદમાં હોય, તો ભલે એમ. તો સચિન હવેથી એનો બધો સમય પાપાને અને અંજલિને સાચવવામાં ગાળશે. ખલિલ એના મોઢા સામે જોઈ રહ્યો હતો. “તું એક વાર જૅકિને એક ઇ-મેલ લખ તો ખરો. ત્યારે જવાબમાં એ કંઈક તો લખશે ને. રૉલ્ફે કહ્યું તે સાચું હોય તો પણ, એમાં કેટલું તથ્ય છે તે જાણે નહીં ત્યાં સુધી તું સાવ હતાશ ના થતો”, એણે કહ્યું. “હા, બરાબર છે”, સચિને ટૂંકમાં કહ્યું. પછી બહુ ખાસ વાત થઈ નહીં બંને વચ્ચે. ચાલ તો, કાલ-પરમ ફરી વાત કરીએ, કહીને બંને છૂટા પડ્યા. મોઢા પરના ભાવ પરાણે સ્વાભાવિક રાખીને સચિન ઘેર પહોંચ્યો ત્યારે જોયું કે પાપા ખુશમિજાજમાં હતા. કહે, કે “દિવાન આવેલા. એમનાં દીકરા-વહુને ત્યાં બાળક આવવાનું છે. એમનું પહેલું ગ્રાન્ડ-ચાઇલ્ડ, એટલે એ બહુ ખુશ હતા. મુકુલ અને રીટાને આપણે જાણીએ છીએ, એટલે મને પણ આનંદ થયો. આપણને આઇસ્ક્રીમ ખાવા જવાનું આમંત્રણ આપી ગયા છે.” એટલું કહ્યા પછી સુજીત અચાનક જરા ઝંખવાઈ ગયા. એમના નાના કુટુંબમાં બધાંને આઈસ્ક્રીમ કેટલો ભાવતો હતો. સુજીત બે-ત્રણ જાતના આઈસ્ક્રીમ ઘરમાં રાખે જ. બધાં બહુ ખુશ થતાં થતાં સાથે બેસીને ખાતાં. એ યાદ પણ હવે પીડતી હતી. પણ મોઢું એમણે હસતું જ રાખ્યું. આમ તો સચિનના મનમાં હતું કે શનિવારે વધારે સમય હોય, ને બંનેને નિરાંત હોય ત્યારે પાપાને અંજલિ વિષે વિગતે કહેવું - એ કેવી રીતે અચાનક મળી ગઈ, હવે એની જિંદગી કેવી સારી છે, અને ફરી ખલિલને ત્યાં મળ્યાં ત્યારે અંજલિએ પાપાને મળવા માટે કેવી આજીજી કરી - વગેરે. પણ અત્યારે પાપા સારા મૂડમાં હતા. અત્યારે જ કેમ અંજલિની વાત ના કરી દેવી? જો પાપા એને મળવા રાજી હોય તો એને કાલે જ બોલાવી લેવાય. એકાદ સાંજ એ આર્ટ ગૅલૅરિમાં નહીં જાય, કે વહેલી નીકળી જશે. ને એ પોતે તો ઘેર રહીને પણ કામ કરી શકશે. સચિનની આ આખી વાત સુજીતે ચૂપચાપ સાંભળી. છેવટે એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “અંજલિએ પણ ઘણું સહન કર્યું હશે, નહીં? એનું નસીબ સારું કે એની મસિયાઈ બહેનોએ એને આટલી સાચવી લીધી. કેટલીયે એકલી યુવાન છોકરીઓ ખોટા માર્ગે દોરાઈ જતી હોય છે, તે કોણ નથી જાણતું? અંજલિની જિંદગી જો સાવ બગડી ગઈ હોત, તો - હું કશું જાણવા પામત કે નહીં, પણ વાંક મારો જ ગણાત.” જાત સાથે સુજીત મથામણ કરતા રહ્યા. થોડી વારે પૂછ્યું, “સચિન, એ ખરેખર મને મળવા માગે છે? મારું મોઢું જોવા ઇચ્છે છે?” “ચોક્કસ, પાપા. શા માટે મળવા કે મોઢું જોવા ના માગે?” “તને યાદ નહીં હોય, બાબા, પણ એ નાની હતી ત્યારે જરાક જેટલી વાતમાં મેં અંજલિને - મારી નાનકડી વહાલી દીકરીને - એક વાર તમાચો મારેલો. એને હજી યાદ હોય, ને કદાચ હજી એ રોષ અનુભવતી હોય.” “એવું છે કે નહીં, તેની મને ખબર નથી, પાપા, પણ બહુ વર્ષો થઈ ગયાં એ બનાવને. અને એ જરૂર તમને મળવા માગે છે, તેની હું ખાતરી આપું છું. એણે ઘણી આજીજી કરી છે, કે હું તમને સમજાવું, તમારી પરવાનગી મેળવું. હવે તમે કહો તો એને અહીં બોલાવું. એ આવે તે સાંજે આપણે ત્રણેય સાથે જમીએ. તમને ગમશે? પાપા, કહો.” બે દિવસ પછીની સાંજે સચિને બારણું ખોલ્યું ત્યારે અંજલિ બે હાથ જોડીને ઊભી હતી. આગલા રૂમમાં સુજીત દીવાલનો ટેકો લઈને ઊભા રહ્યા હતા. સચિનની સાથે અંદર જઈ, “તમારે માટે આઇસ્ક્રીમ લાવી છું, પાપા,” કહેતાં અંજલિ સુજીતને પગે પડી.