આમંત્રિત/૧૭. સચિન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૭. સચિન

આમંત્રણનો સમય હજી તો શરૂ થવામાં હતો. વર્ષની છેલ્લી રાતનો ઉત્સવ શરૂ કરવા માટે હજી વહેલું હતું. સાડા નવ હજી માંડ થયા હતા. જૅકિએ બારણું ખોલ્યું તો અધીરી થયેલી બે યુવતીઓ દેખાઈ. પાછળ એક અમેરિકન યુવાન ઊભેલો. “અરે હલો, યુ મસ્ટ બિ જૅકિ”, એક છોકરીએ કહ્યું. “આટલી દેખાવડી છોકરી મારા સાદા-સીધા જેવા ભાઈને પસંદ કરશે એવું મેં ધાર્યું પણ નહતું!” સચિન સામે આવી ગયેલો. એને એ જ વખતે યાદ આવેલું કે જૅકિ અને અંજલિ હજી મળ્યાં જ નહતાં. એણે જૅકિને કહ્યું, “મારી સિસની વાતો પર ધ્યાન ના આપીશ, હોં.” એણે અંજલિ અને જૅકિની ઓળખાણ કરાવી. “અને આ અમારી કઝીન દોલા છે”, અંજલિ બોલી. “આ ઑલિવર છે, દોલાનો ફ્રેન્ડ. એને અમે આમંત્રણ વગર પણ લઈ જ આવ્યાં છીએ.” “છેક અત્યારે તો વાંધો લેવાશે પણ નહીં. છતાં અમે લાંચ આપવાની તૈયારી રાખેલી છે”, હાથમાંની થેલીઓ બતાવતાં દોલા બોલી. “આવો, આવો”, જૅકિએ કહ્યું. અંજલિ એના ભાઈના કાનમાં ફુસફુસ કરતી પૂછતી હતી, “હવે જૅકિને બદલે હું ‘ભાભી’ કહી શકું ને? અરે, એમાં શરમાય છે શેનો?” પછી સચિનને ભેટીને કહ્યું, “કૉન્ગ્રૅચ્યુલેશન્સ, ભાઈ, બહુ સરસ છે જૅકિ. પાપા બહુ ખુશ થયા હશે.” કંઇક યાદ આવતાં, એ જ શ્વાસમાં એણે પૂછ્યું, “અરે, પાપા ક્યાં છે? એમને નહતું કહ્યું?” “અરે, અંજલિ, એવું હું કરું? મેં એમને કહેલું, ને હું એમને લાવત જ, પણ દિવાન અંકલે કહ્યું કે એમને ત્યાં થોડા લોકો આવવાના હતા, ને એમાં શર્માજી પણ હશે. એમણે જ નક્કી કરી દીધું કે પાપા એમને ત્યાં જ જશે, રાતે ત્યાં સૂઈ પણ જશે. દિવાન અંકલ બહુ સરસ કંપની આપે છે પાપાને. હું રોજ મનમાં એમનો આભાર માનું છું.” “હાશ. સાંભળીને મને પણ નિરાંત થઈ.” એટલાંમાં વાઇનની બૉટલ ખુલી ગઈ હતી. ઑલિવરે દોલાને અને અંજલિને રૅડ વાઇનના ગ્લાસ આપ્યા. ખલિલે એક ગ્લાસ સચિનને આપ્યો, ને કહ્યું, “ચિયર્સ”. મોઢે લગાડતાં પહેલાં સચિને જૅકિને શોધી. એ હાથમાં ગ્લાસ લઈને એની તરફ આવી જ રહી હતી. પાર્ટી તો ચાલુ થઈ ગઈ, પણ હજી એક જણ આવવાનું બાકી હતું. ખલિલનું ધ્યાન બારણા પર જ હશે, કારણકે સાવ ધીમેથી પડેલા ટકોરા પણ સંભળાઈ ગયા એને. રેહાનાએ કાળા સલવાર પર રૂપેરી ભરતવાળું કાળું કુરતું પહેરેલું. ખલિલે પહેલી વાર એને ઇન્ડિયન ડ્રેસમાં જોઈ હતી. એ જોતો જ રહી ગયો. સચિનને પણ ખ્યાલ આવ્યો કે અંજલિએ પણ એવું જ કંઇક પહેરેલું. એની નવાઈ જોઈને અંજલિ બોલી, “હું ને રેહાના ટાઇમ કાઢીને જૅક્સન હાઇટ્સની દુકાનોનો સ્ટૉક જોવા ગયાં હતાં. એના પ્રસંગો માટે પોષાકો લેવા પડશે ને? જોતાં જોતાં, આજને માટે અમે એક એક ડ્રેસ ખરીદી પણ લીધો.” એ જ રેહાનાને જૅકિની પાસે લઈ ગઈ, ને ઓળખાણ કરાવતાં કહ્યું, “અરે, આપણા દેશી ડ્રેસ તો કાંઈ નથી. આ પૅરિસની ફૅશન જો.” પછી બંને જૅકિનાં, એના લાંબા વાળનાં, એના ઘેરા મરૂન ડ્રેસનાં વખાણ કરવા માંડી ગયાં. ખલિલ અને સચિન એકબીજાની સામે જોઈને માથું હલાવતા રહ્યા. બધાં જુદી જુદી વાતોમાં પડી ગયાં. અંજલિ હજી રેહાનાની સાથે ઊભી હતી, ને ખલિલ પણ ત્યાં પહોંચી ગયો હતો. જૅકિ અને ઑલિવર એકબીજાના કામ વિષેની વાતોમાં પડ્યાં લાગતાં હતાં. દોલાને સચિન સાથે વાત કરવાનો સારો મોકો હવે મળ્યો. ઘણાં વર્ષોથી સચિને એની મૉમની બહેન દેવકી આન્ટીને કે એની બે કઝીન સોના અને દોલાને જોયાં પણ નહતાં. “મને યાદ કરીને બોલાવવા માટે થૅન્ક્સ, સચિનભાઈ.” “દોલા, તેં અને સોનાએ મારી સિસને બહુ સાચવી. એને બચાવી જ લીધી. તમને બંનેને તો હું કેટલા થૅન્ક્સ કહું?” પછી એણે વિવેક ખાતર પૂછૃયું, “આન્ટી ને અંકલ કેમ છે?” એ બંનેનાં નામ પણ એ ભૂલી ગયો હતો. “સચિનભાઈ”, દોલા જરા અચકાઈને કહેવા લાગી. “તમે કેતકી આન્ટીને મળશો, કે ફોન કરશો તો એમને બહુ ગમશે.” દોલા પણ સમજી હતી કે સચિને એની મૉમનો ઉલ્લેખ પણ કર્યો નહતો. સચિને જવાબ આપ્યો નહીં, ને બીજી તરફ જવા ફર્યો, ત્યાં દોલા જલદી જલદી બોલી, “આન્ટી તો છેક રૉચેસ્ટર રહેવા જતાં રહ્યાં હતાંને? હવે ત્યાંનું ઘર વેચી કરીને અમારા ઘરની નજીક આવી જવાનાં છે. એમની તબિયત બહુ સારી નથી રહેતી. અંજલિ કહેતી હતી કે એ અને તમે એમને મળવા જવાનાં છો..” સચિને ટૂંકમાં કહ્યું, “જોઈશું”. તે જ વખતે જૅકિ ઑલિવરને લઈને પાસે આવી. ઑલિવરની ઓળખાણ આપતાં જૅકિએ સચિનને કહ્યું, કે ઑલિવરનું બૅકગ્રાઉન્ડ પણ, જૅકિની જેમ, કાયદાને લગતું જ હતું. ફેર એટલો હતો કે એ ન્યૂયોર્ક શહેરનાં આર્ટિસ્ટ અને આર્ટ ગૅલૅરીઓ સાથે સંકળાયેલો હતો, અને સલાહકાર હતો. આર્ટ અને આર્કિટેક્ચરના કાર્યક્રમો ઘણી વાર ભળી જતા હોય છે. એવી રીતે એ ને દોલા મળતાં રહેલાં, અને સારાં મિત્રો બનતાં ગયેલાં. પછી અંજલિને ખૂબ જરૂર હતી ત્યારે એના કામની ગોઠવણ પણ એ બંનેને લીધે જ થયેલી. સચિને ઑલિવરનો પણ આભાર માનવામાં વાર ના કરી. ‘જિંદગીમાં સારા લોકો મળી જાય, તે પણ મોટું નસીબ જ ગણાય. અંજલિ નસીબદાર છે, કે એ બચી ગઈ. ઓહ, ને પાપા પણ નસીબદાર ખરા જ’, સચિન જાણે જીવતાં હોવાને જ આભારવશ થઈ રહ્યો હતો. ખલિલના હાથમાં ટેલેવિઝનનું રિમોટ હતું. પણ એ ચાલુ કરે તે પહેલાં, “ટાઇમ સ્ક્વેરમાં ‘બૉલ’ નીચે ઊતરવાને હજી બહુ વાર છે”, કહીને રેહાનાએ આઈ-ફોન પરથી મ્યુઝિક ચાલુ કરી દીધું. એક પછી એક બધાં તાલ અને સૂરની સાથે હાલવા ને ડોલવા લાગ્યાં. અનાયાસ આનંદ વાતાવરણમાં પ્રસરી ગયો હતો. થોડી વારે ચંચળ થઈને ખલિલે જાણે રૂમમાંની હવાને જ પૂછૃયું, “કોઈએ એક ભૂખ્યા માણસ માટે કશી વ્યવસ્થા કરી છે ખરી?” “હા, હા, અમે કરી જ છેને”, અંજલિ બોલી, અને દોલા સાથે રસોડા તરફ ગઈ. જૅકિએ વૅસ્ટર્ન ચીજો તો મૂકેલી, પણ આ છોકરીઓ લૅક્ઝિન્ટન ઍવન્યૂ પર જઈને ખાસ સમોસાં ને ખમણ લઈ આવેલી. “ઓહો, આવું બધું તો કોણ જાણે છેલ્લે ક્યારે ખાધું હતું,” ખલિલ બોલ્યો. “થૅન્ક્સ, તમને બંનેને”, સચિને કહ્યું. “જૅકિને તો આ બધું ખબર છે, પણ ઑલિવરને સમજાવો”, રેહાનાએ કહ્યું. “અરે, એને પણ ખબર છે. ન્યૂયોર્કમાં રહેતાં હોઈએ એટલે ક્યારેક ને ક્યારેક તો ઇન્ડિયન ખાવાનું ખાધું જ હોય. અને ઇન્ડિયન કૉકટેલ-ફૂડ તો બધાં જ જાણતાં હોય”, દોલા પ્લેટો લાવતાં લાવતાં બોલી. લગભગ સાડા અગિયાર વાગ્યા, એટલે “હવે થોડી વાર સ્ટેજ પરનો પ્રોગ્રામ પણ જોઈએ”, કહેતાં ખલિલે ટેલિવિઝન ચાલુ કરી જ દીધું. બધાંનું ધ્યાન એ બાજુ થઈ ગયું. ફક્ત જૅકિને એમ લાગતું હતું, કે બીજાં બધાં હતાં તો પણ એ ને સચિન જાણે એકલાં જ હતાં. ‘મારી એકદમ નિકટ છે એ’, જૅકિ ઊંડા આનંદથી વિચારતી હતી. એ સચિનને રસોડામાં લઈ ગઈ. ફ્રિજ ખોલીને એણે શેમ્પેઇનની બૉટલ બહાર કાઢી. એ તો સચિનને માટે પણ સરપ્રાઇઝ હતી. જૅકિ શેમ્પેઇન લાવી રાખશે, એવું એણે ધાર્યું નહતું, ને જૅકિએ એને કહ્યું પણ નહતું. સચિને જોયું કે મોંઘો ફ્રેન્ચ શેમ્પેઇન હતો. “કેમ, બાર વાગી જાય એટલે નવા વર્ષને આમ જ આવકાર આપવાનો હોય ને?”, જૅકિએ કહ્યું. બંનેએ ગ્લાસ તૈયાર કરીને રાખ્યા. બેઠેલાં બધાં હવે સેકન્ડો ગણવા લાગી ગયાં હતાં - દસ, નવ, આઠ — . બારને ટકોરે સચિને શેમ્પેઇનની બૉટલ ખોલવા માંડી. “અરે વાહ, સરસ સરપ્રાઇઝ આપી, જૅકિ. વન્ડરફુલ. વ્હૉટ ફન”, જેવા શબ્દો સંભળાવા લાગ્યા. બધાંએ જરા જરા પીતાં પીતાં એકમેકને ‘હૅપિ ન્યૂ ઇયર’ની શુભેચ્છા આપી. ત્યાં હાજર હતાં તે દરેકના મનમાં આ નવા વર્ષને માટે ખૂબ આશા હતી. બધી મુશ્કેલીઓ, મુંઝવણો, બધી ભૂલો- વીતી ગયેલા વર્ષની સાથે ખરતી ગઈ હતી. હવે નવી સમજણ સાથે શરૂ કરવાની હતી જિંદગી - જાણે નવી, જાણે નવેસરથી. જૅકિ ફરીથી રસોડાથી એક ટ્રે લઈને બહાર આવી. એના પર હાથે બનાવેલી ચૉકલેટો અને નાની કપ-કેક ગોઠવેલી હતી. “આ બધું પણ ફ્રેન્ચ?”, અંજલિ અને રેહાનાએ એક સાથે પૂછ્યું. સચિન ખૂબ સ્નેહથી જૅકિની સામે જોઈ રહ્યો. આ પણ સરપ્રાઇઝ જ હતી - બધાંને માટે, એને પોતાને માટે પણ. ખલિલથી રાહ ના જોવાઈ. “અરે, ધીરે. ધીરે. જે બાકી રહે તે તું લઈ જજે, બસ?”, જૅકિ હસતાં હસતાં બોલી. અંજલિ ફોનમાં વાત કરતી હતી. “પાપાને નવા વર્ષ માટે શુભેચ્છા આપું છું”, કહીને એણે ફોન સચિનને આપ્યો. “પાપા, મઝા આવીને દિવાન અંકલ અને શર્મા અંકલ સાથે? કાંઈ ખાધું ખરું? ત્યાં જ સૂવાના છોને, પાપા? ફાવશે ને?, કે લેવા આવું?” સુજીત દિવાનને ત્યાં સૂવાના હતા તેથી સચિને મોડી રાતે ઘેર નહીં જતાં જૅકિને ત્યાં રહી જવાનું રાખેલું. આ રાતે બહાર ક્યાંયે ટૅક્સી ના મળે, ને એટલું લાંબું ચાલીને એકલાં ના જવું જોઈએ. બીજાં બધાં નિશ્ચિંત હતાં. ઑલિવર એની ગાડી લઈને આવ્યો હતો, અને બધાંને એ જ મૂકવા જવાનો હતો. ખરેખર જ, સચિને ધાર્યું હતું અને જૅકિને એણે કહ્યું હતું તેમ, આખરે બધાં જવા નીકળ્યાં ત્યારે મોડી રાતના - કે વહેલી સવારના- બે થવા જ આવેલા. અત્યારે તો હજી જવાનું મન કોઈને નહતું થતું, પણ કાલે સવારે ઊઠાશે નહીં ત્યારે ખબર પડશે, બધાં મનમાં જાણતાં હતાં. સચિન અને જૅકિ એકબીજાંને અડીને શાંતિથી બેઠાં. આખી સાંજ બહુ સરસ ગઈ હતી. અંગત મિત્ર, બે બહેનો, પ્રિય જૅકિ. “જૅકિ, આટલી સ્પેશિયલ, ઑલ-ફ્રેન્ચ જેવી પાર્ટી આપીને તેં બધાંને છક કરી દીધાં”, સચિને પ્રશંસા સાથે કહ્યું. “આવું બનશે, આજે આપણે સાથે હોઈશું, એ તો ખબર નહતી. મનમાં આનિશ્ચિતતા જ હતી, બરાબર? પણ તોયે હું બધું પૅરિસમાંથી ખરીદીને લેતી આવી.” સચિને છેવટે કહ્યું, “ખલિલને રૉલ્ફની પાસેથી ખબર પડેલી કે ફ્રાન્સમાં તને એક ફ્રેન્ચમૅન રોજ મળતો હતો. એણે મને કહ્યું ત્યારથી હું ખૂબ ચિંતામાં હતો. તને ખોઈ બેસવાના ડરથી હું અંદરથી સખત ધ્રૂજતો રહેતો હતો. પાછું પાપાને ખબર ના પડે, તે જોવાનું. એ ચિંતા કરવા લાગી જશે, એની પાછી મને ચિંતા થયા કરતી હતી.” હવે જૅકિએ સચિનને બધી વાત કરી. જે શનિવારે સચિન નહતો મળી શક્યો તે રાતે રૉલ્ફને ત્યાં કઝીન પૉલને મળવાનું થયેલું. “અમે ચારેય ફ્રેન્ચ, એટલે બધાંને, ખરેખર, બહુ મઝા પડેલી. પછી રવિવારે અમે સાથે જમવા ગયેલાં. હું તારે ત્યાં ચ્હા પીને નીકળીને એ લોકોને જ મળેલી. ત્યારે મને ખ્યાલ નહતો આવ્યો કે પૉલ મારા પર આકર્ષાયો છે. અરે, મને તો અમે ફ્રાન્સમાં મળતાં હતાં ત્યારે ય એવો ખ્યાલ નહતો આવ્યો.” સચિનની આંખોમાં જોઈને જૅકિએ કહ્યું, “તને પહેલી વાર જોયો ત્યારથી મારું મન આ આંખોમાં પરોવાઈ ગયું હતું, અને બે-ચાર વાર આપણે મળ્યાં હોઈશું ત્યારથી જ તારી સાથે જિંદગી ગાળવાનું મન પણ થવા માંડેલું. મારા મનમાં પણ બીક જ હતી, કે એવું શક્ય નહીં બને તો?” “તને નહીં ગમે, એને નહીં ગમે-ની ચિંતા આપણે બંને જણાં કરતાં હતાં, નહીં? મને થાય કે હું ઉતાવળ કરું, ને તારી ના હોય તો હું ભાંગી પડીશ. એક મહિનો તને જોઈ નહીં, ને એ ફ્રેન્ચમૅન વિષે જાણ્યું, એટલે મારે હિંમત કરવી પડી, ઉતાવળ પણ કરવી પડી.” સચિનને ફરી યાદ આવ્યું કે જૅકિની ઍન્ગૅજમેન્ટ રિન્ગ બાકી હતી. “પરમ દિવસે જ આપણે વીંટી પસંદ કરવા જઈશું.” પછી એણે પૂછ્યું, “અને ખલિલ અને રેહાનાની જેમ લગ્ન માટેની વીંટી પણ સાથે સાથે લઈ લેવી છે, જૅકિ?”