આમંત્રિત/૧૬. ખલિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૬. ખલિલ

સચિનને ફોન કરવા માટે ખલિલને ક્યારેય કશી મુંઝવણ ના થતી. અગવડ-સગવડ કે સમય-કસમયનો પણ વિચાર એને આવતો નહીં. બસ, મિત્રતામાં એવો વિશ્વાસ. બંને જણને એ વિશ્વાસ, ને એ કારણે બંને આત્મવિશ્વાસ પણ પામતા ગયેલા. બંનેને લાગે કે જીવનમાં આ એક મિત્ર છે, કે જે પોતાના મનના જ અર્ધાંગ જેવો છે. બંનેનું જીવન પોતપોતાના કુટુંબમાં ઘણું જુદું વીતેલું. નાનપણથી બંને સાથે, ને ત્યારથી જ ખલિલ સચિનને અજાણતાં ઉદાસ થઈ જતો જોતો. એ કશું પૂછ-પૂછ ના કરતો, પણ એને ખભે હાથ મૂકતો, બીજા છોકરાઓની મજાક કરતો, રેહાના જેવી છોકરીઓને સળી કરતો, અને સચિનને હસાવવા મથતો. સચિનને સભાનપણે ખ્યાલ પણ નહતો આવ્યો કે ખલિલના આ સાધારણ જેવા પ્રયત્નોથી એ કેટલો આત્મવિશ્વાસ પામતો ગયો હતો. એક ભાઈ હોત તો એનાથી પણ વધારે હતો ખલિલ એને માટે. ભાઈ-ભાઈના સંબંધ તો એણે જાણ્યા હતા. પોતાના પાપા અને એમના ભાઈ વચ્ચે ક્યાં ઘનિષ્ટતા હતી? કાકાને ક્યાં હતું પાપાનું હિત? એટલે જ તો કાકાએ લઈ લીધું હશે ને ઇન્ડિયામાંનું એમનાં બંનેનાં મા-બાપનું ઘર? પાપાને ખૂબ દુઃખ થયેલું, તે સચિન ત્યારે પણ સમજેલો. ખલિલનો ફોન આવે તો સચિન ખાવાનું પણ પડતું મૂકી દે. ખલિલ પાછો હસતો હસતો કહે, “અરે, થોડું ઓછું ખાઈશ તો વધારે દેખાવડો લાગીશ.” કઈ રીતે થતું હશે એવું?, તે કોણ જાણે! “યાર, છેક સાડા નવ વાગ્યે કેમ બોલાવ્યાં છે? એટલું મોડું? ત્યાં પહોંચતાં પહેલાં જ ઊંઘ આવી જાય. જો, હું તો સાત વાગ્યે આવી જઈશ જૅકિના અપાર્ટમેન્ટ પર. રેહાના સીધી આવશે. એને તો હૉસ્પિટલમાં કામ કરવાનું છે. એટલે કાલે રજા લઈ શકે ને. બરાબર?” સચિન ચૂપ હતો, એટલે, “કેમ બોલતો નથી? શું વિચારે છે આટલું? આખો દહાડો બસ, એક જૅકિના જ વિચાર? અમે કશું છીએ જ નહીં હવે?” સચિન જાણે કે ખલિલ મજાક કરે છે. પણ એને છેવટે પોતાનો ખાનગી પ્લાન ખલિલને કહેવો જ પડ્યો. “અરે, રાતે બધાં ભેગાં થાય તે પહેલાં હું જૅકિને રોઝ હૉલમાં વિન્ટન માર્સેલેસના ફેમસ બૅન્ડનું જાઝ સાંભળવા લઈ જવાનો છું. ટિકિટ તો ઑન લાઇનથી ક્યારની લઈ પણ લીધી છે. એને આ પહેલા દિવસની પહેલી સરપ્રાઇઝ.” “વાહ યાર, આઇડિયા તો તને જ આવે છે. રેહાના જાણશે એટલે મને લડશે કે હું તારી પાસેથી કશું શીખતો કેમ નથી? અમારી વચ્ચે ઝગડા થશે તો જવાબદાર તું ગણાઈશ!” સચિને એના પાપા પાસેથી સાંભળેલું, કે કોઈ પણ વ્યક્તિને બીજા જણની ઇર્ષા થતી હોય તો એનું સૌથી પહેલું ને સૌથી મોટું કારણ હોય છે એ બીજા જણના મનનો આનંદ. ધન-સંપત્તિ, સુખ-સગવડ બધું હોય, પણ જો કોઈ મુફલિસ જેવો માણસ પણ આનંદથી જીવતો હોય તો એ સામા માણસને અસહ્ય લાગવાનું. કદાચ આ પણ પાપાનો પોતાનો અનુભવ હશે. ને તેથી જ સચિન નસીબનો આભારી હતો કે આવો બિનશરતી સ્નેહ રાખનાર મિત્ર એને મળેલો હતો. “ચાલ, દોસ્ત, તું નવ વાગતાંમાં આવી જજે, બસ? અમે વહેલાં થતાં હોઈશું તો તને ફોન કરી દઈશ.” ખલિલને મળવાની ઉતાવળ હતી કારણકે એના ને રેહાનાના લગન અને રિસેપ્શનના પ્લાનિન્ગ માટે એને સચિનના આઇડિયાની સખત જરૂર હતી. “એનું મગજ બહુ શાર્પ છે, ખરેખર”, એ રેહાનાને વારંવાર કહેતો. આ ઋતુનો જે પહેલો બરફ પડેલો તે તો સાવ હળવો હતો. એણે તો જાણે સચિન અને જૅકિને લાડ જ કર્યું હતું. સચિન પ્રપોઝ કરે અને જૅકિ હા પાડે, તેટલો વખત ઝરમરવાનો જ એનો ઉદ્દેશ હતો જાણે. કલાકેકમાં એ અટકી ગયેલો, ને ધીરે ધીરે ઓગળી ગયેલો. નામનિશાન પણ નહતું રહ્યું એનું. સચિન અને જૅકિએ પાડેલાં પગલાંની છાપ પણ નહતી જ રહી, તોયે એ ફૂટપાથના પથ્થર એ પગલાંના સાક્ષી તો હતા જ. જૅકિ સવારે ઊઠીને સૌથી પહેલાં બાલ્કનિમાં ગયેલી. ડિસેમ્બરનો છેલ્લો દિવસ, એટલે ઋતુ પ્રમાણેની ઠંડી તો હોય, પણ આવું સ્વચ્છ આકાશ?, અને આવો સોનેરી તડકો? કૅલૅન્ડરમાં ભલે છેલ્લો હોય, પણ એની અને સચિનની સહિયારી જિંદગીમાં આ પ્રથમ દિવસ હતો, ને સ્પેશિયલ હતો. એની નજરથી તો, ગઈ કાલે મોડી સાંજે એમણે સાથે પાડેલાં પગલાં પણ જોઈ શકાતાં હતાં. ‘જો પેલો બાઘો થયો હશે, તો હું ઘેલી થયેલી છું, તે નક્કી’, એ બબડી અને એનું મોઢું ઉલ્લાસના હાસ્યથી ભરાઈ આવ્યું. સચિન કેટલા વાગ્યે આવશે? અરે, એ તો પૂછ્યું જ નહતું. એ તો છેક સાડા-નવે નહીં આવે ને, બીજાં બધાંની જેમ? જૅકિ જરા મુંઝાઈ, હાથમાં ફોન ઉપાડ્યો, પછી મૂકી દીધો. ‘અરે, જરાક ધીરજ તો રાખું. પહેલી સવારથી જ સચિનના સમયને દોરવા માંડું? આટલી અધીરાઈ સારી લાગે છે કાંઈ?’ જૅકિએ પોતાને જ ઠપકો આપ્યો. એણે બ્રૅકફાસ્ટ કર્યો, નાહી, ઘર સાફ કર્યું, જરા વાર બેસીને ફ્રેન્ચ ‘વોગ’ મૅગૅઝીન વાંચ્યું, લંચના ટાઇમે ટોસ્ટ બનાવ્યો, સૂપનું પૅકૅટ ખોલ્યું, બપોરે બેઠાં બેઠાં એક ઝોકું પણ ખવાઈ ગયું. ત્રણ, સાડા ત્રણ, સચિનનો ફોન પણ નહીં? ‘ખરું કરે છે - પહેલો જ દિવસ છે, પણ એને તો સાવ નિરાંત છે મનમાં.’ રાતે સચિન આવે એટલે એના પર રીસનો ડૉળ કરવાનું એણે વિચારી રાખ્યું. રાતે શું પહેરવું, એ નક્કી કરવા એ બેડરૂમમાં ગઈ. થોડી વારે એ કૉફી બનાવવા માટે બહાર આવી તો સચિન બારણાને ટેકો દઈને ધીરજથી ઊભો હતો. એને ગઈ કાલે જ આપેલી ચાવીનો ઉપયોગ એણે તરત કરી લીધો હતો. ને જરા પણ અવાજ કર્યા વગર અંદર આવી ગયો હતો. “બપોરની ચ્હા બનાવવા હાજર છું, મૅમસાહેબ,” એણે કહ્યું. એના હાથમાં આજે ઘેરા મરૂન રંગનાં ફૂલનો ગુચ્છ હતો. જૅકિ આભી જ બની ગઈ. એણે રાતે પહેરવા માટે જે ડ્રેસ બહાર કાઢેલો તે ઘેરા મરૂન રંગનો હતો. ચ્હા પી લીધા પછી સચિને જૅકિને તૈયાર થઈ જવા કહ્યું. “અત્યારથી?”, જૅકિએ દલીલ કરી. “તું તૈયાર થઈ જાય પછી તને કારણ કહીશ”, સચિન મક્કમ રહ્યો. થોડી વારે જ્યારે જૅકિ બેડરૂમમાંથી બહાર આવી ત્યારે આભા બનવાનો વારો સચિનનો હતો. એ લાવેલો તે ફૂલના જ રંગનો જૅકિનો ડ્રેસ હતો. ફ્રાન્સથી ખરીદેલો લાગતો હતો. “હા, આજની રાતને માટે મેં પૅરિસથી ખરીદ્યો. ગમ્યો?”, કહી જૅકિએ બે નાનાં ફૂલ તોડીને પોતાના વાળમાં ભરાવ્યાં. રોજે રોજ જાણે એ વધારે સુંદર થતી જતી હતી. સચિનને થયું, ‘જવા દે, નથી જવું જાઝ સાંભળવા. બસ, એના હાથ પકડીને ઘરમાં જ બેસી રહું.’ પણ એણે જૅકિના ગાલ પર ચુમી ભરી, ને કહ્યું, “આપણે રોઝ હૉલમાં જાઝ કૉન્સર્ટમાં જઈએ છીએ.” “ઓહ, વિન્ટન માર્સેલેસના બૅન્ડને સાંભળવા?” એમનાં મન, હૃદય અને બુદ્ધિ એકદમ ભળી ગયાં હતાં, તેનો પુરાવો બંનેને ક્ષણ પછી ક્ષણે મળતો રહેતો હતો. બંનેની આંખો સ્નેહથી ઊભરાતી હતી. સચિને વિચારેલું કે કૉન્સર્ટ પૂરું થાય પછી ત્યાંના સરસ કાફેમાં થોડું કાંઈ ખાઈ લઈશું, પણ જૅકિએ જ્યારે ખલિલની વહેલા આવવાની ઈચ્છા વિષે સાંભળ્યું, ત્યારે ખલિલને ફોન કરી દીધો, અને એને તરત જ ઘેર આવવાનું કહી દીધું. “બધાં હશે ત્યારે એના પ્લાનિન્ગ વિષે બહુ વાત નહીં થાય”, જૅકિને લાગ્યું. લગ્ન વગેરેને માટે એમ તો હજી બહુ વાર હતી. આ તો હજી ડિસેમ્બર. શિયાળો આખો પસાર થવા દેવાનો હતો. ખલિલને એપ્રિલની ઈચ્છા હતી. વસંતની શરૂઆત. ડૅફૉડિલ્સ, ટ્યુલિપ્સ, પૉપિ, મૅગ્નૉલિયા જેવાં અસાધારણ સુંદર ફૂલો ખીલ્યાં હોય. અને વળી, ખૂબ વિશિષ્ટ એવાં ચૅરિ બ્લૉસમ્સ ફૂલો પૂરબહારમાં દેખાય. “ઓહ, હડસન નદીને કિનારે સળંગ ઍપલ બ્લૉસમ્સ ફૂલો ખીલી આવે છે, એ ખબર છે?”, ખલિલ એમનાંથી પણ અજાણ્યો નહતો. રેહાનાને એમ કે એપ્રિલમાં હજી ઠંડી હોય. અરે, શેની ઠંડી?, ખલિલ કહે. ને પશ્ચિમમાં આમ તો જૂન મહિનામાં લગ્ન કરવાનો એક મહિમા ગણાય છે, તેથી પણ રેહાનાને જૂનની ઈચ્છા હતી. આ વિષે નિર્ણય એમણે જલદી જ લઈ લેવો પડશે. રેહાનાએ તો આગળથી રજા માટે અરજી કરવી પડશે. ને બધાં એ પણ જાણે, કે કોઈ પણ હૉલ માટે રિઝર્વેશન કરાવવાનાં હોય તો મહિનાઓ પહેલાંથી કરાવવા પડે. પછી તો જગ્યા મળે જ નહીં. ખલિલ કહે, “દિવસ અને જગ્યા બંને નક્કી તો રેહાના સાથે મળીને જ કરીશું, પણ આજે તમારી સલાહ તો લઉં.” એ બંનેને લગ્નના વિધિ તો કરાવવા જ નહતા. કૉર્ટમાં જઈને રજીસ્ટર કરાવવાનો નિર્ણય તો એમણે લીધેલો જ હતો. બંનેનાં મા-બાપને કદાચ નહીં ગમે, પણ ખલિલ અને રેહાના કશા રિચ્યુઅલમાં તેમજ ખોટા દેખાવમાં માનતાં જ નહતાં, એટલી ખબર તો બંનેનાં મા-બાપને હતી જ. એક જાહેર પ્રસંગ રાખવો તો પડશે, કારણકે એ રીતે બધાં સગાં અને ઓળખીતાંને બોલાવી લેવાય. એક રિસેપ્શન બંને કુટુંબોનાં ઘરની નજીકના કોઈ હૉલમાં કરવું પડશે, ને તે તો એ લોકો જ ગોઠવી દેશે. “આપણે ચર્ચા કરવાની છે કેટલાક ખાસ મિત્રોને બોલાવી શકાય તેવી એક ખાસ જગ્યાની,” ખલિલ બોલ્યો. “તારું શું સૂચન છે, જૅકિ?” “મને બોટાનિકલ ગાર્ડનની અંદરનો કન્સર્વેટરીનો હૉલ બહુ ગમે છે. કોઈ બહાર નીકળીને ત્યાં ફૂલો પણ માણી શકે. પણ એ ઘણો મોટો છે. જો બહુ મોટી સંખ્યા ના થવાની હોય તો રોકફેલર સેન્ટરના મુખ્ય બિલ્ડીન્ગમાં પાંસઠમા માળે એક નાનો પાર્ટી-રૂમ બૂક કરાવી શકાય. ન્યૂયોર્ક શહેરની ટોચ પર. ત્યાંથી આખું શહેર નીચે પથરાયેલું દેખાશે.” “બહુ સરસ સૂચન છે, જૅકિ. હું લખતો જાઉં છું. ને હવે મારા જીગરી દોસ્તનો વારો. એની પાસે તો ઍક્સેલન્ટ આઇડિયા હશે, મને ખાતરી છે.” સચિને ગળું ખોંખાર્યું, “ને હા, આઇડિયાના પૈસા પણ પડશે, ઓ.કે?” “એ તો જોઈ લઈશું. તું કહે તો ખરો તારા આઇડિયા.” “જૅકિએ બે સરસ જગ્યા બતાવી, પણ હું જાણું છું કે ખલિલને હડસન નદીનું બહુ આકર્ષણ છે. તો એક, રિવરસાઇડ પાર્કના પહોળા માર્ગ પર જતાં એક જગ્યા આવે છે - એને ટૅરૅસ કે પ્લૅટફૉર્મ કહે છે. ત્યાંથી હડસન નદી દેખાશે, પણ તે દિવસે. રાતે એના સામેના કિનારાનાં મકાનની બત્તીઓ જ દેખાશે. બીજું, આપણે એક બોટ ભાડે કરી શકીએ. સાંજથી શરૂ કરીએ, તો હડસન પરથી સૂર્યાસ્ત જોઈએ, ને પછી રાત થાય તોયે ન્યૂયોર્ક શહેરની સાવ પાસે હોઈએ એટલે બધું ઝળહળતું લાગે.” “અરે વાહ વાહ”, ખલિલ બોલવા લાગ્યો. “અને ત્રીજું, આપણે બોટ દિવસના સમય માટે ભાડે કરીએ. તો ન્યૂયોર્કના બારામાંથી નીકળીને, વૉશિન્ગ્ટન બ્રિજ નીચે થઈને, ઉત્તર તરફ આગળ જઈએ. શહેરથી એટલે દૂર તો હડસન ખૂબ જ પહોળી બને છે. બે બાજુ ઊંચી ભેખડો, ને એકદમ સુંદર દૃશ્યો. આમ બે કે ત્રણ કલાક થાય. પછી પાછાં વળીએ. કુલ છ કે સાત કલાક બોટમાં ફરવાનું કરી શકાય.”, સચિને જણાવ્યું. “ચલ, તું વિચાર કરજે, ને હું તને બિલ મોકલાવું છું!” ટેવ પ્રમાણેની કોઈ મજાક કે દલીલ કરવાને બદલે ખલિલ ઝટ દઈને ઊભો થયો, સચિનને જોરથી ભેટ્યો, અને ચૂપચાપ બાલ્કનિમાં જતો રહ્યો. “હું બહુ બોલ્યો?” સચિનના હોઠ પર સ્મિત હતું, એની આંખો ભાવથી ભીની થઈ આવેલી. જૅકિ એની પાસે જઈને કશું કહેવા ગઈ, પણ ત્યાં જ બેલ વાગી, કોઈએ ટકોરા માર્યા, કોઈએ બારણું ખખડાવ્યું. ‘ઓહો, આટલી ઉતાવળ?’ સચિનના ગાલ પર એક કિસ કરીને જૅકિ બારણું ખોલવા ઊઠી.