આમંત્રિત/૨૭. સચિન
૨૭. સચિન
ફ્રાન્સમાં પાટનગર પૅરિસથી દૂરની જગ્યાએ સવાર કેવી હોય, તે સચિન અનુભવી રહ્યો હતો. આકાશ વધારે ભૂરું, હવા વધારે સ્વચ્છ, વાતાવરણ વધારે શાંત, અને ઠંડક પણ જરા વધારે. કેવી સરસ તાજગી હતી આ નવાનક્કોર દિવસમાં, સવાર થતાંની સાથે જ. એના રૂમની બારીમાંથી સચિન ઘરના બગીચાને જોઈ રહ્યો હતો. ઘાસ એકદમ લીલું હતું, અને ફૂલો સફેદ, લાલ, જાંબલી, ભૂરાં. આવું કુદરતી સૌંદર્ય કોઈના પોતાના જ બગીચામાં હોય, એવું એણે ક્યાંયે જોયું નહતું. જૅકિનાં મમા બહુ શોખથી બગીચાને સંભાળતાં હોવાં જોઈએ. એમણે જાણે ક્લૉડ મોનેનું એકાદ ચિત્ર જ અહીં સર્જ્યું હતું. જૅકિનાં પૅરન્ટ્સે સચિનને એમનાં નામથી - સિમોન અને માર્સેલ કહીને - બોલાવવા કહેલું, પણ સચિન એવું કરી નહતો શકતો. એમને ‘મદામ’ અને ‘સર’ કહેવા કરતાં એણે ‘સિન્યૉરા’ અને ‘સિન્યૉર’ કહેવાનું શરૂ કર્યું. મમાએ પૂછ્યું, ‘એવું કેમ?’, તો એણે કહ્યું, કે “અમેરિકામાં સ્કૂલમાં બીજી ભાષા શીખવી પડે છે, તો મેં સ્પૅનિશ પસંદ કરેલી. ન્યૂયોર્ક શહેરમાં તો સ્પૅનિશ બોલનારાંની સંખ્યા ખૂબ મોટી પણ છે.” મમાને તો એ ‘સિન્યૉરા’ કહે તે બહુ ગમી ગયું. પણ તો સચિનને ફ્રેન્ચ થોડું બોલતાં અને સમજતાં કઈ રીતે આવડ્યું, તે એમને જાણવું હતું. “અમેરિકામાં સ્કૂલ દરમ્યાન એક સિમેસ્ટર માટે ક્યાંક પણ બીજે જઈ શકાતું હોય છે, તો હું કૅનૅડાના ક્યુબેક પ્રૉવિન્સમાં રહીને ભણ્યો હતો. ત્યાંની મુખ્ય ભાષા ફ્રેન્ચ ગણાય, એટલે ત્યાં ફ્રન્ચની થોડી ટેવ પડી. પછી સ્પૅનિશ વધારે શીખવા-બોલવાનું થયું, ને ફ્રેન્ચ ભૂલાતું ગયું.” જૅકિના ડૅડ બહુ ખુશ થતા હતા, કે આ છોકરો ફ્રેન્ચ વાઇન પણ સમજે છે! સચિને એમને કહેલું નહીં, કે એને સાઉથ આફ્રીકા, આર્જેન્ટિના, ઑશ્ટ્રેલિયા જેવા દેશોના વાઇન વધારે ગમતા હતા! ડૅડને સચિનની કંપની બહુ ગમી ગઈ હતી. અમેરિકન પોલિટિક્સ વિષે વાત કરવાને બદલે સચિન ફ્રેન્ચ કળા, મ્યુઝિક, ઇતિહાસ વગેરે વિષે જાણવા માગતો. સિન્યૉર તો રોજ કહેતા, કે “તો પછી ચાલો, આપણે વર્સાઇનો રાજપ્રાસાદ, કે ઝિવર્નિમાં મોનેનું ઘર અને બગીચો જોવા જઈએ”, ત્યારે સચિન ના પાડતો. એને આ મોટા, સરસ ઘરમાં રહેવામાં, અને સિન્યૉરાનો બગીચો જોવામાં બહુ આનંદ આવતો હતો. દિવસની બે પ્રવૃત્તિઓ - જૅકિની સાથે સવારે ચાલતાં જઈને બજારમાંથી તાજી બૅગૅટ-બ્રૅડ લઈ આવવાની, અને સાંજે નાના કોઈ કાફૅમાં બેસીને કૉફી પીવાની - એને માટે પૂરતી હતી. બેએક વાર, ઘરમાં જે કાંઈ ચીજ-વસ્તુઓ હતી, તે વાપરીને એણે બધાં માટે લંચ પણ બનાવ્યું હતું. એનાથી તો મમા અને ડૅડ આશ્ચર્ય પામી ગયાં હતાં. “અરે, આ છોકરો પ્રોફેશનલ છે, આટલો હોંશિયાર છે, ને રસોઈ પણ કરી શકે છે?” પૅરિસ પાછાં જવાના બે દિવસ પહેલાં જૅકિએ વચન પાળીને, કઝીન પૉલને ફોન કર્યો હતો, પણ ત્યારે એણે કહ્યું, કે હમણાં લ પેક આવવું એને ફાવે તેમ નહતું, ને પૅરિસમાં મળવાનો ટ્રાય કરશે. જૅકિ અને સચિન સમજી તો ગયેલાં, કે સાચું કારણ શું હતું, પણ એ વિષે કોઈ ચર્ચા એમણે કરી નહીં. સચિન ટ્રેનમાં જવા માટે ઉત્સુક હતો, પણ વાત સાંભળીને સિન્યૉરે કહ્યું, “ચાલો, અમે જ તમને પૅરિસ મૂકવા આવીએ. બીજે ક્યાંય જવાની તો તમે ના પાડી દીધેલી.” “તો પછી, રાતે અહીં પાછાં આવવાને બદલે, તમે હોટેલમાં રહી જજો”, સચિને કહ્યું. “બરાબર છે. અમારા સ્યુટમાં બે બેડરૂમ છે, અને બેસવાના રૂમમાં મોટો સોફા છે,” જૅકિ બોલી. મમાથી બોલી દેવાયું, “શું? તમે હોટેલમાં જુદા રૂમ વાપરો છો?” “હા, મમા. પરણીએ નહીં ત્યાં સુધી અમે પરસ્પરને આદર કરવા માગીએ છીએ, અને ખૂબ ઊંડાણથી સમજવા માગીએ છીએ ” “એટલે અહીં પણ બે રૂમ — મેં માન્યું, કે અમે છીએ એટલે —” મમાએ ઊભાં થઈને જૅકિ અને સચિન બંનેને એક સાથે વહાલ કર્યું. એમણે જૅકિની આંગળી પરની નાજુક અમથી વીંટી તો તરત જ જોઈ લીધેલી, પણ કશું કહ્યું નહતું. હવે જૅકિનો ડાબો હાથ ઝાલીને એ બોલ્યાં, “તારા પર પૉન્ડિચેરીની આટલી અસર રહી છે હજી, મારી દીકરી? તેથી જ આ સાદી, નાનકડી ઍન્ગૅજમેન્ટ રિન્ગ? અને બે જુદા રૂમ? આવું બધું આ તદ્દન આધુનિક જમાનામાં?” સચિને વાત બદલવા કહ્યું, “સિન્યૉરા, જૅકિ કહેતી હતી કે પૉન્ડિચેરીના આશ્રમમાં તમે શ્રી મધરની સમાધિ પર દરરોજ ફૂલોની ગોઠવણી કરતાં હતાં. એના પરથી આવા સુંદર બગીચા માટેની પ્રેરણા તમને મળી હશે, નહીં?” બગીચાનાં વખાણથી એ હંમેશાં ખુશ થતાં હતાં, તે સચિને નોંધેલું. ને પૉન્ડિચેરીનો ઉલ્લેખ થતાં ત્યાંની ઘણી યાદ એમને આવી લાગી. સમાધિને તાજાં ફૂલોથી શણગારવાની સેવાની વાત કરતાં એ લાગણીવશ પણ થઈ ગયાં. પછી કહે, “મને હજી ક્યારેક બહુ ઈચ્છા થઈ જાય છે, એક વાર ફરી પૉન્ડિચેરીના આશ્રમ- માં જવાની, બને તો એક વાર ફરી સમાધિને ફૂલોથી શણગારવાની.” સચિન તરત બોલ્યો, “જૅકિને પણ ફરીથી પૉન્ડિચેરી જવાનું મન છે. હું એને લઈ જવાનો છું. ત્યારે તમે અને સિન્યૉર પણ આવજો. ત્યાં સાથે જવાનું તો જૅકિને બહુ ગમશે.” જૅકિ બહુ સ્નેહથી એનો હાથ બે હાથમાં લઈને કહેતી હતી, “હા, બહુ જ ગમશે મને.” સચિને વિચાર્યું કે પાપાને પણ લઈ જઈ શકે. એ વર્ષોથી ઇન્ડિયા ગયા જ નથી. મારી સાથે એ પૉન્ડિચેરી આવે, ને પછી અમે બધાં, એ જ્યાં ભણેલા ત્યાં, ચેન્નાઈ પણ જઈ શકીએ. કદાચ અંજલિ પણ આવવા તૈયાર થાય. ને તો કદાચ માર્શલ પણ આવે. પાપાને ફરવા લઈ જવાના વિચારમાં સચિન જરા બેધ્યાન થયો હતો. સિન્યૉર ઉતાવળે કહેવા માંડ્યા, “આહા, કેટલો સરસ પ્લાન. ચાલો, એને સેલિબ્રેટ કરવા માટે આપણે વાઇન લઈએ.” જૅકિએ આંખોથી સચિનને કહ્યું, જોઈને ઉજવણી કરવાની ફ્રેન્ચ રીત! એક સાંજે સિન્યૉરાએ સચિનને કહ્યું, કે એમણે પેલા મૅક્સિકન ડિઝાઇનવાળા કુંડામાં કશુંક વાવ્યું છે. “પણ કયાં ફૂલ થશે એ સરપ્રાઇઝ છે. એ જાણવું હોય, ને એ ફૂલો જોવાં હોય, તો તમારે બંનેએ અહીં આવવું પડશે.” “અમે ચોક્કસ આવીશું, સિન્યૉરા. ફૂલો જોવા, અને તમને બંનેને ફરી મળવા”, સચિને ગમતો જવાબ આપ્યો. પૅરન્ટ્સની સાથે પૅરિસ જવાનો આઇડિયા બહુ સારો નીકળ્યો. વધારે સાથે રહેવાયું, અને પરિસરને નજીકથી જોઈ શકાયો. રસ્તામાં એક સરસ પાર્ક જેવી જગ્યાએ ગાડી ઊભી રાખીને થોડી વાર બધાં ચાલ્યાં; બેસીને કાફેમાં કૉફી અને ફ્રેન્ચ કેક ખાધી. “સબર્બની હવામાં કેવી તાજગી લાગે છે. અને ફ્રાન્સમાં વૃક્ષ-વનસ્પતિ અમેરિકા કરતાં કેટલાં જુદાં છે, નહીં?”, સચિને જૅકિને કહ્યું. “કુદરત કેટકેટલી રીતે સુંદર હોય છે, નહીં?” પૅરિસને રસ્તે આગળ જતાં બીજી એક જગ્યાએ સેન નદી ખૂબ પાસે જેવી દેખાઈ. ત્યાં ઊભા રહેવાની વિનંતી સચિને કરી. ગાડી પાર્ક કરીને, થોડાં પગથિયાં ઊતરીને નદીની છેક પાસે જઈ શકાતું હતું. સેન નદીનું અંગત જેવું સ્વરૂપ જોઈને સચિન ખુશ થઈ ગયો. “હડસન જેવી પહોળી નથી તેથી શું? છે ખૂબ આકર્ષક. પૅરિસ શહેરની અંદર તો સેન નદીને બંને બાજુ પર ચણી દેવાયેલી છે. જાણે એને બાંધી દીધી છે. દૂરના આ કુદરતી પ્રદેશમાં એનું વહેણ એકદમ સ્વાભાવિક અને આનંદી લાગે છે. ખરું કે નહીં, સિન્યૉરા?” “તું તો ફિલોસોફર જેવી વાત કરે છે, સચિન”, જવાબમાં સિન્યૉરાએ કહ્યું. “જાણે તું પણ પૉન્ડિચેરીમાં રહ્યો ના હોય.” “હું તો અમેરિકામાં જ જન્મ્યો અને ઉછર્યો, પણ ઇન્ડિયન કુટુંબના સંસ્કાર દબાયેલા હશે મારી અંદર. એ ક્યારેક આમ આકાર લઈ લેતા હશે, એમ લાગે છે મને.” “હું પણ જોઈ શકું છું, માય બૉય”, સિન્યૉર સચિનને ખભે હાથ મૂકીને બોલ્યા, “કે જૅકિને તું આટલો પસંદ કેમ છે. મને અને એની મમાને ખૂબ સંતોષ થાય છે - તમને બંનેને સાથે જોઈને. અમારી દીકરી બહુ લકિ છે, સચિન.” “હું કદાચ વધારે લકિ છું, સિન્યૉર.” પાછાં ન્યૂયોર્ક જતાં પહેલાં પૅરિસમાં બે રાત હતી. પહેલી સાંજે તો આસપાસમાં અને શાઁઝેલિઝે પર જ ફર્યાં. બીજી સાંજને માટે જૅકિના મનમાં એક પ્લાન હતો. એ ફરી મોંમાત્ર જઈને સૂર્યાસ્ત જોવા માગતી હતી, અને પછી એને સચિનને ‘મોલાઁરૂઝ’ ક્લબમાં લઈ જવો હતો. કદાચ છે ને ફરી ત્યાં જોસેફિન બેકરનાં ગીતો સાંભળવા મળી જાય. એણે ત્યાંના નાના રૂમમાં જમવા માટે રિઝર્વેશન કરાવી દીધું. સિન્યૉર અને સિન્યૉરાએ પણ ક્યારેય એ જગ્યાએથી સૂર્યાસ્ત જોયો નહતો. પૅરિસનો નીચે દેખાતો વિસ્તાર એ સાંજે આછો કેસરી અને સોનેરી સ્પર્શ પામ્યો હતો. “એક નહીં, પણ બે વાર આવું તેજ જોવા મળ્યું. આપણી બે સાંજ યાદગાર બની,” જૅકિએ સચિનને કહ્યું. “તારી સાથેની મારી બધી સાંજ આવી જ હોય છે.” જૅકિના મોં પર પણ એવું જ તેજ પ્રસર્યું હતું. ‘મોલાઁરૂઝ’માં જોસેફિનનાં ગીતો પણ સાંભળવા મળ્યાં. સચિન ટુલુશ દ લૉટ્રેક, મોલાઁરૂઝ અને જોસેફિન વિષે જાણતો તો હતો જ, પણ આ ક્લબમાં આવવાનું પહેલી વાર બન્યું. એનું જ નહીં, પૅરન્ટ્સ માટે પણ આ પહેલી વાર જ હતું. બધાંને માટે, અચાનક જ જાણે આખી સાંજ ખૂબ વિશિષ્ટ થઈ હતી. પણ એ પૂરી થાય તે પહેલાં હજી એક સરપ્રાઇઝ બાકી હતી. જમતાં જમતાં સિન્યૉરે એક ડબ્બી સચિનના હાથમાં મૂકી. ખોલીને જોયું તો એમાં સોનામાં હીરા જડેલાં કફલિન્ક્સ હતાં. સચિન અને જૅકિ બંને કહેવા માંડ્યાં, આ શું? આવું ના હોય, સિન્યૉર. આ તો બહુ જ છે, ડૅડ. હમણાં આટલું બધું ના હોય.... સામે બંને વડીલોએ કહ્યું, “જૅકિ, હમણાં ને પછી- વળી શું? આ સાંજ, આ સમય કેટલો સ્પેશિયલ છે. અત્યારે નહીં તો ક્યારે? આવા છોકરાને આનાથી ઓછું કશું અપાય જ કેવી રીતે?... અને આ કફલિન્ક્સ તારા દાદાનાં છે. ખરેખર જ વારસાગત છે.” ડૅડ બોલ્યા, “મેં મારાં લગ્ન પર પહેર્યાં હતાં, ને હવે સચિન પહેરશે. કેવું લાયક પાત્ર છે. જૅકિ બેટા, સચિન માય બૉય, અમારા તરફથી તમને ખૂબ આશીર્વાદ છે.” બીજી સવારે સચિન અને જૅકિની ન્યૂયોર્ક માટેની ફ્લાઇટ હતી. પૅરન્ટ્સ ડ્રાઇવ કરીને ઘેર પાછાં જવાનાં હતાં. છૂટાં પડવાની વેળા અઘરી હતી, પણ દરેકના મનમાં સ્નેહના ભાવ હતા. જલદી ફરી મળવાની આશા પણ. પ્લેનમાં એકલાં પડ્યાં ત્યારે જૅકિનાં આંસુ રોકાયાં નહીં. મમા અને ડૅડથી દૂર જવાને માટે એ દુઃખી થતી હતી, પણ વધારે તો, સચિન કેવો ઘનિષ્ટ થઈ ગયો હતો એમની સાથે, એ કારણે જૅકિ સુખ અનુભવતી હતી. એનાં આંસુ વધારે તો આ સુખને કારણે જ હતાં. આ કારણ સાંભળીને સચિન વહાલથી હસી પડ્યો. જૅકિનાં આંસુ લુછ્યાં, અને એની આંખો એણે ચુમી લીધી. આખી ફ્લાઇટમાં એક ઝોકું પણ આવ્યું નહીં એમને. ફ્રાન્સમાંના દરેક દિવસને યાદ કરી કરીને એમની વાતો જ ચાલતી રહી. જૅકિના અપાર્ટમેન્ટ પર નાહી, તૈયાર થઈને સચિન પાપાને મળવા ગયો ત્યારે બપોર થઈ ગઈ હતી. ચ્હાનો ટાઇમ થયો હતો. સચિનની એ જ ઈચ્છા હતી - પાપાની સાથે ચ્હા પીવાની, અને એમને ફ્રાન્સના બધા દિવસોની વાતો કહેવાની. ઘણા ઉત્સાહથી સચિન બોલવા માંડેલો. જરાક વારમાં સુજીતે એને અટકાવીને કહ્યું, “શર્માજીના બે વાર ફોન આવેલા. કહેતા હતા કે માનિની તને યાદ કરતી હતી.” “ઓહ, એમ? સારું, તો હું પછી ફોન કરીશ, ને વાત કરી લઈશ.” “એ કદાચ ફોનમાં વાત ના પણ કરી શકે, બાબા. બહુ અશક્ત થઈ ગઈ છે. શર્માજી કહેતા હતા કે માનિની પૂછ્યા કરે છે, સચિન આવ્યો? સચિન ક્યારે આવશે? સચિનને કહ્યું છે કે હું રાહ જોઉં છું?”, સુજીતે જણાવ્યું. સચિનને નવાઈ લાગી. માનિનીની સાથે એને બહુ ઓળખાણ નહતી, પણ કોઈ કારણસર એ આટલું યાદ કરતી હતી. “હા, તે જઈ આવીશ, પાપા. જૅકિની સાથે કાલ-બાલ જતો આવીશ. એ જ સારું રહેશે”, ને એ સિન્યૉરાના બહુ જ સુંદર બગીચાની વાત પાપાને કહેવા લાગી ગયો.