આમંત્રિત/૨૦. સચિન
૨૦. સચિન
જાન્યુઆરી મહિનાના ઘણા દિવસ બહુ ટૂંકા લાગે, અને ઠંડી પણ બહુ હોય. ખાસ કારણ વગર ઘરમાંથી નીકળવાનું મન પણ ના થાય. પણ આ રવિવારે સચિનને, અને જૅકિને પણ, ઠંડીનો ખ્યાલ પણ ના રહ્યો. બંનેને લિરૉય જેવા, જિંદગીમાં ભૂલા પડી ગયેલા માણસ માટે બહુ હૂંફનો ભાવ થઈ આવ્યો હતો. જૅકિ હવે એને ઘેર ગઈ, અને સચિન પોતાને ઘેર. પાપા હજી સૂવા ગયા નહતા, એટલે એ જે બન્યું હતું તેને વિષે કહેવા માંડી ગયો. “પાપા, આપણે એમના દીકરાને શોધવા પ્રયત્ન કરીશું. નસીબમાં હશે તો એ મળી જશે, ને જો થોડા જ દિવસમાં મળી જાય તો આપણે એને સાથે લઈને જ, આવતા રવિવારે સવારે લિરૉય અંકલને મળવા જઈશું. પાપા, તમે પણ આવજો. તમને જોઈને અંકલ બહુ ખુશ થશે.” પોતે લિરૉયને આવું કશું પૂછ્યું જ નહતું, ને આજે સચિને એના જીવન વિષે જાણતાંની સાથે લિરૉયને આટલી ઊંડી મદદ કરવાનું નક્કી કરી લીધું. સુજીત પોતાના દીકરાની આ વૃત્તિ જોઈને લાગણીવશ થઈ ગયા. “વાહ, મારા દીકરાએ પોતાના બાપને સુખી કર્યો, ને હવે બીજા કોઈના બાપને સુખ આપવા મથવાનો છે.” એ કશું બોલી ના શક્યા. “અંજલિ ક્યાં સુધી હતી, પાપા?”, સચિને પૂછ્યું. એ જાણવા કે એમને કેટલું એકલાં રહેવાનું થયું હતું. “એ ને માર્શલ થોડી વાર પહેલાં જ નીકળ્યાં. હું સૂવા જ જતો હતો, ને તું આવી ગયો.” સુજીત પાસે પણ સચિનને કહેવાનું હતું. “આજે માર્શલ આવ્યો ત્યારે નિરાંતે બેઠો, અને મારી સાથે ઘણી વાતો કરી. એનાં પૅરન્ટ્સ મને યાદ ના જ આવ્યાં. ને માર્શલને તો હું ક્યારેય મળ્યો જ નહતો. એ અરસામાં મારે અંજલિને મળવાનું ભાગ્યે જ થતું. એ શું કરે છે, ને કોને મળે છે તેની મને ખબર જ નહતી. એ સમયે એણે મૉમને બહુ હેરાન કરેલી, એમ હવે કહે છે અંજલિ. પણ આ માર્શલ છોકરો બહુ સારો છે, એમ લાગે છે. એ મિકેનિકલ ઍન્જિનિયર થયો છે, અને બૉસ્ટનમાં કામ કરે છે. હવે એ ન્યૂયોર્કમાં નોકરી શોધવા માગે છે, જેથી એ અને અંજલિ વારંવાર મળી શકે. મને લાગ્યું કે એ અંજલિનું ધ્યાન રાખવા માગે છે.” કેટલાં વર્ષો જુદાં પડી ગયાં પછી અચાનક બંને કેવાં ભેગાં થઈ ગયાં, એ હકીકત પણ જાણે નસીબ પર આધારિત હોય તેમ જ લાગતું હતું. અંજલિની સ્કૂલની એક ફ્રેન્ડ લુઈસ, જેની સાથે એની મૈત્રી ટકી છે, તેનો ભાઈ બૉસ્ટનમાં માર્શલને મળેલો. બંને સ્કૂલના દિવસોની વાત કરતા હતા, ત્યારે અંજલિનું નામ પણ નીકળેલું. લુઈસના એ ભાઈએ જ માર્શલને અંજલિનો ફોન નંબર લાવી આપેલો. “બંનેમાં ફોન પર વાતચિત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલે છે. વચમાં મળ્યાં છે તો એકાદ વાર જ. અત્યારે ન્યૂયોર્ક એ ખાસ અંજલિને મળવા જ આવ્યો. ગઈ કાલે તેં જોયું હતુંને, અંજલિ હજી એની માફી માગ્યા કરે છે. એ ઉંમરે અંજલિ ઉદ્ધત અને અવિચારી થઈ ગઈ હતી. કોઈનું સાંભળતી નહતી. માર્શલનું પણ નહીં. માર્શલે એને કેવું સાંત્વન આપ્યું, તે પણ આપણે જોયું ને.” બપોરની ચ્હા પીવા બેઠા ત્યારે સુજીતે જૅકિની આંગળી પરની વીંટીનો ઉલ્લેખ કર્યો. “એણે નાજુક અમથી સરસ - એના જેવી જ - વીંટી પસંદ કરી, એમ ને?” “હા, પાપા. એવી જિદ્દી છે ને. ધાર્યું જ કર્યું. એને કોઈ મોંઘી દુકાનમાં પગ પણ નહતો મૂકવો. બોલો, અમે હીરા બજારમાં ગયાં, ને ત્યાંથી લીધી!” જૅકિની આ ‘જીદ’ પર બાપ-દીકરો બંને એને માટેના સ્નેહભાવથી હસ્યા. “ને મેં એને પૂછેલું, જૅકિ, લગ્ન માટેની વીંટી પણ લઈ લેવી છે? પણ એવી જબરી છે” - સચિન મનમાં કહેતો હતો, એવી મીઠી છે - “કે જવાબ ઉડાવી જ દીધો.” “બહુ શાલીન છોકરી છે. એને લીધે બધું ઊજળું લાગે છે, ખરું કે નહીં?” જૅકિ પણ પછી બિઝી જ થઈ ગયેલી. એ ઘેર પહોંચી કે લગભગ તરત કૅમિલનો ફોન આવ્યો. એ અને રૉલ્ફ ફ્રાન્સથી ગઈ કાલે પાછાં આવી ગયાં હતાં, અને આજે રાતના જમવા માટે પિત્ઝા મંગાવવાનાં હતાં. કૅમિલ કહે, “તું ફ્રી હોય તો આવ ને. આપણે બહુ દિવસથી મળ્યાં નથી. અને અમે પૅરિસથી સરસ કેક લાવ્યાં છીએ, તે હજી એકદમ ફ્રેશ છે.” જૅકિને પણ એ બંનેને મળવાની ઈચ્છા હતી, તેથી વાર કર્યા વગર એ નીકળી ગઈ. એમના દિવસો પૅરિસમાં કુટુંબીઓને મળવામાં ગયા હતા. “તું વર્ષની છેલ્લી રાતની ઉજવણી માટે ત્યાં સાથે હોત તો બહુ જ મઝા પડત. કઝીન પૉલ કહેતો હતો કે એણે તને રોકાઈ જવાનો આગ્રહ કર્યો હતો. શું કામ નીકળી ગઈ ઉતાવળે ત્યાંથી?” હવે રૉલ્ફ બોલ્યા, “કઝીન પૉલ જરા ગુસ્સામાં હતો કે તેં એને નકાર્યો. એ તો કહે, કે તેં એને છેતર્યો પણ હતો.” “હું કોઈને છેતરું એમ માનો છો? અરે, પૉલ મારી પાસેથી કમિટમેન્ટ માટે ઉતાવળ કરતો હતો. મેં કહ્યું કે હું ન્યૂયોર્ક જાઉં પછી વિચારી શકીશ. એ કહે, કે ન્યૂયોર્કમાં કોઈ છે એવું મેં એને પહેલેથી કહ્યું કેમ નહીં. પણ મને તો ખ્યાલ જ નહતો કે એ —” “અરે, તું એને ગમી ગઈ હતી, અહીં પહેલી વાર મળ્યો ત્યારે જ.” “ને એણે માની પણ લીધું કે ફ્રેન્ચમૅન કરતાં વધારે સારો કોઈ માણસ ના હોઈ શકે?” “કેમ, તે વધારે સારો કોઈ છે?”, કૅમિલે પૂછ્યું. ને હવે એણે જૅકિના ડાબા હાથની આંગળી પરની વીંટીના બે ચમકતા હીરા જોયા. આંખો પહોળી કરીને એણે જૅકિની સામે જોયું, “કોઈ છે? કોણ છે? અમારાંથી છુપાવીને?” “ભઈ, તમે અહીં નહતાં ત્યારે, હમણાં જ, નક્કી થયું.” રૉલ્ફ કહે, “અભિનંદન, પણ અમે એને મળીશું ક્યારે?” પિત્ઝા થોડો ઠંડો થઈ ગયો, પણ કૅમિલને બધું વિગતે જાણવું હતું. સચિન લિરૉયના દીકરા ક્લિફર્ડ વિષે વિચારતો રહ્યો હતો. એણે ખલિલને ફોન કર્યો, અને આખી વાત કરી. ખલિલે તો કહ્યું, કે “તું હમણાં જ અહીં આવી જા. કાલે સોમવાર છે, એટલે એની કામની જગ્યા શોધવાનું કામ કાલે કરીશું. પણ આજે બીજી કોઈ રીત તો ટ્રાય કરીએ.” પણ સચિનને આજે ફરી છેક ખલિલના અપાર્ટમેન્ટ સુધી નહતું જવું. એણે કહ્યું, “રવિવારની સાંજ તું તારી પર્સનલ દાક્તર સાથે ગાળજે. તને કશું સૂઝતું હોય તો મને ફોનમાં જ કહે.” ખલિલે સૌથી પહેલાં એક સાવ સાદો ઉપાય સૂચવ્યો. એણે ટેલિફોનની ડિરેક્ટરીમાં જોવાનું કહેલું. આ તો જાદુગરની હૅટમાંથી સાચી ચીઠ્ઠી કાઢવા જેવી બાબત હતી. પણ એ જાદુ અહીં કામમાં ના આવે તો? તો ખલિલે ફોન કરીને ઑપરેટરને પૂછવાનું કહ્યું હતું. આમ તો નામ અને સરનામું બંને જોઈએ. અહીં તો ફક્ત નામ જ હતું, પણ શોધવાનું શરૂ ક્યાંકથી તો કરવું પડશેને? ન્યૂયોર્ક શહેર પાંચ વિભાગોનું બનેલું છે - બ્રૂકલિન, બ્રોન્ક્સ, સ્ટેટન આઇલૅન્ડ, ક્વીન્સ અને મૅનહૅતન. એ દરેકની ડિરેક્ટરી જુદી હોય. એ પાંચે પાંચ જાડી ચોપડીઓ તો કોઈના ઘરમાં ના મળે. સચિનના ઘરમાં મૅનહૅતનની ડિરેક્ટરી જ હતી. એણે એ ખોલી. ‘રોકર’ અટક નીચે કેટલાંક નામ હતાં, પણ ક્લિફર્ડનું નહતું. સચિને ઑપરેટરને ફોન કર્યો. એણે કહ્યું કે એ નંબર અનલિસ્ટેડ હતો. એનો અર્થ એ કે ક્લિફર્ડ રહેતો હતો તો મૅનહૅતનમાં જ. છતાં, એને અહીંના લાખો લોકોમાંથી શોધવો ક્યાં? ખેર, હવે કાલે જ વધારે કાંઈ પણ કરી શકાશે, એને લાગ્યું. સોમવારે લંચ ટાઇમમાં એ ખલિલની ઑફીસ પર ગયો. ત્યાં સુધીમાં ખલિલે થોડી ખટપટ કરવા માંડેલી. જુદી જુદી ઑફીસોમાં, બૅન્કોમાં, મ્યુનિસિપાલિટીમાં જ્યાં ઓળખીતા હતા ત્યાં ફોન કરેલા, સંદેશા મૂકેલા. સામેથી કોઈ કોઈ જણાવશે, એમ ધારણા હતી, ને તે માટે રાહ જવાની હતી. બે દિવસ નીકળી ગયા. એ દરમ્યાન સચિનને એક કૉન્ફરન્સ માટે બારુખ કૉલેજમાં જવાનું હતું. સવારથી સાંજ ત્યાં જ કામ હતું, વચમાં બેએક કલાક ખાલી હતા ત્યારે એણે ત્યાંની લાયબ્રેરીમાં આંટો માર્યો. થોડી વાર ત્યાં બેસીને ‘વૉશિન્ગ્ટન પોસ્ટ’માં સંપાદકીય લેખ ઉપર નજર ફેરવી. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ કરતાં જરા જુદા મત હોય, એટલે કંઈક જુદું જાણવા મળે. કૉન્ફરન્સ હૉલમાં જતાં પહેલાં એ ટેબલ પર પડેલાં ચોપાનિયાં જોવા ઊભો રહ્યો. કૉલેજમાં યોજાયેલા કાર્યક્રમો અને વ્યાખ્યાનોની માહિતી એમાં હતી. એક સ્માર્ટ દેખાતા યુવાનના ફોટાવાળો કાગળ એ જોવા લાગ્યો, ને એની નજર અટકી એના નામ પર. ઓહ માય ગૉડ, આ પાછું કેવું ‘અનબિલીવેબલ લક’? એ નામ પ્રોફેસર ક્લિફર્ડ રોકરનું હતું. સોશિયોલૉજી-ઍન્થ્રૉપૉલૉજીના વિષયમાં એમનું વ્યાખ્યાન હતું - એ જ સાંજે. લાયબ્રેરીમાં જ. બસ, ત્રણ કલાક પછી. સૌથી પહેલાં એણે ખલિલને ફોન કર્યો, અને એને આટલું તો જણાવી દીધું, કે હમણાં બીજી કોઈ પૂછપરછ ના કરે. “પ્રો. રોકરને મળું પછી ખબર પડશે, કે આપણે જેની શોધ કરીએ છીએ તે જ એ છે.” સમય થતાં પહેલાં સચિન લાયબ્રેરીમાં પહોંચી ગયો. ચોપડીઓથી ભરેલી છાજલીઓની વચમાં બનાવેલી જગ્યામાં ખુરશીઓ ગોઠવેલી હતી. બે-ચાર ઉત્સાહી શ્રોતા આવીને બેસી પણ ગયેલા. કદાચ પ્રો. રોકર પૉપ્યુલર વક્તા હતા. ને ત્યારે સચિનને ખ્યાલ આવ્યો કે વ્યાખ્યાનના પહેલાં એમના ફાધરની પરિસ્થિતિ વિષે, ને ફાધરને મળવા વિષેની વાત કરવી ઉચિત નથી. આવા સમાચાર સાંભળ્યા પછી એમનું ધ્યાન વક્તવ્ય પર ના રહે તો? સારો રસ્તો એ હતો, કે હમણાં એમને મળીને, વધારે વાત કરવા માટે ક્યારે મળી શકાય, એમ પૂછીને એમનો નંબર લઈ લેવો. શું વાત કરવી છે, એ વિષે કંઇક કહેવું પડે તો એ પણ સચિને વિચારી લીધું, કે “મારી બહેનને આ વિષયમાં આગળ ભણવા વિષે જાણવું છે”. આટલું માની જઈને નંબર આપી દે તો સારું. પણ ખલિલે કહ્યું કે “એના કરતાં તું લેક્ચર સાંભળવા બેસી જા. ને નહીં તો દોઢેક કલાક આમતેમ ખેંચી કાઢ. લાંબું કરવું, ને પછી એ કોઈ બીજું જ નીકળે, ને આપણે વખત ગુમાવ્યો હોય. એના કરતાં, લેક્ચર પૂરું થાય એટલે એની સાથે વાત કરી લેજે. કેવો લાગે છે? સારો માણસ તો લાગે છે ને?” ફોટા પરથી તો એ યુવાન, દેખાવડો, અને સ્કૉલર જેવો લાગતો હતો. ખલિલની વાત સાચી છે, એક-બે કલાકનો જ સવાલ છેને. સચિને જૅકિને ફોન કર્યો. આમ તો, શુક્રવારે જ મળાશે, એમ વાત થઈ હતી. આ જાણે એક ઈનામ જેવી તક મળતી હતી. તરત નીકળીને જૅકિ બારુખ કૉલેજ પર આવી ગઈ. બંનેને લાગ્યું કે અહીં જ છીએ તો પ્રો. રોકરને સાંભળીએ. આપણે શોધીએ છીએ તે વ્યક્તિ ના હોય, તોયે એમના વ્યાખ્યાનમાંથી કંઇક જાણવા તો મળશે. એવું જ બન્યું. છેક ઉત્તર આર્કટિકના બરફથી છવાયેલા પ્રદેશમાં વસતી, ઇનુઇત નામની જાતિમાં શિક્ષણનું શું મહત્ત્વ છે, તે વિષેની રીસર્ચ હતી. એમની ભાષાને ‘ઇનુક્તિતુત’ કહે છે. આ જાતિના લોકોમાં અભ્યાસ માટે, જાણકારી -ક્નૉલૅજ- મેળવવા માટે કેવી ધગશ છે, અને એમને સમજીને કેવી રીતે મદદ કરી શકાય, વગેરેની રજુઆત સ્લાઇડ સાથે થઈ. જૅકિ અને સચિનને બહુ જ રસપ્રદ લાગ્યું આ વ્યાખ્યાન. જો આ ખરેખર અંકલ લિરૉયનો દીકરો હશે, તો અંકલને કેટલી ખુશી થશે, સચિન વિચારી રહ્યો. થોડી વારમાં એ ફ્રી થયા એટલે જૅકિ અને સચિને એમને કૉફી માટે સાથે બેસવાની વિનંતી કરી - એમ કે, થોડી વાત કરવી છે. કૅફૅટેરિયા અત્યારે ખાલી જેવું હતું. કૉફી લઈ આવીને પછી સચિને સીધું જ કહ્યું, “ક્લિફર્ડ, અમે તારા ફાધરને ઓળખીએ છીએ. લિરૉય જ્હૉન્સન તારા ફાધર છે, ખરું કે નહીં?” “હા, એ મારા ફાધરનું નામ છે. વાત શું છે? એ ક્યાં છે? કેટલાંયે વર્ષોથી એમના કોઈ ખબર જ નથી મને - ને મારી મધરને. એ શું કરે છે? ક્યાં છે?”, એણે પૂછ્યું. જૅકિએ તરત ક્લિફર્ડનો હાથ પકડી લીધો, ને કહ્યું, “ઓહ, એ એટલા ખુશ થશે તને મળીને.”