આમંત્રિત/૨૬. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૬. જૅકિ

ન્યૂયોર્કમાં એપ્રિલ થતાં વસંતની શરૂઆતનાં ફૂલો ખીલવા માંડ્યાં હતાં - ટ્યૂલિપ્સ, ડૅફોડિલ્સ, મૅગ્નૉલિયા તો ખરાં જ, પણ દર વર્ષે આ સમયે જે બહુ જ સ્પેશિયલ ફૂલો પાંગરી ઊઠે તે તો ચૅરિ બ્લૉસમ્સનાં જ. ખૂબ નાજુક, બહુ લાંબાં ટકે નહીં. પણ જે બે, બહુ બહુ તો ત્રણ, અઠવાડિયાંનો સમય મળ્યો હોય તેમાં એમનું રૂપ તો જાણે વર્ણવવું પણ અઘરું. આછા ગુલાબી રંગનાં, ખૂબ કોમળ પાંખડીઓવાળાં ફૂલોથી જ ઝાડની ઘટા બની હોય. પવનની લહેરખી સાથે ડાળીઓ એવી હાલે, કે ફૂલો મલકતાં હોય તેવાં લાગે. જૅકિના બિલ્ડીન્ગની નીચેના રસ્તાના એક ખૂણા પર ચૅરિ બ્લૉસમ્સનાં બે મોટાં ઝાડ હતાં. આ જ ઋતુમાં, ફૂલો આવે ત્યારે જ એમની ઓળખ બને. બાલ્કનિમાં ઊભાં રહીને પણ એમની સુંદરતા માણી શકે, છતાં આ દિવસોમાં દરરોજ એ વૃક્ષોની પાસે ચાલવા જવાનું જૅકિ ભૂલે નહીં. ગુચ્છનાં ગુચ્છ ઝુકી આવેલાં હોય. એમને સહેજ સ્પર્શી લે, પણ ક્યારેય તોડે નહીં. આ વખતે સચિનની સાથે ચાલી હતી. સચિને ચૅરિ બ્લૉસમ્સ બહુ જોયાં નહતાં, પણ એને ખ્યાલ તો હતો જ. એણે કહ્યું, “ચલ, આપણે બ્રૂકલિન બોટાનિકલ ગાર્ડન જઈએ. ત્યાં તો અઢીસો વૃક્ષો એકસામટાં જોવા મળશે.” “અરે હા, તો આવતા રવિવારે જવું છે?” પણ એ દર્શન શક્ય ના બન્યું. પૅરિસ જવાનું તરત જ હતું, અને જૅકિને છેલ્લા વીક-ઍન્ડમાં પણ ઑફીસે જવું પડ્યું. એ દરમ્યાન સચિન પાપાને મળી આવ્યો. અંજલિ અને માર્શલ ત્યાં બરાબર ગોઠવાઈ ગયાં હતાં. નવી નોકરી હતી એટલે હમણાં તો માર્શલને રોજના આવવા-જવાના સવાસો માઈલ ડ્રાઈવ કરવું પડતું હતું. પણ બેએક અઠવાડિયાં પછી એ બે કે ત્રણ દિવસ ઘેરથી કામ કરી શકશે. અંજલિ પણ લગભગ રોજ અમુક કલાકો તો ઘેર રહીને જ કોર્સનું કામ કરી શકતી હતી. એ સિવાય, માલતીબહેન તો આવતાં જ હતાં. અને હવે ખાસ ઠંડી નહતી રહી, એટલે સુજીત સાંજે સાંજે દિવાનની સાથે નીચેના પાર્કમાં આંટો મારી આવી શકતા હતા. વામાને મળ્યા પછી સુજીતને જે અસુખ થઈ આવેલું, તેવું હવે ક્યારેક ક્યારેક થવા માંડેલું. કદાચ ડૉક્ટરને બતાવી આવવું જોઈએ, પણ એમણે સચિનને કશું કહ્યું નહીં. “એ બિઝી છે, હમણાં ફ્રાન્સ જવા નીકળવાનો. ક્યાં ચિંતા કરાવું એને? એ તો થઈ જશે સારું એની મેળે”, સુજીત જાતને કહેતા. અને એમણે સચિનને કહ્યું, “તું અને જૅકિ મઝા કરજો. એ કામમાં હોય ત્યારે પણ તું જાતે નિરાંતે પૅરિસમાં સમય ગાળી શકીશ, રાઇટ? ન્યૂયોર્કની જેમ પૅરિસમાં પણ ચાલીને ફરવાનું સહેલું જ હશે.” “હા, પાપા. મેં થોડું વિચારી રાખ્યું છે કે હું ક્યાં ક્યાં ચાલીશ. પણ બહુ એકલો નહીં પડું. મારે પણ ઑફીસનું થોડું કામ તો કરવાનું જ છે, એટલે હોટેલની અંદર પણ બેસીશ. જૅકિ તો કહે છે, કે એની ઑફીસમાં જઈને પણ કામ કરી શકીશ. અમને બંનેને તો અત્યારથી જ લાગે છે કે દિવસો ઓછા પડશે!” સુજીત હસ્યા. સચિનના સુખથી એમના મનમાં કેવો સંતોષ થતો હતો. પહેલી જ મિનિટથી સચિનને લાગ્યું, વાહ, જૅકિ સાથે ટ્રીપ પર જવાનું એટલે પૂરેપૂરી લક્ઝરી. ઘેર લિમોઝિન લેવા આવી, ઍરપૉર્ટ પર સ્પેશિયલ ઍજન્ટ સામાનનું પતાવી આપવા તૈયાર ઊભા હતા, બિઝનેસ ક્લાસના લાઉન્જમાં આરામથી બેસવાનું, પ્લેનમાં પણ એવી જ સગવડ, પૅરિસના શાર્લ દ ગૉલ ઍરપોર્ટ પર પણ એમ જ, અને હોટેલ? જૅકિ કહે, “બેમાંથી પસંદ કરવાની હતી, એક ઑપૅરા હાઉસની પાસે હતી, અને બીજી શઁાઝેલિઝે બુલવાર્ડની નજીકમાં હતી. મને એમ કે ત્યાંથી પૅરિસની લાક્ષણિક સાંજ જોવા મળશે.” એટલે હોટેલ ગ્રાઁ પાવર્સમાં બે બેડરૂમનો સ્યૂટ રિઝર્વ કરવામાં આવ્યો હતો. બાલ્કનિમાંથી પૅરિસની બીજી ઈમારતો ઉપરાંત, ઍફૅલ ટાવર પૂરેપૂરો દેખાતો હતો. “અંધારું થવા આવે ત્યારે એના પર લાઇટો થાય છે. ઝગમગ ઝગમગ. મને એ વધારે પડતી લાગે છે. તું જોજે આજે સાંજે”, જૅકિએ સચિનને કહ્યું. જોકે એ સાંજે જૅકિની ઑફીસમાં વૅલકમ પાર્ટી હતી, એટલે બંને ત્યાં ગયાં. પાછાં આવ્યાં ત્યાં સુધીમાં ન્યૂયોર્કથી કરેલી મુસાફરીનો થાક બંનેને બરાબર લાગી ચૂક્યો હતો. સચિને ફૉર્મલ કપડાં અને એક જૅકૅટ સાથે લીધેલાં. “લાગે છે કે આ જ કપડાં રોજ પહેરવાં પડશે અહિંયાં”, એણે ઑફીસની પાર્ટીઓના સંદર્ભમાં જરા કટાક્ષમાં કહ્યું. પણ પછીના બે-ત્રણ દિવસ હળવા નીકળ્યા. સચિન પોતાની મેળે પૅરિસના રસ્તાઓ પર ચાલતો રહ્યો. કેટલાં બધાં વર્ષો પહેલાં એ ને ખલિલ યુરોપ આવેલા, ત્યારે પૅરિસ પણ જોયેલું. એનું તો કશું યાદ નહતું. ઉપરાંત, હવે પૅરિસના મોહ-તત્ત્વની સમજણ વધી હતી. એણે નક્કી કરેલું, કે કોઈ લાઈનમાં ઊભો નહીં રહે. ઍફૅલ ટાવરની ટોચ પર જવા માટે લાંબી લાઇન હતી જ, તેથી એણે આસપાસ ફરીને એની લોખંડી ખાસિયતોનું પરીક્ષણ કર્યું, અને શહેર તેમજ પ્રજાજનોના જીવનના સંદર્ભમાં એને સમજવામાં સમય ગાળ્યો. સાંજે જૅકિએ કહ્યું, “ઉપર ગયો હોત તો આખું પૅરિસ દેખાત.” સચિને તરત કહ્યું, “બીજે ક્યાંથી આખું પૅરિસ દેખાય છે તે હું જાણું છું.” જૅકિ વહાલથી હસેલી, એમ કે સચિનને હંફાવવો સહેલો નથી! બીજે દિવસે સચિન મોન્ત્પાર્નાસ ટાવર પર જઈ આવેલો. એના છપ્પનમા માળેથી પૅરિસ શહેરનો દૂર સુધીનો પથરાટ દેખાતો હતો. દિવસ એકદમ સરસ હતો, પણ ઉપર જવા માટે કોઈ લાઈન નહતી. એમ તો બીજી પણ જગ્યાઓ હતી શહેરને જોવા માટે, પણ એક ખાસ જગ્યાએ સચિન જૅકિની સાથે જવા માગતો હતો. એણે જૅકિને કહ્યું, “એક સાંજે તું થોડી વહેલી આવે તો આપણે માઁમાત્ર અને સાક્ર ક્યર જોવા જઈશું. ત્યાંથી આપણે બે સાથે આખા પૅરિસને જોઈ શકીશું.” જો દિવસ સ્વચ્છ અને પ્રકાશિત હોય તો માઁમાત્ર હિલ પરથી ત્રીસેક માઈલ સુધીનું દૃશ્ય જોઈ શકાતું હોય છે, ને જો સેક્રેડ હાર્ટ કૅથિડ્રાલના ટાવર પર ચઢો તો કદાચ એથીયે વધારે. આ હિલ તે શહેરનું ઊંચામાં ઊંચું સ્થાન છે. એના પર ઘુમ્મટોથી શોભતું આ આખું સફેદ કૅથિડ્રાલ આવેલું છે. જે ભીડ થાય તે એની પાછળના રસ્તાઓ પર. અનેક વર્ષોથી એ એરિયા બોહેમિયન બનેલો છે. ત્યાં જાણે કળાકારોનો મેળો થતો હોય છે. વાતાવરણ બહુ આનંદનું, સંગીતનું હોય. પણ કોઈ એક જણની સાથે અંગત સાંજ ગાળવી હોય, તો શનિ-રવિ કરતાં કોઈ ચાલુ દિવસની સાંજ વધારે સારી. “અહીં હું આવી છું તો ઘણી વાર, પણ અહીંથી સૂર્યાસ્ત આ પહેલી વાર જોઉં છું”, જૅકિએ સચિનનો હાથ પકડી રાખીને કહ્યું. એના ગાલ પર કેસરી આભા ફરી વળી હતી. સચિનને લાગ્યું કે પૅરિસમાં જૅકિ જાણે વધારે ઑથૅન્ટિક ફ્રેન્ચ બનતી હતી. એ જ દૃશ્ય જોવા મળતું રહે તેવી રૅસ્ટારાઁમાં જમતાં જમતાં જૅકિએ કહ્યું, કે “કઝીન પૉલનો ફોન ઑફીસે આવ્યો હતો. રૉલ્ફ સાથે વાત થઈ હશે ત્યારે એને ખબર પડેલી, કે હું અહીં છું, અને સાથે તું પણ છે. એ આપણને મળવા માગે છે. તને વાંધો છે મળવાનો?” “મને શું વાંધો હોય?” “એટલેકે એ મને -- એને મારે માટે —” “તું એને બહુ ગમી ગઈ હતી, એટલે તું ગભરાય છે? પણ એક ગ્નાનીએ કહેલું એ સત્ય પ્રમાણે, કોઈ વ્યક્તિ બહુ ગમી જાય તેવી હોય તો ઘણાંને એ ગમવાની જ.” “એમ કે? તો કોણ છે એ ગ્નાની, એ તો કહે”, જૅકિએ હસીને કહ્યું. “તું નક્કી કરી દેજે ને પૉલ સાથે. હું ય જોઉં કે કેવા ફ્રેન્ચમૅનને તેં ગુમાવ્યો છે !” પણ જૅકિની સાથે સચિન જ્યાં જ્યાં જવા માગતો હતો - જેમકે તુઇયરી ગાર્ડનમાં ચાલવું, નાનકડા સાઁ શાપૅલ ચર્ચની કાચ જડેલી વિખ્યાત બારીઓ જોવા જવું, ઓરિયેન્ટલ આર્ટનું મ્યુઝિયમ જોવા જવું - ત્યાં એ પૉલને લઈને જવા નહતો જ માગતો. પછી એમ જ નક્કી કર્યું, કે એ હોટેલ પર આવે, પછી સાથે શાઁઝેલિઝે પરની એકાદ રૅસ્ટૉરાઁમાં જઈ અવાશે. પૉલને મળવામાં સચિનને વાંધો નહતો, પણ એ પૅરિસમાંનો બહુ ટાઇમ એની સાથે ગાળવા નહતો ઈચ્છતો. પૉલ પોતે જ જરા સંકોચવશ હોય, એમ લાગ્યું. અને સચિનને જોઈને તો એ સહેજ વાર ચૂપ જ થઈ ગયો. એણે ફ્રેન્ચમાં જૅકિને કહ્યું, “આવું કોઈ ન્યૂયોર્કમાં હાજર હોય ત્યારે મારા જેવો એકાદ સાધારણ ફ્રેન્ચમૅન ક્યાંથી જીતવાનો?” જૅકિ પૉલને થૅન્ક્સ કહેતી હતી, ત્યારે એણે જોયું કે સચિને નજરને મૅન્યુમાં રાખેલી, પણ એ હસતો હતો. પૉલે શું કહ્યું તે સમજી ગયો હશે? એ ફ્રેન્ચ જાણે છે?, જૅકિને ખ્યાલ જ નહતો. ભઈ, કાંઈ કહેવાય નહીં સચિનની આવડતનું, એ બબડી! બેએક દિવસ પછી જૅકિનાં પૅરન્ટ્સને ત્યાં જવાનું હતું. પૉલ તો એમને મળેલો, એટલે એણે કહ્યું કે એ લઈ જશે. પણ સચિન જ બોલ્યો, કે “મને ટ્રેનમાં જવાની ઈચ્છા છે. પણ જૅકિ તને ફોન કરશે. અમે પાછાં આવવાનાં હોઈએ એ દિવસે તું લેવા આવી શકે- જો મમા અને ડૅડને ફાવે એવું હોય તો.” “હા, એમ જ રાખીએ. સચિન પહેલી વાર ઘેર આવે છે એટલે મમા અને ડૅડ એને વૅલકમ કરશે ને. થોડા દિવસ એ સાથે ગાળશે, સરખી ઓળખાણ થશે, તે એમને પણ ગમશે. ચાલ તો, અમે તને ફોન કરીશું. બરાબર?” કઝીન પૉલ કેવો નર્વસ હતો, કે જરા નિરાશ થઈ ગયો, કે એને હજી જૅકિની સાથે રહેવું હતું - જેવી કોઈ વાત કે મજાક સચિન અને જૅકિએ કરી નહીં. એવો સ્વભાવ જ નહતો એમનો. ટ્રેનમાં જવાની સચિનને બહુ મઝા પડી. પૅરિસ શહેર પસાર થતું ગયું, લા ડિફાન્સ સબર્બ ગયું, પછી સરસ ખુલ્લો પરિસર આવ્યો. એમાં ખૂબ જૂનાં, ઊંચાં ઝાડ હતાં, સેન નદી પણ દેખાઈ. “ઓહ, તો તને રિવરસાઇડ પાર્ક જોઈને આ એરિયા યાદ આવે છે, નહીં?,” સચિને પૂછ્યું. જૅકિએ હા કહી. “પણ આ સેન નદી આપણી હડસન નદીની આગળ કેટલી નાની છે, ખરુંને?” “હા ભઈ હા. ‘આપણી’ હડસન નદી બહુ મોટી છે, બસ!” પછી જૅકિએ કહ્યું, “તારે લીધે મને ન્યૂયોર્ક શહેર પૅરિસથી વધારે ગમતું થઈ જવાનું છે.” “ના, એમ શું કરવા? કેમ, બે જગ્યાઓ સરખી ના ગમી શકે?”, સચિને પૂછ્યું. કદાચ, જૅકિ મનમાં બોલી, પણ બે વ્યક્તિઓ તો સરખી ના જ ગમી શકે. લ પેકના સ્ટેશન પર ડૅડ લેવા આવેલા. સચિનને જોઈને એ પણ પહેલાં તો ઊભા રહી ગયા હતા, પછી હાથ લંબાવીને એને વેલકમ કર્યો. જૅકિની સામે જોઈને એમણે “વાહ ભઈ” જેવો ભાવ આંખોથી દર્શાવ્યો. સચિનને બધું નાનું નાનું લાગતું હતું. સ્ટેશન, રસ્તા, ગલીઓ, ઘરો; પણ બહુ ચાર્મિન્ગ પણ ખરું. અમેરિકાનાં અને યુરોપનાં સ્થળો વચ્ચે આ વિશેષણનો ફરક છે, એણે વિચાર્યું. અમેરિકામાં બધું સુંદર જરૂર ખરું, પણ કમનીય કહી શકાય એવંુ બધે જોવા ના મળે. જોકે જૅકિના પૅરન્ટ્સનું ઘર ખૂબ મોટું હતું. આગળ સર્ક્યુલર ડ્રાઇવ-વે હતો, અને પાછળ મોટો ગાર્ડન. ગાર્ડનમાં જે ફૂલો ખીલ્યાં હતાં તે પણ અમેરિકામાં જોવા મળે તેનાથી જુદાં જ હતાં. આ તો યુરોપી વસંતનાં ફૂલો. “નામ તો પછી પૂછીશ, કદાચ યાદ પણ નહીં રહે, પણ આટલી જાતનાં ભૂરાં અને જાંબલી ફૂલો બીજે નથી જોયાં”, સચિન વિચારતો હતો. મમાએ બારણું ખોલ્યું, ને એ પણ સચિનને જોઈને પહેલાં તો અટકી ગયાં. ડૅડ ફ્રેન્ચમાં બોલ્યા, “મને પણ એને જોતાંની સાથે આવું જ થયું હતું.” પછી સહજ ભાવે વાતો થવા માંડેલી. સચિને ઘરનાં અને ગાર્ડનનાં ઘણાં વખાણ કર્યાં. એણે કહ્યું, “ફ્રાન્સમાં રહેનારાં માટે ન્યૂયોર્કથી શું ભેટ લવાય? પણ તમારે માટે હું સુગંધી કૅન્ડલ અને આ મૅક્સિકન ડિઝાઇનનું પ્લાન્ટર લાવ્યો છું. તમને ગમશે, અને કામમાં આવશે ને?” નવાઈ તો જૅકિને પણ લાગી. એને ખબર જ નહતી કે સચિન કોઈ ગિફ્ટ લેતો આવ્યો હતો. એ બહુ સ્નેહથી સચિનની સામે જોતી હતી, ત્યારે મમા એને ફ્રેન્ચમાં કહેતાં હતાં, “ગજબ છોકરો છે. તું કહે છે કે એ ઇન્ડિયન છે, પણ દેખાય છે ગ્રીક જેવો, અને બોલે છે ત્યારે અમેરિકન લાગે છે.” જૅકિ કશો જવાબ આપે તે પહેલાં સચિને ફ્રેન્ચમાં મમાને થૅન્ક્સ કહ્યા. એ ત્રણે જરા ખુલ્લા મોઢે સચિનની સામે જોઈ રહ્યાં - જૅકિ સુદ્ધાં ! સચિને જરા શરમાઈને કહ્યું, “બહુ બોલતાં નથી આવડતું, પણ હું ફ્રેન્ચ સમજી શકું છું.”