આમંત્રિત/૧૯. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૯. જૅકિ

હજી તો બપોર ચાલતી હતી, પણ સાંજ પડી જવા આવી હોય તેમ લાગવા માંડેલું. કારણમાં હતો વરસાદ. “શિયાળુ વરસાદ થોડો ઓછો ગમે છે”, અપાર્ટમેન્ટ પર આવી ગયા પછી જૅકિ કહેતી હતી, “કારણકે એને લીધે હવામાં ઠંડી બહુ વધી જાય છે. અંધારું પણ વહેલું થઈ ગયેલું લાગે છે. ઉનાળામાં તો ઘેરાયેલું આકાશ પણ બહુ ગમે, ને વરસાદ પણ. બાલ્કનિમાં બેસીને એને સાંભળવાની તો એવી મઝા.” સાથે જમતી વખતે અંજલિએ સચિનને કહેલું, “ભાઈ, હું રાતે અહીં રહી જવાનું વિચારું છું.” “કેમ, માર્શલ ખાસ તને મળવા ન્યૂયોર્ક આવ્યો છે ને.” “હા, પણ એ એના એક ફ્રેન્ડને ત્યાં ઊતર્યો છે, એટલે આમેય ત્યાં જવાનો છે. હું એમ કહું છું કે તું પણ જૅકિને ત્યાં જજે. હું પાપાને કંપની આપીશ આજે.” સમયની આ અણધારી ભેટ સચિન માથે ચડાવવા માગતો હતો. હવે જૅકિની સગવડ કે ઈચ્છાને માટે એને ગભરાવાનું નહતું. હવે એ અને જૅકિ એકસરખું ઈચ્છતાં હતાં. માર્શલે એમને અપાર્ટમેન્ટ પર ઉતારી જવાનો આગ્રહ કર્યો. “મારે વૅસ્ટ સાઇડ પર જ જવાનું છે, ને વરસાદ પણ પડે છે.”, એણે કહ્યું. જૅકિએ એને કૉફી પીવા ઉપર આવવા કહ્યું, પણ એને પહોંચવાનું હતું. “અને પાર્કિન્ગ શોધવામાં જ એટલો ટાઇમ જતો હોય છેને”, એની વાત સાચી હતી. ન્યૂયોર્કના રસ્તાઓ પર ફ્રી પાર્કિન્ગ શોધવું હોય તો વાર તો લાગે જ, પણ બહુ સાવધાની પણ રાખવી પડે. જો ભૂલમાં યે, જરાક પણ નિયમભંગ થયો તો ભારે દંડ, નહીં તો ગાડીને ખેંચીને લઈ જવામાં આવે. “ને પૈસા આપીને પાર્ક કરી રાખવાનું તો અનહદ મોંઘું. એવું રોજેરોજ તો પોસાય જ નહીં.”, સચિન બોલ્યો. “માર્શલ મૂકી ગયો તે બહુ સારું થયું. વરસાદ પડતો હોય ત્યારે ન્યૂયોર્ક શહેરના રસ્તા પર ટૅક્સી શોધવી પણ, પાર્કિન્ગ શોધવા જેટલી જ અઘરી હોય છે, ખરુંને?”, જૅકિ ઓવરકોટ કાઢતાં બોલી. સચિન ગરમ કૉફી બનાવતો હતો ત્યારે જૅકિએ એક સિ.ડિ. ચાલુ કરી. કૈંક માયૂસીની છૂતવાળા સૂર અપાર્ટમેન્ટની હવામાં સરકી ગયા. “આ કોણ છે?”, સચિને પૂછ્યું. “મને થયું કે તને મારા એક ફેવરિટ અમેરિકન જાઝ મ્યુઝિશિયનનો પરિચય કરાવું. એમનું નામ તો હતું ચેસ્નિ હૅન્રિ બેકર, પણ એ અમેરિકા ને યુરોપમાં જાણીતા થયેલા ચૅટ બેકર તરીકે. એટલા દેખાવડા, હોંશિયાર, સરસ ગાયક, ઍક્સ્પર્ટ પિયાનોવાદક, અને ટ્રમ્પેટ તો અદ્ભુત વગાડે. સુંદર પત્ની પણ હતી. બધું દારૂ ને ડ્રગની લતમાં, ને વારંવાર જૅલમાં જવામાં ગુમાવી બેઠા. સાઇઠ વર્ષના થાય તે પહેલાં તો ગુજરી ગયા.” “કેટલા કળાકારો આવી રીતે જીવ્યા અને મર્યા પણ હશે, નહીં?” “આવાં જીવન વિષે જાણીને જીવ બળે, પણ જાણીએ પછી એમણે સર્જેલી કળાકૃતિઓ વિષે આપણે વધારે સમજતાં પણ થઈએ. હવે આ ટ્યૂન સાંભળ. એમાં એમની આપવીતી નથી સંભળાતી તને?” બંને અડોઅડ બેસીને ચૂપચાપ, ચૅટ બેકરના દિલના દર્દને ઘૂંટીને આવતા, ટ્રમ્પેટના સૂર સાંભળી રહ્યા. પછી જૅકિના હાથને હળવેથી પકડીને સચિને કહ્યું, “તારી આંગળી પરની રિન્ગ પાપાની નજરે ચઢી ગઈ હતી.” “આવી સાવ સાદી વીંટી જોઈને એમને થયું હશે, કે આ છોકરીમાં કોઈ ટેસ્ટ જ નથી.” ખરેખર તો એ વીંટી સાધારણ નજરમાં કદાચ સાદી લાગે, પણ હતી ખૂબ સુંદર - નાજુક અને આર્ટિસ્ટિક. સચિનને ખાતરી હતી કે પાપાને વીંટી એવી જ લાગી હશે, અને મનમાં એમણે જૅકિની કળાત્મકતા અને સાદગીની પ્રશંસા જ કરી હશે. બીજી જાન્યુઆરીએ દુકાનો ખુલી ગઈ હોય, એટલે બંનેએ લંચ-ટાઇમમાં મળવાનું રાખ્યું હતું. સચિને ઘણું કહ્યું, પણ જૅકિને કોઈ મોંઘી કે ફૅન્સી દુકાનમાં જવું જ નહતું. “સચિન, ઍન્ગેજમેન્ટની વીંટી તો એક સાવ ઉપરછલ્લી પ્રથા છે. આપણે આવામાં માનતાં પણ નથી. છતાં, ચલો, પશ્ચિમનો એક રિવાજ સાચવીએ, ને એ બહાને હું એક નાનું આભૂષણ પહેરું - તે જ. રાઇટ?” બંને જણ ફિફ્થ અને સિક્સ્થ ઍવન્યૂની વચ્ચે, સુડતાલિસમી સ્ટ્રીટ પર આવેલી ડાયમન્ડ માર્કેટમાં ગયેલાં. ઇન્ડિયનો માટે તો આ અહીંનું હીરા બજાર. ઇન્ડિયનો અને ‘ઑર્થૉડૉક્સ’ કહેવાતા પંથના યહુદીઓ હીરાના મુખ્ય વેપારી ખરા, પણ એ બધાનું કામ ઊંચાં મકાનોની અંદરની ઑફીસોમાં હોય. રસ્તા પરની દુકાનોમાં હીરાનાં ઘરેણાં વેચનારા તો રશિયન અને ઈસ્ટ યુરોપી લોકો જ વધારે હોય. જૅકિની ઑફીસમાંથી કોઈએ એક દુકાનનું નામ આપેલું. છેતરાવાનો ભય ત્યાં ઓછો હશે, એમ કહેલું. ને ત્યાંથી જ જૅકિએ આ વીંટી પસંદ કરેલી. એમાં બે જ હીરા હતા - “આ તું ને હું”, એણે કહેલું. દુકાનદારે મખમલની ગાદીમાં વીંટી ગોઠવીને ડબ્બી સચિનને આપેલી. જૅકિને ઑફીસમાં પાછું જવું પડે તેમ હતું. પણ સચિન પોતાને મળેલી ચાવી વાપરીને સીધો અપાર્ટમેન્ટ પર જતો રહેલો. રસ્તામાંથી એણે સફેદ અને લાલ ગુલાબ ખરીદી લીધેલાં. જૅકિ ઘેર આવી ત્યારે ફૂલો પાણી ભરેલા વાઝમાં મૂકાઈ ગયાં હતાં. ટેબલ પર વાઇનની બૉટલ અને બે ગ્લાસ ગોઠવાયાં હતાં. જૅકિ બારણું ખોલી રહી છે, એવું લાગતાં સચિને એક સિ.ડિ. ચાલુ કરી. એના પોતાના ફેવરિટ સિન્ગર ફ્રૅન્ક સિનાત્રાના સુંવાળા અવાજમાં શબ્દો સંભળાતા હતા - યુ ડુ સમથિન્ગ ટુ મિ, ડીપ ઇનસાઇડ ઑફ મિ— એણે જૅકિનો હાથ પકડ્યો, હવે એ એક ઘુંટણિયે થયો, ડબ્બી હથેળીમાં મૂકીને એને ખોલી, ને પૂછ્યું, ‘જૅકિ, મારી સાથે લગ્ન કરીશ?’ આ બધું પેલા રિવાજના ભાગ રૂપે જ હતું, પણ બાકી હતું, ને સચિનને એ પૂરું કરવું જ હતું. જૅકિએ હા તો ક્યારની પાડેલી જ હતી, પણ આ વિધિની અગત્ય સચિન માટે કેટલી હતી, તે એ સમજતી હતી. એણે ફરીથી પણ હા જ પાડી. સચિને ગોઠવેલાં ફૂલો બતાવી જૅકિએ કહ્યું, “આજે લાલ અને સફેદ ફૂલો છે, એમ ને?” “હા, લાલ રંગ પ્રેમનો, અને સફેદ રંગ બ્રાઇડ માટે.” પછી સચિને ઊઠીને સિનાત્રાનું એ જ ગીત ફરી વગાડ્યું - જાણે એ સંદેશો પોતે ભારપૂર્વક જૅકિને કહેવા માગતો હતો. ‘મારી ચેતનાની અંદર ઊંડે સુધી તારો સ્પર્શ થાય છે, જૅકિ.’ માર્શલ એમને ઉતારી ગયો પછી સચિન અને જૅકિ એ સાંજે ઘરમાં જ રહેવા માગતાં હતાં. ફરી એમને બહાર નીકળવું નહતું. વરસાદ પણ ચાલુ જ હતો. “લંચમાં તો ઘણું ખાધું છે, રાતે કંઇક લાઇટ ખાઈશું?”, જૅકિએ પૂછ્યું. “ચોક્કસ”, સચિને કહ્યું, “પણ હવે મ્યુઝીક પણ સરસ લાઇટ મૂકજે ! ” સવારે ઊઠીને સચિને પાપાને ફોન કરેલો. હજી અંજલિ ત્યાં જ હતી. માર્શલ આવે પછી જ એ નીકળવાની હતી. સુજીતે કહ્યું, કે સચિનને ઉતાવળ કરીને આવવાની જરૂર નથી. કૉફી અને ટોસ્ટનો બ્રેકફાસ્ટ કરતાં કરતાં જૅકિએ સચિનને પૂછ્યું, “આજે રવિવાર છે, ને આપણી પાસે સાથે થોડો સમય છે, તો મારી સાથે એક જગ્યાએ આવીશ?” “ચોક્કસ વળી. આવીશ જ ને.” “ક્યાં જવાનું કહું છું, તે જાણવું નથી?” માથું હલાવીને સચિને ના કહી. મનમાં કહ્યું, જૅકિ જ્યાં લઈ જાય ત્યાં જઈશ. પૂછું વળી શું કામ? એકસો દસમી સ્ટ્રીટ પરથી ઍમસ્ટરડૅમ ઍવન્યૂ તરફ જવા માંડ્યાં એટલે સચિન સમજી ગયો, ક્યાં જતાં હતાં તે. “જૅકિ, મને પણ ન્યૂયોર્ક શહેરનું આ ગ્રેટ કૅથિડ્રાલ બહુ જ ગમે છે. રવિવારની સવાર છે એટલે કદાચ હાર્લેમ ગ્રૂપના ક્રિશ્ચિયન સિન્ગિન્ગનો કાર્યક્રમ અત્યારે હોઈ પણ શકે. તે પછી હું તને એક યુરોપી કાફેમાં લઈ જઈશ.” “ઓહ, હંગેરિયન કાફેમાં? ત્યાંનાં લાવન્ડર ફ્લેવરનાં બિસ્કિટ મને બહુ ભાવે છે.” બંને સામસામે જોઈ હસ્યાં. બંને ઘણું બધું કેવું સરખું જાણતાં હતાં. ને એમ તો ઘણું બધું જુદું જુદું પણ જાણતાં હતાં. બંને કોઈ રીતે એકબીજાંથી કંટાળે તેમ નહતાં. સિન્ગિન્ગ પૂરું જ થવામાં હતું. સમય જાણતાં નહતાં એટલે બંને મોડાં પડ્યાં હતાં. આવતા રવિવાર માટેનો સમય એમણે નોંધી લીધો. “જોહાન સબાસ્ચિયન બાખનું મ્યુઝીક છે એ સવારે. આપણે આવીશું”, જૅકિએ કહ્યું. બહાર નીકળીને કૅથિડ્રાલનાં પહોળાં પગથિયાં પર આવ્યાં ત્યારે, બાગની બેન્ચ પર બેઠેલા એક પુરુષને સચિને ઓળખ્યા. “લિરૉય અંકલ”, એણે બૂમ પાડી. એમણે સાંભળ્યું કે નહીં, તે કોણ જાણે, પણ ધ્યાન આપ્યું નહીં. એ પુરુષનું નિરીક્ષણ કરીને જૅકિ બોલી, “એમને કોઈ અંકલ કહીને બોલાવતું નહીં હોય, તેથી જ એમનું ધ્યાન નથી તારા અવાજ પર.” સચિન જલદી પગથિયાં ઊતરીને લિરૉયની પાસે પહોંચી ગયો, ને ફરી બોલ્યો, “લિરૉય અંકલ, કેમ છો? મને ના ઓળખ્યો?” હવે સચિનનો હાથ પકડી લઈને એ બોલ્યા, “ઓહ, માય બૉય, હાઉ આર યુ? ઍન્ડ માય મૅન સુજી?” પાપાનું નામ એ આમ જ જાણતા હશે. સચિનને એ થાકેલા ને સૂકાઈ ગયેલા લાગ્યા. “ફ્રાન્કો અંકલ નથી આવ્યા? એ કેમ છે?” “ઓહ, એ હવે નથી. કોઈએ એને બગડેલા ખરાબ ડ્રગ આપ્યા. એમાં એ હેરાન થઈને જતો રહ્યો.” ગળગળા થઈને લિરૉય બોલ્યા, “હું સાવ એકલો થઈ ગયો, બૉય.” નાનો હતો, ને મા-બાપ એને વહાલથી ‘બાબો’ કહીને બોલાવે ત્યારે એ કેટલો ચિડાઈ જતો હતો. ને હવે મોટો થઈ ગયો છે ત્યારે? આજે લિરૉય અંકલે વહાલથી એને ‘બૉય’ કહીને બોલાવ્યો તેનાથી એનું હૃદય દ્રવી ગયું. “અંકલ, ચાલો, આપણે કૉફી પીએ. સરસ બિસ્કિટ ખાઈએ.” ખ્યાલ આવતાં એણે જૅકિની સામે જોયું. એને વાંધો હશે તો? જૅકિએ કુમાશથી લિરૉયનો હાથ પકડ્યો, ને કહ્યું, “ચાલો, અંકલ.” હંગેરિયન કાફેમાં બેસીને ઘણી વાતો થઈ. લિરૉય ત્યાં સિન્ગિન્ગ સાંભળવા નહતા આવ્યા. કૅથિડ્રાલના નીચેના ભાગમાં ચૅરિટિ માટેનું રસોડું હતું. ત્યાં એ સ્વૈચ્છિક મદદ કરવા આવતા હતા. “હવે ફ્રાન્કો નથી, મને બહુ એકલું લાગતું હતું. અહીં મદદ કરું છું, ને મને શાંતિ મળે છે”, એમણે કહ્યું. સચિન આ રસોડા માટે વધારે જાણવા માગતો હતો. લિરૉયે કહ્યું, કે ત્યાં વિલિયમ કરીને એક માણસ છે, એ રોજ મદદ કરવા અહીં આવે છે. રવિવારે તો એ અને એની વાઈફ બંને હોય છે. “તું તારી નવરાશે એમને મળવા આવી જજે.” પાપાએ ક્યારેય લિરૉયના કુટુંબ વિષે વાત કરી નહતી. હવે સચિને એમને એ વિષે પૂછ્યું. એમણે કહ્યું, કે એ તો આર્મિમાં હતા, અને સારી કૅરિયર હતી, પણ એ દારૂ અને ડ્રગ પર ચઢી ગયા પછી એમની વાઇફ એમને છોડીને, એકના એક દીકરાને લઈને જતી રહી હતી. પછી ક્યારેય લિરૉયે મા-દીકરાને જોયાં નહતાં. સચિને એમના દીકરાનું નામ પૂછ્યું. કહે, “ક્લિફ.” “આખું નામ શું?” “ક્લિફર્ડ રોકર. એણે એની મધરની અટક લીધેલી.” “ને તમારું?” “મારું તો સાદું સીધું - લિરૉય જ્હૉન્સન.” સચિને મનમાં નિર્ણય કરી લીધો, કે લિરૉય અંકલના દીકરાને શોધવાનો બનશે તેટલો પ્રયત્ન એ કરશે. એક પિતા માટે પુત્ર કેટલો અગત્યનો હોય છે, તે એ જાણતો હતો. ને પુત્ર માટે તો પિતા તારણહાર બની શકે છે, તે એનો અંગત અનુભવ હતો. એણે લિરૉયને એ વિષે હજી કશું કહ્યું નહીં. ક્લિફર્ડનો પત્તો ના મળે તો? અંકલને વધારે દુઃખ થાય ને? લિરૉય પાસે મોબાઇલ ફોન તો હતો નહીં, તેથી આવતા રવિવારે સવારે અહીં ફરી મળવાનું નક્કી કરી લીધું. “એ વખતે વિલિયમ સાથે ઓળખાણ કરાવીશ. એ પણ આર્મિમાં હતા.”, લિરૉયે કહ્યું. હંગેરિયન કાફેની સરસ કૉફી અને ત્યાંનાં વખણાતાં બિસ્કિટ ત્રણેએ વાત કરતાં કરતાં ખાધાં. છૂટાં પડતાં પહેલાં જૅકિએ થોડાં બિસ્કિટ લિરૉય અંકલને માટે બંધાવી આપ્યાં. “થૅન્ક યુ, માય બૉય. ઍન્ડ યુ આર વેરિ કાઇન્ડ, માય ગર્લ”, જતાં જતાં લિરૉય બોલ્યા. જૅકિએ સચિનનો હાથ જોરથી પકડ્યો હતો. બીજા હાથે એ આંખો લુછતી હતી.